તિરૂપતિ બાલાજી
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
વેંકટેશ્વર મંદિર, તિરૂમાલા | |
---|---|
શ્રી વેંકટેશ્વર સ્વામી વારી આલયમ[૧] | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | ચિત્તુર |
દેવી-દેવતા | વેંકટેશ્વર |
તહેવારો | બ્રહ્મોત્સવમ, વૈકુંઠ એકાદસી, રત્ન સપ્તમિ |
સંચાલન સમિતિ | તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ |
સ્થાન | |
સ્થાન | તિરૂપતિ |
રાજ્ય | આંધ્ર પ્રદેશ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 13°40′59.7″N 79°20′49.9″E / 13.683250°N 79.347194°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | દ્વવિડિયન સ્થાપત્ય |
પૂર્ણ તારીખ | ઇ.સ. પૂર્વે ૩૦૦ (સંભવિત) |
લાક્ષણિકતાઓ | |
મંદિરો | ૧ |
શિલાલેખો | દ્વવિડિયન અને સંસ્કૃત |
ઊંચાઈ | 853 m (2,799 ft) |
વેબસાઈટ | |
tirumala.org |
તિરૂપતિ બાલાજી અથવા ભગવાન વિષ્ણુ તિરૂપતિ શ્રીપતિ એટલે કે લક્ષ્મીપતિ તરીકે બિરાજયા છે તો તિરૂમાલામાં - શેષાચલ નામે ઓળખાતા આદિશેષની સાત ફણાઓ સ્વરૂપના સપ્તશિખરી પર્વતની સાતમી ટૂંકે! અત્યારના નકશા મુજબ, આમ તો આંધ્ર પ્રદેશમાં તો ચેન્નઈથી લગભગ સવાસો કિ.મી. દૂર જ આવેલા એ શેષાચલની તળેટીમાંના તિરૂચેન્દુર નગરમાં લક્ષ્મીના ભવ્ય મંદિરમાં એ ‘પદ્માવતી’નાં દર્શન કરી શેષાદ્રિ, નીલાદ્રિ, ગરૂડાદ્રિ, અંજનાદ્રિ, વૃષભાદ્રિ, નારાયણાદ્રિ અને વેંકટાદ્રિ એમ સાત શિખરોનાં આરોહણ કરીએ ત્યારે છેલ્લા વેંકટાદ્રિ પર પ્રતિષ્ઠિત ભગવાન વ્યંકટેશનાં દર્શન પામી શકાય.
‘તિરૂ’એ ‘શ્રી’ના અર્થમાં વપરાતો શબ્દ. એ રીતે તિરૂપતિ એટલે ‘શ્રીપતિ’, શ્રીદેવી-લક્ષ્મીના પતિ! અહીંના સ્વરૂપની આ ઓળખાણ સકારણ છે. પુરાણ પરંપરા કહે છે કે વિષ્ણુ ભગવાન અહીં ‘પદ્માવતી’-લક્ષ્મીને શોધતા આવેલા! લક્ષ્મીજીને રિસાવાનું નિમિત્ત મળી ગયું. ભૃગુ ઋષિ વૈકુંઠની મુલાકાતે જઇ ચડયા. વિષ્ણુ અને લક્ષ્મીજી એકાંત ગોષ્ઠીમાં હતા. એટલે ઋષિવર્યનું સ્વાગત ન થતાં કોપાયમાન ઋષિએ ભગવાનની છાતીમાં પગપ્રહાર કર્યો! ભગવાન તો ભકતવત્સલ એટલે એ પગપ્રહારનાં ચિહ્નને ભૃગુલાંછન તરીકે સર્વકાળ માટે અપનાવી લીધું અને પગપ્રહારના બદલામાં ઋષિનાં ચરણ તબોસી એમને શાંત પાડયા-પ્રસન્ન કર્યા. પણ આવું વર્તન લક્ષ્મીજી કેમ સહી લે? ભૃગુના વર્તનથી અને વિષ્ણુના ઉદાર વલણથી તે રિસાયાં! ભગવાન વિષ્ણુનાં હજારો નામોમાં ‘અમાની, માનદો, માન્ય:’ એવાં નામો પણ છે! એનું તાત્પર્ય કે જે માન માગે નહીં, પણ સામેથી માન દે, તે અધિક માન્ય-સન્માન્ય બને! ભગવાને તો તેમનું ‘ભકતવત્સલ’ બિરૂદ જાળવ્યું, પણ લક્ષ્મીજી રિસાઇને ચાલી નીકળ્યાં! - જઇ બેઠાં સાત ફણારા શેષનાગના સ્વરૂપ સમા સપ્તશિખરી પર્વતની -આ શેષચલની-ટોચે... લક્ષ્મીજીને શોધતા ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા અને લક્ષ્મીજીના મનનું સમાધાન કર્યું. પોતે પણ અહીં શ્રી(તિરૂ)ના પતિ-શ્રીપતિ-તિરૂપતિ તરીકે બિરાજયા! લક્ષ્મીજી ત્યારે પદ્માવતી નામે, અહીંના નિવાસી આકાશરાજનની દિકરી તરીકે અવતરેલાં. વિષ્ણુજીએ એ પુત્રી સાથે વિવાહ કરવા આકાશરાજનને તેમના માગ્યા મુજબનું અઢળક દ્રવ્ય આપ્યું-કયાંથી લાવ્યા? પોતે તો ‘લક્ષ્મી’ વિહીન