દ્વિજ
દ્વિજ (સંસ્કૃત द्विज) શબ્દ દ્વિ અને જ એમ બે અક્ષરોની સંધીથી બનેલો સંસ્કૃત શબ્દ છે. 'દ્વિ' એટલે બે અને 'જ' એટલે જન્મેલું. આમ દ્વિજનો અર્થ થાય છે, બે વાર જન્મેલું, અથવા તો જેનો અર્થ બે વખત થયો હોય તેવું. શાસ્ત્રોમાં બ્રાહ્મણને દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે કારણકે પહેલી વખત તે માની કુખેથી જન્મ લે છે અને યજ્ઞોપવીત વિધાન સંસ્કારથી તેને નવો જન્મ મળે છે[૧]. જો કે અન્ય એક વ્યાખ્યા મુજબ, બે વાર જન્મેલો અથવા બીજી વાર વિધિયુક્ત યજ્ઞોપવીત થયેલું હોય તે માણસ, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય (જેને પણ જનોઈ દેવામાં આવી હોય તેવા) એ કોઈને પણ એ શબ્દ લગાડવામાં આવે છે, કારણ કે તેમના બે જન્મ મનાય છેઃ એક કુદરતી અને બીજો જ્ઞાન, સંસ્કૃતિ વગેરે દ્વારા આધ્યાત્મિક જન્મ[૧].
યજ્ઞોપવીત દિક્ષા થયા પછી વ્યક્તિ દ્વિજ તરીકે ઓળખાય છે. વૈદિક સંસ્કૃતિનું પાલન કરનારના જીવનનો આ દ્વિતિય તબક્કો છે. દ્વિજનાં જીવનનું નિયમન તેના કર્મો દ્વારા થાય છે. તેનુ વર્તન સુસંસ્કૃત હોય છે. તેનું જીવન શાસ્ત્ર પ્રમાણ દ્વારા નિર્ધારિત થયેલા ધર્મ-અધર્મ, કાર્ય-અકાર્ય અને વિધિ-નિષેધ વડે નિયંત્રિત હોય છે. આદર્શ દ્વિજ તેના કર્તવ્યમાં જે કરવું ઘટતું હોય તે પ્રમાણે વર્તે છે, નહીકે તેને પોતાને જે કરવું હોય તે.
જીવનના તબક્કા
[ફેરફાર કરો]હિંદુ ધર્મ શાસ્ત્ર મનુસ્મૃતિમાં દ્વિજના જીવનના તબક્કાઓ એટલેકે આશ્રમ વર્ણવવામાં આવ્યા છે. મનુસ્મૃતિ અનુસાર દ્વિજે વર્ણાશ્રમ ધર્મનાં ચારે આશ્રમને અનુસરવા જોઈએ: પ્રથમ આશ્રમ વિદ્યાર્થી તરિકે બ્રહ્મચર્ય, ત્યારબાદનો બીજો આશ્રમ પરિવારનું પાલન કરનાર ગૃહસ્થાશ્રમ, તે પછી નિવૃત્ત જીવન ગાળતાં વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લો અને ચોથો આશ્રમ સંન્યાસ. મનુસ્મૃતિમાં આ ચારે આશ્રમોનું પાલન કરતી વખતે પાલક પાસેથી કેવા આચરણની અપેક્ષા રાખવામાં આવે છે તેનું સવિસ્તાર વર્ણન જોવા મળે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |