વાસુદેવ બળવંત ફડકે

વિકિપીડિયામાંથી
વાસુદેવ બળવંત ફડકે
વાસુદેવ બળવંત ફડકેનું બાવલું (મુંબઈ)
જન્મની વિગત૦૪/૧૧/૧૮૪૫
શિરધોન, પનવેલ, રાયગઢ જિલ્લો, બ્રિટીશ ભારત
મૃત્યુ૧૭/૦૨/૧૮૮૩ (૩૭ વર્ષ)
વ્યવસાયક્રાંતિકારી ,ભારતીય સ્વતંત્રતા સેનાની

વાસુદેવ બળવંત ફડકે (૪ નવેમ્બર ૧૮૪૫ – ૧૭ ફેબ્રુઆરી ૧૮૮૩) ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક ક્રાંતિકારી હતા. તેઓ બ્રિટીશ રાજ દરમિયાન ખેડૂત વર્ગની દુર્દશાથી વ્યથિત હતા. તેમને દૃઢ વિશ્વાસ હતો કે સ્વરાજ જ ખેડૂતોને દયનીય સ્થિતિમાંથી ઉગારી શકે છે. તેમણે મહારાષ્ટ્રના કોળી, ભીલ અને ધાંગડ જાતિના લોકોને એકત્ર કરીને રામોશી નામનું એક સશસ્ત્ર ક્રાંતિકારી સંગઠન ઊભુ કર્યું હતું. આ સંગઠને બ્રિટીશ રાજને ઉખાડી ફેંકવા ધન પ્રાપ્તિ માટે સંપન્ન અંગ્રેજ વ્યવસાયીઓ પર છાપા મારવાનું શરૂ કર્યું હતું.

પ્રાંરભિક જીવન[ફેરફાર કરો]

વાસુદેવ બલવંત ફડકેનું ઘર (શિરઢોણ ગામ)

ફડકેનો જન્મ ૪ નવેમ્બર ૧૮૪૫ના રોજ પનવેલ તાલુકાના શિરઢોણ ગામે (હાલ રાયગઢ જિલ્લો) મહારાષ્ટ્રમાં થયો હતો.[૧] તેમણે કુશ્તી, તલવારબાજી અને ઘોડેસવારી ઉપરાંત શસ્ત્ર ચલાવવાની તાલીમ મેળવી હતી. અભ્યાસમાં તેમની રુચિ ન હોવાથી હાઇસ્કૂલનો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો. છુટ્ટક નોકરીઓ બાદ તેઓ પુના સ્થળાંતરીત થયા જ્યાં તેમણે સૈન્ય એકાઉન્ટ વિભાગમાં ક્લાર્ક તરીકેની નોકરી મેળવી. આ દરમિયાન તેઓ લાહુજી રાઘોજી સાલ્વેના સંપર્કમાં આવ્યા. સાલ્વે પછાત જાતિના અગ્રગણ્ય વ્યક્તિ હતા જે બ્રિટીશ શાસનમાંથી મુક્તિ માટે પ્રયત્નશીલ હતા અને પહેલવાનો માટે એક તાલીમ કેન્દ્ર ચલાવતા હતા. તેમણે વાસુદેવ ફડકેને પછાત જાતિઓને સ્વતંત્રતા આંદોલનની મુખ્યધારામાં જોડવાનું મહત્વ સમજાવ્યું.[૨]આ સમયગાળા દરમિયાન જ ફડકેએ મહાદેવ ગોવિંદ રાનડેના વ્યાખ્યાનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું, રાનડેએ તેમના વ્યાખ્યાનોમાં બ્રિટીશ શાસનની નીતિઓ અને તેની ભારતીય અર્થવ્યવસ્થા પર નકારાત્મક પ્રભાવ વિશે ધ્યાન દોર્યું. ફડકે દેશવાસીઓની પરિસ્થિતિ જાણી ખૂબ જ વ્યથિત થયા. ૧૮૭૦માં પુના ખાતે લોકોની ફરિયાદોનું સમાધાન કરવા માટે આયોજીત એક જનાઅંદોલનમાં તેઓએ ભાગ લીધો. તેઓએ યુવાઓને શિક્ષણ માટે ઐક્ય વર્ધિની સભા નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી. ક્લાર્કની નોકરી દરમિયાન રજા મળવામાં વિલંબ થતાં તેઓ તેમની બીમાર માતાના અંતિમ દર્શન નહોતા કરી શક્યા. આ ઘટનાથી તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા.[૩][૧]

મહારાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટીના સહ સંસ્થાપક[ફેરફાર કરો]

૧૮૬૦માં ફડકેએ સમાજ સુધારક અને ક્રાંતિકારી લક્ષ્મણ નરહર ઇન્દાપુરકર અને વામન પ્રભાકર ભાવે સાથે મળીને પૂના નેટીવ ઇન્સ્ટીટ્યુશન (PNI)ની સ્થાપના કરી જે બાદમાં મહારાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટી (MES) તરીકે ઓળખાઈ. વર્તમાનમાં મહારાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટી અંતર્ગત ૭૭થી પણ વધુ શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થાય છે.[૪]

વિદ્રોહ[ફેરફાર કરો]

૧૮૭૫માં વડોદરા રાજ્યના તત્કાલીન ગાયકવાડી શાસકને બ્રિટીશ સરકાર દ્વારા પદભ્રષ્ટ કરાતાં ફડકેએ સરકાર વિરુદ્ધ ભાષણો આપવાના શરૂ કર્યાં. દુષ્કાળની ગંભીર પરિસ્થિતિમાં બ્રિટીશ સરકારના ઉદાસીન વલણને કારણે તેમને ડેક્કન ક્ષેત્રનો પ્રવાસ કરી લોકોને માતૃભૂમિની સ્વતંત્રતા માટે તૈયાર કર્યા. શિક્ષિત લોકોનું સમર્થન ન મળતાં તેમણે રામોશી જાતિના ૩૦૦થી વધુ લોકોને એકઠા કર્યાં. ફડકે પોતાનું સૈન્ય બનાવવા ઇચ્છતા હતા પરંતુ પૂરતા ભંડોળના અભાવે તેમણે સરકારી ખજાના પર લૂંટ ચલાવવાનું નક્કી કર્યું. તેમણે પહેલો છાપો પુના જિલ્લાના શિરુર તાલુકાના ઘાભારી ગામ પર કર્યો. ત્યાર પછી વાલ્હે, પલસ્પે જેવાં અન્ય ગામો પર પણ ચઢાઈ કરી.[૧] આ હુમલામાં તેમણે દુષ્કાળ પીડિતો માટે લગભગ ૪૦૦ રુપિયા એકઠા કર્યાં.

આ દરમિયાન ફડકેના મુખ્ય સમર્થક રામોશી નેતા દૌલતરાવ નાયક પશ્ચિમી તટ પર કોંકણ ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યા હતા. ૧૦–૧૧ મે ૧૮૭૯ના રોજ તેઓએ પલસ્પે અને ચિખલી પર છાપો મારી દોઢ લાખ રૂપિયા એકઠા કરી પરત ફરી રહ્યા હતા ત્યારે મેજર ડેનિયલે તેમની ગોળી મારી હત્યા કરી નાખી. આ ઘટનાથી તેમની વિદ્રોહ ગતિવિધિઓ પર ફટકો પડ્યો[૧] અને તેઓ દક્ષિણના શ્રી શૈલા મલ્લિકાર્જુન તીર્થ તરફ પ્રયાણ કરવા મજબૂર બન્યા. ફડકેએ દક્ષિણમાં નવેસરથી ૫૦૦ લોકોને એકઠા કરી સૈન્ય પ્રવૃત્તિઓ શરૂ કરી.

