લખાણ પર જાઓ

રુધિરાભિસરણ તંત્ર

વિકિપીડિયામાંથી
રુધિરાભિસરણ તંત્ર
The human circulatory system. Red indicates oxygenated blood, blue indicates deoxygenated.
Latin systema cardiovasculare


રુધિરાભિસરણ તંત્ર એક ઇન્દ્રિય તંત્ર છે જે (એમિનો એસિડ અને ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા) પોષક તત્ત્વો, વાયુઓ, અંતઃસ્ત્રાવો, રક્તકોશિકાઓ વગેરેનું કોશિકાની અંદર તેમજ કોષની બહાર પરિવહન કરે છે અને રોગ સામે લડવામાં અને હોમિયોસ્ટેસિસ જાળવી રાખવા માટે શરીરની તાપમાન અને pHને સ્થિર રાખવામાં મદદ કરે છે.

આ તંત્રને ચુસ્તપણે રુધિર વિતરણ નેટવર્ક તરીકે જોવામાં આવે છે પરંતુ કેટલાક લોકો પરિવહન તંત્રને હૃદય અને રક્તવાહિનીઓના બનેલા રુધિરાભિસરણ તંત્ર અને લસિકા તંત્રનું બનેલું માને છે. રક્તવાહિની તંત્ર રુધિરનું વિતરણ કરે છે[૧] જ્યારે લસિકા પરિવહન તંત્ર લસિકાનું વિતરણ કરે છે.[૨] માનવી તેમજ અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓમાં બંધ રક્તવાહિની તંત્ર હોય છે (એટલે કે રક્ત ક્યારેય ધમની, શિરા અને રુધિરકેશિકાઓના તંત્રને છોડતું નથી) જ્યારે કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ખુલ્લું રક્તવાહિની તંત્ર હોય છે. સૌથી પ્રાથમિક અવસ્થાના પ્રાણી ફાયલામાં રુધિરાભિસરણ તંત્રની ગેરહાજરી છે. બીજી બાજુ લસિકા પરિવહન તંત્ર ખુલ્લું તંત્ર છે.

રુધિરાભિસરણ તંત્ર મારફતે બે પ્રકારના પ્રવાહીઓનું વહન થાય છેઃ રક્ત અને લસિકા રક્ત, હૃદય અને રુધિરવાહિનીઓ રક્તવાહિની તંત્રની રચના કરે છે. લસિકા, લસિકાગાંઠ અને લસિકાવાહિનીઓ લસિકા તંત્રની રચના કરે છે. રક્તવાહિની તંત્ર અને લસિકા પરિવહન તંત્ર ભેગા થઇને રુધિરાભિસરણ તંત્રની રચના કરે છે.

માનવ રક્તવાહિની તંત્ર

[ફેરફાર કરો]

માનવ રક્તવાહિની તંત્રના બે મુખ્ય ઘટકો હૃદય અને રુધિરવાહિનીઓ છે.[૩] જેમાં ફુપ્ફુસ પરિવહન અને દૈહિક પરિવહનનો સમાવેશ થાય છે. ફુપ્ફુસ પરિવહન ફેફસાંમાંથી પસાર થતું પરિવહન ચક્ર છે જ્યાં રુધિરમાં ઓક્સિજન પ્રવેશે છે. દૈહિક પરિવહન શરીરના બાકીના અંગોને સાંકળતું પરિવહન ચક્ર છે જે ફેફસાંમાંથી ઓક્સિજનયુક્ત રુધિર અન્ય અંગો સુધી પહોંચાડે છે. સરેરાશ પુખ્ત વ્યક્તિ પાંચ થી છ ક્વાર્ટ્સ (4.7થી 5.7 લિટર) રુધિર ધરાવે છે. રુધિર કોષરસ, રક્તકણ, શ્વેતકણ અને રુધિરકણિકાઓનું બનેલું હોય છે. હૃદયને ધબકતું રાખવા માટે રુધિરાભિસરણ તંત્રને જરૂરી પોષક તત્ત્વો પુરા પાડવા પાચન તંત્ર પણ પરિવહન તંત્રની સાથે કામ કરે છે.

