સામાજિકીકરણ

વિકિપીડિયામાંથી

સામાજિકીકરણ અથવા સામાજીકરણ અથવા સમાજીકરણ એ વ્યક્તિને સામાજિક બનાવતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા વ્યક્તિ પોતાના સમાજના વિચારો, માન્યતાઓ, મૂલ્યો અને જીવનપદ્ધતિને આત્મસાત કરી પોતાની તથા અન્ય લોકોની યોગ્ય ભૂમિકાઓની જાણકારી પ્રાપ્ત કરે છે. આ પ્રકારની જાણકારીની સહાયતા અને પ્રેરણાથી વ્યક્તિ પોતાની ભૂમિકાઓ ભજવવા માટે તથા અન્ય વ્યક્તિઓ સાથેના વ્યવહાર કરવા માટેની વિવિધ રીતો શીખે છે અને સામાજિક જીવનમાં પોતાની યોગ્ય જગ્યા સંભાળે છે.[૧] સામાજિકીકરણની પ્રક્રિયા પ્રત્યેક સમાજમાં પ્રત્યેક સમયે કોઈપણ અપવાદ વગર જોવા મળે છે. આ પ્રક્રિયા વ્યક્તિના જન્મથી શરૂ થઈ મૃત્યુપર્યંત ચાલે છે. આ પ્રક્રિયા વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ — એમ ત્રણેયને ટકાવતી અને ત્રણેયનો સમન્વય કરતી અત્યંત મહત્ત્વની પ્રક્રિયા છે. [૨]

કોઈ પણ ભાવિ સામાજિક ભૂમિકા સાથે સંબંધિત જવાબદારી, અધિકારો, અપેક્ષાઓ, મનોભાવનાઓ તથા વર્તનને શીખવા માટે તથા તેને માટે તૈયાર થવાની પ્રક્રિયાને આગોતરું સામાજિકીકરણ કહે છે. એક વાર શીખેલાં મૂલ્યો, ધોરણો, વર્તણૂક, આદર્શો તથા મનોભાવનાઓને ભૂલાવી દેવાની પ્રક્રિયાને વિસામાજિકીકરણ (અથવા વિસામાજીકરણ) કહે છે. એને સ્થાને જો વ્યક્તિ જે નવાં મૂલ્યો, માન્યતાઓ અને વ્યવહારો શીખે તેને પુન: સામાજિકીકરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે; કોઈ અપરાધી વ્યક્તિને સભ્ય નાગરિક બનાવવા માટે અપરાધી વર્તનનું વિસામાજિકીકરણ કરી નવાં મૂલ્યોનું પુન: સામાજિકીકરણ કરવામાં આવે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૯૨–૧૯૩. ISBN 978-93-85344-46-6.
  2. ત્રિવેદી, નલિની કિશોર (જાન્યુઆરી ૨૦૦૮). "સામાજિકીકરણ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૦૯–૧૧૦. OCLC 552369153. Unknown parameter |publication-location= ignored (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]