લખાણ પર જાઓ

અબ્રાહમ લિંકન

વિકિપીડિયામાંથી
અબ્રાહમ લિંકન
અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપ્રમુખ
પદ પર
૪ માર્ચ ૧૮૬૧ – ૧૫ એપ્રિલ ૧૮૬૫
ઉપ રાષ્ટ્રપતિહન્નિબલ હમલીન
(૧૮૬૧-૧૮૬૫)
ઍન્ડ્ર્યુ જૉન્સન
(માર્ચ-એપ્રિલ ૧૮૬૫)
પુરોગામીજૉન હૅનરી
અનુગામીથોમસ એલ. હૅરીસ
ઇલિનૉઇસ પ્રતિનિધિ સભાના સભ્ય
સંગમાન કાઉન્ટી તરફથી
પદ પર
૧ ડિસેમ્બર ૧૮૩૪ – ૪ ડિસેમ્બર ૧૮૪૨
અંગત વિગતો
જન્મ(1809-02-12)February 12, 1809
સિંકિંગ સ્પ્રિંગ ફાર્મ, કેન્ટુકી, અમેરિકા
મૃત્યુApril 15, 1865(1865-04-15) (ઉંમર 56)
વોશિંગટન ડી.સી., અમેરિકા
મૃત્યુનું કારણહત્યા
અંતિમ સ્થાનલિંકન ટોમ્બ (મકબરો)
રાજકીય પક્ષવ્હીગ પાર્ટી (૧૮૫૪ પહેલાં)
રિપબ્લિકન પાર્ટી,અમેરિકા (૧૮૫૪-૧૮૬૪)
નેશનલ યુનિયન પાર્ટી, અમેરિકા (૧૮૬૪-૧૮૬૫)
ઊંચાઈ૬ ફૂટ ૪ ઈંચ[]
જીવનસાથી
મેરી ટોડ (લ. ૧૮૪૨)
સંતાનો
  • રોબર્ટ
  • એડવર્ડ
  • વિલિયમ વોલેસ
  • ટેડ
સગાં-સંબંધીઓથોમસ લિંકન (પિતા)
નેન્સી હેન્ક્સ લિંકન (માતા)
સહીCursive signature in ink
સૈન્ય સેવાઓ
Allegianceસંયુક્ત રાજ્ય અમેરિકા
ઇલિનૉઇસ
શાખા/સેવાઇલિનૉઇસ મિલિટીયા
સેવાના વર્ષો૧૮૩૨
હોદ્દોકપ્તાન (યુ.એસ. આર્મી)
લડાઈઓ/યુદ્ધોઅમેરિકન ઈન્ડિયન વોર્સ
  • બ્લેક હૉક વોર

અબ્રાહમ લિંકન (૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯ - ૧૫ એપ્રિલ ૧૮૬૫) એ એક અમેરિકન રાજનેતા અને વકીલ હતા. તેઓએ માર્ચ ૧૮૬૧ થી એપ્રિલ ૧૮૬૫માં તેમની હત્યા થઈ ત્યાં સુધી અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપ્રમુખ તરીકે પદ સંભાળ્યું હતું. લિંકને અમેરિકી ગૃહ યુદ્ધમાં દેશનું નેતૃત્ત્વ કર્યું હતું.[][]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]
કેંટુકી, અમેરિકા ખાતેની લિંકનના જન્મસ્થાનની પ્રતિકૃતિ

અબ્રાહમ લિંકનનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯ના રોજ થોમસ લિંકન અને નેન્સી હેન્ક્સ લિંકનના દ્વિતીય સંતાન તરીકે થયો હતો. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું હતું. ૧૮૧૬માં તેમનો પરિવાર કેન્ટુકી રાજ્ય છોડી ઈન્ડિયાના રાજ્યમાં સ્થળાંતરિત થયો. બાળપણથી જ પરિવારના હાડમારીભર્યા જીવનને કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ તૂટક અને અવ્યવસ્થિત રહ્યું. ૧૮૧૮માં તેમની માતાનું નિધન થયું. ૧૮૩૦માં તેમનો સમગ્ર પરિવાર ઈન્ડિયાના રાજ્ય છોડી ઇલિનૉઇસ રાજ્યમાં સ્થાયી થયો. અહીં તેમણે છૂટક મજૂરી અને નાની-મોટી નોકરીઓ કરીને પરિવારને મદદરૂપ બન્યા. થોડો સમય પોસ્ટ માસ્તર અને મોજણી અધિકારી પણ બન્યા.[]

