લખાણ પર જાઓ

ભીમતાલ

વિકિપીડિયામાંથી

ભીમતાલ ભારતના ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું એક નગર છે, જે નૈનિતાલથી ૨૨ કિલોમીટર દૂર અને સમુદ્રસ્તરથી ૧૩૭૦ ફૂટની ઊંચાઇ પર વસેલું છે. ભીમતાલનું મુખ્ય આકર્ષણ ભીમતાલ તળાવ છે જેની મધ્યમાં એક ટાપુ આવેલો છે. મોટા ભાગના જિલ્લા પ્રશાસન કાર્યાલયો અહીં નવા બનેલા વિકાસ ભવનમાં સ્થળાંતરિત થઇ જતાં ભીમતાલ પર્યટન સ્થળ ઉપરાંત હવે એક પેટા જિલ્લા મુખ્યમથક પણ બની ગયું છે. 

આબોહવા અને હવામાન

[ફેરફાર કરો]

ભીમતાલની આબોહવા ઊનાળા દરમ્યાન ખૂબ જ સુખદ અને સ્વાસ્થ્યપ્રદ પરંતુ શિયાળામાં ખૂબ જ ઠંડી હોય છે. ઊનાળા દરમ્યાન તાપમાન ૨૯° સે.થી ૧૫° સે.ની વચ્ચે રહે છે જયારે શિયાળામાં ૪° સે.થી ૧૮° સે.ની વચ્ચે રહે છે. 

ઈતિહાસ

[ફેરફાર કરો]

ભીમતાલ એ મહાભારતનાં પાત્ર ભીમ પરથી નામ આપવામાં આવેલું એક પ્રાચીન સ્થળ છે. ભીમેશ્વરા મહાદેવ મંદિર, કે જે ભીમતાલ તળાવના કાંઠે આવેલું જૂનું શિવ મંદિર છે તે પાંડવોના વનવાસ દરમ્યાન ભીમે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે બાંધવામાં આવેલું હોવાનું મનાય છે. અત્યારે જે મંદિર છે તે ૧૭મી સદીમાં ચાંદ રાજવંશના કુમાઉ રાજના રાજા બાઝ બહાદુર (ઇસ. ૧૬૩૮-૭૮)એ બંધાવ્યું હતું.

ભીમતાલ એંગ્લો-નેપાળી યુદ્ધ (ગોરખા યુદ્ધ) (૧૮૧૪-૧૬) પછી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું હતું.

ભીમતાલ તેના નજીકના શહેર નૈનિતાલ કરતાં જૂનું છે કારણ કે નૈનિતાલ શહેર માત્ર ૧૫૦-૧૬૦ વર્ષ જૂનું છે જ્યારે ભીમતાલ એક લાંબા સમયથી મેદાનો અથવા તેની સામેની ટેકરીઓ પરથી આવતા પ્રવાસીઓ માટે એક વિરામ માટેનું સ્થળ રહ્યું છે. જૂના કેડી-માર્ગનો ઉપયોગ અહીં હજુ પણ થાય છે જે કુમાઉન પ્રદેશ અને નજીકનાં કાઠગોદામ તેમજ નેપાળ અને તિબેટને જોડે છે. તે કદાચ જૂનો પ્રસિદ્ધ ‘સિલ્ક રુટ’નો ભાગ હોઈ શકે તેવી માન્યતા છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
ભીમતાલ તળાવ પાસે આવેલું ભીમતાલ મંદિર
ભીમતાલમાં આવેલું જળાશય અને ભીમતાલ મંદિર

ભીમેશ્વર મંદિર નજીક આવેલું સ્થળ એ ગાર્ગી નદીનો એક સ્રોત છે કે જે સ્થાનિકોમાં ‘ગોલા નદી’ તરીકે ઓળખાય છે જે ગર્ગ પર્વત અથવા નૈનીતાલ જિલ્લાના ગર ગામથી નીકળે છે. 