હતા! પુરાણકથા કહે છે કે દેવોના ધનભંડારી કુબેર પાસેથી ઉછીનું લાવ્યા! જાણે કુબેરનું એ દેવું હજી પણ ન ચૂકવાયું હોય અથવા તેમાં પોતાનો ફાળો આપવા ઇરછતા હોય તેમ હજી પણ વ્યંકટેશભકતો એ તિરૂપતિને અઢળક ભેટ ધરતા જાય છે! એ તો જાણીતી વાત છે કે તિરૂપતિ દેવસ્થાન સૌથી ધનાઢય હિંદુ દેવસ્થાન છે, એની ભેટપેટીમાંથી રૂપિયાની થોકડીયો, સોનાની લગડીઓ અને હીરાનાં પડીકાય નીકળે છે! એટલું જ નહીં, ત્યાં પુરૂષ અને સ્ત્રી, સઘળા, નવપરિણીત પણ પોતાની સુંદરતાની સંપત્તિરૂપ પોતાના કેશકલાપ ન્યોછાવર કરે છે તે કેશસંચયની આવક જ હજારોની થાય! દક્ષિણના તમામ રાજવંશોને સદીઓ સુધી વ્યંકટેશની ભકિતરૂપે અહીં ભવ્યમંદિરો નિર્માણ કરવા અને દાનપ્રવાહ વહાવવા પ્રેર્યા છે. અત્યારનાં આ ભવ્ય દેવાલયમાં, એના વૈભવી નિભાવમાં કાંચીના પલ્લવો અને તંજાવુરના ચોલ, મદુરાના પાંડય અને વિજયનગરના રાજવંશો એ સૌ ૯મીથી ૧૫મી સદીના મહાન રાજવંશોના શ્રદ્ધામય દાનની પ્રતીતિ છે. વિજયનગરના રાજવી કૃષ્ણદેવરાયની તો પ્રણામમુદ્રામાં સ્થિત પ્રતિમા છે તો રાઘોબા ભોંસલેએ આપેલો મૂલ્યવાન નીલમણી હજીય બતાવાય છે.
સદીઓ પહેલાં વૈખાનસ ગોપીનાથ સાથે આવેલા રગાદાસને અહીં આમલીના વૃક્ષ નીચે સૂતેલા ભગવાન શ્રીપતિનાં દર્શન થયાં ને તેણે છાયા રૂપે દેરી બંધાવી. તોંડરમને ત્યાં દેવાલયનું નિર્માણ કર્યું અને પછી તો મહિમા પ્રસરતો ગયો. શ્રદ્ધાન્વિત ન્યોછાવરી વધતી ગઇ ને આજનું સંકુલ તથા આસપાસના દેવસ્થાન વિસ્તારમાં દેવાલયો, મુખ્ય મંદિરમાંના અનેક મંડપો વિકસતા ગયા. તેમાં અહીં આવીને સ્તોત્રગાન કરનાર રામાનુજાચાર્યની સ્મૃતિ જળવાયેલી છે.
આદિ શંકરાચાર્યે તો અહીં ભજગોવિન્દમ્ ગાયું છે અને અહીં શ્રીચક્ર સ્થાપ્યું છે તો રામાનુજાચાર્યે ચક્ર અને શંખ ધરાવ્યાં છે. જગ સાધારણ અને રાજવંશો, જેનાં કીર્તનો અને જેણે રચેલી સ્તુતિઓ હજીય નિત્ય ગવાય છે એવા ભકતો, મહાપંડિતો-તત્ત્વજ્ઞાનીઓ-કવિઓ અને ધનકુબેરો સૌની સદીઓના સાતથી સઘન થતી જતી શ્રદ્ધા અહીં આ શ્રીપતિ તિરૂપતિનાં ચરણોમાં ઠલવાયા કરે છે.
બાલાજી
[ફેરફાર કરો]નાનકડો છોકરો તળેટીના મંદિરમાં દર્શન કરવા જતો હશે. પૂજારીઓએ તેનું માથું ભાંગી નાખ્યું. તે નાસીને વ્યંકટેશને દ્વારે ગયો ને ભગવાનને ભકિતભાવપૂર્વક આજીજી કરી! ત્યારે પાછળ આવી પહોંચેલા પૂજારીઓએ જૉયું કે છોકરો ત્યાં ન હતો, પણ જયારે મંદિરના ગર્ભગૃહનાં દ્વાર ઘડયાં ત્યારે ભગવાનના મસ્તક પર પેલા છોકરાના મસ્તક પર થયેલો ઘા દેખાયો! તાજો, લોહી નીકળતો. પરચો મળી ગયો! એ છોકરાનું નામ ‘બાલ’ અથવા ‘બાલા’ હતું. સંભવ છે કે ‘બાલાજી’ નામમાં આ ચમત્કારિક ઘટનાની સ્મૃતિ જળવાઇ હોય! આજે પણ આ ઘટનાની સ્મૃતિરૂપે ભગવાનના મસ્તક પર સફેદ કપડું ઢાંકવાની પરંપરા કાયમ છે. આજે આ દેશમાં તો અનેક પણ વિદેશોમાં પણ ભગવાન વ્યંકટેશનાં ઘણાં મંદિરો સ્થપાયાં છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Tirumala Tirupati Devastanamulu". Tirumala.org. મૂળ માંથી 2002-08-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જૂન ૨૦૧૩.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- દિવ્યભાસ્કરના સંગ્રહમાંથી સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન