તખ્તેબહી

વિકિપીડિયામાંથી
તખ્તેબહીના ખંડેરો

તખ્તેબહી (Urdu: تخت بھائی) પાકિસ્તાનના ખૈબર-પખ્તુન્ખવાના મર્દન જીલ્લામાં આવેલી પ્રાચીન પુરાતત્વ સ્થળ છે. શરૂઆતમાં આ પારસી સ્થળ હતું જે પછીથી બૌદ્ધ મઠમાં પરિવર્તિત થઇ ગયેલું. તે ઈસ્વીસન પૂર્વે પહેલી સદીમાં બાંધવામાં આવેલું છે.[૧] આ બાંધકામ પુરાતત્વવિદો દ્વારા તે સમયના બૌદ્ધ મઠોની માહિતી માટે અગત્યનું ગણાય છે.[૨] આ સ્થળને ૧૯૮૦માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ અર્થાત વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું છે.[૧][૩]

નામકરણ[ફેરફાર કરો]

તખ્તેબહીના એકથી વધુ અર્થ કરી શકાય છે. સ્થાનિક લોકોના માટે ટેકરી પર આવેલા બે કુવા અથવા ઝરણાં પરથી આ નામ પડેલું હોવું જોઈએ. ફારસી ભાષામાં તખ્ત એટલે ઊંચું સ્થાન અથવા રાજગાદી અને બહી એટલે ઝરણું અથવા પાણી. આ પરથી ઊંચેથી વહેતું ઝરણું એવો અર્થ કાઢી શકાય. આ ઉપરાંત ઉદ્ગમની રાજગાદી એવો અર્થ પણ થાય છે.[૩]

સ્થળ[ફેરફાર કરો]

તખ્તેબહી

આ ખંડેરો પાકિસ્તાનના ખૈબર-પખ્તુન્ખવાના મર્દનથી ૧૫ કિમી દુર છે.[૧] નાનકડા કિલ્લેબંધ આ જ નામના ગામની પાસે આવેલું છે.[૪][૫] ગામના બજારથી ૨ કિમી દુર નાનકડી ટેકરી પર ૫૦૦ ફીટની ઊંચાઈએ આ સ્થળ આવેલું છે.[૩]

બાંધકામ[ફેરફાર કરો]

આ બાંધકામ ચાર ભાગમાં વહેંચાયેલું છે:

  • સ્તૂપ પરિસર, મધ્યમાં આવેલું ખુલ્લા પરિસરમાં વિવિધ સ્તૂપોના જૂથ છે.[૨]
  • મઠની ઓરડીઓ, આ છૂટક ઓરડીઓ મુખ્ય પરિસરની ફરતે આવેલી છે. એમાં વિશાળ ખંડ અને ભોજનકક્ષનો સમાવેશ પણ થાય છે.[૨]
  • દ્વિતીય સ્તૂપ પરિસર જે મુખ્ય સ્તૂપ પરિસર જેવું જ છે પરંતુ પાછળથી બાંધવામાં આવેલું છે.[૨]
  • તાંત્રિક મઠ, આ નાની, અંધારી અને નીચા દ્વારવાળી ઓરડીઓ તાંત્રિક ધ્યાન સાધના માટે ઉપયોગમાં લેવાતી હતી.[૨]

અન્ય બાંધકામોમાં ઘરો અને મિલનસ્થળોનો સમાવેશ થાય છે જે બિનધાર્મિક ઉપયોગમાં હશે.[૫] આ સ્થળના તમામ બાંધકામ સ્થાનિક પથ્થરો, માટી અને ચુના વડે કરવામાં આવ્યું છે. ભૂકંપની અસર ના થાય તેવી ગોઠવણ પણ જોવા મળે છે.[૫]

ઈતિહાસ[ફેરફાર કરો]