ફુપ્ફુસ પરિવહન

[ફેરફાર કરો]

ફુપ્ફુસ પરિવહન તંત્ર રક્તવાહિની તંત્રનો એક ભાગ છે જે ઓક્સિજનવિહીન રુધિરને હૃદયથી દૂર લઇ જઇને ફેફસાંમાં લાવે છે અને રુધિરનું શુદ્ધિકરણ કરી ઓક્સિજનયુક્ત રુધિરને ફરી હૃદયમાં મોકલે છે.

ઓક્સિજનવિહીન રુધિર અગ્રમહાશિરામાંથી હૃદયના જમણા કર્ણકમાં પ્રવેશે છે અને કર્ણક-ક્ષેપક-વાલ્વ જે ત્રિદલ વાલ્વ છે તેમાં થઇને જમણા ક્ષેપકમાં વહે છે. જમણા ક્ષેપકમાંથી રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વયુક્ત ફુપ્ફુસકાંડમાં થઇને ફુપ્ફુસધમનિઓ દ્વારા ફેફસામાં વહન પામે છે. હવે ફુપ્ફુસશિરાઓ ઓક્સિજનયુક્ત રુધિરને હૃદયમાં પાછું મોકલે છે. ડાબા કર્ણકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર કર્ણક-ક્ષેપક-વાલ્વ જે દ્વિદલ વાલ્વ છે તેમાં થઇને ડાબા ક્ષેપકમાં વહે છે. બાદમાં ઓક્સિજનયુક્ત રુધિર ધમનીકાંડ મારફતે ડાબા ક્ષેપકમાંથી બહાર આવે છે અને શરીરના અન્ય ભાગમાં જાય છે.

દૈહિક પરિવહન

[ફેરફાર કરો]

દૈહિક પરિવહન રક્તવાહિની તંત્રનો એક ભાગ છે જે ઓક્સિજનયુક્ત રુધિરને હૃદયમાંથી શરીરના અન્ય ભાગમાં લઇ જાય છે અને ઓક્સિજનવિહીન રુધિરને હૃદયમાં પાછું લાવે છે. દૈહિક પરિવહન લંબાઇની દ્રષ્ટિએ ફુપ્ફુસ પરિવહન કરતા ઘણું મોટું છે અને તે શરીરના દરેક ભાગમાં રુધિર પહોંચાડે છે.

હૃદય પરિવહન

[ફેરફાર કરો]

હૃદય રુધિરાભિસરણ તંત્ર હૃદયને રુધિર પહોંચાડે છે. તે હૃદયને ઓક્સિજનયુક્ત રુધિર પુંરું પાડતું હોવાથી વ્યાખ્યા મુજબ તે દૈહિક રુધિરાભિસરણ તંત્રનો એક ભાગ છે.

આગળથી દેખાવ, એટલે કે હૃદયની જમણી બાજુ ચિત્રની ડાબી બાજુએ છે(અને તેવી જ રીતે ઉલટું)

હૃદય ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના અન્ય ભાગમાં મોકલે છે અને ઓક્સિજનવિહીન રુધિરને ફેફસાંમાં મોકલે છે. હૃદયમાં પ્રત્યેક પરિવહન માટે એક કર્ણક અને એક ક્ષેપક આવેલું હોય છે. આમ દૈહિક પરિવહન અને ફુપ્ફુસ પરિવહન બંને માટે થઇને કુલ ચાર ખંડ આવેલા હોય છે, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક અને જમણું ક્ષેપક. જમણું કર્ણક હૃદયની જમણી બાજુમાં ઉપરના ભાગમાં આવેલું હોય છે. જમણાં કર્ણકમાં પાછું ફરેલું ઓક્સિજનવિહીન (ઓછા ઓક્સિજનવાળું) રુધિર જમણા ક્ષેપકમાં આવે છે. જમણા ક્ષેપકમાંથી આ રુધિર ફુપ્ફુસ અગ્રધમની મારફતે ફેફસાંમાં જાય છે અને ફેફસામાં ઓક્સિજનવિહીન રૂધિરમાં ઓક્સિજન ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે. ડાબું કર્ણક ફેફસાં તેમજ ફુપ્ફુસ અગ્રશીરામાંથી નવું ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે જે મજબૂત ડાબા ક્ષેપકમાં આવે છે અને અહીંથી મહાધમની મારફતે ઓક્સિજનયુક્ત રુધિર શરીરના અન્ય ભાગમાં પહોંચાડવામાં આવે છે.

