દૈયડ

વિકિપીડિયામાંથી

દૈયડ
નર
માદા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Muscicapidae
Genus: ' Copsychus '
Species: ''C. saularis''
દ્વિનામી નામ
Copsychus saularis
(Linnaeus, 1758)

દૈયડ(અંગ્રેજી-Magpie Robin) એ સોંગબર્ડ કુળનું એક પક્ષી છે જે પહેલા થ્રશ વર્ગમાં ગણવામાં આવતું હતું, પણ હવે તે માખીમાર વર્ગમાં ગણવામાં આવે છે. આ એક અનોખું કાળું-ધોળુ પક્ષી છે જેની પૂંછડી મોટેભાગે ઉંચી રાખે છે. આ પક્ષી લગભગ આખા ભારતીય ઉપમહાદ્વિપમાં જોવા મળે છે.

દૈયડ એ બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પક્ષી છે.

વર્ણન[ફેરફાર કરો]

આકારમાં તે એકદમ યુરોપિયન રોબીન જેવી જ હોય છે પણ દૈયડની પૂંછડી થોડી લાંબી હોય છે. તેની લંબાઈ લગભગ ૧૮-૨૦ સે.મી. જેટલી હોય છે. નરનો ઉપરનો ભાગ, ગળું અને માથું કાળું હોય છે. તેના ખભાના ભાગે સફેદ પટ્ટી હોય છે. માદા રાખોડી કાળી હોય છે. તે તેની પૂંછડી ઊંચી નીચી કરતા રહે છે. તે સામાન્ય રીતે એકલા અથવા જોડીમાં જોવા મળે છે. તે મોટેભાગે ખુલ્લા જંગલોમાં, લીલા અને પાણીવાળા વિસ્તારો, બાગ બગીચાઓ જોવા મળે છે. ઘણીવાર વિવિધ જૂથોમાં અન્ય પક્ષીઓ સાથે પણ હોય છે. તે એક મિલનસાર પક્ષી છે. તમને આ નાનું પક્ષી સંધ્યાકાળની આસપાસ ખુબ જ પ્રવૃત્તિશીલ જોવા મળશે. તે આસપાસ ફરે છે અને આવાજ કરી તેના સાથીને બોલાવે છે. તે સુંદર ગાયક પક્ષી છે. તે પાંદડા વગરની ડાળખી કે સાફ જગ્યા પર બેસીને ચીઈઈઈ જેવી સીટી અથવા ચી ચપ ચપ જેવો અવાજ કરે છે.

ભૌગોલીક વિસ્તાર[ફેરફાર કરો]

દૈયડ મોટેભાગે ઉષ્ણકટિબંધીય દક્ષિણ એશિયામાં જોવા મળે છે. તે બાંગ્લાદેશ, લગભગ સંપુર્ણ ભારત, પુર્વીય પાકિસ્તાન, પુર્વીય ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને શ્રીલંકામાં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં તેમને કૃત્રીમ રીતે વસાવવામાં આવ્યા છે.

ખોરાક[ફેરફાર કરો]

તેઓ મોટેભાગે નાના જીવજંતુઓ પર નિર્ભર રહે છે. આ ઉપરાંત તેઓ ખુબ નાના ફળો અને અનાજના દાણાથી પણ કામ ચલાવી લે છે. જયારે તેઓ બચ્ચાઓને ખોરાક આપે છે ત્યારે મુખ્યત્વે જીવાંત અને ઈયળો આરોગે છે. ઉડતા-ઉડતા જ હવામાં જીવાંત પકડવામાં તે ખુબ જ કુશળ હોય છે.

વર્તન અને સંવનન[ફેરફાર કરો]

તેઓનો સંવનનકાળ મુખ્યત્વે માર્ચથી જુલાઈ સુધીનો હોય છે. સંવનન સમયે નર પોતાના પીંછા અને શરીર ફુલાવી માદાને આકર્ષિત કરે છે. તેઓ માળો બનાવવા માટે ઝાડના પોલાણો, દીવાલ કે મકાનના ગોખલા અને પોલાણો પસંદ કરે છે. માળો મોટા કદનો, અવ્યવસ્થિત અને આકારમાં છીછરા કપ જેવો હોય છે. આ ઉપરાંત, માણસો દ્વારા કૃત્રીમ રીતે બનાવેલ "નેસ્ટ બોક્ષ"નો ઉપયોગ પણ કરે છે. તેમાં સુંદર લીલાશ પડતાં ભૂરા રંગના અને તેમાં રતાશ પડતાં ડાઘાવાળા ૩ થી ૫ ઈંડા મૂકે છે. ઈંડાને ફક્ત માદા જ સેવે છે, જ્યારે બચ્ચાંના ઉછેરમાં નર માદાનો સરખો હિસ્સો હોય છે.