એલેકઝાન્ડર ફાર્બસ
એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ (જન્મ: ૧૮૨૧, મૃત્યુ: ૧૮૬૫) ગુજરાતી સાહિત્યના ચાહક એવા અને બ્રિટિશ વહીવટકર્તા હતા. તેઓ ફાર્બસસાહેબ તરીકે જાણીતા હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ લંડનમાં જુલાઇ ૧૮૨૧માં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ ફિંચલે ખાતે થયું. તેમણે સ્થપતિને ત્યાં તાલીમ મેળવી હતી પરંતુ તેઓ હેઇલબરી ખાતે કોલેજમાં જોડાયા અને સર ચાર્લ્સ ફાબર્સ વડે બોમ્બે સિવિલ સર્વિસ માટે ૧૮૪૦માં પસંદગી પામ્યા. તેઓ નવેમ્બર ૧૮૪૩માં મુંબઈ, ભારત આવ્યા.[૧][૨]
વહીવટી કારકિર્દી
[ફેરફાર કરો]તેમણે શરૂઆતના અઢી વર્ષ અહમદનગર અને ખાનદેશના સહાયક કલેક્ટર તરીકે ગાળ્યા હતા. ત્યારબાદ નવેમ્બર ૧૮૪૬માં તેમની નિમણૂક અમદાવાદમાં સહાયક ન્યાયાધીશ તરીકે થઇ હતી જ્યાં તેમણે સમાજમાં સાહિત્ય પ્રત્યે વિમુખતા અને ગેરહાજરી જોઇ.[૧] તેમણે ગુજરાતમાં માર્ચ ૧૮૫૪ સુધી, તેમના વતન પરત ગયા ત્યાં સુધી વિવિધ કચેરીઓમાં કાર્ય કર્યું. જેમાં અમદાવાદના પ્રથમ સહાયક કલેક્ટર અને મહી કાંઠાના પોલિટિકલ એજન્ટનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન તેમણે વિવિધ માહિતી ભેગી કરી જે તેમણે રાસમાળા તરીકે પ્રકાશિત કરી હતી. તેઓ ૧૮૫૪માં ઇંગ્લેન્ડ પાછા ફર્યા અને ૧૮૫૬ના અંતમાં ભારત પાછા ફર્યા. તેઓ સુરતમાં સહાયક ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા અને ૧૮૫૮માં તેમની એ જ પદ માટે ખાનદેશમાં નિમણૂક થઇ. તેઓ ગુજરાતમાં નિમણૂક પામવા ઇચ્છતા હતા, તેથી તેમણે કાઠિયાવાડના ખાલી પડેલા પોલિટિકલ એજન્ટના પદ માટે અરજી કરી જે નકારવામાં આવી. પરંતુ સપ્ટેમ્બર ૧૮૫૯માં વાઘેરોના બળવાને દબાવી દેવા માટે તેમની નિમણૂક થઇ માર્ચ ૧૮૬૦ સુધી બળવાના અંત પછી તેઓ કાર્યકારી ન્યાયાધીશ તરીકે સુરત પરત ફર્યા. માર્ચ ૧૮૬૧માં તેઓ સરકારના સેક્રેટરી તરીકે નિમણુક પામ્યા. તેમણે ઓગસ્ટ ૧૮૬૨માં સદર કોર્ટમાં પદ સ્વીકાર્યું અને બોમ્બે હાઇકોર્ટમાં તેઓ ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા, જે તેઓ તેમના મૃત્યુ સુધી પદ પર રહ્યા. તેઓ યુનિવર્સિટીના માનદ વાઇસ ચાન્સેલર પણ રહ્યા હતા.[૨]
સાહિત્ય
[ફેરફાર કરો]૧૮૪૮માં તેઓ કવિ દલપતરામને મળ્યા જેમણે તેમને ગુજરાતીમાં લખતા શીખવ્યું, જ્યારે ફાર્બસે દલપતરામને ગુજરાતીમાં સર્જન કરવાનું ઉત્તેજન આપ્યું. તેઓ ગાઢ મિત્રો બન્યા. તેમણે દલપતરામને ૧૮૪૯માં પ્રકાશિત પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મી નાટક લખવાની પ્રેરણા આપી હતી, જે ગ્રીક નાટક પ્લુટુસ પર આધારીત હતું.[૩][૪]