બંધ રક્તવાહિની તંત્ર

[ફેરફાર કરો]

માનવીનું રક્તવાહિની તંત્ર બંધ છે, એટલેકે રુધિર ક્યારેય રુધિરવાહિનીઓના નેટવર્કને છોડતું નથી. તેનાથી વિપરિત ઓક્સિજન અને પોષકતત્ત્વો રુધિરવાહિની આવરણોમાં ભળે છે અને આંતરાલીય પ્રવાહીમાં પ્રવેશે છે, જે ઓક્સિજન અને પોષકત્ત્વોને લક્ષિત કોશિકા સુધી લઇ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને કચરાને વિરુદ્ધ દિશામાં લઇ જાય છે. રુધિરાભિસરણ તંત્રનો અન્ય ઘટક લસિકા પરિવહન તંત્ર બંધ તંત્ર નથી. હૃદય બે ફેફસાંની વચ્ચે શરીરના કેન્દ્ર ભાગમાં આવેલું છે. શરીરના ડાબા ભાગમા હૃદયના ધબકારા અનુભવાય છે તેની પાછળનું કારણ તે છે કે ડાબી બાજુએ આવેલું ડાબું ક્ષેપક રુધિરનું પરિવહન કરવા માટે જોરથી ધબકતું હોય છે.

માપન ટેકનિક્સ

[ફેરફાર કરો]

આરોગ્ય અને રોગ

[ફેરફાર કરો]

ઓક્સિજન (પ્રાણવાયુ)નું પરિવહન

[ફેરફાર કરો]

દરીયાના સ્તરે રહેલા દબાણે શ્વાસ લેતાં સ્વસ્થ માનવના ધમનીના લોહીના નમુનામાં 98.5 ટકા જેટલો ઓક્સિજન હિમોક્લોબિનના પરમાણુ સાથે રાસાયણિક રીતે જોડાયેલો હોય છે. લગભગ 1.5 ટકા જેટલો ઓક્સિજન અન્ય રુધિર પ્રવાહીમાં ભૌતિક રીતે ઓગળેલો છે અને તે હિમોગ્લોબિન સાથે જોડાયેલો નથી. સ્તનધારી અને અન્ય ઘણા પ્રાણીઓમાં હિમોગ્લોબિન ઓક્સિજનનો મુખ્ય પરિવાહક છે.

બિનમાનવ

[ફેરફાર કરો]

અન્ય પૃષ્ઠધારીઓ

[ફેરફાર કરો]

તમામ પૃષ્ઠવંશી પ્રાણી તેમજ નૂપુરક સમુદાયના પ્રાણી (દા.ત. અળસિયું)અને સેફાલોપોડ્સ (સ્ક્વિડ અને ઓક્ટોપસ)નું રુધિરાભિસરણ તંત્ર માનવ જેવું જ બંધ હોય છે. જો કે માછલી, ઉભયજીવી, સરિસૃપ અને પક્ષીના તંત્ર રુધિરાભિસરણ તંત્રના ઉત્ક્રાંતિના વિવિધ તબક્કા દર્શાવે છે.

માછલીના તંત્રમાં માત્ર એક જ સર્કિટ હોય છે જેમાં રુધિરનું ચૂઇની રક્તકેશિકાઓમાંથી વહન થાય છે અને શરીરની પેશીઓની રક્તકેશિકાઓ સુધી પહોંચે છે. તેને એક ચક્ર પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. માટે માછલીનું હૃદય દ્વિખંડી હોય છે અને તે માત્ર એક જ પંપ ધરાવે છે.

