સિટી પેલેસ પરિસર, ઉદયપુર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સિટી પેલેસ પરિસર, ઉદયપુર

સિટી પેલેસ પરિસર ભારત દેશના વાયવ્ય ભાગમાં સ્થિત રાજસ્થાન રાજ્યમાં આવેલા ઉદયપુર જિલ્લાના મુખ્ય મથક તેમ જ ઐતિહાસિક નગર તરીકે પ્રસિદ્ધ એવા ઉદયપુર ખાતે આવેલું એક સ્થળ છે. આ સિટી પેલેસના બાંધકામની શરૂઆત ૧૬મી શતાબ્દીમાં કરવામાં આવી હતી. આ પરિસરની સ્થાપના કરવાનો વિચાર એક સંતે મહારાજા ઉદયસિંહને આપ્યો હતો. આ રીતે હાલ આ પરિસર કુલ ૪૦૦ વર્ષોમાં બનાવવામાં આવેલા ભવનોનો એક સમૂહ છે. આ એક ભવ્ય અને વિશાળ પરિસર છે જે પિછોલા તળાવના પૂર્વ કિનારા પર આવેલું છે. આ પરિસરનો વિકાસ કરવામાં કુલ ૨૨ મહારાજાઓએ યોગદાન આપ્યું હતું.

આ પરિસરમાં પ્રવેશ મેળવવા માટે દરેક મુલાકાતીએ ટિકિટ લેવી પડે છે. બાદી પૉળ નામની જગ્યા પરથી ટિકિટ લઇને આપ આ પરિસરમાં પ્રવેશ કરી શકો છો. પરિસરમાં પ્રવેશ કરતાંની સાથે જ આપને ભવ્ય ત્રિપોલિયા દરવાજાનાં દર્શન થશે. આ ત્રિપોલીયા દરવાજામાં કુલ સાત કમાનો આવેલી છે. આ કમાનો (આર્ક) ભૂતકાળમાં થયેલા સાત સ્મરણોત્સવોનું પ્રતીક છે, જ્યારે મહારાજાને સોના અને ચાંદી વડે તોલવામાં આવ્યા હતા તથા એના વજનના ભારોભાર સોના-ચાંદી ગરીબોમાં વહેંચી દેવામાં આવ્યા હતા. આ દરવાજાની સામે આવેલી દીવાલને 'અગદ' કહેવામાં આવે છે. અહિયાં હાથીઓ વચ્ચે લડાઈનો ખેલ યોજતો હતો. આ પરિસરમાં એક જગદીશ મંદિર પણ આવેલું છે. આ પરિસરના જ એક ભાગમાં સિટી પેલેસ સંગ્રહાલય પણ આવેલું છે, જે હાલના સમયમાં સરકારી સંગ્રહાલય ઘોષિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં શંભૂક નિવાસ રાજ પરિવારનું નિવાસ સ્થાન છે. આ ભવનથી આગળના ભાગમાં દક્ષિણ દિશામાં 'ફતહ પ્રકાશ ભવન' અને 'શિવ નિવાસ ભવન' આવેલાં છે. હાલમાં આ બન્ને ભવનો હોટલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે.