ખીરસરા રાજમહેલ

વિકિપીડિયામાંથી

ખીરસરા રાજમહેલભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલ ખીરસરા ગામ ખાતે આવેલ એક રાજમહેલ છે. કાઠિયાવાડના ભવ્ય ઇતિહાસ અને ધરોહર સ્થળનું એક ઉત્તમ ઉદાહરણ સમાન આ ખીરસરા મહેલ તેની રજવાડી સુંદરતાના કારણે માત્ર ગુજરાતીઓ તેમજ વિદેશીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મહેલ પરિસરની સુંદરતાને કારણે ફિલ્મ દિગ્દર્શકોએ અનેક વખત અહીં ફિલ્મોનાં શૂટિંગ કર્યાં છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મહેલનો ઇતિહાસ પોણા બે સૈકા જૂનો અને અનોખો છે. કહેવાય છે કે આ ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો. જો કે આ ઇતિહાસ હાલમાં ક્યાંય મળતો નથી. વાયકા છે કે રાજકોટના ઠાકોરની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજી દ્વારા આ કિલ્લા જેવા મહેલ પરિસરનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી.[૧] ત્યારે દિવસે ચણતર કરવામાં આવતું, પરંતુ રાત્રી થતાં જ ચણતર પડી જતું. અનેક વખત આ પ્રકારની ઘટના ઘટી. એ જ અરસામાં એક પીર બાબા ખીરસરા આવ્યા. રણમલજી તેમની પાસે ગયા અને મહેલના ચણતર અંગે વાત કરી. તેમના માર્ગદર્શન મુજબ રણમલજીએ એમાં ભુલવણી બનાવી, જેમાં ચારસો માણસ રહી શકતા. આજે પણ અહીં પીરનું સ્થાનક તથા તેમના વંશજોની કબરો આવેલી છે. યુદ્ધ સમયમાં શત્રુઓ પર હુમલો કરવા અને તેમનાથી બચવા માટે આ ભુલવણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આથી જ ખીરસરાનો મહેલ અજીત રહી શક્યો હતો.[૨]

જુનાગઢના નવાબે ખીરસરા પર હુમલો કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે પહેલાં જ રણમલજીએ જૂનાગઢ રાજ્યના એક-બે ગામ પર હુમલો કરી કબજે કર્યા હતાં. આ વાતથી ક્રોધિત નવાબ જાતે જ ખીરસરા સર કરવા તોપો લઇને આવ્યા હતા, પરંતુ ભુલવણીની વ્યૂહ રચનાને કારણે નવાબ આ મહેલ પર ફતેહ કર્યા વગર જ પરત ગયા હતા. નવાબની બે તોપો આજે પણ અહીં વિજય સ્મારક તરીકે સાચવેલી જોવા મળે છે.

રણમલજી પછીના વંશજ આ સ્થળની જાહોજલાલી સાચવી શક્યા નહીં. જો કે ઠાકોર સુરસિંહજીએ ફરીથી આ મહેલ પરિસરને તેનો મોભો પાછો અપાવ્યો હતો.[૩]

સ્થાન[ફેરફાર કરો]

ખીરસરા મહેલ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલ ખીરસરા ગામ ખાતે રાજકોટ શહેરના કાલાવાડ માર્ગથી ૧૪ કિમીના અંતરે પશ્ચિમ દિશામાં ૧૪ કિ.મી જેટલા અંતરે કાલાવાડ રોડ પર નાની ધારા અને ટેકરીઓ વચ્ચે કાળા પત્થરોના ટેકરા ઉપર સાત એકર જેટલા વિસ્તારમાં પથરાયેલ છે. આ મહેલમાં ૨૪ રજવાડી ઓરડાઓ છે. જેમાં એક મહારાજાનો અને અન્ય ૨૩ ઓરડાઓ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. સરવૈયા, દિવ્યરાજસિંહ (૧ માર્ચ ૨૦૧૬). "ખીરસરા પેલેસ – રાજકોટ". History & Literature. મેળવેલ ૧૪ મે ૨૦૧૭.
  2. Kadakia, Ashok (૧ જાન્યુઆરી ૨૦૧૩). "Ashok Kadakia: ગુજરાતના 17 મહેલો". Ashok Kadakia. મેળવેલ ૧૪ મે ૨૦૧૭.
  3. https://www.vishvagujarat.com સંગ્રહિત ૨૦૨૧-૦૬-૨૩ ના રોજ વેબેક મશિન › Gujarat