માતૃભાષા અભિયાન

વિકિપીડિયામાંથી

ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સાચવવા "માતૃભાષા અભિયાન" શીર્ષક હેઠળ એક ભાષા સંવર્ધન ચળવળ અમુક ગુજરાતી ભાષા પ્રેમીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ અભિયાનને તેમના સંયોજકો "નેટવર્ક ઑર્ગેનાઈઝેશન" તરીકે ઓળખાવે છે જેનું માળખું સંકલિત બહુકેન્દ્રિત, એકસ્તરીય અને અનૌપચારિક છે. આ અભિયાન હેઠળ ગુજરાતના ખ્યાતનામ ચિંતકો, શિક્ષણકારો, લેખકો તેમજ વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હોય તેવી વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવામાં આવે છે.[૧]

માળખું[ફેરફાર કરો]

અભિયાનની પ્રવૃત્તિ અમદાવાદ (મધ્યસ્થ) તથા ગુજરાત રાજ્યના વિવિધ શહેરમાં અને ગુજરાત બહાર કેન્દ્રો દ્વારા હાથ ધરાય છે. હાલમાં (૨૦૧૪ની શરુઆત) ગુજરાતમાં ૨૯ કેન્દ્રો કાર્યરત છે.

ભોગોલિક સ્તરે અભિયાનના છ વિભાગો પાડવામાં આવ્યા છે: દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત બહાર.દરેક વિભાગમાં પાંચ કાર્યવાહકોની વિભાગીય સમિતિ છે

પ્રવૃત્તિઓ[ફેરફાર કરો]

માતૃભાષા ઑલિમ્પિયાડ પ્રકલ્પ, પુસ્તક કેન્દ્ર, શિક્ષણ, રસાસ્વાદ અને અન્ય પ્રવૃત્તિઓ

  • માતૃભાષા ઑલિમ્પિયાડ પ્રકલ્પ

અંતર્ગત ‘મને ગમતું પુસ્તક વાર્તાલાપ’, વકતૃત્વ, લેખન, કાવ્યપઠન, પાદપૂર્તિ, શીઘ્ર કાવ્ય લેખન, શીઘ્ર નિબંધ લેખન, મુદ્દા પરથી વાર્તા લેખન, કોશમાંથી શબ્દ શોધવાની સ્પર્ધા, ગુજરાતી શબ્દોની અંત્યાક્ષરીની રમત-વગેરે સ્પર્ધાઓ, . કળા - સંસ્કૃતિ અભિવ્યક્તિ અંતર્ગત સુગમ સંગીત, ગરબો, લોકનૃત્ય, નાટક, એકપાત્રી અભિનય વગેરે સ્પર્ધાઓ નું આયોજન.

  • માતૃભાષા પુસ્તક કેન્દ્ર પ્રકલ્પ

આ પ્રકલ્પ અન્વયે ત્રણ પ્રવૃતિઓ પ્રયોજવામાં આવી છે. ૧. પુસ્તકની પરબ (નિઃશુલ્ક પુસ્તક સ્વીકાર-અર્પણ કેન્દ્ર) ૨. પુસ્તક વેચાણ કેન્દ્ર (સહયોગ ધોરણે) ૩. શેરી પુસ્તકાલય (ગ્રંથમંદિર)નું આયોજન.

  • શિક્ષણ પ્રકલ્પ

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષાના વિભાગો શરુ થાય તે અંગે પ્રયત્ન કરવા. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં આપણી સંસ્કૃતિ, સાહિત્ય અને કળાની જાણકારી આપવા ગુજરાતી ભાષા પરિશીલનના કાર્યક્રમ કરવા આદિ.

  • “વિશ્વ માતૃભાષાદિન” (૨૧ ફેબ્રુઆરી) ઉજવણી પ્રકલ્પ

આપ્રકલ્પ અનુસાર માતૃભાષાદિનની વિવિધ ઉજવણીઓ કરવી.

  • રસાસ્વાદ પ્રકલ્પ

રાજ્યનાં વિવિધ સ્થળોએ કાયમી ધોરણે રસાસ્વાદ મંડળો સ્થાપવા, રસાસ્વાદ કાર્યક્રમોનું આયોજન કરવું, તેનું ધ્વનિમુદ્રણ કરાવી તેની જાળવણી કરવી.

  • માહિતી સંચાર તકનીક (આઈસીટી) પ્રકલ્પ

ગુજરાતી ભાષામાં વેબસાઇટ, બ્લોગ, તેમ જ લખાણ તૈયાર કરવા,ગુજરાતીમાં લખી શકાય તે માટે જરૂરી સૉફ્ટવેર તેમ જ સાધનો પ્રચલિત કરવા, યુનીકોડ (Unicode) ફૉન્ટનો ઉપયોગ પ્રચલિત કરવો,મોબાઇલ ફોન તેમ જ ડિવાઇસ પર ગુજરાતી ભાષામાં વાંચી તથા લખી શકાય તે માટેના સંશોધનનો વિચાર કરવો આદિ .

  • પ્રસાર માધ્યમો પ્રકલ્પ

રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર, સામયિકો તથા અન્ય પ્રચાર - પ્રસારનાં માધ્યમોનો પૂરો ઉપયોગ કરી ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાનો પ્રયાસ."

  • સહયોગી સંસ્થાઓ

ગુજરાતી સાહિત્ય પરિષદનું માતૃભાષા સંવર્ધન કેન્દ્ર , ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, શારદા વિદ્યામંદિર, કડી સર્વ વિદ્યાલય, ચારૂતર વિદ્યામંડળ, અક્ષરા, વિવેકાનંદ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પ્રેમની પરબ, એચ. એમ. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈંગ્લિશ લેન્ગ્વેજ તથા અન્ય.

સંદર્ભો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

માતૃભાષા અભિયાનની વેબસાઈટ સંગ્રહિત ૨૦૨૦-૦૨-૨૧ ના રોજ વેબેક મશિન