લખાણ પર જાઓ

પ્રબન્ધચિન્તામણિ

વિકિપીડિયામાંથી
(પ્રબંધચિંતામણિ થી અહીં વાળેલું)

પ્રબન્ધચિન્તામણિ અથવા પ્રબોધચિન્તામણિ એ મેરુતુંગસૂરિએ ઈ.સ. ૧૩૦૫માં લખેલ ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો ગ્રંથ છે. એમાં પાટણના ચાવડા વંશથી લઈને સોલંકી રાજવીઓ વિશે તથા વસ્તુપાળના ચરિત્ર વિશે મહત્ત્વની વિગતો આપવામાં આવી છે. ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં લખાયેલ આ ગ્રંથને ગુજરાતના પ્રાચિન ઇતિહાસ માટે એક મહત્ત્વનો આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે. આ ગ્રંથમાં સંસ્કૃત અને પ્રાકૃત એમ બંને ભાષાઓનો ઉપયોગ થયેલ છે.[]

પાર્શ્વભૂમિ

[ફેરફાર કરો]

મેરુતુંગસૂરિએ આ ગ્રંથ રચવામાં ઘણી પરંપરાગત સામગ્રી ધર્મદેવ નામના વિદ્ધાન પાસેથી પ્રાપ્ત કરી હતી. ગુણચંદ્ર નામના એમના પટ્ટશિષ્યે આ ગ્રંથની પહેલી પ્રતિલિપિ તૈયાર કરી હતી. આ ગ્રંથની રચના વર્ધમાન (વઢવાણ)માં ઈ.સ. ૧૩૦૫માં પૂરી કરી થઈ હતી. ગુજરાતમાં એની પહેલાંના વર્ષે એટલેકે ઈ.સ. ૧૩૦૪માં સોલંકી-વાઘેલા વંશની સત્તા અસ્ત પામીને દિલ્હી સલ્તનતની સત્તા સ્થપાઈ હતી. આ પ્રબન્ધગ્રંથમાં ગુજરાતના ચાવડા તથા સોલંકી વંશના રાજાઓને લગતી વિપુલ માહિતી સગ્રહીત થઈ હોવાથી આ પ્રબન્ધસંગ્રહને ગુજરાતના પ્રાચિન ઇતિહાસનો એક મહત્ત્વનો સ્ત્રોત ગણવામાં આવે છે.[]

ટૂંકસાર

[ફેરફાર કરો]

આ ગ્રંથમાં 'પ્રકાશ' નામે પાંચ વિભાગ છે. પ્રથમ પ્રકાશમાં વિક્રમાદિત્ય સાતવાહન, ભૃગુરાજ અને વનરાજ ચાવડાના વંશનો આનુશ્રુતિક તથા સોલંકી વંશના રાજા મૂલરાજ પહેલાથી દુર્લભરાજ સુધીનો ઐતિહાસિક વૃત્તાંત આપવામાં આવ્યો છે. બીજા પ્રકાશમાં ભીમદેવ પહેલા તથા માલવેશ ભોજનો વૃત્તાંત આપવામાં આવ્યો છે. ત્રીજા પ્રકાશમાં સિદ્ધરાજ જયસિંહનું ચરિત્રનું વિસ્તારપૂર્વક આલેખન છે, અને ચોથા પ્રકાશમાં રાજા કુમારપાળ, હેમચંદ્રાચાર્ય અને રાજા અજયપાળનો તેમજ રાણા વિરધવલનો તથા મંત્રી વસ્તુપાળ-તેજપાળનો વૃત્તાંત આપવામાં આવ્યો છે. વાઘેલા-સોલંકી વંશના એ પછીના કોઈ રાજાઓના વૃત્તાંત આ ગ્રંથમાં આપવામાં આવ્યા નથી. પાંચમા પ્રકાશમાં પ્રકીર્ણ પ્રબન્ધો આપવામાં આવ્યા છે. એમાં રાજા શિલાદિત્ય અને મલ્લવાદી તથા વલભી-ભંગને લગતા પ્રબન્ધ ગુજરાતના ઇતિહાસ માટે ખાસ નોંધપાત્ર ગણવામાં આવ્યા છે.[]

બહુ પ્રાચિન સમયના ધર્માચાર્યો કે સત્પુરુષોનાં વૃત્તાંતો ન આલેખતાં, લેખકે આ ગ્રંથમાં નજીકના સમયમાં થઈ ગયેલ વ્યક્તિઓનાં ચરિત્રો આલેખીને જનમનોરંજન કરવાનો પ્રયત્ન કરેલો છે. આથી આ ગ્રંથમાં ગુજરાતના રાજપૂત ઇતિહાસમાંથી ઘણા ચરિત્રો પસંદ કરવામાં આવ્યાં છે. લેખકે આ ગ્રંથ લખ્યો ત્યારે ગુજરાતમાં રાજપૂતોનું શાસન નાશ પામ્યું હોઈ અથવા નાશ પામવાની તૈયારીમાં હોઈ કોઈ રજવીનો ભય આ લખાણ ઉપર દેખાતો નથી અને તેથી આ ગ્રંથમાં પ્રમાણિત ઐતિહાસિક વિગતો મળે છે. એમ છતાં, લેખકે આ ગ્રંથમાં ગુજરાતનું ગૌરવ હણાય એવી વિગતો ન આપવાની ખાસ કાળજી રાખેલી છે. કેટલીક જગ્યાએ જૈન ધર્મ અને ગુજરાતનું ગૌરવ વધારવાનો લેખકે પ્રયાસ કરેલો છે.[]

આ ગ્રંથમાં બધી વિગતો કાળાનુક્રમ અનુસાર આપવામાં આવી છે. ગ્રંથમાં તત્કાલીન સમાજના લોકમાનસનું પ્રતિબિંબ ઝિલાયું છે.[]

અન્ય આવૃત્તિઓ

[ફેરફાર કરો]

'પ્રબન્ધચિન્તામણિ' ગ્રંથની અનેક આવૃત્તિઓ તથા એના અનુવાદો પ્રકાશિત થયા છે. 'પ્રબન્ધચિન્તામણિ'નું અંગ્રેજી ભાષાંતર એલેકઝાન્ડર ફાર્બસે ૧૮૪૯માં કરી રાસમાળામાં પ્રકાશિત કર્યું છે. ગુજરાતનો ઇતિહાસ લખવામાં ભગવાનલાલ ઇન્દ્રજીએ એનો ઉપયોગ કર્યો છે. પિટર્સન, કિલહૉર્ન અને બુલ્હરના કરેલા 'પ્રબન્ધચિન્તામણિ'નાં સંપાદનોને આધારે રામચંદ્ર દિનાનાથ શાસ્ત્રીએ એનું ગુજરાતી અને સી. એચ. ટૉનીએ ટિપ્પણીઓ સાથે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ આચાર્ય, નવીનચંદ્ર આનંદીલાલ (2015) [1984]. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ (ઈ.સ. ૧૩૦૪ થી ૧૮૧૮) (3rd આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ 30–31. ISBN 978-93-85344-12-1.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ શાસ્ત્રી, હરિપ્રસાદ (1999). "પ્રબન્ધચિન્તામણિ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૫૯. OCLC 163447137.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]