ઇડર

વિકિપીડિયામાંથી
ઇડર
નગર
ઇડરની ટેકરીઓ
ઇડરની ટેકરીઓ
ઇડર is located in ગુજરાત
ઇડર
ઇડર
ઇડરનું ગુજરાત અને ભારતમાં સ્થાન
ઇડર is located in India
ઇડર
ઇડર
ઇડર (India)
અક્ષાંશ-રેખાંશ: 23°50′00″N 73°00′00″E / 23.833333°N 73°E / 23.833333; 73
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસાબરકાંઠા
તાલુકોઇડર
ઊંચાઇ
૧૯૫ m (૬૪૦ ft)
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૨૯૫૬૭
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઇડર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઇશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. અમદાવાદથી ૧૨૦ કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું નગર છે.

નામ[ફેરફાર કરો]

ઇડરનુ પ્રાચિન નામ ઇલ્વદુર્ગ હતુ, જેનો અર્થ ઇલ્વનો કિલ્લો થાય છે. અપભ્રંશ થઇને તે ઇડર થયું.[૧][૨]

ભૂગોળ[ફેરફાર કરો]

ભૌગોલિક સ્થાન[ફેરફાર કરો]

ઇડર નગર ભૌગોલિક રીતે 23°50′N 73°00′E / 23.83°N 73.0°E / 23.83; 73.0[૩]. પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઉંચાઇ ૧૯૫ મીટર (૬૩૯ ફીટ) જેટલી છે.

આબોહવા[ફેરફાર કરો]

શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે. રહે છે, ઉનાળામાં સૂકી હવા તાપમાનમાં વધારો કરે છે જેના કારણે ઉનાળામાં મહત્તમ તાપમાન ૫૨o સે. સુધી પહોંચી જાય છે. સામાન્ય રીતે અહીં વિષમ આબોહવા હોય છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • ઈડરિયો ગઢ
  • પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર: ઇડર ગઢના બે-ચાર પગથિયાં ચડતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આ મંદિર આવેલું છે. શિવલિંગ પર કુદરતી રીતે જ મીઠા ઝરણા દ્વારા અભિષેક થતો હોવાથી આ સ્થળ ઝરણેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. વિશાળ પથ્થરની વચ્ચે નીચે ગુફામાં ઉતરતાં જ શિવલિંગના દર્શન થાય છે.
  • રાજ મહેલ 
  • મહાકાળી મંદિર 
  • રૂઠી રાણીનું માળિયું
  • નવગજા પીરની દરગાહ તેમજ બગીચો.
  • પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર
  • પાતાળ કુંડ: લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે વર્ષો પહેલાં આ પ્રદેશમાં વેણીવચ્છરાજ નામે એક રાજા હતો. જેનો જન્મ ઈલ્વ દુર્ગના ડુંગરોમાં થયો હતો. આજે પણ ઈડરના ગઢ પર વેણીવચ્છરાજ કુંડ હયાત છે. કહેવાય છે કે વેણીવચ્છરાજની માતા હિમાલયના ગઢવાલ તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લઈ આવ્યો હતો. જેથી વેણીવચ્છરાજનો જન્મ ઇડરમાં થયો. ત્યાર બાદ વેણીવચ્છરાજ મોટો થયો અને અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને કેટલાક વર્ષ અહી રાજ કર્યુ. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજનો વિવાહ એક નાગકન્યા સાથે થયો હતો.
  • દિગંબર/શ્વેતાંબર જૈન દેરાસરો 
  • હિંગળાજ માતાજી, વાજરેશ્વરી માતાજી, જ્વાળા માતાજીના મંદિરો,
  • લાખુંમા તળાવ/આશ્રમ.
  • રણમલ ચોકી 
  • ભુરાબાવાની ગુફા 

આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર તળાવ, પવન પાવડીઓ, સર્પ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર તેમજ સનસેટ પોઇન્ટ જેવા સ્થળો આવેલા છે. અહીં આશરે ત્રણ કિલોમીટરના અંતરે ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતું શ્રીમદ રાજચન્દ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે. શહેરમાં પથ્થરની ગુફા અંદર ખોખાનાથ, ચંદ્રેશ્વર, મહંકાલેશ્વર, કાકલેશ્વર નામના શિવાલયો આવેલા છે. ખોખનાથ મહાદેવની બિલકુલ પાસે પ્રાચીન કુંડ જોવાલાયક સ્થળ છે. શહેરમાં અનેકો મંદિરો જોવાલાયક છે. સાથે ઇડર ઘાંટી ઉતરતા પૌરાણિક વાવ આવેલી છે. રાણીના સ્નાન માટે બનાવવામાં આવેલું રાણી તળાવ આવેલું છે જ્યાં હાલ મધ્યમાં જૈન મંદિર બનેલું છે. મંદિરની પાછળ પાંજરાપોળ જોવાલાયક છે. આ ઉપરાંત ઇડરમાં આશરે ૮થી ૧૦ હજાર વર્ષ જૂના શીલાચૈત્રી ગુફાના અવશેષો પણ જોવાલાયક છે. જે સાપવાડા, લાલોડા, ગંભીરપુરામાં આવેલા છે. શહેરની વચ્ચે આવેલો ટાવર શહેરની શોભા વધારે છે જે જોવાલાયક છે. ટાવરની બાજુમાંથી જઈએ તો લાકડાનું રામકડાં બજાર આવેલું જે ઇડરને આગવી ઓળખ અપાવે છે. ઇડરમાં આવેલા શીલા ઉદ્યાન અને આયુર્વેદ વનની મુલાકાત હર કોઈ અવશ્ય કરે છે. શહેરમાં આવેલી ૧૩૦ વર્ષ ઉપર જૂની ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલ પણ જોવા લાયક છે, જ્યાં ઉમાશઁકર જોશી તેમજ પન્નાલાલ પટેલ અભ્યાસ કરી ચુક્યા છે. સદાતપુરામાં આવેલ અરવિંદ ત્રિવેદીનું મકાન જ્યાં તે અવારનવાર આવતા જતા હોય છે. ઇડરિયા ગઢ ડુંગર પાછળ આવેલું કર્ણનાથ મહાદેવનું પૌરાણિક મંદિર અને તેની પાસે આવેલ બાળ-ગંગા નામનું પવિત્ર સ્થળ પણ જોવાલાયક છે. સાથે ગોધમજીમાં સદ્દગુરુનું સ્થાન અને ત્યાંથી સાબલી જઈએ ત્યાં મહાકાળી માતાનું ગુફામાં મંદિર પણ જોવાલાયક છે.

મુખ્ય વિસ્તારો[ફેરફાર કરો]

બસ સ્ટેશન, શ્રી નગર, રેલવે સ્ટેશન, બરેલા તળાવ વિસ્તાર, કોલેજ રોડ, વલાસણા રોડ ઉપર આવેલા ઉમિયાનગર, શુભ સીટી, કલરવ સોસાયટી, શિલાલેખ સોસાયટી, આનંદનગર સોસાયટી, ટાવર પાસે સાગરવાડા, ભોઈ વાડા ગઢવાડા, ખરાદી બજાર, કસ્બા વિસ્તાર વગેરે ઇડરના મુખ્ય વિસ્તારો છે.

સગવડો[ફેરફાર કરો]

સર પ્રતાપ હાઇ સ્કૂલ જ્યાં ઉમાશંકર જોષી તેમજ પન્નાલાલ પટેલે અભ્યાસ કર્યો હતો.
ઇડર બસ સ્ટેશન

પ્રાથમિક અને માધ્યમિક શાળા, સરકારી શાળા, સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ, આઈ.ટી.આઈ, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન.

જાણીતી વ્યક્તિઓ[ફેરફાર કરો]

મહારાજા પ્રતાપ સિંહ, ૧૯૧૪

લેફ્ટનન્ટ જનરલ-મહારાજા શ્રી સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર ઓફ ઇડર GCB GCSI GCVO KIH (૨૨ ઓક્ટોબર ૧૮૪૫ - ૪ સપ્ટેમ્બર ૧૯૨૨) કે જે સામાન્ય રીતે સર પ્રતાપ તરીકે ઓળખાય છે, તેઓ ઇડર રજવાડાના બ્રિટીશ ભારતીય સેના અધિકારી હતાં અને ઇડર રજવાડાના મહારાજા હતા. સર પ્રતાપે તેમની ટુકડીઓ સાથે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સ અને ફ્લેન્ડર્સમાં શૂરવિરતાથી લડી બતાવ્યું હતું. તેમણે ઘણીવાર યુરોપનો પ્રવાસ કર્યો હતો અને રાણી વિક્ટોરિયા અને તેમનું કુટુંબ ખુબ નજીકના સંબંધો ધરાવતું હતું.

પન્નાલાલ પટેલ (૭ મે ૧૯૧૨ - ૬ એપ્રિલ ૧૯૮૯) જે, ગુજરાતી લેખક હતા. તેઓ ૧૯૮૫ના જ્ઞાનપીઠ એવોર્ડ અને ૧૯૫૦ના રણજિતરામ સુવર્ણચંદ્રકના વિજેતા રહી ચૂક્યા છે[૪]. પન્નાલાલ પટેલ તેમની નવલકથાઓમાં સાબરકાંઠામાં બોલાતી સ્થાનિક બોલીનો ઉપયોગ સવિશેષ કરતા. તેમણે ઇડરની સર પ્રતાપ હાઇસ્કુલમાંથી અભ્યાસ કર્યો હતો.

ઉમાશંકર જોષી (જુલાઇ ૨૧ ૧૯૧૧ - ડિસેમ્બર ૧૯ ૧૯૮૮) એક પ્રતિષ્ઠિત કવિ અને વિદ્વાન લેખક હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ ૧૯૬૭માં જ્ઞાનપીઠ એવોર્ડ અને ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો[૪]. તેઓ પણ ઇડરની સર પ્રતાપ હાઇસ્કુલમાં ભણ્યા હતા.

અરવિંદ ત્રિવેદી એક ભારતીય અભિનેતા છે. તે તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ગુજરાતી ચિત્રપટમાં છવાયેલા રહ્યાં. તેમણે રામાનંદ સાગરની ટેલિવિઝન શ્રેણી 'રામાયણ'માં રાવણની ભૂમિકા ભજવીને ખાસ્સી એવી પ્રસિદ્ધિ મેળવી હતી. બંને ભાઈઓ ઇડર નજીકના કુકડીયા ગામના વતની છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. P. A. Inamdar (૧૯૩૬). Some Archaeological Finds in the Idar State. Department of Archaeology, Idar State. પૃષ્ઠ ૯.
  2. Man Singh (Maharaja of Jaipur) (૧૯૬૭). A history of the Indian state forces. Orient Longmans.
  3. Falling Rain Genomics, Inc - Idar
  4. ૪.૦ ૪.૧ "Jnanpith Laureates Official listings". Jnanpith Website. મૂળ માંથી 2007-10-13 પર સંગ્રહિત. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]