વસ્તુપાળ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વસ્તુપાળ
મૃત્યુઇ.સ. ૧૨૪૦
અંકેવાલિયા (હવે ગુજરાત, ભારતમાં)
વ્યવસાયવાઘેલા વંશના દરબારમાં મંત્રી
જીવનસાથી(ઓ)લલિતાદેવી, સોખુકાદેવી
સંતાનોજયંતસિંહ
માતા-પિતા
  • અશ્વરાજા (પિતા)
  • કુમારદેવી (માતા)
સંબંધીઓતેજપાળ (ભાઇ) અને અન્ય નવ ભાઇ-બહેનો
ગિરનાર પર વસ્તુપાળે બંધાવેલું જૈનમંદિર

વસ્તુપાળ એ તેરમી સદીમાં થઈ ગયેલ વાઘેલા વંશના રાજા વીરધવલના મહાઅમાત્ય (મંત્રી) અને દંડનાયક હતા. તેઓ તેમના ભાઈ તેજપાળ સાથે કરેલ રાજકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યો માટે પ્રસિદ્ધ છે.[૧]

જીવન[ફેરફાર કરો]

અણહિલવાડ (હાલ પાટણ)ના પ્રાગવટ (પોરવાડ) જ્ઞાતિના ચંડપ અને તેના વંશજોને ચૌલુકય વંશના રાજાઓ સાથે લાંબા કાળથી સંબંધ હતો. તે જ વંશમાં જન્મેલા અશ્વરાજને કુમારદેવી થકી અગિયાર સંતાનો, ચાર પુત્ર અને સાત પુત્રી, હતા જે પૈકી નાના બે પુત્રો વસ્તુપાળ અને તેજપાળ હતા. તેઓ ચૌલુકય રાજા ભીમદેવ બીજાની નીચે કામ કરતા હતા પણ વિક્રમ સંવત ૧૨૭૬ (સન ૧૨૨૦)માં વીરધવલે બોલાવી વસ્તુપાળને સ્તંભતીર્થ (હાલ ખંભાત)ના દંડનાયક તરીકે નીમ્યા. તે પૂર્વે સ્તંભતીર્થ લાટમંડળ હેઠળ હતું. શાસનને સ્થિર કરવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો.[૧]

વસ્તુપાળે લાટમંડળના રાજા શંખ (સંગ્રામસિંહ)ને ભયંકર યુદ્ધમાં હરાવ્યો હતો જેથી શંખે તેમની સત્તા સ્વીકારવી પડી. વસ્તુપાળ અને તેજપાળની મદદથી વીરધવલે દિલ્હીના સુલતાન અલ્તમશ (મોજદિન)ને આબુ નજીક યુદ્ધમાં હરાવ્યો હતો જેની કથા જયસિંહસૂરિકૃત હમ્મીરમદમર્દનમાં મળે છે.[૧]

વસ્તુપાળને બે પત્ની હતી: લલિતાદેવી અને સોખુકાદેવી. તેમના પુત્ર જયંતસિંહે પછી સ્તંભતીર્થના અધિકારી તરીકે ફરજ બનાવી હતી.[૧]

આ ભાઈઓને પુષ્કળ ધનપ્રાપ્તિ થયેલી જેનો ઉપયોગ તેમણે જૈન દેરાસરો બંધાવવા અને યાત્રાઓ કરવામાં કરેલો. તેમણે ગિરનાર, શત્રુંજય, આબુ ઉપરાંત ડભોઇ, ધોળકા, પાટણ, ભરૂચ અને ખંભાતમાં પણ જૈન દેરાસરો બંધાવેલા. તેમણે મંદિરો, ધર્મશાળાઓ, વાવ, કુવા, તળાવો અને મસ્જિદો પણ બંધાવી આપેલી. તેમણે ભરૂચ, પાટણ, ખંભાતમાં જ્ઞાનભંડારો સ્થાપ્યાં હતા. તેમની શત્રુંજય અને ગિરનારની તેર યાત્રાઓના ઉલ્લેખ મળે છે.[૧]

તેમણે વિદ્વાનો, કવિઓ અને પંડિતોને આશ્રય આપ્યો હતો. તેમની જીવન અને કાર્યોની માહિતી તેઓના ગ્રંથોમાંથી મળે છે. જેમકે અરિસિંહકૃત સુકૃતસંકીર્તન, સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી, બાલચંદ્રકૃત વસંતવિલાસ. નાનાક, સુભટ, યશોવીર, મણિકયચંદ્ર, અમરચંદ્ર, હરિહર વગેરે તેમના સાથી વિદ્વાનો-કવિઓ હતા. વસ્તુપાળ પોતે કવિ અને વિદ્વાન હતા. તેમણે લખેલ મહાકાવ્ય નરનારાયણાનંદ; આદિનાથ, નેમિનાથ અને અંબિકાના સ્તોત્રો; અને સુભાષિતો ઉપલબ્ધ છે. તેમની વિદ્વવત્તા માટે તેમને 'કવિકુંજર', સરસ્વતીકંઠાભરણ', 'કવિચક્રવર્તી' અને 'કુર્ચાલસરસ્વતી' (દાઢીવાળી સરસ્વતી) જેવા ઉપનામ મળેલા.[૧]

વીરધવલના અવસાન બાદ વિક્રમ સંવત ૧૨૯૬ (સન ૧૨૪૦)માં શત્રુંજયની યાત્રાએ જતા માર્ગમાં અંકેવાલિયામાં વસ્તુપાલનું અવસાન થયું. ત્યારબાદ તેજપાળને મંત્રી બનાવવામાં આવેલા.[૧] તેમના ઘણા શિલાલેખો ગિરનારના મંદિરોમાં અને અન્ય સ્થાને ઉપલબ્ધ છે અને તેમના કેટલાય સાહિત્યિક ઉલ્લેખો પ્રાપ્ત છે.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ શુક્લ, જયકુમાર આર. (1990). ઠાકર, ધીરુભાઈ, સંપા. ગુજરાતી વિશ્વકોશ. XIX. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. pp. 619–620. OCLC 552367205. Check date values in: |year= (મદદ)
  2. Diskalkar, D. B. (1928). "Some Unpublished Inscriptions of Vastupala". Annals of the Bhandarkar Oriental Research Institute. 9 (2/4): 171–182. JSTOR 44027988 – via JSTOR. Check date values in: |date= (મદદ)(લવાજમ જરૂરી)