મુનિ પુણ્યવિજયજી
મુનિ પુણ્યવિજયજી (૨૭ ઓક્ટોબર ૧૮૯૫-૧૪ જૂન ૧૯૭૧) જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના એક સાધુ, સંશોધક અને સંપાદક હતા.[૧][૨]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧૮૯૫માં ૨૭મી ઓક્ટોબરના રોજ ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં થયો હતો.[૧] તેમનું જન્મસમયનું નામ મણિલાલ ડાહ્યાભાઈ દોશી હતું અને તેમણે મુંબઈમાં અંગ્રેજીમાં છ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.[૧] ૧૯૦૯માં તેમણે જૈન ધર્મની દીક્ષા લીધી હતી.[૧]
કાર્ય
[ફેરફાર કરો]દીક્ષા બાદ તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓના સાહિત્યનો 'તલસ્પર્શી અભ્યાસ' કર્યો હતો. સાથે જ, તેઓ નાગરીલિપિના નિષ્ણાત હતા.[૧]
લેખક રજની વ્યાસના અનુસાર, તેમણે 'હસ્તલિઈખત પ્રતોમાં સચવાયેલા આપણા જ્ઞાનભંડારોને વેડફાઈ જતો બચાવી તેને જાળવાનું બહુમૂલ્ય કાર્ય કર્યું છે.'[૨] પાટણમાં હજાર વર્ષ જૂની પંદર હજારથી પણ વધુ હસ્તપ્રતો અવ્યવસ્થિત દશામાં હતી જેને તેમણે વ્યવસ્થિત કરી પાટણમાં 'હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર'ની સ્થાપના કરી હતી.[૨] તે સિવાય તેમણે 'ખંભાત, જેસલમેર, પાલિતાણા, જોધપુર, વડોદરા, અમદાવાદ વગેરેના આવા જ્ઞાનભંડારો'ને વ્યવસ્થિત કરી સૂચિઓ બનાવવાનું કાર્ય કર્યું હતું.[૨] હસ્તપ્રતોની લિપિ ઉકેલવાના કામની જોડે જ પ્રાચીન સિક્કાઓના અને મૂર્તિઓના સમય નક્કી કરવાનું પણ તેઓ શીખ્યા હતા.[૨]
તેમણે જૈન આગમોનો અભ્યાસ કર્યો હતો અને તેની પુનર્વાચનાઓ બનાવી હતી. 'લહિયાઓની મદદથી તેનાં સંપાદનો કર્યાં' પરંતુ 'લહિયાઓને ચૂકવવાની રકમ પણ તેમની પાસે ન હતી.' તેમને મદદ ન મળે તો ક્યારેય કોઈની પાસે કંઈ જ માંગતા જ નહીં; જેથી તેમને કાર્યોમાં મુસીબત ખૂબ જ પડતી. આ વાત વિશે કસ્તુરભાઈ લાલભાઈને ખબર પડતાં તેમણે સામે ચાલીને બધી સગવડો કરી આપી હતી.[૨] તે બંનેના જ પ્રયાસોથી લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયની સ્થાપના થઈ હતી.
ગુજરાતી સાહિત્ય પરિષદનું વીસમું અધિવેશન અમદાવાદમાં ૧૯૫૯ના વર્ષમાં મળ્યું હતું જેમાં તેઓ ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ હતા.[૧] તેઓ ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલી ઑલ ઈન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સના એકવીસમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ પણ હતા અને સાથે જ ૧૯૭૦માં અમેરિકાની ઓરિએન્ટલ સોસાયટીના માનાર્હ સભ્ય બન્યા હતા.[૧] રજની વ્યાસ તેમને 'પરંપરાને જાળવનાર સાધુ તરીકે આદરણીય આદર્શ મૂર્તિ' ગણાવે છે.[૨]
મૃત્યુ
[ફેરફાર કરો]પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયા બાદ તેમનું ૧૪મી જૂન ૧૯૭૧ના રોજ મુંબઈમાં અવસાન થયું.[૧]