કારકિર્દી

[ફેરફાર કરો]
રાજકીય
લિંકનનું ઘર (સ્પ્રિંગફિલ્ડ, ઇલિનૉઇસ)
નીચલા ગૃહના પ્રતિનિધિ તરીકે લિંકન તેમની પાછલી ત્રીસીના વર્ષોમાં

લિંકને સૌ પ્રથમવાર ઇલિનૉઇસ રાજ્યના પ્રતિનિધિસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. વ્હીગ પક્ષના ઉમેદવાર તરીકે પ્રથમ પ્રયાસમાં તેઓ પરાજીત થયા. ૧૮૩૪માં ફરીવાર આ બેઠક પરથી ઉમેદવાર બન્યા અને ચૂંટણીમાં વિજય મેળવ્યો. ૧૮૩૬માં ઇલિનૉઇસ બેઠકના પ્રતિનિધિ તરીકે તેઓ બીજી વાર ચૂંટાયા. આ દરમિયાન તેઓએ ગુલામી પ્રથાનો વિરોધ કર્યો. ૧૮૪૦માં અમેરિકાના પ્રથમ વ્હીગ-પ્રમુખ હેનરી હેરિસન સાથે ચૂંટણીમાં સક્રીય ભાગ લીધો. ૧૮૪૧માં સ્ટુઅર્ટ લોગાન સાથે જોડાયા. ૧૮૩૪થી ૧૮૪૨ સુધી સતત ચાર મુદ્દત માટે ઇલિનૉઇસ રાજ્યના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ સમવાય સરકારના નીચલા ગૃહની પ્રતિનિધિસભામાં નિષ્ફળ ઉમેદવારી નોંધાવી. ૧૮૪૬માં બીજા પ્રયાસમાં તેઓ સફળ રહ્યા અને ચૂંટણીમાં વિજયી બન્યા. આ સમય દરમિયાન જ અમેરિકા મેક્સિકન યુદ્ધમાં જોડાયું. અમેરિકન સરકારના આ વલણની તેમણે તીવ્ર આલોચના કરી. ૧૮૫૪માં ગુલામી પ્રથા નાબૂદી અંગેનો કાયદો નબળો પાડવાના હેતુસર અમેરિકન સરકારે કેન્સાસ–નેબ્રાસ્કા એક્ટનો પ્રસ્તાવ સેનેટમાં રજૂ કર્યો. લિંકને તેનો સખત વિરોધ નોંધાવ્યો. તેમના આ પ્રજાલક્ષી વલણને ઇલિનૉઇસની પ્રજાએ વ્યાપક સમર્થન આપ્યું. પરિણામે અમેરિકાના રાજકારણમાં રિપબ્લિકન પક્ષની સ્થાપના થઈ. ૧૮૫૫માં લિંકને ઇલિનૉઇસ રાજ્યની બેઠક પરથી સેનેટર તરીકે ઝંપલાવ્યું પરંતુ ખૂબ જ પાતળી સરસાઈથી તેઓ પરાજીત થયા. ૧૮૫૮માં સેનેટર તરીકે લિંકનના પક્ષે ફરી વાર બેઠક ગુમાવી. ૧૮૬૦માં પ્રમુખની ચૂંટણીમાં તેઓ વિજયી બન્યા અને અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપ્રમુખ બન્યા.[]:૭૨૮–૭૨૯

વકીલાત

૧૮૩૬માં ઇલિનૉઇસ રાજ્યના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા એ દરમિયાન જ તેઓએ અંગ્રેજી વ્યાકરણનો અભ્યાસ કરી કાયદાશાસ્ત્રના અભ્યાસમાં જોડાયા. ૧૮૩૬માં કાયદાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. 'ઇલિનૉઇસ સેન્ટ્રલ કેસ', 'એફી આફટન કેસ', 'સેન્ડબાર કેસ' જેવા નોંધપાત્ર કેસો જીતી તેમણે શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી.[]:૭૨૮–૭૨૯