ધરપકડ અને અવસાન[ફેરફાર કરો]

ફડકેની યોજના બ્રિટીશરો વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી હુમલાઓનું આયોજન કરવાની હતી પરંતુ તે બહુ સફળ ન થયા. બ્રિટીશ સરકારે તેમના માથે ઇનામ જાહેર કર્યું બદલામાં ફડકેએ પણ મુંબઈના રાજ્યપાલ માટે ઇનામ જાહેર કર્યું હતુમ્. ઘનોર ગામ પાસે તેમનો બ્રિટીશ સેના સાથે સીધો મુકાબલો થયા બાદ તેઓ હૈદરાબાદ ચાલ્યા ગયા. હૈદરાબાદ નિઝામના પોલીસ આયુક્ત અધિકારી વિલિયમ ડેનિયલે ૨૦ જુલાઈ ૧૮૭૯ના રોજ એક સૈન્ય અભિયાનમાં ફડકેની ધરપકડ કરી.[૧]

ધરપકડ બાદ તેઓને પુનાની જેલમાં રખાયા. ૨૨ ઓક્ટોબર ૧૮૭૯ના રોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. રાજદ્રોહ, સરકાર સામે બળવો અને હત્યાના આરોપસર તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી. ફડકેના વકીલ કાકા તરીકે જાણીતા ગણેશ વાસુદેવ જોશી હતા.[૫]તેમણે ફડકેની સજાને આજીવન કારાવાસમાં ફેરવવામાં સફળતા મેળવી. કોર્ટના ચુકાદા બાદ ફડકે અને તેમના સાથીઓને સંગમ પુલ નજીક જિલ્લા સત્ર ન્યાયાલય જેલ ભવન (હાલ સીઆઇડી ભવન) કાતે રાખવામાં આવ્યા. ૩૧ ઓક્ટોબર ૧૮૮૦ના રોજ તેઓ કારાગૃહમાંથી ભાગી છૂટ્યાં. પરંતુ તેમને ફરીથી પકડી પાડવામાં આવ્યા. તેઓ ભૂખ હડતાળ દરમિયાન ૧૭ ફેબ્રુઆરી ૧૮૮૩ના રોજ એડનની જેલમાં જ શહીદ થયાં.[૬][૧]

સન્માન[ફેરફાર કરો]

ભારતીય ટપાલ ટિકિટ પર વાસુદેવ ફડકે (૧૯૮૪)
  • ૧૯૮૪માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા વાસુદેવ ફડકેના સન્માનમાં ૫૦ પૈસાની એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૭]
  • ડિસેમ્બર ૨૦૦૭માં ગજેન્દ્ર આહિરે દ્વારા વાસુદેવ બલવંત ફડકે નામની એક મરાઠી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ પાઠક, રામનારાયણ નાગરદાસ (૧૯૮૭). ક્રાંતિકારી શહિદો (પ્રથમ આવૃત્તિ). બાબાપુર (અમરેલી): ગુણવંતરાય સાકરલાલ પુરોહિત (સર્વોદય સરસ્વતી મંદિર). પૃષ્ઠ ૪૯–૫૫.
  2. O'Hanlon, Rosalind (2002). Caste, Conflict and Ideology:: Mahatma Jotirao Phule and low caste protest in nineteenth-century western India. Cambridge: Cambridge University Press. પૃષ્ઠ 110. ISBN 0-521-52308-7.
  3. Khan, Mohammad Shabbir (1992). Tilak and Gokhale: a comparative study of their socio-politico-economic programmes of reconstruction. Ashish Pub. House. પૃષ્ઠ 3.
  4. "Celebrations as MES turns 150". DNS. 18 November 2009. મૂળ માંથી 4 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 17 August 2012.
  5. Rao, Parimala V. (24 January 2009). "New Insights into the Debates on Rural Indebtedness in 19th Century Deccan" (PDF). Economic & Political Weekly. મેળવેલ 11 August 2014. CS1 maint: discouraged parameter (link)
  6. Rigopoulos, Antonio (2 April 1998). Dattatreya: The Immortal Guru, Yogin, and Avatara: A Study of the Transformative and Inclusive Character of a Multi-faceted Hindu Deity. SUNY Press. પૃષ્ઠ 167. ISBN 978-0-7914-3696-7.
  7. Vasudeo Balwant Phadke. Indianpost.com (21 February 1984). Retrieved on 2018-12-11.