માલવપતિ મુંજ (નાટક)

વિકિપીડિયામાંથી

માલવપતિ મુંજ એ પ્રભુલાલ દયારામ દ્વિવેદી રચિત ઐતિહાસિક ત્રિઅંકી નાટક જે ૧૯૨૪માં રચાયું અને એ જ વર્ષે શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા ભજવાયું હતું. આ નાટક છપાયું નથી.[૧]

કથાવસ્તુ[ફેરફાર કરો]

તૈલપના દરબારમાં મુંજને જીવતો પકડી લાવવાની દરખાસ્તને સામંત ભીલ્લમ ઉપાડી લે છે. તૈલપની બહેન મૃણાલ ધગધગતા સળિયાથી મુંજની ચામડી ઉતરાવી લે છે. મુંજની મસ્તી, લાપરવાહી અને રસિકતા પર મૃણાલ ધીમે ધીમે આકર્ષાય છે. છળકપટથી પકડેલા મુંજનું ગૌરવ હણવા તૈલપ એની પાસે ભીખ મંગાવે છે. આખરે મુંજને તૈલપ હાથીના પગ નીચે ચગદાવે છે. મુંજના મૃત્યુના આઘાતથી ગાંડી થઈ ગયેલી મૃણાલ અવંતી જાય છે અને ત્યાં અગ્નિપ્રવેશ કરે છે.[૧]

પ્રભુલાલે આ નાટકની વસ્તુપસંદગીમાં કનૈયાલાલ મુનશીની નવલકથા 'પૃથિવીવલ્લભ' (૧૯૨૧), સંસ્કૃત કવિ હર્ષ કૃત 'રત્નાવલી' તેમજ મેરુતુંગસૂરિ કૃત 'પ્રબંધચિંતામણિ'નો આધાર લીધો છે. મુંજની મસ્તી પ્રત્યે આકર્ષાઈ મૃણાલ મુંજને પોતાનો બનાવવા પ્રયત્ન કરે છે — એ વાત પ્રભુલાલે મુનશીની નવલકથામાંથી સીધી લીધી છે.[૧]

આવકાર[ફેરફાર કરો]

આ નાટક 500 કરતાં પણ વધારે વાર ભજવાયું હતું. લક્ષ્મીકાંત નાટક સમાજ સિવાયની અન્ય મંડળીઓએ પણ આ નાટક અનેક વાર ભજવ્યું હતું.[૧]

નાટ્યવિવેચક દિનકર ભોજક નોંધે છે કે 'વ્યવસાયી રંગભૂમિ ઉપર રજૂ થયેલ ઐતિહાસિક નાટકોને મુકાબલે વસ્તુપસંદગી, પાત્રવિધાન, સંકલના અને ભાષાની દૃષ્ટિએ આ [કૃતિ] વધુ નાટ્યક્ષમ રચના છે. મુંજનું ગૌરવપૂર્ણ પાત્રવિધાન સારો ઉઠાવ પામ્યું છે. મૃણાલના પાત્રનો વિકાસ સારો થયો છે'. આ નાટકના ગીતો જેવા કે 'હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે' અને 'એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી' જેવાં ખૂબ જ લોકપ્રિય થયાં હતાં.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ભોજક, દિનકર (૨૦૦૨). "માલવપતિ મુંજ (નાટક)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૫ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૦૭. OCLC 248968453.