ઉભયજીવી અને મોટા ભાગના સરિસૃપ પ્રાણીઓમાં બેવડા રુધિરાભિસરણ તંત્રનો ઉપયોગ થાય છે પરંતુ હૃદય સંપૂર્ણપણે બે પંપમાં વિભાજિત થયેલું નથી હોતું. ઉભયજીવી પ્રાણી ત્રીખંડી હૃદય ધરાવે છે.

સરિસૃપમાં હૃદયનું ક્ષેપકીય વિભાજન અપૂર્ણ હોય છે અને ફુપ્ફુસ ધમની સ્ફિન્ક્ટર સ્નાયુ ધરાવે છે. જેથી કરીને રુધિર પ્રવાહનો બીજો સંભવિત માર્ગ તૈયાર થઇ શકે છે. રુધિર ફુપ્ફુસ ધમની થઇને ફેફસાં સુધી પહોંચવાના સ્થાને સ્પિન્ક્ટર અપૂર્ણ ક્ષેપકીય વિભાજનમાં થઇને ડાબા ક્ષેપકમાં આવે છે અને મહાધમની થઇને બહાર નિકળે છે. આનો અર્થ તે થયો કે રુધિર રક્તકેશિકાઓમાંથી હૃદય તરફ વહે છે અને હૃદયમાંથી રુધિર ફેફસાંમાં જવાના સ્થાને ફરી રક્તકેશિકાઓમાં જાય છે. આ પ્રકિયા અસમતાપી (શીતરુધિરવાળા) પ્રાણીઓમાં તેમના શરીરના તાપમાનનું નિયમન કરવામાં ઘણી ઉપયોગી નિવડે છે.

પક્ષી અને સ્તનધારી પ્રાણીઓમાં હૃદય સંપૂર્ણપણે બે પંપમાં વહેંચાયેલા જોવા મળે છે આમ હૃદયમાં કુલ ચાર ખંડ હોય છે. એવું માનવામાં આવે છે કે પક્ષીમાં ચાર ખંડીય હૃદય સ્તનધારી પ્રાણીઓમાંથી સ્વતંત્ર રીતે વિકસ્યું છે.

ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર

[ફેરફાર કરો]

ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર એક એવું તંત્ર છે જેમાં રુધિરગુહા નામની દેહગુહામાં (હિમોલિમ્ફ નામનું) પ્રવાહી વહે છે. તે શરીરના અંગોને સીધો ઓક્સિજન અને પોષક તત્ત્વો પહોંચાડે છે. તેમાં રુધિર અને આંતરાલીય પ્રવાહીમાં કોઇ તફાવત હોતો નથી. આ સંમિશ્રિત પ્રવાહીને હિમોલિમ્ફ અથવા હેમોલિમ્ફ કહેવાય છે. પ્રચલન દરમિયાન પ્રાણી દ્વારા સ્નાયુનું હલનચલન હેમોલિમ્ફની હલનચનલને સહાય કરે છે પરંતુ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પ્રવાહની દિશા બદલવાની ક્ષમતા મર્યાદિત છે. હૃદયનું જ્યારે પરિસંકોચન થાય છે ત્યારે રુધિર ખુલ્લા છીદ્રોવાળી મહાધમનીમાં થઇને હૃદયમાં પાછું આવે છે.

હેમોલિમ્ફ શરીરના તમામ આંતરિક હમોસોલને ભરી દે છે અને કોશિકાની ચારે બાજું ગોઠવાઇ જાય છે. હેમોલિમ્ફ વિવિધ ઘટકોનું બનેલું હોય છે જેમાં પાણી, ઇનઓર્ગેનિક ક્ષાર (મોટે ભાગે Na+, Cl-, K+, Mg2+, and Ca2+), અને કાર્બનિક સંયોજનો (મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, અને લિપિડ)નો સમાવેશ થાય છે. ઓક્સિજનનો પ્રાથમિક વાહક પરમાણુ હિમોસાયનિન છે.