પ્રમુખ

પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સૌથી પહેલો પડકાર દક્ષિણના રાજ્યોનો સમવાયતંત્રમાંથી છુટા પડવાની માંગનો હતો. ૨૦ ડિસેમ્બર ૧૮૬૦ના રોજ સાઉથ કેરોલિના રાજ્યની આગેવાની હેઠળ મિસિસિપિ, ફ્લોરિડા, જ્યોર્જીયા અને ટેક્સાસનાં રાજ્યોની સમયવાયતંત્રથી અલગ થવાની માંગ બળવતર બની. ૪ માર્ચ ૧૮૬૧ના પોતાના પ્રજાજોગ સંદેશમાં તેમણે વહીવટીતંત્રથી ભય ન પામવાની અને રાજ્યોની સત્તા ખતરામાં ન હોવાની ખાતરી આપી. ક્રમશ: રાજકીય ઘટનાઓ બાદ આ વિરોધ આંતરવિગ્રહમાં ફેરવાઈ ગયો. સમવાય સરકાર અને દક્ષિણના રાજ્યો વચ્ચે રાજકીય કટોકટી સર્જાઈ. લિંકને દૃઢતાપૂર્વક અને ધૈર્યથી પરિસ્થિતિનો સામનો કર્યો. લશ્કરી કાર્યવાહી અને રાજકીય નિર્ણયો દ્વારા ગુલામી પ્રથા નાબૂદ કરી બળવાખોર રાજ્યોને શરણાગતિ સ્વીકાર કરવા મજબૂર કર્યા. ગુલામી પ્રથા નાબૂદ કરવાના નિર્ણયમાં મંત્રીમંડળના તેમના સાથીઓ અસહમત હતા પરિણામે રાજકીય વર્તુળોમાં લિંકન ભારે ટીકાપાત્ર બન્યા.[]:૭૨૯–૭૩૦

અંગત જીવન

[ફેરફાર કરો]
લિંકન અને તેમનો પુત્ર ટેડ (૧૮૪૬-૪૭)
મેરી ટૉડ લિંકન (૨૮ વર્ષ)

રાજકીય જીવનની જેમ જ લિંકનનું અંગત જીવન પણ ભારે ઉતારચઢાવવાળું રહ્યું. પ્રાંરભિક જીવનમાં તેમણે ગરીબીનો સામનો કરવો પડ્યો. ૧૮૩૦માં માતાના મૃત્યુ થયું. ૧૮૪૨માં તેમના લગ્ન મેરી ટોડ સાથે થયાં. તેમના ચાર પુત્રો રોબર્ટ ટોડ લિંકન (૧૮૪૩-૧૯૨૬), ઍડવર્ડ બૅકર લિંકન (૧૮૪૬-૧૮૫૦), વિલિયમ વોલેસ લિંકન (૧૮૫૦-૧૮૬૨), ટોમસ ટેડ લિંકન (૧૮૫૩-૧૮૭૧) પૈકી બે પુત્રો ઍડવર્ડ અને વિલિયમ અકાળે અવસાન પામ્યા. પુત્રોના અવસાનના આઘાતથી લિંકનના પત્નીએ લાંબા સમય સુધી માનસિક સમતુલા ગુમાવી દીધી.[]:૭૩૦

૧૪ એપ્રિલ ૧૮૬૫ના રોજ લિંકન સપરિવાર નાટક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે જૉન વિલ્ક્‌સ બુથ નામના વ્યક્તિએ તેમણે ગોળી મારી દીધી. ૧૫ એપ્રિલના રોજ તેમનું અવસાન થયું. ૧૯૨૨માં વોશિંગટન ડી.સી.માં તેમની યાદમાં "લિંકન મેમોરિયલ"ની સ્થાપના કરવામાં આવી.

ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' દ્વાર લિંકનનું ચરિત્ર 'પ્રેસિડંટ લિંકનનું ચરિત્ર' (૧૮૯૫) – એ નામથી લખવામાં આવ્યું હતું.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Carpenter, Francis B. (1866). Six Months in the White House: The Story of a Picture. Hurd and Houghton. પૃષ્ઠ 217.
  2. William A. Pencak (2009). Encyclopedia of the Veteran in America. ABC-CLIO. પૃષ્ઠ 222. ISBN 978-0-313-08759-2. મેળવેલ June 27, 2015.
  3. Finkelman, Paul; Gottlieb, Stephen E. Toward a Usable Past: Liberty Under State Constitutions. U of Georgia Press. પૃષ્ઠ 388.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ વ્યાસ, રક્ષા મ. (જાન્યુઆરી ૨૦૦૪). "લિંકન, અબ્રાહમ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૮ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૨૭–૭૩૧. OCLC 552367195.
  5. શેઠ, ચંદ્રકાન્ત શેઠ (૧૯૯૦). કાન્ત. ભારતીય સાહિત્યના નિર્માતા. નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૫૦. ISBN 81-7201-033-8. OCLC 1043708189.

પૂરક વાચન

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • અબ્રાહમ લિંકન સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.
  • અબ્રાહમ લિંકન વિકિસ્ત્રોત પર

સરકારી

[ફેરફાર કરો]

સંસ્થા

[ફેરફાર કરો]