નીચે આવેલા જાહેર બગીચામાંથી લેવાયેલ તસ્વીર

પુરાતત્વવિદો આ બાંધકામને ચાર સમયગાળામાં વિભાજીત કરે છે જેની શરૂઆત ઈસ્વીસન પૂર્વેની પ્રથમ સદીથી થાય છે.[૫]

પ્રથમ તબક્કામાં આ મઠ ઈસ્વીસન પૂર્વે પ્રથમ સદીમાં બાંધવામાં આવ્યો હશે જયારે તે પારસી ધર્મ સાથે સંપર્કમાં હશે.[૪] અહીં મળી આવેલા પર્થિયન રાજા ગસ્તાફરના શિલાલેખ પરથી આ જાણી શકાયું છે.[૩] ગસ્તાફર પછી આ સ્થળ પ્રથમ કુષાણ રાજવંશના રાજા કુજુલા કષસ અથવા કોજોલા કાદ્ફીસના કબ્જા આવ્યું.[૩] આમ પ્રથમ સદીથી બીજી સદી સુધી ચાલ્યું જે દરમિયાન આ સ્થળ કુષાણ રાજા કનિષ્ક અને અન્ય પર્થિયન અને કુષાણ રાજાઓ નીચે રહ્યું.[૫] બીજા તબક્કામાં સ્તૂપ પરિસર અને વિશાળ ખંડ બાંધવામાં આવ્યા જે ત્રીજી અને ચોથી સદી દરમિયાન પૂર્ણ થયા. ત્રીજા તબક્કામાં ચોથી અને પાંચમી સદી દરમિયાન અંતિમ કુષાણ રાજાઓ અને કિદાર કુષાણ રાજાઓના સમય બાંધકામ થયું. ચોથા તબક્કામાં છઠ્ઠી અને સાતમી સદી દરમિયાન તાંત્રિક મઠનું બાંધકામ થયું જે વખતે શ્વેત હુણ રાજાઓનું રાજ હતું.

ઘણી વખત આ પ્રદેશમાં હુમલા થયા હોવા છતાં ટેકરી પર આવેલ હોવાથી આ સ્થળ સલામત રહ્યું, જયારે બીજા બૌદ્ધ મઠો નાશ પામ્યા.[૪] આ સ્થળ સાતમી સદી સુધી વપરાશમાં હતું જે પછી વિસ્તાર મુસ્લિમ રાજાઓ નીચે આવતા દાનના સ્ત્રોત ન રહેતા બંધ થઇ ગયું.[૩][૨]

આધુનિક ઇતિહાસમાં આ સ્થળનો ઉલ્લેખ ૧૮૩૬માં એક ફ્રેંચ ઓફિસરના લખાણો માં મળે છે જેમાં તેણે મઝદૂરાબાદમાં આવેલા બૌદ્ધ ખંડેરોનો ઉલ્લેખ કર્યો છે.[૫] ૧૮૬૪માં આ સ્થળનું ઉત્ખનન શરુ કરવામાં આવ્યું.[૫] તે સમયે મળેલ ઘણા અવશેષો આજે બ્રિટિશ મ્યુઝિયમમાં છે.[૬] ૧૯૨૦ના દાયકામાં આ સ્થળનું મોટા પાયે પુનર્નિર્માણ કરવામાં આવ્યું.[૨]

ચિત્રો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Takht-i-Bahi, UNESCO Office, Islamabad, Pakistan, 2002
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ UNESCO Advisory Body Evaluation of Takht Bhai
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Khaliq, Fazal (૧ જૂન ૨૦૧૫). "Takht-i-Bhai: A Buddhist monastery in Mardan". DAWN.COM. મેળવેલ ૮ નવેમ્બર ૨૦૧૫.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ UNESCO Descrtiption
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ UNESCO Periodic Report
  6. British Museum Collection

External links[ફેરફાર કરો]

Coordinates: 34°19′15″N 71°56′45″E / 34.32083°N 71.94583°E / 34.32083; 71.94583