આયર્ન મૅન

વિકિપીડિયામાંથી

ઢાંચો:Infobox superhero

આયર્ન મૅન એ એક કાલ્પનિક સુપરહીરો (મહાનાયક) છે, આ પાત્રને માર્વેલ કૉમિકસ દ્વારા પ્રકાશિત કૉમિક પુસ્તકોમાં દર્શાવાયું છે. ટેલ્સ ઓફ સસ્પેન્સ #39 (માર્ચ 1963)માં આ પાત્રને સૌ પ્રથમ વખત લેખક-તંત્રી સ્ટાન લી, પટકથાલેખક (સ્ક્રિપ્ટર) લૅરી લિઈબેર અને ડૉન હેક તથા જૅક કિર્બી નામના આર્ટિસ્ટોએ નિરૂપ્યું હતું.

એન્થોની એડવર્ડ "ટોની" સ્ટાર્ક નામે જન્મેલું આ પાત્ર, એ એક છેલબટાઉ ઉદ્યોગપતિ અને જિનિયસ ઈજનેર છે, જે તેના અપહરણ દરમ્યાન પહોંચેલી હૃદયની તીવ્ર ઈજાથી પીડાય છે, તેના અપહરણકારો તેને અત્યંત વિનાશક શસ્ત્ર બનાવવા માટે મજબૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ શસ્ત્ર બનાવવાના બદલે તેણે પોતાની જાન બચાવવા અને કેદમાંથી છૂટકારો મેળવવા એક શકિતશાળી સંચાલિત બખ્તરનો પોશાક બનાવ્યો. પાછળથી તેણે આયર્ન મૅનના રૂપમાં દુનિયાના સંરક્ષણ અર્થે આ પોશાક વાપરવાનું નક્કી કર્યું.[૧] સ્ટાર્ક ઈન્ડસ્ટ્રીઝ નામના પોતાના બહુરાષ્ટ્રીય નિગમ હેઠળ ટોનીએ લશ્કરી શસ્ત્રો બનાવ્યાં અને તેનો પોતાનો ધાતુનો પોશાક પણ એવાં ટૅકનોલોજિકલ સાધનોથી સજ્જ હતો કે જેથી તે અપરાધ સામે લડી શકવા સક્ષમ બને. શરૂઆતમાં, સ્ટાન લીએ આયર્ન મૅનનો ઉપયોગ શીત યુદ્ધનાં વિષયોમાં, ખાસ કરીને સામ્યવાદ સામેની લડાઈમાં અમેરિકન ટૅકનોલૉજી અને વેપારની ભૂમિકા બાબતે શોધખોળ કરવા માટે કર્યો હતો. તેના પછી આયર્ન મૅનની પુનઃકલ્પનાઓમાં ધીમે ધીમે શીત યુદ્ધના વિષયો ભૂંસાઈ ગયા હતા, અને તેનું સ્થાન કોર્પોરેટ અપરાધ અને આતંકવાદ જેવા વધુ સાંપ્રત મુદ્દાઓએ લીધું હતું.

આ પાત્રના મોટા ભાગના પ્રકાશન ઇતિહાસમાં, આયર્ન મૅન એવેન્જર્સ નામની સુપરહીરો ટીમનો એક સદસ્ય બતાવાયો હતો, અને તેની પોતાની વિવિધ કૉમિક પુસ્તિકાઓની શ્રેણીમાં તેના અમુક અવતારો દર્શાવવામાં આવ્યા છે. કેટલાક એનિમેશન ધરાવતાં ટીવી શો અને ફિલ્મોમાં આયર્ન મૅનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બૉકસ ઑફિસ પર અત્યંત સફળ રહેલી, આયર્ન મૅન (2008) નામની જીવંત ઍકશન ફિલ્મમાં રોબર્ટ ડોવની, જુનિયરે આ પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મનો બીજો ભાગ, આયર્ન મૅન 2 માં, ડોવની આ ભૂમિકામાં ફરીથી દેખાશે, અને તેમણે ધ ઈનક્રેડિબલ હલ્ક (2008)માં પણ આ પાત્રની નાનકડી ભૂમિકા ભજવી હતી.

પ્રકાશન ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રિમિઅર[ફેરફાર કરો]

ચિત્ર:ToS39.jpg
ટેલ્સ ઓફ સસ્પેન્સ #39 (માર્ચ 1963): આયર્ન મૅનની પ્રવેશ કથાઓઆવરણ કલા - જૅક કિર્બી અને ડોન હૅક.

આયર્ન મૅનનું પ્રિમિઅર એ તંત્રી અને વાર્તા-લેખક સ્ટાન લી, પટકથા લેખક લૅરી લિઈબેર, વાર્તા-આર્ટિસ્ટ ડૉન હેક અને આવરણ-આર્ટિસ્ટ તથા પાત્ર-ડિઝાઈનર જૅક કિર્બીનું સહસર્જન હતું. 1963માં, સ્ટાન લીના મનમાં એક બિઝનેસમૅન (વેપારી માણસ) સુપરહીરોનો ખ્યાલ રમતો હતો.[૨] તે એક "પ્રખર મૂડીવાદી", સમયના પ્રવાહ અને માર્વેલના વાચકોના મિજાજની વિરુદ્ધ જાય એવું એક પાત્ર રચવા ઇચ્છતા હતા.[૩] લીએ કહ્યું, "મને લાગે છે કે મેં મારી જાતને હિંમત કરવા દીધી. ત્યારે શીત યુદ્ધ તેની ચરમસીમા પર હતું. વાચકો, યુવાન વાચકો, જો કોઈ એક વાત ધિક્કારતા હોય તો તે હતી લડાઈ - યુદ્ધ, તે હતું લશ્કર... એટલે મેં એક એવો હીરો બનાવ્યો જે તેનાથી સો અંશ વિપરીત હોય. તે એક શસ્ત્ર નિમાર્તા હતો, તે લશ્કરને શસ્ત્રો પૂરાં પાડતો હતો, તે પૈસાદાર હતો, તે એક ઉદ્યોગપતિ હતો... આ પ્રકારનું, કોઈને ન ગમે એવું, અમારા વાચકોને પસંદ ન પડે તેવું, પાત્ર બનાવવાની પણ મજા છે એમ મેં વિચાર્યું, અને પછી એ પાત્રને તેમની આંખ સામે બળજબરીથી લાવી મૂકવું અને તેમને તેને પસંદ કરતાં કરવા... અને એ ખૂબ લોકપ્રિય બન્યું."[૪] તે એક એવું નવું પાત્ર બનાવવા મચી પડ્યા જે ધનવાન હોય, મોહક એવો મહિલાઓનો માનીતો માણસ હોય, અને છતાં કંઈક રહસ્યમયી યાતના અને વ્યથાથી પીડાતો હોય.[૫] લેખક ગેરી કોનવે કહે છે, "અહીં તમારી પાસે એક એવું પાત્ર છે, જે બહારથી બિલકુલ અસંવેદનશીલ છે, મારો કહેવાનો અર્થ એમ છે એને અડી શકાય તેમ જ નથી, પણ અંદરથી એ એક ઘવાયેલી વ્યકિત છે. સ્ટાને તેને ઘણો બધો એકદમ-તમારા-જેવો જ ઘાવ ધરાવતો બનાવ્યો છે, તમને ખબર છે, તેનું હૃદય ભાંગી ગયેલું છે, શબ્દશઃ ભાંગી ગયેલું છે. પણ ત્યાં એક રૂપક છે. અને મારા ખ્યાલથી, તે જ છે જે આ પાત્રને રસપ્રદ બનાવે છે."[૪] લીએ આ છેલબટાઉ માણસના દેખાવ અને વ્યકિતત્વ નિરૂપવા માટે હોવર્ડ હ્યુગ્સનો આધાર લીધો છે,[૬] તેને સ્પષ્ટ કરતાં કહે છે, "હોવર્ડ હ્યુગ્સ એ અમારા સમયના સૌથી રંગીલા માણસોમાંનો એક હતો. તે એક અન્વેષક હતો, સાહસી હતો, કરોડપતિ હતો, સ્ત્રીઓનો માનીતો અને અંતે એક તરંગી માણસ હતો."[૭] "દીવાનગી સિવાય, તે હોવર્ડ હ્યુગ્સ જ હતો," લીએ કહ્યું.[૪]

લીનો ઈરાદો જાતે વાર્તા લખવાનો હતો, પણ વખત જતાં તેણે પ્રિમિઅર અંક તૈયાર કરવાનું કામ લિઈબેરને સોંપ્યું, જેણે વાર્તાને ઉઘાડ આપ્યો.[૫] કલાનું કામ કિર્બી અને હેક વચ્ચે વહેંચાયેલું હતું. "તેણે પોશાક ડિઝાઈન કર્યો છે," હેકે કિર્બીને ઉદ્દેશીને કહ્યું, "કારણ કે તે મુખપૃષ્ઠ બનાવી રહ્યો હતો. આવરણો હંમેશાં પહેલા તૈયાર થાય છે. પરંતુ મેં ટોની સ્ટાર્ક અને તેની સહાયક પેપર પોટ્ટસ જેવાં પાત્રોનો દેખાવ બનાવ્યો છે."[૬][૮]

આયર્ન મૅન સૌ પ્રથમ વીણેલી વિજ્ઞાન કથાઓ અને અલૌકિક કથાઓ સમાવતાં, ટેલ્સ ઓફ સસ્પેન્સ માં 13થી 18 પાનાંની વાર્તાઓ રૂપે રજૂ થઈ. તેમાં પાત્રનો મૂળ પોશાક વજનદાર રાખોડી બખ્તર હતો, જેને બીજી વાર્તામાં (અંક #40, એપ્રિલ 1963) સોનેરી પોશાકમાં રૂપાંતરિત કરવામાં આવ્યો. તે પછી અંક #48 (ડિસે. 1963)-માં તેને ફરીથી ડિઝાઈન કરવામાં આવ્યો અને લીસો, ચળકતો, લાલ-અને-સોનેરી બખ્તરના રૂપમાં રજૂ કરવામાં આવ્યો; આ અંકની આંતરિક સજાવટ સ્ટીવ ડિટકોએ અને તેનું આવરણ કિર્બીએ ડિઝાઈન કર્યાં હતા. પ્રારંભમાં, આયર્ન મૅન એ એક સામ્યવાદી-વિરોધી નાયક હતો, જેણે વિવિધ વિયેતનામી એજન્ટોને હરાવ્યા હતા. પાછળથી લીને આરંભમાં આ બાબતને આટલું મહત્ત્વ આપવાનો પસ્તાવો થયો.[૨][૯] આ પાત્રની સમગ્ર કૉમિક પુસ્તક શ્રેણીમાં, ટૅકનોલૉજીની ઉન્નતિ અને રાષ્ટ્રીય સુરક્ષા એ બંને આયર્ન મૅનની વાર્તાઓમાં સતત મુખ્ય વિષયવસ્તુ રહ્યા, પણ પાછળના અંકોમાં સ્ટાર્કને દારૂના વધુ પડતા નશા સાથેની લડત (ડેમોન ઈન અ બોટલ ) અને અન્ય અંગત મુશ્કેલીઓ ચિતરવામાં આવી.

ચિત્ર:TalesOfSuspense48.jpg
ટેલ્સ ઓફ સસ્પેન્સ #48 (ડિસે. 1963), આયર્ન મૅનના લાલ-અને-સોનેરી બખ્તરની ધમાકેદાર પ્રવેશ કથાઓ.આવરણ કલા - જૅક કિર્બી અને સોલ બ્રોડસ્કી.