હેમોલિમ્ફમાં મુક્ત રીતે તરતાં હિમોકણ આવેલા હોય છે. તેઓ આર્થ્રોપોડ રોગપ્રતિકારક તંત્રમાં ભૂમિકા ભજવે છે.

પરિહવન તંત્રની ગેરહાજરી

[ફેરફાર કરો]

પટ્ટકૃમિ (ફાયલમ પૃથુકૃમિ) સહિતના કેટલાંક પ્રાણીમાં રુધિરાભિસરણ તંત્રની ગેરહાજરી હોય છે. તેમની દેહકોષ્ટમાં રેખીય કે બંધ પ્રવાહી હોતું નથી. તેના સ્થાને સ્નાયુબદ્ધ ફર્નિક્સ બહુશાખી પાચનતંત્ર સુધી પહોંચે છે અને તે તમામ કોશિકામાં પોષક તત્ત્વોના સીધા પ્રસરણને સહાય કરે છે. પટ્ટકૃમિનું શરીર પૃષ્ઠવક્ષ બાજુએ ચપટાં હોવાથી શરીરના કોઇ પણ કોશિકાનું અંતર પાચનતંત્ર અથવા જીવતંત્રથી બહુ દૂર હોતું નથી. કોષની આસપાસ રહેલા પાણીમાંથી ઓક્સિજનનું કોશિકામાં અને કાર્બન ડાયોક્સાઇડનું કોષની બહાર પ્રસરણ થઇ શકે છે. પરીણામે તમામ કોશિકા કોઇ પણ પ્રકારના રુધિરાભિસરણ તંત્રની જરૂર વગર પોષક તત્ત્વો, પાણી અને ઓક્સિજન મેળવી શકે છે.

જેલી જેવા કેટલાક પ્રાણીઓ તેમની વાયુગુહામાં ઘણી શાખા ધરાવતા હોય છે (જે પાચન તેમજ પરિવહનના એક સ્વરૂપના સ્થળ તરીકે કામ કરે છે). આ શાખાઓને કારણે શરીરરસ બહારના આવરણમાં જાય છે જો કે પાચન અંદરના આવરણમાં શરૂ થાય છે.

શોધનો ઇતિહાસ

[ફેરફાર કરો]

રુધિરાભિસરણ તંત્ર પર જાણમાં આવેલું સૌથી જૂનું લખાણ (બીસીઇ 16મી સદીમાં) પ્રાચીન ઇજિપ્તીયન પેપિરસ એબર્સ પેપિરસમાં જોવા મળ્યું છે જેમાં 700 પ્રિસ્ક્રીપ્શન અને ઉપચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારના ઉપચારનો સમાવેશ થાય છે. પેપિરસનું લખાણ ધમનીઓના હૃદય સાથે જોડાણને પુષ્ટિ આપે છે. ઇજિપ્તવાસીઓ માનતા હતા કે શરીરમાં હવા મોંઢા મારફતે પ્રવેશે છે અને તે ત્યાંથી ફેફસાં અને હૃદયમાં જાય છે. હૃદયમાંથી હવા ધમનીઓ મારફતે શરીરના દરેક અંગમાં જાય છે. રુધિરાભિસરણ તંત્રનો આ વિચાર ખોટો ઠર્યો છે પરંતુ તે સૌથી જૂના વૈજ્ઞાનિક વિચારોમાંનો એક છે.

બીસીઇ છઠ્ઠી સદીમાં પ્રાચીન ભારતમાં આયુર્વેદિક વૈધ સુશ્રુતાને શરીરમાં મહત્ત્વના પ્રવાહીઓનું પરિવહન અંગે જ્ઞાન હતું.[૪] તેમને ધમનીઓ અંગેનું પણ જ્ઞાન હોય તેમ જણાય છે. દ્વિવેદી અને દ્વિવેદી (2007)એ તેમને ચેનલ્સ ગણાવી હતી.[૪] હૃદયના વાલ્વની શોધ ચોથી સદીમાં હિપ્પોક્રેટીયન સ્કૂલના એક ફિઝિશિયન દ્વારા કરવામાં આવી હતી. જો કે તે સમયે તેનું કાર્ય સમજી શકાયું ન હતું. કારણકે મૃત્યુ બાદ ધમની અને શીરાઓમાં રુધિર ખાલી જણાતું હતું. પ્રાચીન શરીરરચનાશાસ્ત્રીઓએ ધારણા કરી હતી કે તે હવાથી ભરેલી હશે અને તેનો હવાના પરિવહન માટે ઉપયોગ થતો હશે.