ભીમતાલથી લગભગ ૨ કિમીનાં અંતરે નળ-દમયંતી નામનું નાનું કુદરતી તળાવ આવેલું છે. એવું માનવામાં આવે છે કે નળ રાજાને આ તળાવમાં ડૂબાડવામાં આવ્યો હતો. અહીંના સ્થાનિક નિવાસીઓમાં આ સ્થળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ભીમતાલથી ૫ કિમીનાં અંતરે આવેલા તળાવોનો સમૂહ સાતતાલ તરીકે પ્રખ્યાત છે જે પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું સ્થળ છે. એકદમ સ્વચ્છ પાણીના તળાવો જે ગાઢ જંગલો તેમજ પક્ષીઓના અવાજથી ઘેરાયેલા છે જે એક સુંદર નજારો છે. આ તળાવ નજીક આવેલી ટેકરી ‘હિડિંબા પર્વત’ તરીકે ઓળખાય છે જેનું નામ મહાભારતમાં આવતી હિડિંબા રાક્ષસી પરથી પાડવામાં આવ્યું છે. વાન્ખંડી મહારાજ કે જે એક સાધુ તેમજ પર્યાવરણવિદ્દ છે તે અત્યારે આ ટેકરી પર રહે છે અને તેમણે આ ટેકરી આસપાસ અહીંના જંગલી જીવો માટે એક અભયારણ્ય બનાવ્યું છે. આ વિસ્તાર ‘વાન્ખંડી આશ્રમ’ તરીકે ઓળખાય છે. 

કર્કોટકા હિલનું નામ એક પૌરાણિક કોબ્રા કર્કોટકા પરથી આપવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. આ ટેકરી અહીંના નાગ મંદિર માટે જાણીતી છે અને દરેક ઋષિપંચમીએ હજારો લોકો આ નાગ મદિરની મુલાકાત લે છે અને નાગ કર્કોટકા મહારાજની પૂજા કરે છે. ઉત્તરાખંડમાં આવેલા નાગ મંદિરોમાં આ એક પ્રસિદ્ધ નાગ મંદિર છે. 

સયદબાબાની મઝાર એ એક એવી જગ્યા છે જ્યાં ભીમતાલ અને તેની આસપાસના સ્થળો તેમજ વિવિધ ભાગમાંથી લોકો દર ગુરુવારે પૂજા માટે આવે છે. તે વિવિધતામાં એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણકે અલગ-અલગ ધર્મોના લોકો અહીં આવે છે તે ઉપરાંત અહીંનો નજારો આ સ્થળનું મુખ્ય આકર્ષણ છે. અહીંથી સમગ્ર તળાવ, ડેમ, ત્યાંના ટાપુઓ તેમજ નજીકનાં સ્થળો જેવા કે જંગાલીયા ગાંવ, નકુચિયાતલ, વગેરે જોઈ શકાય છે.

વસતી વિષયક 

[ફેરફાર કરો]

૨૦૧૧ની ભારતની વસતી ગણતરી મુજબ ભીમતાલની વસતી ૭૭૨૨ છે, જે ૨૦૦૧ની સરખામણીમાં ૩૧.૪૬% વધારે છે. અહીં સ્ત્રી:પુરુષ દર ૮૮૫ છે. ભીમતાલનો સરેરાશ સાક્ષરતા દર ૯૩.૬૭% છે જે રાષ્ટ્રીય સરેરાશ ૭૪.૦૪% કરતા વધારે છે, જેમાં ૯૫.૨૮% પુરુષ સાક્ષર અને ૯૧.૭૯% સ્ત્રી સાક્ષર છે. અહીં ૧૧% વસતી ૬ વર્ષથી ઓછી ઉંમરની છે.

પ્રવાસન આવાસ 

[ફેરફાર કરો]

ભીમતાલ એ નૈનિતાલથી ફક્ત ૨૨ કિમીનાં અંતરે આવેલું જાણીતું હિલ સ્ટેશન છે. પ્રવાસીઓ અહીં તળાવમાં બોટિંગ, ઘોડે સવારી, માઉન્ટેન બાઈકીંગ, હેંડ ગ્લાઈડિંગનો આનંદ ઊઠાવી શકે છે. અહીં પ્રવાસીઓ માટે ઘણી સસ્તા ભાડાની હોટલો, રિસોર્ટ તેમજ ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ છે. બીઆઇએએસ (બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ એપ્પ્લાઈડ સાયન્સ) પણ અહીં છે. કુમાઉ મંડલ વિકાસ નિગમ કે જે ઉત્તરાખંડ સરકારનું ઉપક્રમ છે તે ભીમતાલ અને અહીંના આસપાસના સ્થળોમાં પ્રવાસીઓ માટે રહેવાની સુવિધાઓ પૂરી પાડે છે.