ટેક્નેશિયમ

વિકિપીડિયામાંથી

ટેક્નેશિયમ અથવા ટેક્નીશિયમ એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૪૩ અને સંજ્ઞા Tc છે. એકપણ સ્થિર સમસ્થાનિક ન ધરાવતા તત્વોમાં આ સૌથી નિમ્ન અણુ ક્રમાંક ધરાવતું તત્વ છે; આનો દરેક સમસ્થાનિક કિરણોત્સારી છે. ટેક્નેશિયમ નું ઉત્પાદન પ્રયોગ શાળામાં જ કરવામામ આવે છે અને પ્રકૃતિમાં તે અત્યંત અલ્પ પ્રમાણમાં મળે છે. પ્રકૃતિમાં મળતું ટેક્નેશિયમ યુરેનિયમની ખનિજ ના તત્ક્ષણ ફીશન ઉત્પાદન દ્વારા અથવા મોલિબ્ડેનમન ખનિજના ન્યૂટ્રોન કેપ્ચર દ્વારા નિર્માણ થાય છે. રાખોડી ચળકતી આ ધાતુના રાસાયણિક ગુણધર્મો રિનીયમ અને મેંગેનિઝની વચ્ચેના હોય છે. ડ્મીટ્રી મેંદેલીફ દ્વારા આ તત્વ શોધાયા પહેલાં તેના ઘણા ખરાં ગુણ ધર્મોની આગાહી કરાઈ હતી. મેંડેલીફે પોતાના આવર્તન કોઠામાં અમુક ખાલી જગ્યાઓ જોઈ અને આને હંગામી નામ આપ્યું ઈકા-મેંગેનિઝ. ૧૯૩૭માં ટેક્નેશિયમ (સમસ્થાનિક ટેક્નેશિયમ-૯૭) એ પહેલું કૃત્રિમ રીતે નિર્મિત તત્વ બન્યું. આથી તેનું નામ "કૃત્રિમ" માટેના ગ્રીક શબ્દ "ટેક્સેનીક" પરથી ટેક્નેશીયમ પડ્યું.

આ તત્વનો ગામા કિરણ ઉત્સર્જિત કરતો અને અલ્પ આયુષ્ય ધરાવતો આણ્વીક આઈસોમર ટેક્નેશીયમ-૯૯m રોગ નિદાનના કિરણોત્સારી પ્રક્રિયા માટે વાપરવામાં આવે છે. ટેક્નેશિયમ -૯૯ નો ઉપયોગ ગામા કિરણ રહિત બીટા કણોના સ્ત્રોત તરીકે થાય છે. લાંબુ આયુષ્ય ધરાવતા ટેક્નેશિયમના સમસ્થાનિકોને અણુ ભઠ્ઠીમાં યુરેનિયમ-૨૩૫ના આણ્વિક ફીશન દ્વારા આણ્વીક ખનિજ સળીયામાંથી કાઢવામાં આવે છે. ટેક્નેશિયમના કોઈપણ સમસ્થાનિકનો અર્ધ આયુષ્ય કાળ ૪૨ લાખ વર્ષથી અધિક નથી, ટેક્નેશિયમ-૯૮ના ૧૯૫૨માં રેડ જાયન્ટમાં અસ્તિત્વ હોવાની જાણ થઈ હતી, આ પરથી એ મન્યતા ને ટેકો મળ્યો કે તારાઓમાં પણ ભારી તત્વોનું નિર્માણ થાય છે.