અંક #59 (નવે. 1964)થી તેના છેલ્લા અંક #99 (માર્ચ 1968) સુધી, ટેલ્સ ઓફ સસ્પેન્સ માં વીણેલી વિજ્ઞાન કથાઓની બેકઅપ શ્રેણીનું સ્થાન સુપરહીરો કૅપ્ટન અમેરિકાને ચમકાવતી વાર્તાઓએ લઈ લીધું. અંક #99 (માર્ચ 1968) પછી, પુસ્તકનું શીર્ષક બદલીને કૅપ્ટન અમેરિકા કરી નાખવામાં આવ્યું. એપ્રિલ 1968માં, આયર્ન મૅનની વાર્તાઓ આયર્ન મૅન એન્ડ સબ-મરિનર શીર્ષક હેઠળ ખસેડી દેવામાં આવી, તે પહેલાં ધ ઈન્વિન્સીબલ આયર્ન મૅન #1 (મે 1968) સાથે "ગોલ્ડન એવન્જર"[૧૦]એ પોતાનો સોલો ધમાકેદાર પ્રવેશ કર્યો. લી કહે છે કે, "માર્વેલ ખાતે અમે પ્રકાશિત કરેલી તમામ કૉમિક ચોપડીઓમાં, બીજા કોઈ પણ પુસ્તક કરતાં મહિલાઓ, સ્ત્રીઓ તરફથી અમને આયર્ન મૅન માટે વધુ ચાહક ટપાલો મળી છે... છોકરીઓ તરફથી અમને આવાં ચાહના પત્રો બહુ નથી મળતાં, પણ જયારે પણ મળતાં હતાં ત્યારે તે પત્ર સામાન્ય રીતે આયર્ન મૅનને સંબોધીને લખાયેલાં રહેતાં."[૪]

સ્ટાર્કને જેમાં ઈજા પહોંચી તે યુદ્ધ અને ઘટનાસ્થળને લેખકો અદ્યતન બનાવતા રહ્યા છે. 1963ની મૂળ વાર્તામાં, તે વિયેતનામનું યુદ્ધ હતું. 1990ના દાયકામાં તે અદ્યતન થઈને પહેલું ખાડીનું યુદ્ધ બન્યું,[૧૧] અને પાછળથી તેને ફરીથી અદ્યતન કરીને અફઘાનિસ્તાનમાંનું યુદ્ધ દર્શાવવામાં આવ્યું. જો કે, આયર્ન મૅનના લગભગ તમામ અવતારોમાં, સ્ટાર્ક અને એશિયન નોબલ પારિતોષક વિજેતા વિજ્ઞાની હો યિન્સેન વચ્ચેનો સંબંધ સાતત્યપૂર્ણ જોવા મળ્યો છે, જેમાં સ્ટાર્ક અને યિન્સેનને સાથે મળીને મૂળ બખ્તર બનાવતા દર્શાવાયા છે. તેમાંનો એક અપવાદ સીધી-ડીવીડી(direct-to-DVD)ના રૂપમાં એનિમેશન ધરાવતી ફિચર ફિલ્મ ધ ઈન્વીન્સીબલ આયર્ન મૅન છે, જેમાં જે બખ્તર પહેરીને સ્ટાર્ક પોતાને કેદ રાખનારાઓ પાસેથી નાસી છૂટે છે તે પહેલો આયર્ન મૅન પોશાક નથી એમ દર્શાવાયું છે.

વિષયવસ્તુનાં ઉદ્ગમો[ફેરફાર કરો]

માર્વેલ કૉમિકસના પ્રારંભિક વર્ષોમાંના ધ ફેન્ટાસ્ટિક ફોર અને ધ ઈનક્રેડિબલ હલ્ક જેવાં સ્ટાન લીના અન્ય સર્જનોની જેમ, આયર્ન મૅન ની વાર્તા, તેની મૂળ લાક્ષણિકતાઓ અનુસાર, શીત યુદ્ધના વિષયોના પ્રદેશમાં એક પ્રકારની શોધખોળ હતી. જયારે ધ ફેન્ટાસ્ટિક ફોર અને ધ ઈન્ક્રેડિબલ હલ્ક એ ક્રમશઃ શીત યુદ્ધનાં દબાણો પ્રત્યે અમેરિકન આંતરિક અને સરકારી/વહીવટી પ્રતિભાવોની વિષયવસ્તુ ધરાવતા હતા, ત્યારે આયર્ન મૅન સામ્યવાદ સામેના સંઘર્ષમાં ઉદ્યોગની ભૂમિકામાં ડોકિયું કરે છે. ટોની સ્ટાર્કની જીવંત પ્રતિકૃતિ હોવર્ડ હ્યુગ્સ એ અમેરિકન વ્યક્તિત્વવાદનો એક લાક્ષણિક નમૂનો હતો તેમ જ તે એક નોંધપાત્ર સુરક્ષા કોન્ટ્રાકટર હતો, જેણે નવી શસ્ત્ર ટૅકનોલૉજીઓ વિકસાવવામાં મદદ કરી હતી.[૧૨]

બીજા અનેક સુપરહીરોની જેમ ગમે તે કોઈ રૂપાંતરણ પામવાને બદલે, ટોની સ્ટાર્ક/આયર્ન મૅનને ટૅકનોલૉજી અને બુદ્ધિશકિત પર આધાર રાખતો દર્શાવવામાં આવ્યો છે, જે શીત યુદ્ધે ઊભી કરેલી લશ્કરી, રાજકીય અને વિચારધારાકીય સમસ્યાઓ માટે ટૅકનોલૉજીના શરણે જવાના અમેરિકન વિશ્વાસને દઢ કરે છે. સ્ટાર્ક એ અમેરિકન અન્વેષકનું આદર્શ નિરુપણ છે. 1960ના દાયકા સુધીમાં, લશ્કરી શસ્ત્ર વિકાસની બાબત સ્પષ્ટપણે બિગ સાયન્સના પ્રદેશમાં આવી ગઈ હતી, જેમાં કોઈ એકલા-અટૂલા અન્વેષક માટે ઝાઝી ભૂમિકાને અવકાશ નહોતો. આયર્ન મૅન ની શરૂઆતની વાર્તાઓમાં સંશોધનની સ્વાયત્તતા અને સરકારનો હસ્તક્ષેપ જેવા મુદ્દાઓ તથા વફાદારીના પ્રશ્નો જેનો સામનો ભલે ઓછી તીવ્રતામાં અને ઓછી નાટકીય ઢબે, વાસ્તવિક જીવનમાં અમેરિકન ભૌતિક વિજ્ઞાનવિદો અને ઈજનેરો પણ કરી રહ્યા હતા - તે પ્રધાન વિષયવસ્તુ હતા.[૧૨]

ઇતિહાસવિદ્ રોબર્ટ ગેન્ટર અનુસાર, એક અન્વેષક તરીકે પોતાની સ્વાયત્તતા ગુમાવી દેવાને કારણે સ્ટાર્ક પોતાની મરદાનગી ખોઈ બેસે છે તેની છાતી પર લાગેલો ઘા એ તેની મર્દાનગી પર લાગેલા ધક્કાનું પ્રતીક છે અને "આયર્ન મૅન ની વાત તેની મર્દાનગીને લાગેલા આ ઘા અંગે સ્વસ્થતા કેળવવાની - તેની અક્ષમતાની આસપાસ ભમે છે."[૧૨] પાત્રના મર્દાનગીના ભાવને પુનઃસ્થાપવા માટે સ્ટાન લીએ સ્ટાર્કના વ્યકિતત્વના છેલબટાઉ પાસાનો ઉપયોગ કર્યો હતો. સ્ટાર્ક સ્ત્રી-પાત્રો પર વિજય મેળવે છે - કાં તો રોમાંસથી અથવા શરીર બળથી, અને વારંવાર બંને પ્રકારની સ્ત્રી સુપરવિલનો સાથે જીતે છે અને, ગેન્ટર લખે છે, "જેમણે અનિયંત્રિત કામુકતાને પ્રમાણભૂતતાનું રૂપ આપી દીધું હતું, તે ઈઆન ફલેમિંગ, મિકી સ્પીલાને અને નોર્મન મેઈલર જેવા અન્ય સાંસ્કૃતિક અને સાહિત્યિક વિભૂતિઓને અનુસરે છે."[૧૨]

મિચેલિનિએ/લેયટોન સમયગાળો[ફેરફાર કરો]

1978માં, આયર્ન મૅન #116 (નવે. 1978)થી આર્ટિસ્ટ બોબ લેયટોન, લેખક ડેવિડ મિચેલિનિએ સાથે ફરીથી જોડાયા. બંનેએ ટોની સ્ટાર્કની મદ્યપાન અતિરેકની વાર્તા "ડેમોન ઈન અ બોટલ" વિકસાવી અને કેટલાંક સહાયક પાત્રો રજૂ કર્યા, જેમ કે સ્ટાર્કનો અંગત પાયલોટ અને વિશ્વાસુ જિમ રહોડ્સ, જે પાછળથી સુપરહીરો વોર મશીન (યુદ્ધ મશીન) બને છે; સ્ટાર્કની અંગરક્ષક સ્ત્રીમિત્ર બેથની કૅબ; અને શત્રુ ઉદ્યોગપતિ જસ્ટીન હૅમર, જે આયર્ન મૅન જેની સાથે વર્ષો સુધી લડ્યો હતો તેવા સંખ્યાબંધ હાઈ-ટેક શસ્ત્રોથી સજ્જ શત્રુઓનો માલિક હોવાનું રહસ્યોદ્ઘાટન થાય છે. આ બેલડીએ સ્ટાર્કના વિશિષ્ટ બખ્તરોની વિભાવના પણ તરતી મૂકી. બંનેની જોડી #154 સુધી સાથે હતી, જેમાં મિચેલિનિએ કેટલાક વધારાના અંકો લેયટોન વિના પણ લખ્યા હતા. આ જોડી #215-250 (ફેબ્રુ. 1987 - ડિસે. 1989) સુધીની પોતાની બીજી લાંબી દોડ માટે ફરીથી ભેગી થાય છે.

2005-[ફેરફાર કરો]

2005ની શરૂઆતમાં "ઈન્વિન્સીબલ આયર્ન મૅન" શીર્ષક ધરાવતી આયર્ન મૅનની નવી શ્રેણી શરૂ થઈ, જે વૅરેન એલીસ દ્વારા લિખિત વાર્તા "એકટ્રીમિસ" અને આર્ટિસ્ટ અદી ગ્રાનોવનું સર્જન હતી.[૧૩] આંતરવિગ્રહને વણતી વાર્તા દરમ્યાન અંક #13થી આ શ્રેણીનું શીર્ષક બદલીને માત્ર આયર્ન મૅન રાખવામાં આવ્યું હતું અને પાછળથી આંતરવિગ્રહની વાર્તા પૂરી થવાને કારણે અંક #15થી તેનું શીર્ષક આયર્ન મૅનઃ ડાયરેકટર ઓફ શિલ્ડ(S.H.I.E.L.D.) રાખવામાં આવ્યું હતું. અંક #33માં, પુસ્તકનું શીર્ષક ફરી એક વાર બદલીને વૉર મશીનઃ વેપન્સ ઓફ શિલ્ડ (S.H.I.E.L.D.) રાખવામાં આવ્યું, જેમાં કંપની-વ્યાપક "સિક્રેટ ઈન્વેઝન"નું વાર્તાતત્ત્વ વણાયેલું હતું અને તે વૉર મશીન નામની સળંગ શ્રેણીના ઉદ્ઘાટનનું કારણ બન્યું હતું.

જુલાઈ 2008માં ઈન્વિન્સીબલ આયર્ન મૅન નામની બીજી શ્રેણી શરૂ થઈ હતી.[૧૪]

કાલ્પનિક પાત્રનું જીવનચરિત્ર[ફેરફાર કરો]

ઉદ્ગમ[ફેરફાર કરો]

ધનવાન ઉદ્યોગપતિનો પુત્ર અને સ્ટાર્ક ઈન્ડસ્ટ્રીઝનો વડો, હોવર્ડ સ્ટાર્ક, અને મારિયા સ્ટાર્ક, એન્થોની સ્ટાર્ક એ લોંગ આયલૅન્ડ પર જન્મ્યો હતો. જન્મથી જ પ્રતિભાવંત હોવાથી, તે 15 વર્ષની ઉંમરે મૅકાટ્રોનિક એન્જિનિયરિંગ ભણવા માટે તે એમઆઈટી(MIT)માં પ્રવેશ મેળવે છે. એક કાર અકસ્માતમાં તેનાં માતાપિતાના આકસ્મિક મૃત્યુ પછી, તે તેના પિતાની કંપની વારસામાં મેળવે છે. અમેરિકન યુદ્ધ પ્રયાસ પરની પોતાની પ્રાયોગિક ટૅકનોલૉજીઓની અસરોનું નિરીક્ષણ કરતી વખતે, ટોની સ્ટાર્ક એક બૂબિ-ટ્રેપ(છટકા)થી ઈજા પામે છે અને શત્રુ તેને પકડી લે છે, જે પછી તેને તેમના માટે શસ્ત્રો ડિઝાઈન કરવાનો આદેશ આપે છે. જો કે, સ્ટાર્કને પહોંચેલી ઈજાઓ ભયંકર હતી અને તેની છાતીમાં પેસી ગયેલો છરો તેના હૃદયને વીંધી નાખશે એવો ભય હતો. તેનો સાથી કેદી, હો યિનસેન, એક નોબલ પારિતોષક વિજેતા ભૌતિક વિજ્ઞાનવિદ્ હોય છે, સ્ટાર્ક જયારે કૉલેજમાં હતો ત્યારે તેમનો તે ભારે પ્રશંસક હતો, તે આ છરાને સ્ટાર્કના હૃદયથી દૂર રાખવા માટે એક ચુંબકીય મજબૂત પ્લેટ બનાવે છે, અને તેને જીવતો રાખે છે. સ્ટાર્ક અને યિનસેન એક શકિતશાળી સંચાલિત બખ્તરનો પોશાક ડિઝાઈન કરવા અને બનાવવા માટે વર્કશોપનો છાનોછપનો ઉપયોગ કરે છે, અને આ પોશાકનો ઉપયોગ કરીને એન્થોની ભાગી છૂટે છે. ભાગવાના પ્રયાસ દરમ્યાન, શત્રુનું ધ્યાન બીજી તરફ ખેંચી રાખીને ટોનીનો જીવ બચવવા યિનસેન પોતાની જાનની કુરબાની આપે છે. સ્ટાર્ક પોતાના અપહરણકારો પર વેર વાળે છે અને ફરીથી અમેરિકન દળો સાથે જોડવા માટે પાછો ફરે છે, રસ્તામાં તેનો ભેટો એક ઘાયલ અમેરિકન સમુદ્રી નૌકાસૈનિક હેલિકોપ્ટર પાયલટ, જેમ્સ "રોડી" રહોડ્સ સાથે થાય છે.

વતન પાછા ફર્યા પછી, સ્ટાર્કને ખબર પડે છે કે તેની છાતીમાં બેસાડેલો છરાને તેને માર્યા વિના કાઢી શકાય તેમ નથી, અને તેથી તેને કપડાંની નીચે, પોતાના હૃદયના નિયંત્રણકર્તા તરીકે કામ આપનારી બખ્તરની છાતીની પ્લેટ પહેરવાની ફરજ પડે છે. તેણે દરરોજ એ છાતીની પ્લેટને રિચાર્જ પણ કરવી રહે છે નહીં તો પેલો છરો તેને મોતને ઘાટ ઉતારે તેવું જોખમ રહે છે. આયર્ન મૅન માટેનું આવરણ એ હતું કે તે સ્ટાર્કનો અંગરક્ષક છે અને કોર્પોરેટ માસ્કોટ છે. છેક અંત સુધી, આયર્ન મૅન તેની કંપની સામેના ભય વિરુદ્ધ લડે છે, જેમ કે સામ્યવાદી પ્રતિપક્ષોના બ્લેક વિડો, ક્રિમસન ડાયનામો અને ટિટાનિયમ મૅન તેમ જ મન્ડારિન જેવા સ્વતંત્ર ખલનાયકો. સ્ટાર્કે એક પૈસાદાર છેલબટાઉ અને ઉદ્યોગપતિની છાપ ઊભી કરી હોવાથી તે જ આયર્ન મૅન છે એવી કોઈને શંકા પડતી નથી. આ તબક્કે સ્ટાર્ક સાથે સહાયક ભૂમિકામાં બે નોંધપાત્ર સદસ્યો હોય છે, તેનો અંગત કારચાલક હૅરોલ્ડ "હેપી" હોગન અને તેની સેક્રેટરી વિર્જિનિઆ "પેપર" પોટ્ટસ, આ બંને જણ સમક્ષ વખત જતાં તે પોતાની બેવડી ઓળખ છતી કરે છે. દરમ્યાનમાં, જિમ રહોડ્સ અસાધારણ કુશળતા અને બહાદુરી સાથે સ્ટાર્કના અંગત પાયલટ તરીકેનું પોતાનું અનુકૂળ સ્થાન અંકે કરે છે.

શરૂઆતનાં વર્ષોમાં આ કૉમિક સામ્યવાદી-વિરોધી દષ્ટિબિંદુ રજૂ કરતું હતું, પણ વિયેતનામ યુદ્ધ સામે ઊઠેલા વિરોધને જોતાં તેને હળવું કરવામાં આવ્યું હતું.[૨] શ્રેણીબદ્ધ વાર્તાઓમાં સ્ટાર્કને પોતાના રાજકીય અભિપ્રાયો અને લશ્કર માટે શસ્ત્ર-નિર્માણ કરવા બાબતેની નૈતિકતા પર ગહનતાપૂર્વક ફેરવિચાર કરતો દર્શાવીને આ બદલાવ લાવવામાં આવ્યો હતો. જો કે, સ્ટાર્કને, પ્રસંગોપાત્ત પોતાને અહંકારી અને અંત જ સાધનની યોગ્યતા પુરવાર કરશે એવી માન્યતા દર્શાવતો પણ વ્યકત કરવામાં આવ્યો હતો.[૧૫][૧૬] આના કારણે તેની બંને ઓળખમાં- નાગરિક અને સુપરહીરો તરીકે, તેની આસપાસના લોકો સાથે તેને અંગત ખેંચતાણ ઊભી થાય છે. સ્ટાર્ક પોતાની અંગત દેણગીનો ઉપયોગ માત્ર તેનું પોતાનું બખ્તર બનાવવા માટે જ નથી કરતો, પણ શિલ્ડ (S.H.I.E.L.D.) માટે શસ્ત્રો વિકસાવવા માટે અને એવેન્જર્સ જે કિવનજેટ વાપરતા હતા અને એકસ-મૅન જે ઈમેજ ઈન્ડયુસર્સ વાપરતા હતા તેના જેવી અન્ય ટૅકનોલૉજીઓ વિકસાવવા માટે પણ કરે છે.

છેવટે, સ્ટાર્કના હૃદયની સ્થિતિની લોકોને જાણ થાય છે અને એક કૃત્રિમ હૃદય પ્રત્યારોપણ દ્વારા તેને સાજો કરવામાં આવે છે.ઢાંચો:Issue પાછળથી, સ્ટાર્ક પોતાની બખ્તર ડિઝાઈનો વિસ્તારે છે અને વિશિષ્ટ પરિસ્થિતિઓ જેવી કે ચોરી અને અવકાશ યાત્રા માટે વિશિષ્ટ બખ્તરો ધરાવતું પોતાનું શસ્ત્રાગાર બનાવવું શરૂ કરે છે.ઢાંચો:Issue અલબત્ત, તેની સાથે સાથે સ્ટાર્ક દારૂ પર ગંભીરપણે આધારિત બની જાય છે.ઢાંચો:Issue જયારે સ્ટાર્કને ખબર પડે છે કે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી શિલ્ડે (S.H.I.E.L.D.), સ્ટાર્ક તેમના માટે શસ્ત્રો બનાવતો રહે તે નિશ્ચિત કરવા માટે તેની કંપનીનો નિયંત્રક હિસ્સો ખરીદી લીધો હતો, ત્યારે પહેલી વખત સમસ્યારૂપે બહાર આવે છે. એ જ ગાળામાં, સ્ટાર્કનો ધંધાદારી શત્રુ જસ્ટીન હૅમર તેના પર હુમલો કરવા માટે કેટલાક સુપરવિલનોને રાખે છે. ઢાંચો:Issue એક તબક્કે, આયર્ન મૅનનો પોશાક કબ્જે કરી લઈને, એક રાજદૂતનું ખૂન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તાત્કાલિક ધોરણે આયર્ન મૅન શંકાના ઘેરામાં નથી આવતો, છતાં સ્ટાર્કને પોતાનું બખ્તર સત્તાધિકારીઓને સોંપી દેવાની ફરજ પડે છે.ઢાંચો:Issue વખત જતાં, સ્ટાર્ક અને હવે તેનો નવો અંગત પાયલટ અને વિશ્વાસુ રહોડ્સ, આ ઘટના માટે જવાબદાર વ્યકિતઓનો પત્તો મેળવે છે અને તેમને માત આપે છે, તે છતાં હૅમર ફરીથી શેતાન સ્ટાર્કના રૂપમાં પાછો ફરશે.ઢાંચો:Issue પોતાની ત્યારની ગર્લફ્રેન્ડ, બેથની કૅબ, તેના મિત્રો અને તેના કર્મચારીઓના ટેકાથી સ્ટાર્ક આ બધી કટોકટીઓમાંથી બહાર નીકળે છે અને દારૂના વધુ પડતા સેવનના તેના પરાવલંબનમાંથી પણ બહાર આવે છે.ઢાંચો:Issue આ ઘટનાઓ ડેમન ઈન અ બોટલ નામે એકત્રિત રૂપે પ્રકાશિત થઈ છે. સ્ટાર્ક પોતાની ભયાનક અંગત કસોટીમાંથી પાર ઊતરીને સાજો થાય છે તે પછી પણ, તેનું જીવન હજી વધુ જટીલ બને છે; તેની અને ડૉકટર ડૂમ વચ્ચે બોલાચાલી થઈ રહી હોય છે ત્યારે એક તકવાદી શત્રુ તેમને રાજા આર્થરના સમયમાં પાછા મોકલી દે છે.ઢાંચો:Issue એક વખત ત્યાં આવ્યા પછી, આયર્ન મૅન, મોર્ગન લે ફાયની મદદ લેવાનો ડૂમનો પ્રયાસ નિષ્ફળ બનાવે છે, અને બદલામાં લાટવેરિયન શાસક જીવલેણ શાપ આપે છે - બંનેને તેમના પોતાના સમયમાં પાછા ફરવા માટે જરૂરી યુદ્ધવિરામ પછી થોડા સમય પછી આખરે તેમાં ડૂબી જવું.ઢાંચો:Issue આ ઘટના ડૂમકવેસ્ટ નામે એકત્રિત અને પ્રકાશિત થઈ હતી.

થોડા સમય પછી, એક ક્રૂર શત્રુ, ઓબાદિઆહ સ્ટાન, સ્ટાક સાથે ભાવનાત્મક ચાલાકી રમીને તેને ગંભીર રીતે નુકસાનીમાં ઉતારી દે છે. તેના પરિણામે, સ્ટાર્ક, સ્ટાર્ક ઈન્ટરનેશનલ પરનો કબજો ગુમાવી બેસે છે, અને એક ઘરવિહોણો રખડુ દારૂરિયો બની જાય છે તથા પોતાની બખ્તરવાળી ઓળખ રહોડ્સને સોંપી દે છે, જે પછીથી સારા એવા લાંબા સમયગાળા સુધી નવો આયર્ન મૅન બની રહે છે. છેવટે, સ્ટાર્ક આ ધક્કામાંથી બહાર આવે છે અને એક નવી શરૂઆત, સર્કિટ્સ મેકિસમસમાં જોડાય છે. ત્યાં તે પોતાની આરોગ્યપ્રદ ઉપચારપદ્ધતિના ભાગ રૂપે બખ્તરનો એક નવો સેટ બનાવવા સહિત નવી ટૅકનોલૉજિકલ ડિઝાઈનો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. તે દરમ્યાન રહોડ્સ આયર્ન મૅન તરીકે વર્તવાનું ચાલુ રાખે છે પણ મૂળે આ બખ્તર તેના ઉપયોગ માટે યોગ્ય રીતે અંશાંકિત કરેલું ન હોવાથી, તે દિવસે દિવસે વધુ આક્રમક અને અપવૃત્તિ રાખનાર નુકસાનકર્તા બનતો જતો હતો. અંતે, રહોડ્સ ક્રોધાવેશમાં આવી હિંસાત્મક ધાંધલ મચાવવા માંડે છે, અને તેને રોકવા માટે સ્ટાર્કે તેના મૂળ બખ્તરી પોશાકની પ્રતિકૃતિ ચઢાવવી પડે છે. જયારે સ્ટાને સર્કિટ્સ મેકિસમસ પર હુમલો બોલી દે છે, ત્યારે સ્ટાર્ક સ્ટાનને સાથે અંગત બાથંબાથમાં તેને ટક્કર આપવા માટે, હમણાં જ પૂર્ણ કરેલું નવી-પેઢીનું સ્લિવર સેન્ચુરિયન બખ્તર વાપરે છે. સ્ટાને તેના પોતાના જ જુદા પોશાકનો ખાસ મહાવરો નથી હોતો (જે આયર્ન મોન્જર તરીકે જાણીતું હતું), તેની સામે સ્ટાર્કની કુશળતા ચઢિયાતી પુરવાર થાય છે. સ્ટાર્કને પોતાનો ન્યાય તોળવાનો સંતોષ આપવાને બદલે, સ્ટાન આત્મહત્યા કરી લે છે.[૧૭] તેના થોડા સમય પછી, સ્ટાર્ક ફરીથી પોતાની અંગત સંપત્તિ હાંસલ કરે છે, પણ ઘણા લાંબા સમય સુધી, સ્ટાન ઈન્ટરનેશનલને ફરીથી ખરીદવા અંગેનો નિર્ણય મોકૂફ રાખે છે; તેના બદલે તે લોસ એન્જલસમાં પોતાનું હેડકવાર્ટર ધરાવતા સ્ટાર્ક એન્ટરપ્રાઈઝની રચના કરે છે.

