ઓડિપસ ગ્રંથિ
ઓડિપસ ગ્રંથિ (અંગ્રેજી: Oedipus Complex) અથવા ઈડિપસ ગ્રંથિ મનોવિષ્લેષણવાદનો એક ખ્યાલ છે. ઓડિપસ ગ્રંથિ પુત્રની માતા પ્રત્યેની જાતીય આકર્ષણ દર્શાવતી ગ્રંથિ છે. આ સંજ્ઞાનો ખ્યાલ સૌપ્રથમવાર મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રૉઈડે પોતાના પુસ્તક ઈન્ટરપ્રિટેશન ઑવ ડ્રિમમાં આપ્યો હતો. ફ્રૉઈડ અનુસાર પુત્રની માતા પરત્વે અને પુત્રીની પિતા પરત્વે એક ચોક્કસ બળવાન અને અજ્ઞાત વિદ્વેષવૃત્તિ હોય છે. આમાની પ્રથમ વૃત્તિને ફ્રૉઈડે 'ઑડિપસ ગ્રંથિ' તરીકે ઑળખાવી જ્યારે બીજી વૃત્તિને 'ઇલેક્ટ્રા ગ્રંથિ' તરીકે ઓળખાવી. ફ્રૉઈડે બાળકોના વ્યક્તિત્વવિકાસમાં આ બંને ગ્રંથિઓને અગત્યની ગણાવી છે. [૧][૨]
પાર્શ્વભૂમિ
[ફેરફાર કરો]પુરાણા ગ્રીક સાહિત્યમાં ઓડિપસ નામનું એક પાત્ર આવે છે. જેણે પોતાના પિતાનું ખૂન કરીને પોતાની માતા સાથે લગ્ન કર્યું હતું. જોકે પિતાનું ખૂન અને માતા સાથે લગ્ન - આ બંને ઘટના તેના દ્વારા અજાણતા જ બની હતી. ફ્રૉઈડે પોતાના 'ઓડિપસ ગ્રંથિ' વિશેના ખ્યાલની સમજૂતી ઓડિપસના પાત્ર દ્વારા આપી છે.[૩] તે જ પ્રમણે ગ્રીક દંતકથાના પાત્ર 'ઈલેક્ટ્રા' દ્વારા ફ્રૉઈડે 'ઈલેક્ટ્રા ગ્રંથિ'ની સમજૂતી આપી છે. દંતકથા અનુસાર ઈલેક્ટ્રા પોતાની માતાની હત્યા કરવામાં કારણભૂત બને છે અને પિતા સાથે જાતીય સંબંધ બાંધે છે.
ફ્રૉઈડના સિદ્ધાંત અનુસાર પુત્રમાં એની માતા પ્રત્યેની અને પુત્રીમાં એના પિતા પ્રત્યેની શારીરિક આસક્તિ અને જાતીય સહચાર માટેની ગ્રંથિ હોય છે. એથી ઊલટા પ્રકારે પુત્રમાં પિતા પ્રત્યેની અને પુત્રીમાં માતા પ્રત્યેની ઈર્ષાની ગ્રંથિ હોય છે. આ બંને ગ્રંથિઓ સાથે ફ્રૉઈડે ગ્રીક દંતકથાના પાત્રો, અનુક્રમે ઓડિપસ અને ઈલેક્ટ્રા, સાંકળી લઈને તેમને ઓડિપસ ગ્રંથિ અને ઈલેક્ટ્રા ગ્રંથિ તરીકે ઓળખાવી.[૨]
સમજૂતી
[ફેરફાર કરો]ફ્રૉઈડે ઈન્ટરપ્રિટેશન ઑવ્ ડ્રીમ્સ (૧૮૯૯) નામના પોતાના ગ્રંથમાં આ મતનું પ્રતિપાદન કર્યું છે. એ મુજબ ૩ થી ૬ વર્ષના બાળકોમાં પોતાના વડીલો પ્રત્યે આવી લાગણી તીવ્ર હોય છે.[૨]
ફ્રૉઈડ માને છે કે બાળક જન્મે ત્યારે શરૂઆતમાં તેની મોટાભાગની ઈચ્છાઓ માતા દ્વારા સંતોષાતી હોય છે, એટલે બાળકમાં માતા પ્રત્યે અદમ્ય આકર્ષણ ઉત્પન્ન થાય છે. તેને માતાથી વિખૂટા પડવું ગમતું નથી અને માતાના સતત સહવાસની ઝંખના તેનામાં ઊભી થાય છે. આ ઝંખના શરૂઆતમાં સંતોષાતી રહે છે પરંતુ ધીમે ધીમે તેમાં અવરોધો આવતા જાય છે. આ અવરોધ ઉત્પન્ન કરનાર પ્રથમ પરિબળ તેના પિતા હોય છે. પિતાને લીધે માતા બાળક પ્રત્યે, બાળકને સંતોષ થાય તેટલું ધ્યાન આપી શકતી નથી પિતાની સગવડ સાચવવામાં તેણે બાળકની ઘણી જરૂરિયાતો અવગણવી પડે છે. ફ્રૉઈડના મંતવ્ય પ્રમાણે માતાપિતાના જાતીય સંબંધોને લીધે બાળકને માતાનો જે વિયોગ ભોગવવો પડે છે, તે બાળકને માટે આવેગની દ્રષ્ટિએ ઘણો આઘાતજનક હોય છે. તેને પરિણામે બાળકમાં તેના પિતાને મારી નાખવા સુધીની ઇચ્છા ઉત્પન્ન થાય છે.[૩]
