મગદેરું
મગદેરું | |
---|---|
પૂર્વ દિશામાંથી મંદિર. ઉત્તરમાં પ્રવેશદ્વાર દેખાય છે. | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | શક્યત: સૂર્ય અથવા શિવ |
સ્થાન | |
સ્થાન | ધ્રાસણ વેલ, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 22°17′21″N 69°03′05″E / 22.289094°N 69.051486°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | મૈત્રક (શરૂઆતી નાગર) |
પૂર્ણ તારીખ | ૮મી સદીના મધ્યમાં |
મંદિરો | ૭ |
મગદેરું મૈત્રક કાળનું ૮મી સદીનું મંદિર છે, જે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલા ધ્રાસણ વેલ ગામમાં આવેલું છે. મંદિર દ્વારકાથી આશરે ૫ કિમીના અંતરે ઇશાન દિશામાં આવેલું છે.
સ્થાપત્ય
[ફેરફાર કરો]આ મંદિર સજાળ (શિખર પરની જાળીની કોતરણી ધરાવતું) શિખર ધરાવતું આરંભિક નાગર શૈલીનું મંદિર છે. મંદિર ચોરસ છે અને ઉત્તર દિશામાં મુખ્યદ્વાર ધરાવે છે અને સપ્તાયતન (સાત દેરીઓ) પ્રકારનું છે જેમાં મધ્યમાં મુખ્ય ગર્ભગૃહ અને તેની આસપાસ છ નાની દેરીઓ છે. તે નીચા પાયા (જગતી) પર બંધાયેલું છે. આ મંદિર કદાચ પંચાયતન પ્રકારનું હશે જેમાં પૂર્વ અને દક્ષિણમાં દેરી ઉમેરી અથવા અષ્ટાયતન પ્રકારનું હશે જેમાં આઠમી ઉત્તર દિશાની દેરીના સ્થાને પ્રવેશદ્વાર માટે પગથિયાં બનાવી સપ્તાયતન પ્રકારમાં ફેરવેલ લાગે છે. જગતીની દીવાલને ઉત્તર અને દક્ષિણ દિશામાં બહારથી ટેકા આપેલ છે.[૧]
મધ્યના ગર્ભગૃહ પંચરથ (પાંચ-ખૂણા) સ્થાપત્ય ધરાવે છે. આ વિસ્તારમાં આ સૌથી જૂનું પાંચ-ખૂણાનું સ્થાપત્ય ધરાવતું મંદિર છે. તે જૂની વેદીબંધ શૈલી (સૌથી નીચો પાયો) છે અને લગભગ સપાટ મંડોવરા (ગર્ભગૃહની બહારની દિવાલનો મધ્ય ભાગ) ધરાવે છે. શિખર અને સુખાસન ખંડિત છે. મંડપનું હવે ભદ્રક શૈલીના સ્થંભો સાથે પુન:નિર્માણ કરવામાં આવ્યું છે.[૧]
મંદિર એક સમયે સપ્તમાતૃકા ધરાવતું હતું. પીઠીકા હજુ જોવા મળે છે. દરવાજાનો રસ્તો સરળ અને કોઇ સુશોભન ધરાવતો નથી. પૂર્વ દિશાની મૂર્તિ લગભગ નંદી છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]મધુસૂદન ઢાંકી અને જે. એમ. નાણાવટીના મતે મંદિરના નામમાં આવતો શબ્દ "મગ" મગ બ્રાહ્મણો સાથે જોડાયેલો હોઇ શકે છે જેઓ સૂર્યપૂજક હતા અને ઈરાનથી સ્થળાંતર કરીને પશ્ચિમ ભારતમાં આવ્યા હતા. એટલે મંદિર સૂર્ય મંદિર હોઇ શકે છે. તે કદાચ શિવ મંદિર પણ હોઇ શકે છે.[૧] મંદિર હાલમાં શિવ મંદિર છે.
મંદિરનું શિખર સુત્રાપાડાના મંદિર કરતાં વધુ અને રોડા મંદિર સમૂહ કરતાં ઓછી માત્રામાં જાળની કોતરણી ધરાવે છે. રોડા મંદિરો આઠમી સદીના છેલ્લા પચ્ચીસ વર્ષમાં નિર્માણ પામ્યા હતા, તેથી આ મંદિરો આઠમી સદીના મધ્ય ભાગમાં નિર્માણ પામ્યા હોવાનું ઢાંકી અને નાણાવટી સૂચવે છે. મંદિરો મૈત્રક કાળમાં નિર્માણ પામ્યા હતા.[૧]
આ સ્થળ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-129) છે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વિભાગ હેઠળ આવે છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Group of Temples". Vadodara Circle. ૩૧ માર્ચ ૨૦૧૭. મેળવેલ ૮ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]