1980 અને 1990ના દાયકાનો ઉત્તરાર્ધ[ફેરફાર કરો]

પોતે બનાવેલી ડિઝાઈનોનો લોકો દ્વારા થતો દુરુપયોગ અટકાવવા માટે, સ્ટાર્ક આયર્ન મૅન ટૅકનોલૉજી પર આધારિત બખ્તર-પોશાકો પહેરતાં અન્ય હીરો અને વિલનોને નકામાં બનાવવા માટે નીકળી પડ્યો, આ એ ડિઝાઈનો હતી જે તેના શત્રુ સ્પાયમાસ્ટરે ચોરી લીધી હતી. ચોરેલી ટૅકનોલૉજીના તમામ કિસ્સાઓને નેસ્તનાબૂદ કરવાની તેણે ઉપાડેલી આ લડતથી આયર્ન મૅન તરીકેની તેની પ્રતિષ્ઠાને ખાસ્સો ધક્કો પહોંચે છે. સ્ટિલ્ટ-મૅન જેવા અનેક ટચુકડા વિલનોની શ્રેણી પર હુમલો બોલી તેને નકામી બનાવ્યા પછી, તે સ્ટિંગરૅ નામના એક સરકારી સંચાલક પર હુમલો કરે છે અને તેને માત આપે છે. પણ જયારે સ્ટાર્કને ખબર પડે છે કે સ્ટિંગરૅનો બખ્તર-પોશાક તેની કોઈ પણ ડિઝાઈનને સમાવતો નહોતો ત્યારે સ્થિતિ વણસે છે. તે જાહેરમાં આયર્ન મૅન પર "ફિટકાર" વરસાવે છે પણ અપ્રગટ રૂપે પોતાનો હેતુ પૂરો કરવા મચેલો રહે છે. તે મૅનડ્રોઈડ્સ તરીકે જાણીતા શિલ્ડ (S.H.I.E.L.D.) સંચાલકોના બખ્તર સુધી પહોંચવા અને તેને નકામું બનાવવા માટે, પોતે ધૂર્ત આયર્ન મૅનને નકામો બનાવવા માગે છે તેવી કવર સ્ટોરીનો ઉપયોગ કરે છે, અને ગાર્ડ્સમૅનોના બખ્તરને નકામું બનાવે છે, જે દરમ્યાન તેઓ જે કેટલાક વિલનો પર ચોકી પહેરો રાખી રહ્યા હતા તેમાંના કેટલાક છટકી જાય છે. આ ઘટનાને પગલે યુનાઈટેડ સ્ટેટ્સની સરકાર આયર્ન મૅનને જોખમકારક અને બકાયદા જાહેર કરે છે. ત્યારબાદ આયર્ન મૅન રશિયા જાય છે જયાં એક લડાઈ દરમ્યાન એ શરતચૂકથી સોવિયત ટિટાનિયમ મૅનના મૃત્યુનું કારણ બને છે. યુ.એસ. પાછા ફર્યા બાદ, સરકાર દ્વારા નીમાયેલા શત્રુ ફાયરપાવર સાથે તેનો ભેટો થાય છે. બંને વચ્ચે થતી ટક્કરમાં, તેને માત આપવામાં અક્ષમ રહેલો સ્ટાર્ક, આયર્ન મૅન મૃત્યુ પામ્યો હોવાની બનાવટ કરે છે, તેનો ઇરાદો આ પોશાકને કાયમ માટે વિદાય આપી દેવાનો હતો. જયારે એ ફાયરપાવર બદમાશી પર ઊતરી આવે છે, ત્યારે સ્ટાર્ક એક નવો પોશાક બનાવે છે, અને આ બખ્તરમાં એક નવો માણસ છે એવો દાવો કરે છે.

સ્ટાર્કનું સ્વાસ્થ્ય સતત કથળતું જાય છે, અને તેને ખબર પડે છે કે બખ્તરની સંદેશાવાહક કાર્યપ્રણાલી (સાઈબર્નેટિકસ ઈન્ટરફેસ) તેના મજ્જાતંત્રને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડી રહી છે. તેની સ્થિતિ વધુ નાજુક બને છે જયારે માનસિક રીતે અસંતુલિત એવી તેની ભૂતપૂર્વ પ્રેમિકા તેની જાન લેવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, જેમાં તેની કરોડરજ્જુને નુકસાન પહોંચે છે, અને તેને લકવો થઈ જાય છે. પોતાનું હલનચલન પાછું મેળવવા માટે સ્ટાર્ક તેની કરોડરજ્જુમાં એક જ્ઞાનતંતુની ચીપ બેસાડે છે. છતાં હજી પણ સ્ટાર્કનું મજ્જાતંત્ર નિષ્ફળ બનવા તરફ ધસતું રહે છે, એટલે એ કૃત્રિમ જ્ઞાનતંતુઓની જાળ ધરાવતી "ત્વચા" બનાવે છે, જે તેને મદદ કરે. સ્ટાર્ક દૂરસ્થ-નિયંત્રણ ધરાવતું પાઈલટ આયર્ન મૅનનું બખ્તર બનાવવું પણ શરૂ કરે છે, પણ જયારે તેનો ભેટો માસ્ટર્સ ઓફ સાયલન્સ સાથે થાય છે, ત્યારે દૂરગામી ઉપસ્થિતિ ધરાવતો પોશાક અપૂરતો સાબિત થાય છે. તે પછી સ્ટાર્ક વધુ શસ્ત્રોથી સજ્જ એવો પોશાક, "વેરીએબલ થ્રેટ રિસ્પોન્સ બેટલ સુઈટ (ફરતાં ભયને પ્રતિભાવ આપવા સક્ષમ પોશાક)" ડિઝાઈન કરે છે, જે વૉર મશીન બખ્તર તરીકે જાણીતું બને છે. છેવટે, તેના મજ્જાતંતુઓને પહોંચેલું નુકસાન સીમા વટાવી જાય છે. રહોડ્સ વૉર મશીનના પોશાકનો ઉપયોગ કરીને સ્ટાર્ક એન્ટરપ્રાઈઝની કામગીરી અને આયર્ન મૅનનું આવરણ સંભાળી લે છે એટલે પોતાના મૃત્યુ નીપજયાની બનાવટ કરી, સ્ટાર્ક સાજા થવા માટે પોતાની જાતને સસ્પેન્ડેડ એનિમેશનમાં ગોઠવે છે. છેવટે સ્ટાર્ક એક ચીપનો ઉપયોગથી પોતાનો પ્રોગ્રામ પુનઃ ગોઠવીને સંપૂર્ણપણે સાજો થાય છે અને આયર્ન મૅન તરીકેની ઓળખાણ ફરીથી અંકે કરે છે. જયારે રહોડ્સને ખબર પડે છે કે સ્ટાર્કે તેના પોતાના મૃત્યુની બનાવટ કરીને મિત્રોને છેતર્યા, ત્યારે તે ગુસ્સે ભરાય છે અને બે મિત્રો જુદા પડે છે, રહોડ્સ્ વૉર મશીન તરીકે પોતાની એકલ કારકિર્દી ચાલુ રાખે છે.

"ધ ક્રોસિંગ"ની વાર્તામાં, સમય-પ્રવાસી સરમુખત્યાર કાંગ-એક વિજેતાએ વર્ષોની છેતરામણીના કારણે, આયર્ન મૅનને એવેન્જર્સની હારમાંના એક વિશ્વાસઘાતી તરીકે દર્શાવવામાં આવ્યો છે. કાંગના ગુલામમાં એક સુષુપ્ત એજન્ટ તરીકે સ્ટાર્ક, ક્રિસ્ટલની નાની મૅરિલાને અને કિવકસ્લિવરની દીકરી લીનાને, તેમ જ મહિલા યલોજૅકેટ રીટા ડેમારાને મારી નાખે છે, અને એ પછી એવન્જર્સને મિત્ર આશ્રય આપતી અમાન્દા ચૅનીને મારી નાખે છે (પાછળથી એવેન્જર્સ ફોરએવર નામની નાની શ્રેણીમાં આ ઘટનાઓને કાંગને બદલે, કપટ વેષે આવેલા ઈમ્મોર્ટસનું કામ ગણાવાઈ છે, અને માનસિક નિયંત્રણ માત્ર થોડાક જ મહિનાઓ પાછળ ગયું હતું તેમ દર્શાવાયું હતું.)

સ્ટાર્ક અને તથાકથિત કાંગ, એમ બંનેને માત આપવા માટે મદદની જરૂર હોવાથી, જૂથ સમયમાં પાછળ જાય છે અને વૈકલ્પિક સમયરેખામાંથી કિશોર વયના એન્થોની સ્ટાર્કને તેમની સહાયતા માટે સાથે લે છે. આ યુવા સ્ટાર્ક, પોતાની વયોવૃદ્ધ જાત સામે એવેન્જર્સને સહાયતા આપવા માટે આયર્ન મૅનનો પોશાક ચોરે છે. વયોવૃદ્ધ સ્ટાર્ક, પોતાની યુવા છબી જોતાં જ ચોંકી જાય છે, અને પોતાની ક્રિયાઓ પરત્વે ક્ષણિક નિયંત્રણ પાછું મેળવે છે, અને કાંગને રોકવા માટે પોતાનું જીવન કુરબાન કરી દે છે. પાછળથી યુવા સ્ટાર્ક નવા આયર્ન મૅન બનવા માટે તેનો પોતાનો પોશાક બનાવે છે, અને આજના સમયમાં જ રોકાઈ જઈને, "પોતાની" કંપનીનું કાયદાકીય નિયંત્રણ મેળવે છે.

ઑનસ્લૉટ નામના પ્રાણી સાથેની લડાઈમાં, બીજા ઘણા બધા સુપરહીરોની સાથે, કિશોરવયનો સ્ટાર્ક પણ મૃત્યુ પામે છે. અલબત્ત, ફ્રેન્કલિન રિચાર્ડ્સ આ તમામ "મૃત" હીરોને, બ્રહ્માંડના "હીરોસ રિબોર્ન (પુર્નજીવિત નાયકો)"ના પોકેટમાં સાચવી રાખે છે, જેમાં એન્થોની સ્ટાર્ક ફરી એકવાર એક વયસ્ક હીરો હોય છે; ફ્રેન્કલિન આ પોકેટ બહ્માંડમાં નાયકોને તેઓ આજે જે છે એને બદલે, એવા સ્વરૂપમાં ફરીથી જીવિત રાખે છે જે તેને સૌથી વધુ પરિચિત હોય. પુનર્જીવિત વયસ્ક સ્ટાર્ક, સામાન્ય માર્વેલ યુનિવર્સમાં પાછો ફરે છે ત્યારે મૂળ સ્ટાર્ક, કે જે "ધ ક્રોસિંગ"માં મરી ગયો હતો, પણ જેને ફ્રેન્કલિને સજીવન કર્યો હતો, તેની સાથે ભળી જાય છે. આ નવો એન્થોની સ્ટાર્ક, બંનેની- એટલે કે મૂળ અને કિશોરવયના એન્થોની સ્ટાર્કની સ્મૃતિઓ ધરાવે છે, અને તેથી તે પોતાની જાતને અનિવાર્યપણે બંને માને છે. નેલસન એન્ડ મુર્ડોક નામની કાયદાકીય પેઢીની સહાયતાથી, તે સફળતાપૂર્વક પોતાની સંપત્તિ પાછી મેળવે છે, જેમાં સ્ટાર્કના મૃત્યુને પગલે સ્ટાર્ક એન્ટરપ્રાઈઝને ફુજીકાવા કોર્પોરેશનને વેચી દેવાયું હોવાથી તે સ્ટાર્ક સોલ્યુશન્સ નામની નવી કંપની સ્થાપે છે. પોકેટ બ્રહ્માંડમાંથી પાછો ફરેલો આ સ્ટાર્ક સાજુંસમું અને સ્વસ્થ હૃદય ધરાવે છે. એવન્જર્સ પાછા એકઠાં મળે છે તે પછી તરત, સ્ટાર્ક ઑનસ્લૉટની ઘટનાની જરાક જ પહેલાંનાં પોતાનાં પગલાંઓ બાબતે ચુકાદો આપવા અને આખી બાબતને ધ્યાનપૂર્વક જોવાવા માટેની માંગ કરે છે. તમામ ખોટાં કામો માટે બેકસૂર ઠર્યા પછી, તે એવન્જર્સમાં પાછો જોડાય છે.