ગ્રીક ફિઝિશિયન હેરોફિલસે શીરાને ધમનીથી છૂટી પાડી હતી પરંતુ વિચાર્યું હતું કે ધબકારા માત્ર ધમનીઓનું જ લક્ષણ છે. ગ્રીક શરીરરચનાશાસ્ત્રી એરાસિસટ્રેટસે નિરીક્ષણ કર્યું હતું કે જીવન રક્તવહન દરમિયાન ધમનીઓ કપાઇ જાય છે. તેણે જણાવ્યું હતું કે ધમનીમાંથી જ્યારે હવા બહાર નિકળી જાય છે ત્યારે તેની ખાલી પડેલી જગ્યામાં રુધિર પ્રવેશે છે. આ રુધિર શિરા અને ધમની વચ્ચે આવેલી અત્યંત નાની રુધિરવાહિનીઓ દ્વારા આવે છે. આમ તેમણે રુધિરકેશિકાનો વિચાર રજૂ કર્યો હતો પરંતુ તેણે રુધિરનો પ્રવાહ વાસ્તવિકતા કરતાં ઉલટો દર્શાવ્યો હતો.[૫]

એડી રોમ બીજી સદીમાં, ગ્રીક ફિઝિશિયન ગેલનએ જાણ્યું હતું કે રુધિરવાહિનીઓ રુધિરનું વહન કરે છે અને તેણે શિરામાં વહેતા (ઘેરા લાલ) અને ધમનીમાં વહેતા (ચમકતા અને પાતળા) લોહીની ઓળખ કરી હતી. આ બંને પ્રકારની રુધિરવાહિનીઓ એકબીજાથી એકદમ અલગ અને ભિન્ન કાર્યો ધરાવતી હતી. વૃદ્ધિ અને ઊર્જા યકૃતમાં પેદા થઇને શિરામાં વહેલા રુધિરમાંથી મળી હતી જ્યારે ધમનીમાં વહેતું લોહી હવા સાથે જીવનશક્તિ પુરી પાડતું હતું. ધમનીમાં વહેતું લોહી હૃદયમાંથી પેદા થતું હતું. રુધિર પેદા કરતા અંગોમાં રુધિર પેદા થઇને શરીરના તમામ ભાગમાં જતું હતું અને ત્યાં તેમનો વપરાશ થઇ જતો હતો. તે વિચારમાં રુધિર પાછું હૃદય કે યકૃતમાં આવે છે તેવી ધારણા ન હતી. હૃદય આજુબાજુમાંથી રુધિરને ખેંચતું ન હતું, હૃદયના શિથિલન દરમિયાન હૃદયની ગતિ રુધિર ખેંચતી હતી અને રુધિરનું ધમનીઓના ધબકારા મારફતે વહન થતું હતું.

ગેલન માનતો હતો કે ધમનીમાં વહેતા રુધિરનું ઉત્પાદન આંતરક્ષેપક પટલમાં આવેલા છિદ્રમાંથી ડાબા ક્ષેપકમાંથી જમણા ક્ષેપકમાં પસાર થતાં શીરાના રુધિરમાંથી થતું હતું. હવા ફુપ્ફુસ ધમની મારફતે હૃદયની ડાબી બાજુમાંથી પસાર થતી હતી. ધમનીય રુધિરના ઉત્પાદન દરમિયાન સૂટી બાષ્પ પેદા થતી હતી અને તે ફુપ્ફુસ ધમની મારફતે ફેફસાંમાં જતી અને ત્યાંથી તેનો ઉચ્છવાસ થતો હતો.

1025માં પર્શિયન ફિઝિશિયન એવિસેનાના કેનન ઓફ મેડિસિને "આંતરક્ષેપક પટલમાં છિદ્ર હોવાના ગ્રીક વિચારને સ્વીકાર્યો હતો. આ છીદ્ર મારફતે રુધિર એક ક્ષેપકમાંથી બીજા ક્ષેપકમાં જાય છે." આમ છતાં એવિસેનાએ હૃદયચક્ર અને વાલ્વની કામગીરી અંગે સાચું લખ્યું હતું અને તેના ટ્રીટાઇઝ ઓન પલ્સ માં રુધિર પરિવહનનો વિચાર હતો.[૬] ગેલેનનો ધબકારાનો ખોટા સિદ્ધાંતને વધુ સ્પષ્ટ કરતા એવિસેનાએ સૌ પ્રથમ વખત ધબકારાની સાચી સમજ પૂરી પાડી હતીઃ " પ્રત્યેક ધબકારો બે હલનચલન અને બે વિરામનો બનેલો હોય છે." આમ, વિસ્તરણ : વિરામ : સંકોચન : વિરામ. [...] ધબકારો હૃદય અને ધમીઓમાં થતી હલનચલન છે... જે વારાફરતી વિસ્તરણ અને સંકોચનના સ્વરૂપમાં થાય છે."[૭]

1242માં અરેબીયન ફિઝિશિયન ઇબ્નલ-નફિસ પ્રથમ એવો વ્યક્તિ બન્યો હતો કે જેણે ફુપ્ફુસીય પરિવહનની પ્રક્રિયા ચોક્કસ રીતે સમજાવી હોય. આ માટે તેને ઘણીવાર પરિવહન ફિઝિયોલોજીના પિતા ગણવામાં આવે છે.[૮] ઇબ્લન-નફિસે તેની કોમેન્ટરી ઓન એનાટોમી ઇન એવિસેનાસ કેનન માં જણાવ્યું હતું કે,

"...રુધિર હૃદયના જમણા ખંડમાંથી ડાબા ખંડમાં આવે છે પરંતુ તેની વચ્ચે કોઇ સીધો માર્ગ નથી. હૃદયના જાડા પટલ છીદ્રીય નથી અને કેટલાક લોકો અથવા ગેલને જેમ વિચાર્યું હતું તેમ તેમાં કોઇ દેખીતા છીદ્રો નથી. રુધિર ફુપ્ફુસીય ધમની મારફતે હૃદયના જમણા ખંડમાંથી ફેફસાંમાં વહેતું હોવું જોઇએ, તે ફુપ્ફુસીય શિરા મારફતે હૃદયના ડાબા ખંડમાં પહોંચતું હોવું જોઇએ અને જીવનશક્તિ રચાતી હોવી જોઇએ..."

વધુમાં ઇબ્નલ-નફિસે રુધિરકેશિકા પરિવહનનો વ્યાપક સિદ્ધાંત શું હોવો જોઇએ તેની રજૂઆત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ફુપ્ફુસીય ધમની અને શિરાની વચ્ચે કોઇ નાનો સંવાદ કે છીદ્ર (અરેબિકમાં તેને મેનેફિધ કહેવાય છે)હોવું જ જોઇએ," આ આગાહીના 400 વર્ષ બાદ રુધિરકેશિકા તંત્રની શોધ થઇ હતી.[૯] ઇબ્નલ-નફિઝનો સિદ્ધાંત જો કે ફેફસામાં રુધિર વહન સુધી જ મર્યાદિત હતો અને તેમાં સમગ્ર શરીરમાં રુધિર પરિવહનની માહિતી ન હતી.

