આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન
Albert Abraham Michelson2.jpg
જન્મની વિગત(1852-12-19)ડિસેમ્બર 19, 1852
પ્રશિયા (અત્યારે પૉલેન્ડ)
મૃત્યુMay 9, 1931(1931-05-09) (aged 78)
પસેડેના, કેલિફોર્નિયા
રાષ્ટ્રીયતાઅમેરિકન
શિક્ષણ સંસ્થાયુનાઈટેડ સ્ટેટ નેવલ એકેડમી
યુનિવર્સિટી ઑફ બર્લિન
પ્રખ્યાતપ્રકાશનો વેગ
માઈકલસન-મૉર્લે પ્રયોગ
જીવન સાથી(ઓ)
માર્ગારેટ હેમિંગ્વે
(લ. 1877; છૂટાછેડા 1898)
; ૩ બાળકો
એડ્ના સ્ટેન્ટોન (લ. 1899)
; ૩ બાળકો
પુરસ્કારોભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (૧૯૦૭)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રભૌતિકશાસ્ત્ર
કાર્ય સંસ્થાઓકેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી
ક્લર્ક યુનિવર્સિટી
યુનિવર્સિટી ઑફ શિકાગો
ડોક્ટરલ સલાહકારહરમાન હેલ્મહોલ્ટ્ઝ
ડોક્ટરલ વિદ્યાર્થીઓરોબર્ટ મિલિકન
હસ્તાક્ષર
Albert A Michelson Signature.svg

આલ્બર્ટ અબ્રાહમ માઈકલસન (૧૯ ડિસેમ્બર ૧૮૫૨ – ૯ મે ૧૯૩૧) અમેરિકન ભૌતિકશાસ્ત્રી હતા, કે જેઓ મુખ્યત્વે તેમના પ્રકાશના વેગના માપન માટેના કાર્ય માટે અને તે માટેના પ્રયોગ 'માઈકલસન-મૉર્લે પ્રયોગ' માટે જાણીતા છે. પ્રકાશના વેગનુ અત્યંત ચોકસાઈપૂર્વક માપન કરવા માટે તૈયાર કરેલા પ્રકાશીય ઉપકરણ માઈકલસન ઈન્ટરફેરોમીટર માટે તેમને ૧૯૦૭માં ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ વિજ્ઞાનક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ અમેરિકન નાગરિક હતાં.[૧]

જીવન[ફેરફાર કરો]

માઈકલસનના જન્મ વખતે તેમનું કુટુંબ પ્રશિયાના આધિપત્ય નીચે આવેલા પોલૅન્ડમાં સ્થાયી થયેલું હતું, પણ તેમની વય બે વર્ષની હતી ત્યારે કુટુંબ સ્થળાંતર કરીને યુનાઈટેડ સ્ટેટમાં સ્થાયી થયું. તેમના પિતા સેમ્યૂએલ માઈકલસન અને માતા રોઝાલિયા યહૂદી કુળના હતા. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ યુનાઈટેડ સ્ટેટની નેવલ અકાદમીમાં દાખલ થયા અને ૧૮૭૩માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ૧૮૮૧માં નેવલ કમિશનમાંથી માઈકલસને રાજીનામું આપ્યું. ત્યારબાદ શિકાગોમાં સ્થાયી થઈ જીવન પર્યત શિકાગો યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનનું અધ્યાપન કાર્ય કર્યું.[૨][૩]

સંશોધન[ફેરફાર કરો]

માઈકલસન-મૉર્લે પ્રયોગની ગોઠવણી

જર્મનીની યુનિવર્સિટી ઑફ બર્લિનમાં અભ્યાસ કરતી વખતે તેમણે ૧૮૮૦માં વ્યતિકરણમાપક નામનું વૈજ્ઞાનિક ઉપકરણ તૈયાર કર્યું. આ ઉપકરણ વડે તેઓ કાલ્પનિક માધ્યમ ઈથરમાં પ્રકાશનો વેગ નક્કી કરવા માગતા હતા. એ સમયે એવું માનવામાં આવતું હતું કે પ્રકાશને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે અને ઈથર તે માટેનું એવું માધ્યમ છે. આ ઈથર સ્થાયી અને પારદર્શક માધ્યમ ગણાતું હતું. પ્રકાશનું કિરણ આ ઈથર માધ્યમમાં વિના અવરોધે પસાર થાય છે. માઈકલસને તૈયાર કરેલ આ પ્રકાશીય ઉપકરણ પછીથી માઈકલસન ઈન્ટરફેરોમીટર તરીકે ઓળખાયું.[૨]

માઈકલસન-મૉર્લે પ્રયોગ[ફેરફાર કરો]

પ્રકાશનું એક કિરણ એક દિશામાં ગતિ કરતું હોય અને બીજું કિરણ આ દિશાને કાટખૂણે ગતિ કરતું હોય તો પ્રકાશના તેવા બે કિરણોની ઝડપ માયકલસન ઈન્ટરફેરોમીટર વડે સરખાવી શકાય છે. યોગ્ય રીતે આવાં બે કિરણો લઈને તેમની વચ્ચેના વ્યતિકરણનો અભ્યાસ કરવામાં આવ્યો, અને તે દ્વારા માયકલસને પૃથ્વીનો વેગ શોધવા પ્રયત્ન કર્યો. મળેલ વ્યતિકરણની ભાત ઉપરથી તેમણે નક્કી કર્યું કે ઈથરની સાપેક્ષે પૃથ્વીની ગતિ શૂન્ય મળે છે. ૧૮૮૭માં માઈકલસને પોતાના સાથીદાર અમેરિકન રસાયણશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી એડવર્ડ મોર્લે (૧૮૩૮-૧૯૨૩) સાથે મળીને આ પ્રયોગ કાળજીપૂર્વક અને પરિષ્કૃત રીતે કર્યો, જે બંને વૈજ્ઞાનિકના નામ પરથી 'માઈકલસન-મૉર્લે પ્રયોગ' તરીકે ઓળખાય છે. આ પ્રયોગનું પરિણામ અગાઉ કરેલા પ્રયોગના પરિણામ જેવું જ મળ્યું. આથી, આ પ્રયોગથી સાબિત થયું કે ઈથર જેવું માધ્યમ કાલ્પનિક છે, અને મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ એકસરખો રહે છે. પ્રકાશનો વેગ તેના ઉદગમસ્થાન કે અવલોકનકારની ગતિ ઉપર બિલકુલ આધારિત નથી.[૨]

આ પ્રયોગના પરિણામ પરથી આલ્બર્ટ આઇન્સ્ટાઇનને સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ગંભીરતાથી વિચારવાની તક મળી.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Michelson, Albert Abraham". American National Biography. New York: Oxford University Press. ૧૯૯૯. Check date values in: |year= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ પટેલ, આનંદ પ્ર. (જાન્યુઆરી ૨૦૦૨). ગુજરાતી વિશ્વકોશ (મ - મા). ખંડ ૧૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૬૦૭-૬૦૯.
  3. https://history.aip.org/history/exhibits/gap/Michelson/Michelson.html
વિકિસ્રોત
વિકિસ્રોતમાં આલ્બર્ટ અબ્રાહમ માઈકલસનને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.