સંધિપાદ

વિકિપીડિયામાંથી
સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ

સંધિપાદ (અંગ્રેજી: Arthropod) એ પ્રાણીસૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે. આ પ્રકારના પ્રાણીઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે તેથી તે સંધિપાદ કહેવામાં આવે છે. જીવનની શક્યતા હોય તેવી કોઈ પણ જગ્યાએ આ સમુદાયનાં પ્રાણીઓ જોવા મળે છે. તેઓ જમીનમાં, જમીન ઉપર, મીઠા પાણીમાં, ખારા પાણીમાં-સમુદ્રમાં કોઈ પણ ઊંડાઈએ, ઉષ્ણકટિબંધ તેમજ શીત કટિબંધ પ્રદેશોમાં અને હવામાં વસવાટ કરે છે. તેમાંના કેટલાક પ્રાણીઓ સમુહમાં જીવન ગાળે છે જેવા કે, મધમાખી, કીડી, ઊધઈ વગેરે કીટકો. આ સમુદાયનાં સામાન્ય પ્રાણીઓ આદિસંધિપાદ (ઉદા. પેરિપેટસ); સ્તરકવછી (ઉદા. કરચલાં, જિંગા); કીટક (ઉદા. પતંગિયાં, માખી, વંદો વગેરે) અને અષ્ટપાદ (ઉદા. કરોળિયા, વીંછી વગેરે) છે. [૧]

સામાન્ય લક્ષણો[ફેરફાર કરો]

આ સમુદાયનાં પ્રાણીઓમાં કાઈટીનયુક્ત બાહ્યકંકાલ અને સાંધાવાળા પગ તે મુખ્ય વિશેષતા છે. શરીર દ્રિપાર્શ્વ સમરચના ધરાવે છે. તેઓ તેમનું જીવન સ્વોપજીવી કે પરોપજીવી તરીકે ગુજારે છે. આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય અને ખંડયુક્ત શરીરવાળાં હોય છે. ખંડો બહારથી જોડાયેલા હોય છે અને શરીર મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલું દેખાય છે: અગ્રથી પશ્વબાજુ તરફ જતાં આ વિભાગોને અનુક્રમે શિર્ષ, ઉરસ અને ઉદર કહેવામાં આવે છે. કેટલાક પ્રાણીઓમાં શિર્ષ અને ઉરસ જોડાઈ સંયુક્ત ભાગરૂપે શિરોરસ બને છે તો કેટલાકમાં ઉરસ તેમજ ઉદર જોડાઇ જઈ ઉરોદર બને છે. મહદંશે આ પ્રાણીઓનાં સાંધાવાળા ઉપાંગો પ્રત્યેક ખંડમાં એક જોડરૂપે આવેલા હોય છે. શરીરમાં રેખિત સ્નાયુઓ વિપુલ પ્રમાણમાં હોય છે. શરિર પરનું બાહ્યકંકાલ કાઈટીનનું બનેલું હોય મજબૂત હોય છે. આ બાહ્યકંકાલ અવારનવાર શરીર પરથી નિર્મોચન ક્રિયા દ્વારા ઉતરી જાય છે અને નવું બાહ્યકંકાલ અધિચર્મમાંથી કાઈટીનનાં સ્ત્રાવથી તૈયાર થાય છે. અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાંત્ર એમ ત્રણ ભાગમાં વગેંચાયેલું વિકસિત પાચનતંત્ર તેઓ ધરાવે છે. આ પ્રાણીઓમાં શ્વસન માટે ઝાલરો, શ્વસનનલિકાઓ, ફેફસાપોથી વગેરે વિશિષ્ટ અવયવો આવેલાં છે. રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારમુ હોય છે. શરીરગુહાનું સ્થાન રુધિરગુહાએ લીધેલુ હોય છે, તેથી ઉત્સર્ગિકાઓનો અભાવ હોય છે. હ્રદય પૃષ્ઠબાહુએ આવેલું હોય છે. ઉત્સર્જન હરિતપિંડ, માલ્પિધિની નલિકાઓ વગેરે અવયવો દ્વારા થાય છે. નિર્મોચન ક્રિયા પણ ઉત્સર્જનમાં ભાગ ભજવે છે. આ સમુદાયના બધા પ્રાણીઓ એકલિંગી હોય છે. તેમનામાં ફલન આંતરફલનથી થાય છે. મોટા ભાગના સજીવો

ઈંડામાંથિ રૂપાંતરણ પામી પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે..[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. અક્કવુર, નારાયણન્ (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૮૯.
  2. પટેલ, માર્વિક (૧૯૭૪). ઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી (Higher Invertebrates). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૫૫-૫૬.

પટેલ મર્વિક ઉમંગભાઈ