તેજપાળ

વિકિપીડિયામાંથી
તેજપાળ
મૃત્યુઇ.સ. ૧૨૪૮
વ્યવસાયવાઘેલા વંશના રાજા વીરધવલના દરબારમાં મંત્રી
જીવનસાથીઅનુપમાદેવી, સુહડાદેવી
સંતાનોલુણસિંહ
માતા-પિતા
  • અશ્વરાજા (પિતા)
  • કુમારદેવી (માતા)
સંબંધીઓવસ્તુપાળ (ભાઇ) અને અન્ય નવ ભાઇ-બહેનો
આબુના દેલવાડામાં તેજપાળે બંધાવેલ લુણીગવસહી જૈન મંદિરના અંદરની કલારચના

તેજપાળ એ તેરમી સદીમાં થઈ ગયેલ વાઘેલા વંશના રાજા વીરધવલના અમાત્ય (મંત્રી) હતા. તેઓ તેમના ભાઈ વસ્તુપાળ સાથે કરેલ રાજકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યો માટે પ્રસિદ્ધ છે.[૧]

જીવન[ફેરફાર કરો]

અણહિલવાડ (હાલ પાટણ)ના પ્રાગવટ (પોરવાડ) જ્ઞાતિના ચંડપ અને તેના વંશજોને ચૌલુકય વંશના રાજાઓ સાથે લાંબા કાળથી સંબંધ હતો. તે જ વંશમાં જન્મેલા અશ્વરાજને કુમારદેવી થકી અગિયાર સંતાનો, ચાર પુત્ર અને સાત પુત્રી, હતા જે પૈકી નાના બે પુત્રો વસ્તુપાળ અને તેજપાળ હતા. તેઓ ચૌલુકય રાજા ભીમદેવ બીજાની નીચે કામ કરતા હતા પણ વિક્રમ સંવત ૧૨૭૬ (સન ૧૨૨૦)માં વીરધવલે બોલાવી ધવલ્લક (હાલ ધોળકા)માં મંત્રી તરીકે નીમ્યા.[૧]

તેજપાળે ગોધરાના રાજા ધૂધુલને હરાવ્યો હતો.[૧]

તેજપાળને બે પત્ની હતી: અનુપમાદેવી, જે ચંદ્રાવતીના પ્રપાટકુલની હતી, અને સુહડાદેવી. તેજપાળે આબુ ઉપર દેલવાડામાં અનુપમાદેવી અને તેમના પુત્ર લુણસિંહ (લુણીગ) ના આત્મશ્રેયાર્થે જૈન તીર્થંકર નેમિનાથનું ભવ્ય મંદિર લુણીગવસહી બંધાવેલું. તેમાં સુહડાદેવીના શ્રેયાર્થે બે સુશોભિત ગોખલા પણ બનાવેલ. તેજપાળે ગિરનાર પર કલ્યાણત્રયી જૈન મંદિર અને શત્રુંજય પર પણ જૈન દેરાસરો બંધાવેલા. વિક્રમ સંવત ૧૨૯૬ (સન ૧૨૪૦)માં વસ્તુપાલના અવસાન બાદ તેજપાળને મંત્રી બનાવવામાં આવેલા. અને તેમના કાર્યકાળ દરમિયાન વાઘેલા રાજા વિસળદેવ ગાદી પર આવ્યો. તેજપાળનું મૃત્યુ વિક્રમ સંવત ૧૩૦૪ (સન ૧૨૪૮)માં થયું.[૧]

તેમના ઘણા શિલાલેખો આબુ અને ગિરનારના મંદિરોમાં ઉપલબ્ધ છે અને તેમના કેટલાય સાહિત્યિક ઉલ્લેખો પ્રાપ્ત છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ શાસ્ત્રી, હરિપ્રસાદ (1997). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. VIII. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. પૃષ્ઠ ૬૯૯. OCLC 164810484.