અંતે હીરોનિમસ ફેબ્રિસીયસના એક વિદ્યાર્થી વિલિયમ હાર્વીએ (અગાઉ તેણે શિરાના વાલ્વની વ્યાખ્યા આપી હતી જો કે તેમાં તેના કાર્યની માહિતી ન હતી) શ્રેણીબદ્ધ પ્રયોગો હાથ ધર્યા હતા અને 1628માં એક્સરસાટેશિયો એનાટોમિકા દી મોટુ કાર્ડીસ એટ સેન્ગ્વીનીસ ઇન એનિમલિબસ પ્રકાશિત કરી હતી. જેમાં સમજાવવામાં આવ્યું હતું કે ધમનીય અને શિરીય તંત્ર વચ્ચે કોઇ સીધું જોડાણ માત્ર ફેફસામાં જ નહીં પરંતુ સમગ્ર શરીરમાં હોવું જ જોઇએ. તેણે અત્યંત મહત્ત્વની દલીલ કરી હતી કે હૃદયના ધબકારા સમગ્ર શરીરમાં ઝીણા જોડાણ મારફતે રુધિરનું પરિવહન કરે છે. આ સૈદ્ધાંતિક કૂદકો અબ્નલ-નફિસની શરીરરચનાની વ્યાખ્યા અને હૃદય અને ફેફસામાં રુધિર પ્રવાહની ધારણા કરતા એકદમ અલગ હતો."[૧૦] આ કામગીરીએ તેમાં જરૂરી સુધારા સાથે તબીબી વિશ્વમાં ધીમે ધીમે સ્વીકૃતી કેળવી હતી. જો કે હાર્વી ધમની અને શિરાને જોડતી રુધિરકેશિકા તંત્રને ઓળખી શક્યો ન હતો. તેની બાદમાં 1661માં માર્સિલો માલ્પીઘી દ્વારા શોધ થઇ હતી.

અન્ય ચિત્રો

[ફેરફાર કરો]

આ પણ જોશો

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ઢાંચો:DorlandsDict
  2. ઢાંચો:DorlandsDict
  3. ઢાંચો:MeshName
  4. ૪.૦ ૪.૧ દ્વિવેદી, ગિરીશ અને દ્વિવેદી, શ્રીધર (2007). હિસ્ટરી ઓફ મેડિસિન: સુશ્રુતા –ધ ક્લિનિસિયલ – ટીચર પાર એક્સલન્સ સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૦ ના રોજ વેબેક મશિન. નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (ભારત સરકાર).
  5. આંતરિક સંરચના - આંતરિક સંરચનાનો ઇતિહાસ
  6. Mohammadali M. Shojaa, R. Shane Tubbsb, Marios Loukasc, Majid Khalilid, Farid Alakbarlie, Aaron A. Cohen-Gadola (29 May 2009), "Vasovagal syncope in the Canon of Avicenna: The first mention of carotid artery hypersensitivity", International Journal of Cardiology (Elsevier) 134 (3): 297–301, doi:10.1016/j.ijcard.2009.02.035 
  7. રશેલ હાજર (1999), "ધ ગ્રિકો-ઇસ્લામિક પલ્સ", હાર્ટ વ્યૂઝ 1 (4): 136-140 [138]
  8. ચેરમેન્સ રિફ્લેક્શન્સ (2004), "ખાડી આરબોની પરંપરાગત વૈદક, ભાગ II: શરીરમાંથી લોહી કાઢવું", હાર્ટ વ્યૂઝ 5 (2), પાનું 74-85 [80].
  9. West, John B. (October 9, 2008), "Ibn al-Nafis, the pulmonary circulation, and the Islamic Golden Age", Journal of Applied Physiology 105: 1877–80, doi:10.1152/japplphysiol.91171.2008 
  10. પીટર ઇ. પોર્માન અને ઇ. સેવેજ સ્મિથ, મેડિવલ ઇસ્લામિક મેડિસિન જ્યોર્જટાઉન યુનિવર્સિટટી, વોશિંગ્ટન ડીસી, 2007, પાનું 48.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]

ઢાંચો:Organ systems

ઢાંચો:Heart ઢાંચો:Arteries and veins

ઢાંચો:Cardiovascular physiology

ઢાંચો:Development of circulatory system

ઢાંચો:Circulatory system pathology

ઢાંચો:Lymphatic flow