ઈંટ

વિકિપીડિયામાંથી
ભારતમાં બનતી કાચી ઈંટ
ભારતમાં ઈંટ પકવવાનો ભઠ્ઠો
કેરળ ખાતે ઈંટ વડે ગૃહનિર્માણ

ઈંટ (અંગ્રેજી: Brick) એ માટીમાંથી બનાવવામાં આવતો ચોક્કસ આકાર હોય છે, જેનો ઉપયોગ મકાનની દીવાલ ચણવા માટે કરવામાં આવે છે. તે દિવાલ ચણવા માટે પથ્થર સિવાયનું શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રાચીન સમયનાં મકાનો અને કિલ્લાઓ પથ્થર કે ઈંટ વડે જ બનાવવામાં આવ્યા હતા. મકાનો બાંધવાનું કામ સરળ અને ચોકસાઈપૂર્વકનું બનાવવા માટે ઈંટનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો. માટીની બનેલી લંબચોરસ ઈંટ પણ પ્રાચીનકાળથી જ બાંધકામમાં વાપરવામાં આવે છે. માટીમાં અનેક ધાતુદ્રવ્યો હોય છે. આ માટીમાંથી બનતી લાલ ઈંટમાં લોહતત્ત્વ વધુ હોવાથી લાલ બને છે. માટી અને પાણીના મિશ્રણને બીબાંમાં ઢાળીને તેમાંથી લંબચોરસ ઈંટો બનાવવામાં આવે છે. આ કાચી ઈંટને ૧૦૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમીમાં તપાવીને પકવવામાં આવે છે. મોટે ભાગે તપાવવા માટે મોટી ભઠ્ઠીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ અને સિલિકોન ધરાવતી માટીમાંથી પીળા રંગની સિરામિક ઈંટ પણ બનાવવામાં આવે છે, પણ સાદી લાલ ઈંટોનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં મળતી ઈંટનું કદ સામાન્ય રીતે ૮ ઈંચ લાંબુ, ૩.૫ ઈંચ પહોળું અને ૩ ઈંચ ઊંચુ રાખવામાં આવે છે. વિશ્વભરના દેશોમાં થોડા ફેરફાર સાથે લગભગ આ માપની ઈંટો જ બનતી હોય છે. જમીનમાંથી ખોદકામ દ્વારા માટી મેળવી તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી ચાળીને શુદ્ધ માટી બનાવવામાં આવે છે. પાઉડર સ્વરૂપ માટીમાં પાણી ભેળવી તેના મિશ્રણને ઘટ્ટ કણક જેવું બનાવવામાં આવે છે. તેમાંથી લંબચોરસ આકારના બિબા વડે કાચી ઈંટ ઘડવામાં આવે છે. ભઠ્ઠીમાં તપાવતા પહેલાં તેને સૂર્યના તાપમાં સૂકવવામાં આવે છે. ઈંટો બનાવવાની આ પ્રથા ૬૦૦૦ વર્ષ અગાઉ હતી.[૧][૨] આજે પણ આ જ પદ્ધતિથી ઈંટ બનાવવામાં આવે છે.[૩]

દીવાલ ચણવા માટે ઈંટોની આડી લાઈન ગોઠવવામાં આવે છે. લાઈનમાં રહેલી બે ઈંટોનો સાંધો ઉપરની ઈંટની મધ્યમાં આવે તે રીતે ઉપરની ઈંટો ગોઠવવામાં આવે છે. આને કારણે દીવાલનું વજન દરેક ઈંટ ઉપર સરખાભાગે વહેંચાતું હોય છે. બધી ઈંટો એકબીજા સાથે ચોંટેલી રહે તે માટે તેની વચ્ચે રેતી અને સિમેન્ટ મેળવીને બનાવવામાં આવેલ કોંન્ક્રિટ પાથરવામાં આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "brick and tile | building material". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ ૨૮ ઓગસ્ટ ૨૦૧૭.
  2. Kenoyer, Jonathan Mark (૨૦૦૫), "Uncovering the keys to the Lost Indus Cities", Scientific American ૧૫: ૨૪–૩૩, doi:10.1038/scientificamerican0105-24sp 
  3. "ઈંટ વિશે આટલું જાણો છો?". મેળવેલ ૨૮ ઓગસ્ટ ૨૦૧૭.