ફ્રૉઈડ માને છે કે નાના બાળકની માનસિક પરિસ્થિતિ ઑડિપસ જેવી જ હોય છે, જેમાં તેને માતા પ્રત્યે તીવ્ર આકર્ષણ હોય છે અને પિતા પ્રત્યે તેટલી જ ધૃણા હોય છે. માતા પ્રત્યેનું આકર્ષણ, માતા તેની મોટાભાગની જરૂરિયાતો સંતોષતી હોવાથી સ્વાભાવિક રીતે જ જન્મ્યું હોય છે, જ્યારે પિતા તેની જરૂરિયાતોના સંતોષમાં વિધ્ન તરીકેનો ભાગ ભજવતો હોવાથી, પિતાને ગમે તે રીતે દૂર કરવાની કે મારી નાખવાની ઇચ્છા તેનામાં જન્મે છે. ફ્રૉઈડે આ ઇચ્છાને વિકૃત ગ્રંથિ ગણાવી છે અને તેને 'ઓડિપસ ગ્રંથિ' નામ આપ્યું છે. આ ગ્રંથિ છોકરામાં ઉદભવે છે, છોકરીમાં નહિ. તેમજ બહુ જ નાની ઉંમરે બાળકમાં આ ગ્રંથિ ઉદભવે છે.[૩]
નિરાકરણ
[ફેરફાર કરો]અગિયારેક વર્ષની આસપાસ શૈષવની સમાપ્તિની સાથોસાથ બાળકના માતા પ્રત્યેની આસક્તિભાવનું અને પિતા પ્રત્યેના ઈર્ષાભાવનું આપોઆપ નિવારણ થાય છે. ઉંમર વધતા પુત્ર પોતાની માતા અને પિતાના વ્યક્તિત્વ સાથે તાદાત્મ્ય અનુભવે છે અને મોટાભાગે મા-બાપને જીવનના આદર્શ તરીકે જોતો થાય છે. તેના અજ્ઞાત મનમાં રહેલો માતા પ્રત્યેનો જાતીય સહચારનો ઉદ્રેક પણ શમવા માંડે છે, અને તેને સ્થાને તેનામાં સમાજસ્વીકૃત માતૃભક્તિ તથા પિતૃભક્તિ વિકસતી જાય છે. જે કુટુંબોમાં મા-બાપનો સંતાનો સાથેનો સંબંધ વાત્સલ્યપૂર્ણ અને લાગણીક્ષોભ વગરનો હોય છે તથા મા-બાપના વ્યવહારમાં નિષેધ કે વહાલનો અતિરેક નથી હોતો ત્યાં આ ગ્રંથિનું નિરાકરણ સહજ અને સરળ હોય છે.[૩]
બાળમાનસમાં ગંઠાયેલા આ મનોભાવનું કેટલાક કિસ્સામાં નિવારણ નથી પણ થતું. મોટી ઉંમરે પણ વણઉકેલાયેલી રહેતી આ ગ્રંથિ ખાસ કરીને વ્યક્તિના જાતીય વ્યવહારમાં સમસ્યા સર્જે છે. બાળપણની માતૃ-આસક્તિ મોટી ઉંમરે પણ યથાવથ રહેતા કેટલાક યુવાનોમાં લગ્ન પ્રત્યે અણગમો અને અનિચ્છા જન્મે છે.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ટોપીવાળા, ચંદ્રકાન્ત, સંપાદક (1996). ગુજરાતી સાહિત્યકોશ (સાહિત્યિક પ્રકીર્ણ). ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૫૩.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ રાજદેવ, એસ. ટી. (2014). "ઈડિપસ ગ્રંથિ અને ઈલેક્ટ્રા ગ્રંથિ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (3rd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૦૫–૮૦૬. ISBN 978-93-83975-03-7.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ભટ્ટ, કુસુમબેન કે. (2014) [1981]. વ્યક્તિત્વના સિદ્ધાંતો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૬૮-૬૯.