ખીજડો

વિકિપીડિયામાંથી

ખીજડો
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
Division: મેગ્નોલિયોપ્સીડા
Class: મેગ્નોલિયોફાઇટા
Order: ફેબલ્સ
Family: ફેબેસી
Genus: પ્રોસોપિસ (Prosopis)
Species: સિનેરારિયા (P. cineraria)
દ્વિનામી નામ
પ્રોસોપિસ સિનેરારિયા (Prosopis cineraria)
કાર્લ લિનયસ (L.) ડ્રૂસ

ખીજડો અથવા શમડી અથવા શમી વૃક્ષ એક વૃક્ષ છે, જે થરના રણ તથા એવા અન્ય ઓછા પાણીવાળાં સ્થળોએ જોવા મળે છે. આ વૃક્ષ ભારતીય ઉપખંડમાં રહેતા લોકો માટે પવિત્ર અને ઉપયોગી ઝાડ છે. આ ઝાડનાં અન્ય નામોમાં ધફ (સંયુકત આરબ અમીરાત), ખેજડી, જાંટ/ જાંટી, સાંગરી (રાજસ્થાન), જંડ ( પંજાબી), કાંડી (સિંધ), વણ્ણિ (તમિલ), શમી, સુમરીનો સમાવેશ થાય છે. આ ઝાડનું વ્યાપારીક નામ કાંડી છે. આ વૃક્ષ વિભિન્ન દેશોમાં જોવા મળે છે, જ્યાં તેને અલગ અલગ નામ વડે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને પ્રોસોપિસ સિનેરેરિયા નામ વડે ઓળખવામાં આવે છે. ખીજડાનું વૃક્ષ જેઠ મહિનામાં પણ લીલું રહે છે. ઊનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે રણ વિસ્તારમાં જાનવરો માટે તાપથી બચવાનો કોઈ સહારો નથી હોતો, ત્યારે આ ઝાડ છાયા આપે છે. જ્યારે ખાવાને માટે કંઇપણ નથી હોતું ત્યારે આ વૃક્ષ ચારો આપે છે, જેને ત્યાંના લોકો લૂંગ કહે છે. તેનાં ફૂલને મીંઝર કહેવામાં આવે છે. તેના ફળને સાંગરી કહેવામાં આવે છે, જેનું શાક પણ બનાવવામાં આવે છે. આ ફળ સુકાય જાય ત્યારે તેને ખોખા કહેવાય છે, જે સૂકા મેવા તરીકે વપરાય છે. આ વૃક્ષનું લાકડું અત્યંત મજબૂત હોય છે, જે ખેડૂતો માટે સળગાવવાના (જલાઉ) તથા ફર્નીચર બનાવવાના કામ આવે છે. તેનાં મૂળિયામાંથી હળ બનાવવામાં આવે છે. દુષ્કાળના સમય વેળા નપાણીયા કે રણ વિસ્તારના લોકો અને જાનવરો માટે આ વૃક્ષ એક માત્ર સહારો હોય છે. ઈ. સ. ૧૮૯૯માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, (જેને છપ્પનિયો દુકાળ કહેવાય છે) તે સમયે રણ વિસ્તારના લોકો આ ઝાડની ડાળીઓની છાલ ખાઇને જિવિત રહ્યા હતા. આ ઝાડની નીચે અનાજનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે.

સાહિત્યમાં અને સંસ્કૃતિમાં મહત્ત્વ[ફેરફાર કરો]

ખીજડાનું વૃક્ષ

રાજસ્થાની ભાષામાં કન્હૈયાલાલ સેઠિયા નામના કવિની કવિતા 'મીંઝર' ખુબજ પ્રસિદ્ધ છે. આ થરના રણ વિસ્તારમાં જોવા મળતા વૃક્ષ ખીજડા સાથે સંબંધિત છે. આ કવિતામાં ખીજડાની ઉપયોગિતા અને મહત્વનું અતિ સુંદર ચિત્રણ કરવામાં આવેલું છે. દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજા કરવાની પરંપરા પણ છે.[૧] રાવણ દહન કર્યા બાદ ઘરે પાછા ફરવાના સમયે શમીવૃક્ષનાં પાંદડાં લૂંટીને લાવવાની પ્રથા છે, જેને સ્વર્ણનું પ્રતીક માનવામાં આવે છે. આ વનસ્પતિના અનેક ઔષધીય ગુણ પણ છે. પાંડવોં દ્વારા અજ્ઞાતવાસના અંતિમ વર્ષમાં ગાંડીવ ધનુષ આ વૃક્ષના થડના પોલાણમાં છુપાવવામાં આવ્યું હતું એવો ઉલ્લેખ મળે છે. આ જ પ્રમાણે લંકા વિજય પૂર્વે ભગવાન રામ દ્વારા શમી વૃક્ષના પૂજનનો પણ ઉલ્લેખ જોવા મળે છે.[૨] શમી અથવા ખીજડાના વૃક્ષનું લાકડાંને યજ્ઞ માટેની સમિધ તરીકે પવિત્ર માનવામાં આવે છે.લગ્ન વિધિમાં પણ એનો વપરાશ થાય છે. વસંત ઋતુમાં સમિધ માટે આ વૃક્ષના લાકડાં કાપવા માટે વિશેષ વિધાન કરવામાં આવ્યું છે તથા એ જ પ્રમાણે અઠવાડિયાના દિવસોમાં પૈકી શનિવારના દિવસે શમી વૃક્ષની સમિધ કાપવાનું વિશેષ મહત્ત્વ છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શમીપૂજન (હિન્દી ભાષામાં)". વેબદુનિયા. મેળવેલ 28 સપ્ટેમ્બર 2013.
  2. "રાવણને હરાવવા...(હિન્દી ભાષામાં)". નવભારત ટાઇમ્સ. મેળવેલ 28 સપ્ટેમ્બર 2013.
  3. "સમિધ (હિન્દી ભાષામાં)". ગાયત્રી પરિવાર. મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ 28 સપ્ટેમ્બર 2013.

આ પણ જુઓ[ફેરફાર કરો]