2000નો દાયકો[ફેરફાર કરો]

એક તબક્કે, સ્ટાર્કનું બખ્તર સંવેદના ધરાવતું બની ગયું, તેમ ન થાય તે માટે અત્યંત વિકસિત કમ્પ્યૂટર વ્યવસ્થાઓને રોકતી તમામ સુરક્ષા અગમચેતીઓ છતાં તેમ બન્યું. શરૂઆતમાં તેની વધુ સુધરેલી સુનિયોજિત ક્ષમતાઓના કારણે સ્ટાર્કને આ "જીવંત" બખ્તર આવકાર્ય લાગ્યું. જો કે, બખ્તર વધુ ને વધુ આક્રમક બનતું ચાલ્યું, ને કોઈ ભેદભાવ વિના ખૂનામરકી કરવા માંડયું અને અંતે સ્ટાર્કનું સ્થાન મેળવવાની ઇચ્છા સેવવા માંડ્યું. એક રણદ્વીપ પર થયેલી અંતિમ ટકરામણમાં, સ્ટાર્કને હૃદયનો બીજો હુમલો આવે છે. પોતાના રચયિતાની જિંદગી બચાવવા માટે બખ્તર પોતાનું અસ્તિત્વ કુરબાન કરી દે છે, અને સ્ટાર્કને એક નવું, કૃત્રિમ હૃદય આપવા માટે, પોતાના અનિવાર્ય અંગો આપી દે છે. આ નવું હૃદય સ્ટાર્કને સ્વાસ્થ્યની સમસ્યાઓમાંથી ઉગારી લે છે, પણ તેની પાસે આંતરિક ક્રિયાશકિત નથી, એટલે સ્ટાર્કે એક વાર ફરીથી સમયાંતરે રિચાર્જ કરવા પર આધારિત રહેવું પડે છે. બખ્તર સંવેદનશીલ બનવાની ઘટનાએ સ્ટાર્કને એટલો હચમચાવી મૂકયો કે તે આવી ઘટના ફરીથી ન ઘટે તે માટે હંગામી ધોરણે પોતાનું જૂનું, બહુ વિકસિત નહીં એવું બખ્તર વાપરવાનું શરૂ કરી દે છે. તે શરીર ફરત સુરક્ષા કવચ બનાવી દેતી, સ્કીન (S.K.I.N.) તરીકે જાણીતી પ્રવાહી ધાતુ સર્કિટનો ઉપયોગ કરવાનો પ્રયોગ પણ કરે છે, પણ વખત જતાં વધુ પરંપરાગત સખત ધાતુના બખ્તરો વાપરવા તરફ પાછો વળે છે.

આ સમયગાળા દરમ્યાન, સ્ટાર્ક રુમિકો ફુજિકાવા (પ્રથમ ઉલ્લેખ આયર્ન મૅન (વોલ્યુમ ૩)#4માં) સાથે પ્રણયમાં પડે છે, તે એક ધનાઢ્ય પરિવારની વારસ હોય છે અને "હીરોઝ રિબોર્ન" સમયગાળામાં જે માણસે તેની કંપની કબજે કરી હતી તેની દીકરી છે. બુદ્ધિશાળી અને ઉપાયચતુર એવી આ મહિલાએ આ સંબંધ અમુક અંશે સ્ટાર્કને નાપસંદ કરતા, પોતાના કઠોર પિતા સામે બળવો પોકારવા માટે પણ શરૂ કર્યો હોય છે. સ્ટાર્ક સાથેનો તેનો સંબંધ ઘણા ચઢાવ-ઊતાર સહી જાય છે, જેમાં સ્ટાર્કના શત્રુ, ટિબેરીયસ સ્ટોન સાથે બેવફાઈ જેવા પ્રસંગો પણ સામેલ હતા, તેનું એક કારણ એ હતું કે મોજ-મઝાપ્રેમી રુમિકો માનતી કે સ્ટાર્ક બહુ ગંભીર અને ઉદાસીન છે. આયર્ન મૅન (વોલ્યુમ 3) #87માં ઢોંગી આયર્ન મૅનના હાથે રુમિકોનું મૃત્યુ નીપજવા સાથે તેમનો સંબંધ પૂરો થાય છે.

આયર્ન મૅન (વોલ્યુમ 3) #55 (જુલાઈ 2002)માં, સ્ટાર્ક જાહેરમાં આયર્ન મૅન તરીકેની પોતાની બેવડી ઓળખ છતી કરે છે, એમ કરતી વખતે એ ભૂલી જાય છે કે આમ કરવાથી, તે તેના બખ્તરની સરકારી પ્રતિકૃતિઓ બનાવવા સામેનો જે કરાર હતો તે નિરર્થક બનાવી રહ્યો હતો (કારણ કે એ કરારોમાં એવું લખેલું હતું કે આયર્ન મૅનનું બખ્તર ટોની સ્ટાર્કનો એક કર્મચારી વાપરશે, સ્ટાર્ક પોતે નહીં. જયારે તેને ખબર પડે છે કે યુનાઈટેડ સ્ટેટ્સનું લશ્કર ફરીથી તેની ટૅકનોલૉજી વાપરી રહ્યું છે, ત્યારે સ્ટાર્ક પહેલાંની જેમ તેમની સાથે બાખડી પડવાને બદલે, રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા સચિવ તરીકેની નિયુકિતને સ્વીકારી લે છે. આ રીતે, તેની ડિઝાઈનના ઉપયોગ પર તે સીધું નિયંત્રણ રાખવાની આશા રાખતો હતો.

એવેન્જર્સનું વિસર્જન[ફેરફાર કરો]

માનસિક અસંતુલન ધરાવનાર સ્કારલેટ વિચ દ્વારા ચાલાકીથી, યુનાઈટેડ નેશન્સ ખાતે પોતે લાટવેરિયન રાજદૂત સામે નિંદાત્મક ભાષણ આપ્યા પછી તેને રાજીનામું આપવા માટે ફરજ પાડવામાં આવી. તેના પછી તરત, સ્કાલેટ વિચના કારણે એવેજર્ન્સની હવેલી જમીનદોસ્ત થાય છે અને તેમાં અમુક એવેન્જર્સ માર્યા જાય છે; સ્ટાર્ક જાહેરમાં દાવો કરે છે એ આયર્ન મૅનનું સ્થાન છોડી દેશે. "નવો" આયર્ન મૅન સ્ટાર્ક જ રહે છે; જો કે, આ ઘટનાની આગળ બનેલી આપત્તિજનક ઘટનાઓ, અને તેની સાથે સ્ટાર્કની આ ચોખવટથી, લોકોને ખાતરી થઈ જાય છે કે આયર્ન મૅન અને સ્ટાર્ક એ હવે બે જુદા લોકો છે. એવેન્જર્સની હવેલીના અવશેષોને એમ જ રહેવા દઈ સ્ટાર્ક ચાલ્યો જાય છે, અને સ્ટાર્ક ટાવર, કલાનો ઉત્કૃષ્ટ નમૂના રૂપ કાર્યાલયનું બિલ્ડીંગ, અનાવરિત કરે છે, જે તે જેનો સભ્ય છે તેવી નવી એવેન્જર્સની ટીમનું મુખ્યમથક બને છે.[૧૮]

લઘુશ્રેણી આયર્ન મૅનઃ ધ ઈનેવિટેબલ ફરી એકવાર ઘોસ્ટ, લિવિંગ લેસર અને સ્પાયમાસ્ટરને લાવે છે. તે પૂર્વસ્થિતિમાં બદલાવ રજૂ કરે છે, જેમાં આયર્ન મૅનની વાર્તાઓનું હાર્દ સુપરહીરો પરથી હટાવીને રાજકારણ અને ઉદ્યોગ પર લઈ જવામાં આવે છે. આ લઘુશ્રેણીમાં આયર્ન મૅનને સુપરવિલનોની દહેશતથી પોતાની જાતને "ઉપર" ઉઠાવતો દર્શાવવામાં આવ્યો છે, અને રીસે ભરાયેલો સ્પાયમાસ્ટર આયર્ન મૅનને પાછો તે નિમ્ન કક્ષાએ ઘસડી જવા માટે કાવતરું કરે છે.ઢાંચો:Issue

ઈલુમિનેટી[ફેરફાર કરો]

ન્યૂ એવેન્જર્સઃ ઈલુમિનેટી #1 (જૂન 2006)માં છતું થાય છે કે વર્ષો પહેલાં, ક્રી-સ્ક્રુલ યુદ્ધના મળસકે, સ્ટાર્કે વાકાન્દામાં બ્લેક પેન્થરની જગ્યામાં, પ્રોફેસર એકસ, મિસ્ટર ફેનટાસ્ટીક, બ્લૅક બોલ્ટ, ડૉકટર સ્ટ્રેન્જ, અને નામોર સાથે એક ગુપ્ત, અનામી જૂથ (માર્વેલે તેને "ઈલુમિનેટી" નામ આપ્યું) બનાવવા માટે અને વ્યાપક જોખમો માટે વ્યૂહ અને નીતિ વિચારી કાઢવા માટે એક બેઠક ગોઠવે છે (બ્લેક પેન્થર તેનું સભ્યપદ નકારે છે અને બીજા નાયકો સાથે જોડાવાનું નક્કી કરે છે). સ્ટાર્કનું મૂળ ધ્યેય જવાબ આપવા માટે આખા વિશ્વમાંના તમામ સુપરહીરો માટે એક નિયામક મંડળ સ્થાપવાનું છે. અલબત્ત, જુદી જુદી માન્યતાઓ અને ફિલસૂફીઓ, અને તેની સાથે સાથે ઘણા નાયકો પોતાની સાચી ઓળખાણ ગુપ્ત રાખવાનું પસંદ કરતા હોવાથી, સ્ટાર્કની યોજના અવાસ્તવિક બની રહે છે. આમ છતાં, જૂથ અગત્યની માહિતી વહેંચવા માટે સહમત થાય છે.

આંતરવિગ્રહ[ફેરફાર કરો]

સરકારના સુપરહ્યુમન રજિસ્ટ્રેશન એકટ (મહામાનવ નોંધણી કાયદો) લાવવા માટેના આયોજનની જાણ થતાં, પહેલાં તો ટોની સ્ટાર્ક આ પ્રસ્તાવને નિષ્ફળ બનાવવા ચાહે છે, આ કાયદા અનુસાર સુપર-પાવર ધરાવતી વ્યકિતઓએ સરકાર સમક્ષ તેમની ઓળખ ફરજિયાત છતી કરવી પડે અને નોંધણી કરાવીને પરવાનેદાર એજન્ટ તરીકે કામ કરવું પડે. પણ પાછળથી જયારે તે આ કાયદાને પોતાના ઇલુમિનેટીના ધ્યેયને પહોંચવા માટેના સાધન રૂપે જુએ છે ત્યારે કાયદા અંગેનો તેનો અભિપ્રાય બદલાય છે. તેના સાથી ઈલુમિનેટી સદસ્યોમાંથી, માત્ર ફેન્ટાસ્ટિક ફોરનો રીડ રિચાડર્સ જ સ્ટાર્ક સાથે સહમત થાય છે, જે રજિસ્ટ્રેશન એકટ માટેનો કલ્પિત વડો બને છે. કેપ્ટન અમેરિકાની પાછળ રેલીમાં જોડાઈને ઘણી સુપરપાવર ધરાવતી વ્યકિતઓ રજિસ્ટ્રેશનનો વિરોધ કરે છે, જેના પગલે વિનાશાત્મક "સુપરહીરો આંતરવિગ્રહ" શરૂ થાય છે, જે છેવટે વધુ સમાંતર હાનિ રોકવા માટે કૅપ્ટન અમેરિકન પોતાનો આગ્રહ છોડે છે તે સાથે પૂરો થાય છે. શિલ્ડ(S.H.I.E.L.D.)ના નવા નિર્દેશક તરીકે સ્ટાર્કની નિયુકિત કરવામાં આવે છે,[૧૯] અને તે સરકારી-મંજૂરી ધરાવતું નવું એવેન્જર્સનું જૂથ બનાવે છે (જયારે લુક કૅજનું વાસ્તવિક નેતૃત્વ ધરાવતી નવી એવેન્જર્સ ટીમ, સુપરહીરો રજિસ્ટ્રેશન એકટનો વિરોધ કરવો ચાલુ રાખે છે અને ભૂગર્ભમાંથી પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે). તેના થોડા જ સમય પછી, કૅપ્ટન અમેરિકા જયારે હિરાસતમાં હોય છે ત્યારે તેમની હત્યા થઈ જાય છે, જેના પગલે સ્ટાર્ક અપરાધભાવની અને અંદેશાઓની મહા ગર્તામાં ધકેલાઈ જાય છે.

