લખાણ પર જાઓ

ઝેર તો પીધાં છે જાણી જાણી

વિકિપીડિયામાંથી

ઝેર તો પીધાં છે જાણી જાણી એ ત્રણ ભાગમાં (૧૯૫૨, ૧૯૫૮, ૧૯૮૫) વહેંચાયેલી મનુભાઈ પંચોળીની ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિમાં લખાયેલી એક દીર્ઘ કાલ્પનિક નવલકથા છે. આ નવલકથાને ૧૯૮૭માં ભારતીય જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી.[]

નવલકથા

[ફેરફાર કરો]

આ કથામાં તેમણે વીસમી સદીના વૈશ્વિક મનુષ્યને અહીં ભારતીય નજરે બતાવ્યો છે. કાઠિયાવાડના નાનકડાં ગામમાંથી શરૂ થતી આ નવલકથાની કથા બીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિમાં યુરોપના સીમાડાઓ સુધી પહોંચે છે.[]

‘આ નવલકથા વેરાન કોતરોને જાતમહેનતે પલ્લવિત કરતા નિર્ગુણિયા સંતથી શરૂ થઈ રાષ્ટ્ર અને જાતિના અભિયાનમાં અટવાયેલા યુરોપને આશ્વસ્ત કરી મધ્ય પૂર્વમાં યહૂદીઓના જીવનસંગ્રામને સલામ કરી મ્યાનમારની હજાર બુદ્ધની ગુફામાં સ્નાનશુદ્ધ થઈ કોરિયાના અવિસ્મરણીય ઘેરામાં પ્રવેશે છે.’

—નવલકથાના પાત્રોના વિશ્વપ્રવાસ સંદર્ભે લેખક મનુભાઈ પંચોળી[]

નવલકથા વિષે લેખક કહે છે કે “ઝેર તો પીધાં છે જાણી જાણી એ વર્તમાન કાળની ઐતિહાસિક કથા છે. તેમાં કેટલાંક પાત્રો યથાવત છે, કેટલાંક ઐતિહાસિક કલ્પનામાંથી પ્રગટ્યાં છે, પણ ઇતિહાસના સારને લાગેવળગે છે ત્યાં સુધી તે ઐતિહાસિક ગણાય. અહીં ઇતિહાસ એટલે ઇતિહાસનું પાઠ્યપુસ્તક લક્ષમાં નથી. ઝેર તો પીધાં છે જાણી જાણી તેમ જ મારી બીજી નવલકથાઓમાં ઇતિહાસને તેના પ્રદીપ રૂપે પ્રગટ કરવા મેં કોશિશ કરી છે, કારણ કે ઇતિહાસનું પ્રત્યક્ષીકરણ જ લોકસ્ય ચક્ષુઃ છે.”

કથાસાર

[ફેરફાર કરો]

આ નવલકથા બે વિશ્વયુદ્ધોના સાક્ષી બનતાં પાત્રોની વાત કરે છે.[] વાર્તાના પ્રથમ ખંડમાં રોહિણી, સત્યકામ અને હેમંત મુખ્ય પાત્રો છે. બીજા ખંડમાં નાયક સત્યકામ અંધ બને છે અને તેમનું કાર્ય રેથન્યૂ જેવાં યહૂદી પાત્રો દ્વારા ઉપાડવામાં આવે છે. નવલકથાના ત્રીજા ખંડમાં અચ્યુત, રેખા અને મર્સી જેવાં પાત્રો માનવતાના આદર્શ માટે પ્રયત્નો કરે છે. આ નવલકથામાં હિટલર અને એના સાથી કાર્લનો પણ સમાવેશ થયો છે. આ નવલકથામાં વિવિધ દેશ અને માનવીઓની જુદી જુદી આનુવંશિક જાતિઓમાંથી પાત્રોને આલેખાયા છે. નવલકથાના ત્રીજા ભાગમાં લેખકે વિશ્વયુદ્ધની પરિસ્થિતિની પૃષ્ઠભૂમિનો આધાર લીધો છે. આ પ્રકારની સંશોધન કરી લખાયેલી યુદ્ધકથા ગુજરાતી સાહિત્યમાં અન્ય નથી. યુદ્ધનું વર્ણન કરતા તેમણે માનવીય મૂલ્યો માટેનો સંઘર્ષ દર્શાવ્યો છે. આલેખ પાછળ તેઓ પ્રતિતી કરાવવા માંગે છે કે માણસ યુદ્ધો માટે જન્મ્યો નથી, પ્રેમ માટે જન્મ્યો છે.[]

સમીક્ષા

[ફેરફાર કરો]

યશવંતભાઈ દોશી આ નવલકથા વિષે લખે છે કે: “ગુજરાતીમાં રસપ્રદ અને કલામય નવલકથાઓ ઘણી છે, પણ મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે: સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ, અને ઝેર તો પીધાં છે જાણી જાણી. આ નવલકથાના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કલાસૃષ્ટિ સર્જી આપી છે, તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહિ, પણ જગતભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં અનન્ય એવું દર્શન કરાવ્યું છે. વિશ્વ સાહિત્યમાં મહાન લેખકોએ જ આવી કૃતિઓનું નિર્માણ કર્યું છે.”[]

રઘુવીર ચૌધરીએ આ નવલકથા વિષે કહ્યું છે કે ‘ગુજરાતી વાચકને વૈશ્વિક અનુભવોમાં ભાગીદાર બનાવવામાં એમનો ફાળો બીજા કોઈ ગુજરાતી લેખક કરતાં વધારે છે.[]

નાટ્ય રૂપાંતરણ

[ફેરફાર કરો]

આ નવલકથાનું પ્રથમ નાટ્ય રૂપાંતર ૧૯૬૨-૬૩માં કરવામાં આવ્યું હતું. તેનો સૌથી પહેલો પ્રયોગ સુરતના રંગ ઉપવનમાં ૨૨ ઑક્ટોબર ૧૯૬૨ દિવસે ભજવાયો હતો. તેમાં રોહિણીની ભૂમિકા વર્ષા આચાર્ય (વર્ષા અડાલજા), સત્યકામની ભૂમિકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અને ગોપાળબાપાની ભૂમિકા વિષ્ણુકુમાર વ્યાસે ભજવી હતી.[]

ફિલ્મ રૂપાંતરણ

[ફેરફાર કરો]

૧૯૭૨માં આ નવલકથા ઉપરથી તે જ નામે એક ગુજરાતી ચિત્રપટ બન્યું હતું તેમાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને અનુપમાએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.[]

સન્માન

[ફેરફાર કરો]

આ નવલકથાને ૧૯૮૭માં ભારતીય જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "ઝેર તો પીધાં છે જાણી જાણી ભા. 1, 2, 3 – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-08.
  2. Update, Sanjog (2021-04-18). "ગુજરાતી નવલકથા જગતની પ્રમુખ વાર્તાઓ". Sanjog News (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-08.
  3. "ઝેર તો પીધા છે જાણી જાણી જીવનનું બહુપરિમાણી ચિત્ર ઉપસાવતી કલાત્મક કૃતિ". Divya Bhaskar. 2017-04-21. મેળવેલ 2021-10-08.
  4. ૪.૦ ૪.૧ "આપણી ભાષાની એક મહાન નવલકથા". opinionmagazine.co.uk. મૂળ માંથી 2021-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-08.
  5. "ઝેર તો પીધાં જાણી જાણી..." navgujaratsamay.com. મૂળ માંથી 2021-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-08.