સભ્ય:Gazal world/ઓગસ્ત કોમ્ત
ઈસ્તદોર મારિયા ઓગસ્ત ફ્રાંસીસ ઝેવીયર્સ (અથવા ઇસિદોર મારી ઓગસ્ત ફ્રાંસુઆ હાવીએર કોંત) (૧૯ જાન્યુઆરી ૧૭૯૮ – ૫ સપ્ટેમ્બર ૧૮૫૭) (ऑगस्त कौंत[lower-alpha ૧]) તત્વચિંતક અને સમાજશાસ્ત્રી હતા. સમાજશાસ્ત્ર શબ્દની તથા તેના વિષયવસ્તુ અને પદ્ધતિની સૌપ્રથમ ચર્ચા તેમણે કરી હતી, આથી તેમણે 'સમાજશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.[૨]
તેમણે કોર્સ ઑફ પૉઝિટિવ ફિલોસૉફી ના છ ગ્રંથ અને સિસ્ટમ ઑફ પૉઝિટીવ પૉલિટીના ચાર ગ્રંથ આપ્યા છે.[૨]
કાર્ય
[ફેરફાર કરો]પોતાના ગ્રંથ 'સિસ્ટમ ઑફ પૉઝિટીવ પૉલિટી'માં કોંતે ભવિષ્યનો ઔદ્યોગિક સમાજ કેવો હશે તેનાં વિશે વિગતવાર ચર્ચા કરી છે; જેમાં કોટિક્રમ કેવો હશે, નેતાઓ, ઉદ્યોગપતિઓ અને બૅંકરોની ભૂમિકા શું હશે વગેરે મુદ્દાઓની તેમણે છણાવટ કરી છે.[૩]
કોમ્તે યુદ્ધવિહીન સમાજની કલ્પના કરી હતી કારણ કે તે માનતો હતા કે ઔદ્યોગિક સમાજમાં યુદ્ધનું કોઈ કાર્ય નહીં રહે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં લોકો નિયમિત રીતે કામ કરવાના આળસુ હતા, તેથી તેમને કામ કરવાનું દબાણ લાવવા માટે યુદ્ધો જરૂરી હતાં. વળી મોટાં રાજ્યો ઊભાં કરવા માટે અને તેમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પણ યુદ્ધો જરૂરી હતાં. આમ યુદ્ધોને લીધે લોકોને કામ કરવાની આદત પડી અને મોટાં રાજ્યો ઊભાં થયાં, પરંતુ ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક સમાજ ઊભો થઈ ગયા પછી યુદ્ધોનું કોઈ કાર્ય રહ્યું નહિ, તેથી સમાજમાં હવે સૈનિક વર્ગની પણ જરૂર નહિ રહે એમ કોમ્તનું માનવુ હતું.[૪]
સમાજશાસ્ત્ર
[ફેરફાર કરો]કોમ્તે સમાજશાસ્ત્રના બે વિભાગો પાડ્યા છે: સામાજિક સ્થિતિશાસ્ત્ર (Social Statics) અને સામાજિક ગતિશાસ્ત્ર (Social Dynamics). પહેલા વિભાગમાં સામાજના રચનાતંત્રનું વાસ્તવિક વર્ણન હાથ ધરવામાં આવે છે, જ્યારે બીજા વિભાગમાં સમાજમાં થતા ફેરફારોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પોતાના 'ત્રણ તબક્કાઓના સિદ્ધાંત' (Law of Three Stages) દ્વારા કોમ્તે સમાજ કેવી રીતે વિકાસ પામે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ પોતાના મતોનું પ્રતિપાદન કરતી વખતે કોમ્તે ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનનો વિશેષ આશ્રય લીધો છે અને એમાં વૈજ્ઞાનિકતાનો અંશ પ્રમાણમાં અલ્પ છે.[૫]
કોમ્ત માનતા હતા કે મનુષ્યનો બૌદ્ધિક વિકાસ ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે. જેમ જેમ માનવસમાજ એક તબક્કામાંથી બીજા તબક્કામાં પ્રવેશે છે, તેમ તેમ તે સમાજની જટિલતા અને ગહનતા વધતી જાય છે. આ ત્રણ તબક્કાઓ આ પ્રમાણે છે: (૧) ધર્મશાસ્ત્રીય અથવા કાલ્પનિક તબક્કો (Theological or Fictious Stage) (૨) તત્ત્વિક અથવા અમૂર્ત તબક્કો (Metaphysical or Abstact Stage) (૩) અને પ્રત્યક્ષવાદી તબક્કો (Positivistic Stage).[૧]
કોમ્તે 'વિજ્ઞાનોનો પદાનુક્રમ' Hierarchy of Science)નો સિદ્ધાંત આપ્યો. તેમણે વિજ્ઞાનોને ગણિત, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, પ્રાણિશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એવા ઉતરતા ક્રમમાં ગોઠવ્યા. તેમના મત અનુસાર સમાજશાત્ર સૌથી છેલ્લે અસ્તિત્ત્વમાં આવ્યું આથી તે સૌથી વધારે જટિલ વિષય છે. જ્યારે ગણિત સૌથી પાયાનો અને સરળ વિષય છે આથી તે સૌથી પહેલું અસ્તિત્ત્વમાં આવ્યું. કોમ્તનું માનવું હતું કે દરેક પૂર્વવર્તી વિજ્ઞાન તેના પછીના ક્રમમાં આવતા વિષયથી વધારે સરળ હોય છે. આમ, એમનો આ વિચાર ઘટતી જતી સામાન્યતા અને વધતી જતી જટિલતા પર અધારિત છે. જે વિષય-વસ્તુ અન્ય વિષય-વસ્તુ પર જેટલિ નિર્ભર હશે એ એતલી જ જટિલ હશે.[૧]
નોંધ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ सिंह, जे. पी. (2016). आधुनिक भारत में सामाजिक परिवर्तन (द्वितीय આવૃત્તિ). दिल्ही: PHI Learning Pvt. Ltd. પૃષ્ઠ २४. ISBN 978-81-203-5232-2.
- ↑ ૨.૦ ૨.૧ જોષી & જમીનદાર ૧૯૯૩, p. ૨૭૧.
- ↑ જોષી ૨૦૨૦, p. ૩૧.
- ↑ જોષી ૨૦૨૦, p. ૩૨.
- ↑ ઝવેરી, મહેન્દ્ર કૃષ્ણલાલ (૧૯૭૭). સામાજિક પરિવર્તન: Social Change (Sociological Analysis) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ ૯.
સંદર્ભ સૂચિ
[ફેરફાર કરો]- જોષી, વિદ્યુત (૨૦૨૦) [૨૦૦૧]. ઓગસ્ત કોમ્ત (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ISBN 978-81-7468-247-5.
- જોષી, વિદ્યુત; જમીનદાર, રસેશ (નવેમ્બર ૧૯૯૩). "કોન્ત, ઑગસ્ત". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૫ (કે – ખ્વા) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૭૧. OCLC 164915270.