ગુપ્ત આક્રમણ[ફેરફાર કરો]

તેના શરીર પર કબજો જમાવતા અલ્ટ્રોન સાથેની ટકરામણમાં બચી ગયા પછી, હૉસ્પિટલમાં ટોની સ્ટાર્કનો સામનો સ્પાઈડર-વુમન સાથે થાય છે, જે એક સ્ક્રુલના મડદાને પકડીને એલેકટ્રા તરીકે ઊભી હોય છે. સ્ક્રુલ તરફથી આવી રહેલા આક્રમણ અંગે અત્યંત જાગૃત હોવાથી, ટોની ઈલુમિનેટીને એકત્ર કરે છે અને તેમને મડદું બતાવે છે, તેઓ યુદ્ધ આરંભી રહ્યા છે એવી ઘોષણા કરે છે. જયારે બ્લેક બોલ્ટ પોતે એક સ્ક્રુલ હોવાનો રહસ્યોદ્ઘાટ કરે છે અને નામોર તેની હત્યા કરી નાખે છે, પછી સ્ક્રુલની આખી પલટન હુમલો કરવા માટે દોડી આવે છે, જેના કારણે ટોનીને બાકીના ઈલુમિનેટીના સદસ્યોને બહાર કાઢી, એ વિસ્તારને ધ્વસ્ત કરી નાખવાની ફરજ પડે છે, અને તેમાં તમામ સ્ક્રુલો મરી જાય છે. હવે તમામ સદસ્યોને એવી પ્રતીતિ થાય છે કે તેઓ એકબીજા પર વિશ્વાસ મૂકી શકે તેમ નથી, એટલે તેઓ આવનારા આક્રમણ માટે પોતપોતાના વ્યકિતગત આયોજનો ઘડવા માટે છૂટા પડી જાય છે.

પૃથ્વી પર આકાર-બદલતા એલિયન સ્ક્રુલ વંશની છૂપી ઘૂસણખોરી અને આક્રમણની આગાહી કરવામાં કે તેને અટકાવવામાં અક્ષમ પુરવાર થયેલો ટોની અવિશ્વસ્ત વ્યકિત બની જાય છે અને જાહેરમાં તેની નિંદા થાય છે, વધુમાં વિશ્વવ્યાપક સુરક્ષા માટે વાસ્તવિક ઇજારો ધરાવતી તેની સ્ટાર્ક ટૅક ટૅકનોલૉજીને પણ સ્ક્રુલ નકામી બનાવી દે છે.[૨૦] આક્રમણ પછી, યુ.એસ. સરકાર તેને શિલ્ડ(S.H.I.E.L.D.)ના વડા તરીકેના પદ પરથી હટાવી દે છે અને એવેન્જર્સને પણ વિખેરી નાખે છે, હવે પછીનાં પગલાંઓ માટે નોર્મન ઓસ્બોર્નને નિયંત્રણ સોંપવામાં આવે છે.

અંધાર યુગ[ફેરફાર કરો]

પોતાની એક્સટ્રીમિસ શકિતઓ હવે ન રહી હોવાથી, સ્ટાર્ક રજિસ્ટ્રેશન એકટના તમામ રૅકોર્ડોનો નાશ કરવા માટે એક વાયરસ નાખે છે, જેથી ઓસ્બોર્ન તેના સાથી નાયકોની ઓળખ જાણી ન શકે અને રિપલ્સર જનરેટરો સહિતનું બીજું જે કંઈ પણ ઓસ્બોર્ન સંભવતઃ વાપરી શકે તેનો નાશ કરવા માંડ્યો. હવે માત્ર સ્ટાર્કના મગજમાં જ આ ડેટાબેઝની એક પ્રત રહી હતી, જેને પણ તે એક એક કરીને, પોતાના વધારાના બખ્તર સાથે ભાગતાં ભાગતાં, ભૂંસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.[૨૧] તેને ભાગેડુ જાહેર કરીને નોર્મન ઓસ્બર્ને તેનો પીછો પકડયો હોવાથી, સ્ટાર્ક પોતાનો માનસિક ડેટાબેઝ ભૂંસી નાખવાની રીત શોધવા માટે આખા વિશ્વભરમાં પ્રવાસ કરે છે, ત્યાં સુધી કે એ જાતે પોતાને મસ્તિષ્ક ક્ષતિ પહોંચાડવા પણ તૈયાર હોય છે. જયારે ઓસ્બોર્ન જાતે નબળા પડી ગયેલા સ્ટાર્કને પકડી પાડે છે અને તેને અત્યંત ક્રૂરતાપૂર્વક ઢોરમાર મારે છે, ત્યારે પિપર પોટ્ટસ વિશ્વભરમાં તેનું જીવંત પ્રસારણ કરે છે, જેના કારણે ઓસ્બર્નની વિશ્વસનીયતાને ધક્કો પહોંચે છે અને સ્ટાર્કને લોકોની સહાનુભૂતિ મળે છે. સ્ટાર્ક વનસ્પતિ જેવી (વેજિટેટિવ) સ્થિતિમાં સરી પડે છે, અલબત્ત તેણે અગાઉ પોતાના સત્તાધિકારો માટે ડોનાલ્ડ બ્લાકે(નોર્સ-ગોડ સુપરહીરો થોરનો અભિન્ન આત્મા)-ને મુખત્યાર નીમ્યો હોય છે.[૨૨] પિપરના બખ્તરમાં સચવાયેલો એક હસ્તલિખિત સંદેશો એવો રહસ્યોદ્ઘાટ કરે છે કે સ્ટાર્કે ડેઝાબૅઝનો નાશ કરતાં પહેલાં, પોતાની વર્તમાન સ્થિતિમાંથી પોતાના મગજને "રીબૂટ (ફરીથી ચાલુ)" કરવાનું સાધન વિકસાવ્યું હતું; સ્ટાર્ક સંદેશામાં લખ્યું હતું કે જો તેના હાલની સ્થિતિમાં રહેવાથી બધું થાળે પડતું હોય અને આસાનીથી ચાલતું હોય તો તે એમ જ રહેવા માગે છે, છતાં બ્લાકે અને બુકી તેને પાછા સામાન્ય સ્થિતિમાં લાવવા માટે એનો ઉપયોગ કરવાનું ઠરાવે છે, વધુમાં બીજા અનેક આ રીતે પાછા આવી શકતા નહોતા- જયારે ટોની આવી શકે છે એ હકીકત બાબતે પિપરના મનમાં અનિશ્ચિતતા પણ હતી. દરમ્યાનમાં, તેની અર્ધજાગ્રતઅવસ્થામાં જ, એ એક એવી ભાવિ ઘટનામાં ફસાઈ જાય છે જેમાં તેના પોતાના મગજની કલ્પનાઓ તેને આગળ વધતાં અને જાગ્રત વિશ્વમાં પાછા ફરતાં અટકાવે છે. જયારે દર્શાવેલી પદ્ધતિ કામ નથી આપતી, ત્યારે બુકી ડૉકટર સ્ટ્રેન્જને બોલાવે છે, જે પ્રયાસ કરે છે અને સ્ટાર્કને જાગ્રત અવસ્થામાં પાછો લાવવામાં સફળ થાય છે. જો કે, તેમાં સ્ટાર્કે આંતરવિગ્રહ પહેલાં તૈયાર કરેલો બેકઅપ ભૂંસાઈ જાય છે, અને તેને આ ઘટના દરમ્યાન ઘટેલું કશું પણ યાદ હોતું નથી.[૨૩]

ઘેરો[ફેરફાર કરો]

ટોની સ્ટાર્ક, ડૉ. ડોનાલ્ડ બ્લાકે અને મારિયા હિલની સારવાર હેઠળ જોવામાં આવ્યો હોય છે. જયારે એ બંનેને અસ્ગાર્ડ પર હુમલો થયાના એંધાણ મળે છે, ત્યારે બ્લાકે મારિયાને સ્ટાર્ક સાથે ભાગી જવાનું કહે છે.[૨૪] ઓસ્બોર્ન અને તેના આક્રમક કૂતરા સેન્ટ્રી દ્વારા થયેલા ઓચિંતા હુમલા પછી, જે હવે થોર છે તે બ્લાકેની સહાયતા કરવા માટે હિલ સ્ટાર્કને છોડીને પાછી ફરે છે. હિલ થોરને ઉગારે છે અને તેને સાજો કરવા માટે બ્રોકસટોન પાછો લઈ આવે છે. જયારે ઓસ્બોર્ન લશ્કરી કાયદો લાગુ કરે છે અને થોર અને હિલનું પગેરું મેળવવા માટે પહેલાં ડાકેન અને પછી સેન્ટ્રીને છૂટાં મૂકે છે, ત્યારે શહેરને બચાવવા માટે થોર પોતાની જાતને છતી કરે છે. ટોની સ્ટાર્કને તેના છૂપા સ્થાનેથી કોઈ સલામત સ્થળે ખસેડવા માટે હિલ પાછી ફરે છે અને થોડા જ વખતમાં બંનેને સ્પીડ ઓફ ધ યંગ એવેન્જર્સ આવી મળે છે, તેમની પાસે એક અવિનાશી પેટી હોય છે, જે જાર્વિસે કેપ્ટન અમેરિકાને પહેલાં આપી હતી. હિલ સ્પીડને શરણાગતિએ આવવા માટેનો આદેશ આપે છે, પણ સ્ટાર્ક તેને રોકે છે અને સ્પીડને પેલી પેટી પોતાને આપવાનું કહે છે. જયારે ઓસ્બોર્ન ન્યૂ એવેન્જર્સ સાથે લડી રહ્યો હોય છે ત્યારે, સ્ટાર્ક પોતાના MK III બખ્તરના જુદા રૂપમાં દેખાય છે, અને ઓસ્બોર્નના આયર્ન પેટ્રીઅટ બખ્તરને નકામું બનાવવા માટે આગળ વધે છે. એવેન્જર્સ તે મેળવી લે તેના કરતાં, ઓસ્બોર્ન સેન્ટ્રીને એસ્ગાર્ડને જડમૂળમાંથી ઉખેડી નાખવાનો આદેશ આપે છે, અને ખરેખર સેન્ટ્રી તેમ કરે છે, તે થોરની ગભરાયેલી આંખો સામે આખા શહેરને વાસ્તવમાં સમથળ કરી નાખે છે. એસ્ગાર્ડના પડી ગયા પછી, ખરેખર, સ્ટાર્ક તેના સાથી નાયકોની બાજુમાં ઊભો હોય છે, ત્યારે હવે બખ્તર-વિહોણો ઓસ્બોર્ન કહે છે કે તેમનું સૌનું આવી બન્યું છે અને તે ‘તેમને સૌને તેનાથી બચાવી રહ્યો હતો’ એમ કહીને તેમની સૌની ઉપર મળત્યાગ કરવા તૈયાર સેન્ટ્રી તરફ આંગળી ચીંધે છે.[૨૫]

શકિતઓ અને ક્ષમતાઓ[ફેરફાર કરો]

બખ્તર[ફેરફાર કરો]

આયર્ન મૅન શકિત-સંચાલિત બખ્તર ધરાવે છે, જે તેને સુપરહ્યુમનની શકિત, ટકાઉપણું, ઊડવાની શકિત અને હારબંધ શસ્ત્રો પૂરાં પાડે છે. આ બખ્તર સ્ટાર્કે જ બનાવ્યું હતું અને (અમુક પ્રસંગોપાત્ત ટૂંકા-ગાળાના અપવાદો સિવાય) તે પોતે તેને ધારણ કરે છે. આયર્ન મૅનની ઓળખ ધારણ કરનારા અન્ય લોકોમાં સ્ટાર્કનો લાંબા-સમયનો ભાગીદાર અને શ્રેષ્ઠ મિત્ર જેમ્સ રહોડ્સ; નજીકની સહયોગી હેરોલ્ડ "હેપી" હોગન; એડી માર્ચ; અને (ટૂંકા ગાળા માટે) માઈકલ ઓ’બ્રાયનનો સમાવેશ થાય છે.

