માજુલી બેટ

વિકિપીડિયામાંથી
જોરહટ જિલ્લાના માજુલી દ્વિપ પર આવેલું એક આદિવાસીઓનું ગામ
માજુલી દ્વિપ ખાતે રાસલીલાનું એક દૃશ્ય

માજુલી અથવા માજોલી બેટ એ ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલા આસામ રાજ્યમાંથી વહેતી બ્રહ્મપુત્રા નદીમાં આવેલો એક દ્વિપ છે, કે જે રાજ્યના જોરહટ જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલો છે. ઈ. સ. ૧૮૫૩ના વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એ. જે. મિફેટમીલ્સ દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ આ ટાપુ ૧,૨૪૬ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ હતો[૧]. પરંતુ પ્રતિવર્ષ આવતી રેલને કારણે થતા જમીનના ધોવાણને કારણે ઈ. સ. ૨૦૦૧માં કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર હવે આ દ્વિપનું ક્ષેત્રફળ ૪૨૯.૬૫ ચોરસ કિલોમીટર જેટલું રહી જવા પામ્યું છે. આમ આ બેટના અસ્તિત્વ પર પ્રાકૃતિક તેમ જ માનવનિર્મિત કારણોને લીધે ખતરો મંડરાય રહ્યો છે[૨][૩]. અહીં આવવા જવા માટે મોટી નૌકાઓ (ફેરી બોટ) ચાલે છે, જે આ ટાપુ પર વાહન સહિત લોકોને ટાપુ પર પહોંચાડે છે.

માજુલી વિસ્તાર વાસ્તવમાં એક લાંબો જમીનનો પટ્ટો છે, જેની બંને બાજુ નદી વહે છે. માજુલી ટાપુનું સર્જન ધરતીકંપને પરિણામે થયેલું છે. ઈ.સ. ૧૬૬૧થી ૧૬૯૬ સુધીમાં આ વિસ્તારમાં ધરતીકંપ, પૂર જેવી કુદરતી આફતો આવી હતી. આ ઉપરાંત અન્ય ધાર્મિક દંતકથાઓ પણ આ સ્થળ સાથે જોડાયેલી છે. સ્થાનિક લોકો દ્વારા એમ પણ કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ તેમના મિત્રો સાથે અહીં રમતા હતા.

અહિંયા વસવાટ કરતા લોકો પર આસામી સંસ્કૃતિનો બહુ મોટો પ્રભાવ છે. અહીંના લોકો આસામી ભાષાનો જ વ્યવહારમાં ઉપયોગ કરે છે.

આ દ્વિપ પર વસવાટ કરતા લોકોની રોજીરોટીનો મુખ્ય આધાર કૃષિ-ઉત્પાદન છે. અહીં એકસોથી વધુ જાતના ડાંગરના પાકનું ઉત્પાદન થાય છે. અહીં જમીન ફળદ્રુપ અને કુદરતી રીતે રસાળ હોવાને કારણે ખેડૂતો જમીનમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. ચોખાની આટલી બધી જાતમાં પણ કોલમ સોલ માજુલીમાં વસતા લોકોના પ્રિય આહારમાં સ્થાન ધરાવે છે. હાથ-વણાટ (હેન્ડલૂમ) અહીંનો મુખ્ય વ્યવસાય છે. આ સિવાય અહીં સુતરાઉ અને રેશમી (સિલ્ક) કાપડનું પણ સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે[૪][૫].

કુદરતી સંપદા વડે સમૃદ્ધ માજુલી દ્વિપમાં કલાનો વારસો પણ આજ સુધી સચવાયેલો રહ્યો છે. અહીં કઠપૂતળીના ખેલ, રાસ ઉત્સવ પણ યોજાય છે, જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

ચિત્ર દર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • [૧] માજુલી વિષયક માહિતી
  • [૨] આસામ પર્યટન વિભાગનું અધિકૃત વેબસાઇટ
  • [૩] સંગ્રહિત ૨૦૧૫-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન સ્થાનિક માજુલી પર્યટન વિભાગ
  • [૪] MIPADC, (માજુલી દ્વિપ સંરક્ષણ અને વિકાસ પરિષદ)
  • [૫] વસ્તી ઘનતા અધ્યયન