૨૬ ડિસેમ્બર ૧૮૪૮ના રોજ અમદાવાદમાં તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી, જેના વડે ગુજરાતી ભાષામાં સાહિત્યના વિકાસને વેગ મળ્યો. રૂપિયા ૯૬૦૧નો ફાળો સ્થાનિક લોકો, બરોડા રાજ્ય અને બ્રિટિશ અધિકારીઓ દ્વારા ભેગો કરવામાં આવ્યો હતો. સોસાયટીએ ગુજરાતમાં પ્રથમ જાહેર પુસ્તકાલય, પ્રથમ કન્યા શાળા, પ્રથમ સામયિક, પ્રથમ સમાચારપત્ર અને પ્રથમ સાહિત્યના સામયિકની શરૂઆત કરી હતી.[૧] તેમણે ૧૮૫૦માં સુરતમાં એન્ડ્રુ પુસ્તકાલયની અને ૧૮૬૫માં મુંબઈમાં ગુજરાતી સભાની સ્થાપના કરી હતી. ગુજરાતી સભાનું પાછળથી ફાર્બસ ગુજરાતી સભા તરીકે તેમના નામ પરથી નામકરણ કરવામાં આવ્યું હતું. ૧૮૫૨માં તેમણે ઇડરમાં ગુજરાતી કવિઓનું સંમેલન ગોઠવ્યું હતું. દલપતરામનું ફાર્બસવિલાસ આ સંમેલનનું વર્ણન કરે છે.[૩][૪] તેમણે ગુજરાતના ઇતિહાસના સંશોધન માટે ઘણાં જૈન પુસ્તકાલયોની મુલાકાત લીધી હતી. ૧૮૫૬માં તેમણે રાસ માળા પ્રકાશિત કર્યું હતું જે ૮મી સદીથી બ્રિટિશરોના આગમન તેમજ ગુજરાતી લોકસાહિત્યનું વર્ણન બે ભાગમાં કરે છે.[૩][૫] તેનું ગુજરાતી ભાષાંતર રણછોડલાલ ઉદયરામ દવે વડે ૧૮૬૯માં કરવામાં આવ્યું હતું.[૪]
સાદરામાં લોકોએ તેમના નામે ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના કરી છે.[૬]
મૃત્યુ
[ફેરફાર કરો]ટૂંકી માંદગી પછી ૩૧ ઓગસ્ટ ૧૮૬૫ના રોજ પુણે ખાતે તેમનું અવસાન થયું હતું.[૨] દલપતરામે તેમની યાદમાં ગુજરાતી કલ્પાંતસંગ્રહ ફાર્બસવિરહનું સર્જન કર્યું હતું.[૩][૪]
સર્જન
[ફેરફાર કરો]- Alexander Kinloch Forbes (૧૮૫૬). Râs Mâlâ:Hindoo Annals of the Province of Goozerat, in Western India. 1. Richardson Bros.
પૂરક વાચન
[ફેરફાર કરો]- મહેતા, દિપક (૨૦૧૫). અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર (એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ: જીવન અને કાર્ય). અમદાવાદ: ગુજરાત વિદ્યા સભા. ISBN 978-93-83814-45-9.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Shastri, Paul John & Parth (૩૧ ઓગસ્ટ ૨૦૧૫). "Forbes, Gujarati's renaissance man". The Times of India. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૧૫.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Forbes; Nairne (૧૮૭૮). Râs Mâlâ: Hindoo Annals of the Province of Goozerat, in Western India. Richardson. પૃષ્ઠ xv–xvi.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Unnithan, Chitra (૨૨ ફેબ્રુઆરી ૨૦૧૪). "Briton inspired Dalpatram to write in Gujarati language". The Times of India. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૪.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Amaresh Datta (૧૯૮૮). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૧૩૧૯. ISBN 978-81-260-1194-0.
- ↑ Surinder Singh; I. D. Gaur (૨૦૦૮). Popular Literature and Pre-modern Societies in South Asia. Pearson Education India. પૃષ્ઠ ૧૮૧–૧૮૨. ISBN 978-81-317-1358-7.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-09-03 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-09.