વર્ષો સાથે આ પોશાકમાં શસ્ત્રોની વ્યવસ્થા બદલાતી રહી છે, પણ તેના લોઢાના મોજાં ધરાવતી હથેળીઓમાંથી ફેંકાતા રિપલ્સર (પાછા હટાવતાં) કિરણો એ હંમેશાં આયર્ન મૅનનું નિયત આક્રમણ શસ્ત્ર રહ્યું હતું. બખ્તર-પોશાકના વિવિધ અવતારોમાં ગોઠવાયેલાં શસ્ત્રોમાં સામેલ છેઃ તેની છાતી પર લાગેલું યુનિબીમ પ્રોજેકટર, પલ્સ બોલ્ટ્સ (જે તેના રસ્તામાં ગતિશકિત મેળવે છે; એટલે જેટલા દૂર તે જાય, તેટલા વધુ જોરથી વાગે); વિદ્યુતચુંબકીય પલ્સ જનરેટર; અને એક બચાવ માટેની ઊર્જા ઢાલ જે 360 અંશ સુધી વિસ્તારી શકાય. બીજી ક્ષમતાઓમાં સમાવિષ્ટ છેઃ અલ્ટ્રા-ફ્રેઅન (એટલે કે, એક ફ્રીજ-બીમ) પેદા કરવા; ચુંબકીય ક્ષેત્રો સર્જવા અને બદલવા; ધ્વનિ-ધડાકા બહાર કાઢવા; અને ત્રિ-પરિમાણીય હોલોગ્રામ (લલચામણી જાળ બિછાવવા માટે) ફેંકવા.

પોતાના સામાન્ય-વપરાશ માટેના મૉડલ, જે તે પહેરતો હતો તે ઉપરાંત, સ્ટાર્કે અવકાશ યાત્રા, ઊંડા-દરિયામાં છલાંગ માટેના, છૂપાવેશ માટેના અને બીજાં બીજાં વિશિષ્ટ હેતુઓ માટે કેટલાંક વિશિષ્ટ પોશાકો પણ તૈયાર કર્યા હતા. સ્ટાર્કે પોશાકમાં ફેરફાર પણ કર્યા હતા, જેમ કે હલ્કબસ્ટરનું ભારેખમ બખ્તર. હલ્કબસ્ટર બખ્તર તેના કહેવાતા મોડ્યૂલર બખ્તરમાં થોડા સુધારા-વધારા કરીને બનાવવામાં આવ્યું હતું, અને લડાઈ દરમ્યાન ઈન્ક્રેડિબલ હલ્કને રોકી રાખવા પૂરતા શકિત અને ટકાઉપણા માટે તેને ડિઝાઈન કરવામાં આવ્યું હતું. પાછળથી એક બીજું મૉડલ, થોર સામે વાપરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું, તે ડિસ્ટ્રોયરનું અનુકરણ હતું અને તે રહસ્યમયી શકિતસ્રોતોનો ઉપયોગ કરતું હતું. સ્ટાર્કે બખ્તરના યુદ્ધ દરમ્યાન એક ઈલેકટ્રોનિક પૅક પણ વિકસાવ્યું હતું, જયારે તેને સ્ટાર્ક ટૅકનોલૉજીનો ઉપયોગ કરતાં કોઈ પણ બખ્તર સાથે જોડવામાં આવે ત્યારે તે એ ઘટકોને બાળી નાખે છે-અને આમ એ પોશાકને નકામો બનાવી દે છે. જો કે, આ પૅક પાછળનાં મૉડલ પર કારગર રહી શકયું નહોતું. વૉર મશીન બખ્તર, કે જેને લાક્ષણિક રીતે જેમ્સ રહોડ્સ સાથે સાંકળવામાં આવે છે, તે પણ સ્ટાર્કના વિશેષ બખ્તરોમાંના એક તરીકે શરૂ થયું હતું.

શકિતઓ[ફેરફાર કરો]

થોડા સમય માટે, તેના મજજાતંત્રને પહોંચેલા વ્યાપક નુકસાનથી પીડાયા પછી જયારે તેણે કૃત્રિમ મજજાતંત્ર નાખ્યું હોવાને કારણે, સ્ટાર્ક ત્યારે સુપરહ્યુમન (ઉચ્ચ કોટિની) ઇન્દ્રિય સંવેદનક્ષમતા તેમ જ તેના પોતાના શરીરની અંદર થતી શારીરિક પ્રક્રિયાઓ બાબતેની અસાધારણ જાગૃતિ ધરાવતો હતો.

એકસટ્રીમિસ-સંવર્ધિત મૅલાન સાથેના એક યુદ્ધમાં જીવલેણ ઇજા પામ્યા પછી, સ્ટાર્ક પોતાના મજજાતંત્રમાં સુધારેલો ટૅકનો-સજીવ વાયરસ (એકસટ્રીમિસ પ્રક્રિયા) દાખલ કરે છે, જે માત્ર તેનું જીવન જ નથી બચાવતો, પણ તેના ટકાઉ આયર્ન મૅન બખ્તરના આંતરિક સ્તરોને તેના હાડકાંઓના પોલાણમાં સાચવવાની ક્ષમતા તેમ જ તેને મગજના આવેગ થકી નિયંત્રિત કરવાની ક્ષમતા પણ તેને આપે છે. સ્ટાર્ક પોતાની ચામડીની નીચે ઢંકાયેલા બખ્તરના સ્તરોને નિયંત્રિત કરી શકે છે અને સોનેરી રંગના ચુસ્ત આવરણ હેઠળની ચેતા કાર્યપ્રણાલીમાંથી પોતાના હાથ પરના અનેક બાહ્ય બિંદુઓમાંથી તેને પેદા કરી શકે છે. આ રૂપમાં સ્ટાર્ક પોતાના બખ્તર પર ટૅકનોપેથિક નિયંત્રણ ધરાવતો હોય છે, અને કોઈ પણ સમયે પોતાના મોટા હિસ્સાઓને બોલાવીને તે પોશાક ધરી શકે છે. વધુમાં, આ એકસટ્રીમિસ પ્રક્રિયા તેના શરીરના આરોગ્ય અને રૂઝાવાની ક્ષમતાને વધારે છે. તે આખા વિશ્વની બાહ્ય સંચાર વ્યવસ્થાઓ જેવી કે ઉપગ્રહો, સેલ્યુલર ફોન અને કમ્પ્યૂટરો સાથે પણ દૂરસ્થ જોડાણ સાધી શકે છે. હવે બખ્તરની સંચાલન વ્યવસ્થા, સીધી રીતે સ્ટાર્કના ચેતાતંત્ર સાથે જોડાયેલી હોવાથી, પ્રતિભાવ આપવાનો તેનો સમય નોંધપાત્ર રીતે સુધર્યો હોય છે. ગુપ્ત આક્રમણ દરમ્યાન જયારે સ્ક્રુલ તેને વાયરસનો ચેપ લગાડે છે તે પછી, તેના શરીરમાં એકસટ્રીમિસ અસર ભારે આપત્તિજનક રીતે દૂર થાય છે અને તેના કારણે હવે તેની આ શકિતઓનો અંત આવે છે.

કૌશલ્યો[ફેરફાર કરો]

ટોની સ્ટાર્ક એ ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, કમ્પ્યૂટરનાં ક્ષેત્રોમાં નિપુણતા મેળવનારો એક શોધક પ્રતિભાવંત માણસ છે અને રીડ રિચાર્ડ્સ, હન્ક પિમ અને બ્રુસ બૅનરનો ઈજનેરી શત્રુ છે. તે માર્વેલ બ્રહ્માંડમાંના સૌથી વધુ બુદ્ધિશાળી વિજ્ઞાનીઓમાંનો એક ગણાય છે. 21 વર્ષની ઉંમરે તે મેસ્સાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનોલૉજી(MIT)માંથી ભૌતિકશાસ્ત્ર અને એન્જિનિયરિંગની ઉચ્ચ કક્ષાની પદવી સાથે સ્નાતક બને છે અને આગળ જતાં કૃત્રિમ બુદ્ધિમત્તાથી માંડીને કવોન્ટમ મિકેનિકસ સુધીના ક્ષેત્રોમાં જ્ઞાન સંપાદિત કરે છે. વધુમાં, જયાં તે પોતાના પોશાક જેવા ઉપલબ્ધ સાધનોને અરૂઢિગત અને અસરકાર રીતે વાપરી શકવા સક્ષમ હોય તેવી મુશ્કેલ પરિસ્થિતિઓ જેવી કે મુશ્કેલ શત્રુઓનો અને મૃત્યુ-છટકાંઓનો સામનો કરતી વખતે તે પોતાની ચતુરાઈ વાપરે છે. ધંધાદારી વિશ્વમાં તેને સારો એવો આદર આપવામાં આવે છે, જયારે તે આર્થિક બાબતો અંગે બોલે છે ત્યારે લોકોનું ધ્યાન જકડી રાખી શકે છે, કારણ કે વર્ષોના વર્ષો સુધી, તેણે અમુક લગભગ શૂન્યમાંથી કરોડોની કંપનીઓ ઘડી હોવાથી, તેને આ સમજશકિત મળી હતી. તેના માટે કામ કરનારા લોકો પાસેથી તે જે વફાદારી મેળવતો તેના માટે તેમ જ તેની ધંધાદારી નીતિમત્તા માટે તે જાણીતો છે. તે પોતાના ધંધામાં પર્યાવરણ માટે જવાબદાર રહેવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે, ડૉકટર ડૂમને નફાકારક, પણ ગેરકાયદેસરનું વેચાણ કરનારા એક કર્મચારીને તે તત્કાળ કાઢી મૂકે છે.

જયારે સ્ટાર્ક અમુક સમયગાળા દરમ્યાન પોતાના બખ્તરનો ઉપયોગ કરવામાં અક્ષમ હોય છે, ત્યારે તે કૅપ્ટન અમેરિકા પાસે થોડી લડાયક તાલીમ માગે છે અને જયારે એવી પરિસ્થિતિ આવી પડે ત્યારે પોતાના બળ પર શારીરિક રીતે દુર્ઘર્ષ બની રહે છે. આગળ જતાં તે હેપી હોગન (એક વ્યવસાયી બૉકસર) અને જેમ્સ રહોડ્સ (એક સમુદ્રી નૌકા સૈનિક) પાસેથી પણ હાથોહાથની લડાઈની તાલીમ મેળવે છે. દારૂનો નશો અને અનુગામી સાજા થવા સાથેના તેના બે ગંભીર મુષ્ટિયુદ્ધમાં તે પુરવાર કરી આપે છે તેમ, સ્ટાર્ક દઢ મનોબળ ધરાવતી વ્યકિત છે, જે કયારેય હાર માનતી નથી અને વારંવાર હારમાંથી વધુ મજબૂત બનીને બહાર આવે છે.

તેના ઉપરાંત, સ્ટાર્ક ઉદ્યોગધંધાની અને રાજકારણની કુશાગ્ર બુદ્ધિ અને નિર્ણયશકિત ધરાવે છે. બહુવિધ પ્રસંગોમાં તેણે પોતાની કંપનીઓ ગુમાવ્યા પછી તેમના પર પાછો કાબૂ મેળવવાની જરૂરિયાત ઊભી થઈ હતી અને તેણે કોર્પોરેટ સંપાદનની પણ આગેવાની લીધી હતી.[૨૬]

ઈલુમિનેટીના સદસ્ય હોવાના નાતે, આયર્ન મૅનને રિયાલિટી ઈન્ફિનિટી જેમ (રત્ન) સંભાળવા માટે આપવામાં આવ્યો હતો.[૨૭] આ રત્ન તેનો ઉપયોગ કરનારની ઇચ્છાઓ પૂરી કરે છે, પછી ભલે તે ઇચ્છા વિજ્ઞાની કાયદાઓ સાથે સીધો વિરોધાભાસ ધરાવતી હોય. આયર્ન મૅન એક પણ પ્રસંગે તેનો ઉપયોગ કર્યો નહોતો, ગુપ્ત આક્રમણ અને તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો તે પછી પણ નહીં, જો કે, આ રત્ન તેની સાથે ને સાથે નહોતો, એટલે એવું બની શકે કે અંધાર યુગમાં અને ઓસ્બોર્ને જયારે કબજો જમાવ્યો તે ગાળામાં તે તેની પાસેથી જતો રહ્યો હોય, અને હવે તે એને મેળવી શકવા માટે અશકત હોય.

શત્રુઓ[ફેરફાર કરો]

પ્રકાશનનાં ચાળીસ વર્ષો દરમ્યાન, આયર્ન મૅને અનેક વિલનોનો મુકાબલો કર્યો છે. તેમાંના કેટલાક નોંધપાત્ર અથવા વારંવાર આવર્તન પામતી વાર્તાના હિસ્સા હતા, જેમાં આયર્ન મોન્જર, ટિટાનિયમ મૅન, ક્રિમસન ડાયનેમો, ઘોસ્ટ, મૅન્ડારિન અને બ્લેકલૅશનો સમાવેશ થાય છે.

અન્ય રૂપાંતરો[ફેરફાર કરો]

અન્ય પ્રસાર-માધ્યમમાં[ફેરફાર કરો]

1960ના દાયકામાં આયર્ન મૅનને એક કાર્ટૂન શ્રેણીમાં દર્શાવવામાં આવ્યો. 1981માં, સ્પાઈડર-મૅન એન્ડ હિઝ અમેઝિંગ ફ્રેન્ડ્ઝ માં આયર્ન મૅને માત્ર ટોની સ્ટાર્ક તરીકે મહેમાન કલાકારના રૂપમાં દેખાયો.[૨૮] 1990ના દાયકામાં તે ફરીથી તેની પોતાની શ્રેણી, માર્વેલ એકશન અવર ના હિસ્સારૂપે ફેન્ટાસ્ટિક ફોર સાથે દેખાયો. Fantastic Four: World's Greatest Heroes ના "શેલ જેમ્સ"ના ઍપિસોડમાં પણ આયર્ન મૅને જોવા મળ્યો. કૉમિક પુસ્તકો સિવાય, આયર્ન મૅન કેપકોમની "માર્વેલ વિરુદ્ધ" વિડીઓ રમતોમાં દેખાયો, જેમાં માર્વેલ સુપર હીરોઝ ,Marvel vs. Capcom: Clash of Super Heroes (ગોલ્ડ વૉર મશીન અથવા હાપર આર્મર વૉર મશીન રૂપે), અને Marvel vs. Capcom 2: New Age of Heroes સામેલ છે. આયર્ન મૅનમાં, 1992 આર્કેડ રમત કૅપ્ટન અમેરિકા એન્ડ ધ એવેન્જર્સ માં,Marvel: Ultimate Alliance અને તેના બીજા ભાગમાં, અને Marvel Nemesis: Rise of the Imperfects માં આયર્ન મૅન એ ભજવી શકાય એવું પાત્ર છે, તેમ જ X-Men Legends II: Rise of Apocalypse અને ટોની હોકસ અન્ડરગ્રાઉન્ડ માં તેને બાંધી ન શકાય તેવા પાત્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે.[૨૯] 2009ની એનિમેટેડ શ્રેણીઓ, Iron Man: Armored Adventures માં, ટોની સ્ટાર્ક સહિતનાં મોટા ભાગનાં પાત્રો, કિશોરવયના છે.

2008માં, આયર્ન મૅન શીર્ષક સાથે ટોની સ્ટાર્ક તરીકે રોબર્ટ ડોવની જુનિ.ને ચમકાવતી ફિલ્મ રજૂ થઈ. વિવેચકો તરફથી તેને સામાન્ય રીતે હકારાત્મક સમાલોચના મળી,[૩૦] અને તેણે આંતરિક રીતે $318 મિલિયનનો અને વિશ્વભરમાં $570 મિલિયનનો વકરો કર્યો.[૩૧] તેના વિડીઓ રમત રૂપાંતરણને એકંદરે કોઈક કારણોસર નકારાત્મક પ્રતિભાવો મળ્યા.[૩૨] આયર્ન મૅન 2 માં, ડોવની ફરીથી ભૂમિકા ભજવશે, અને જોન ફાવરેઉ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2010માં પ્રસારિત થાય એવું આયોજન છે.[૩૩] ડાવની જુનિ. હવે બીજા ભાગ અને ધ એવેન્જર્સ ના રૂપાંતરણમાં કામ કરવું પણ સ્વીકાર્યું છે.[સંદર્ભ આપો]

2008ની ફિલ્મ ધ ઈનક્રેડિબલ હલ્ક ના અંતમાં, ટોની સ્ટાર્કનું પાત્ર પણ, ફરીથી રોબર્ટ ડોવની જુનિ.એ ભજવ્યું છે.

સાંસ્કૃતિક પ્રભાવ[ફેરફાર કરો]

વુ-ટાંગ કબીલાનો સભ્ય, રૅપર ઘોસ્ટફેસ કિલાહએ પોતાનું 1996નું પ્રવેશ સોલો આલ્બમને આયર્નમૅન નામ આપ્યું હતું, અને ત્યારથી તેણે આયર્ન મૅન કૉમિકસ સંબંધિત સંગીતનો ઉપયોગ કરવાનું અને પોતાની રૅકર્ડોમાં એનિમેટ કરાયેલા ટીવી શોના નમૂનાઓ લેવાનું ચાલુ રાખ્યું છે. તેણે પોતાની અસંખ્ય વૈકલ્પિક અસ્મિતાઓમાં એક તરીકે ટોની સ્ટાર્ક્સનું હુલામણું નામ પણ અપનાવ્યું છે.

પોલ મૅકકાર્ટનીનું ગીત "મૅગ્નેટો એન્ડ ટિટાનિયમ મૅન", એકસ-મૅનના કપટથી ન્યાય માટે બદલો લેનાર અને આયર્ન મૅનના વિલનના મૂળ રૂપ પરથી પ્રેરિત થયેલું હતું. આ ગીતના સંગીતમાં આયર્ન મૅનનો બીજો વિલન, ક્રિમસન ડાયનેમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિટિશ બૅન્ડ રાઝોરલાઈટ તેમના ગીત, "હેંગ બાય, હેંગ બાય"ના શબ્દોમાં ટોની સ્ટાર્કનો ઉલ્લેખ કરે છે.

2008ની ફિલ્મના અંતે, ૠણસ્વીકારની યાદી દર્શાવતી વખતે[૩૪], તેમ જ તેના કેટલાક પૂર્વદર્શનમાં, બ્લેક સબાથના ગીત, "આયર્ન મૅન"નું સંક્ષિપ્ત રૂપ વગાડવામાં આવે છે.

ટેલિવિઝન શો યુરેકા માં દર્શાવાયેલું નાથાન સ્ટાર્કનું પાત્ર, ટોની સ્ટાર્ક પરથી પ્રેરિત થયેલું છે.[૩૫]

ફોર્બ્સે પોતાના વાર્ષિક ક્રમાંકનમાં, આયર્ન મૅનને સૌથી ધનાઢય કાલ્પનિક પાત્રોમાંના એક તરીકે ક્રમાંકન આપ્યું છે,[૩૬] જયારે બિઝનેસ વિકે તેને અમેરિકન કૉમિકસમાંનાં દસ સૌથી વધુ બુદ્ધિશાળી પાત્રોમાંના એક તરીકે ક્રમાંકન આપ્યું છે.[૩૭]

નોંધ[ફેરફાર કરો]

  1. ટેલ્સ ઓફ સસ્પેન્સ #39
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Lee, Stan (1975). Son of Origins. New York: Simon and Schuster. પૃષ્ઠ 45. ISBN 0-671-22170-1. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. Lee, Stan (2002). Excelsior: The Amazing Life of Stan Lee. New York: Simon and Schuster. પૃષ્ઠ 160. ISBN 0-7522-6532-6. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ The Invincible Iron Man (Ultimate 2-Disc Edition Iron Man DVD). Paramount Pictures. 2008.
  5. ૫.૦ ૫.૧ લી, સન ઓફ ઓરિજિન્સ , પૃ. 46-48
  6. ૬.૦ ૬.૧ "Mask of the Iron Man". Game Informer. 1 (177): 81. 2008. Unknown parameter |month= ignored (મદદ)
  7. લી, સ્ટાન (ડિસેમ્બર 1997). બુલપેન બુલેટિન્સ માંથી "સ્ટાનઝ સોપબૉકસ": માર્વેલ કૉમિકસ.
  8. Daniels, Les (1999). Marvel: Five Fabulous Decades of the World's Greatest Comics. Harry N. Abrams. પૃષ્ઠ 99. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  9. Wright, Bradford (2001). Comic Book Nation. Baltimore MD: Johns Hopkins University Press. પૃષ્ઠ 336. ISBN 0-8018-6514-X. CS1 maint: discouraged parameter (link)
  10. Beard, Jim (2008-02-27). "Spotlight on Iron Man/Tony Stark". Marvel. મેળવેલ 2008-03-05.
  11. Lewis, A. David (2008). "Graphic Responses: Comic Book Superheroes' Militarism Post 9/11". AmericanPopularCulture. મેળવેલ 2008-03-06. Unknown parameter |month= ignored (મદદ); CS1 maint: discouraged parameter (link)
  12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ ૧૨.૩ રોબર્ટ ગેન્ટર, "‘વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી’: કોલ્ડ વૉર કલ્ચર એન્ડ ધ બર્થ ઓફ માર્વેલ કૉમિકસ", ધ જર્નલ ઓફ પોપ્યુલર કલ્ચર , વોલ્યુમ 40, અંક 6, પૃષ્ઠ 953-978, ડિસેમ્બર 2007. પૃષ્ઠ 965-969.
  13. "ફોર્જિંગ આયર્નઃ અદી ગ્રાનોવ ટોકસ આયર્ન મૅન" સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન, ન્યૂઝારામા , સપ્ટેમ્બર 11, 2007
  14. "ધ ઓસ્બોર્ન સુપ્રિમસીઃ આયર્ન મૅન", કૉમિક બુક રિસોર્સિસ , ડિસેમ્બર 26, 2008
  15. "કિવઝઃ શું તમારું 'આયર્ન મૅન' વિશેનું જ્ઞાન લોહ-આવરિત છે? - ફિલ્મો - MSNBC.com". મૂળ માંથી 2008-05-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-17.
  16. આયર્ન મૅન «
  17. આયર્ન મૅન (વોલ્યુમ 1) #200
  18. ન્યૂ એવેન્જર્સ #6
  19. "The Initiative - Marvel.com news". મેળવેલ 2007-05-24. Text "Previews:" ignored (મદદ)
  20. ગુપ્ત આક્રમણ #1
  21. ઈન્વિન્સિબલ (અજેય) આયર્ન મૅન #10
  22. ઈન્વિન્સિબલ (અજેય) આયર્ન મૅન #19
  23. ઈન્વિન્સિબલ (અજેય) આયર્ન મૅન #20-24
  24. ઘેરો #1
  25. ઘેરો #3
  26. આયર્ન મૅન વોલ્યુમ 1 અંક 210
  27. ન્યૂ એવેન્જર્સઃ ઈલુમિનેટી #1
  28. "ટૂનઝોન". મૂળ માંથી 2013-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-17.
  29. Jim Cordeira (2006-11-06). "Sega and Marvel hook up for Iron Man". Gaming Age. મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-06.
  30. Jen Yamato (2008-05-01). "Iron Man is the Best-Reviewed Movie of 2008!". Rotten Tomatoes. IGN Entertainment, Inc. મૂળ માંથી 2014-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-21.
  31. "Iron Man (2008)". Box Office Mojo. મૂળ માંથી 2013-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-12.
  32. "Iron Man Reviews (DS)". Game Rankings. મૂળ માંથી 2008-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-12.
  33. Gorman, Steve (2008-05-05). "Marvel plans "Iron Man" sequel". Reuters. મેળવેલ 2008-06-21.
  34. "Rolling-Stone.com". મૂળ માંથી 2007-09-15 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-13.
  35. Melissa Hank (2007-04-25). "Sci-fi made sexy on 'Eureka'". Sympatico/MSN Entertainment. મેળવેલ 2007-08-16.
  36. Noer, Michael (2007-12-11). "The Forbes Fictional 15". Forbes. મેળવેલ 2008-03-15. CS1 maint: discouraged parameter (link)
  37. Pisani, Joseph (2006-06-01). "The Smartest Superheroes". BusinessWeek. મૂળ માંથી 2012-01-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-25. CS1 maint: discouraged parameter (link)

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Marvelwiki

ઢાંચો:Iron Man ઢાંચો:Avengers ઢાંચો:New Avengers ઢાંચો:Mighty Avengers ઢાંચો:S.H.I.E.L.D.