મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મેસ્લોએ દર્શાવેલ જરૂરિયાતોનો કોટિક્રમ, જેમાં પાયાની જરૂરિયાતો નીચેથી ચાલું થાય છે.

મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ એ એક મનોવિજ્ઞાનનો ખ્યાલ છે જે અમેરિકન મનોવૈજ્ઞાનિક અબ્રાહમ મેસ્લોએ પોતાના વ્યક્તિત્વ-સિદ્ધાંતના ભાગ રૂપે આપ્યો હતો. મેસ્લોના જણાવ્યા મુજબ વ્યક્તિના વિકાસમાં ઉપલી જરૂરિયાતો ત્યારે જ ઊભી થઈ શકે છે, જ્યારે નીચલી જરૂરિયાતો સંતોષાઈ જાય. મેસ્લોએ પોતાના આ સિદ્ધાંતમાં મનુષ્યની જરૂરિયાતોનું ઊર્ધ્વલક્ષી વર્ગીકરણ કર્યું છે. તેમના મત મુજબ વ્યક્તિત્વમાં પ્રથમ શારીરિક જરૂરિયાતો પછી સહીસલામતીની જરૂરિયાતો, મમતાની જરૂરિયાતો, પ્રેમ અને હૂંફની જરૂરિયાતો, સ્વમાન અને સ્વાભિમાનની જરૂરિયાતો અને છેલ્લે સ્વ-વાસ્તવિકરણની આવે છે.

આ પદાનુક્રમમાં પાયામાં રહેલી જૈવિક, શારીરિક જરૂરિયાતો સૌથી પ્રબળ છે, અને ઉપર જતી જરૂરિયાતો ક્રમશ: નબળી છે. એટલે કે આ જરૂરિયાતો વ્યક્તિત્વ-વિકાસ દરમિયાન અનુક્રમમાં ઉદભવે છે, અને પૂર્વેના નીચલા ક્રમની જરૂરિયાતો સંતોષાયા પછી જ ઉપરના બીજા ક્રમની જરૂરિયાતો પ્રગટે છે. જેમ કે, માણસને જ્યારે પૂરતો ખોરાક અને શારીરિક સલામતીની ખાતરી થાય પછી જ તેને કોઈનો પ્રેમ મેળવવો, પ્રેમ આપવો, તેમજ સ્વમાન, કદર, પ્રતિષ્ઠાની ઝખનાની જરૂરિયાતો ઉદભવે છે.[૧]

સિદ્ધાંત[ફેરફાર કરો]

મેસ્લોએ પોતાનો 'જરૂરિયાતોનો કોટિક્રમ'નો ખ્યાલ સૌપ્રથમ વાર ૧૯૪૩માં અ થિઅરી ઑફ્ હ્યુમન મોટિવેશન નામના લેખમાં રજૂ કર્યો હતો.[૨]

મેસ્લો માને છે કે જ્યાં સુધી વ્યક્તિની પાયાની જરૂરિયાતો ન સંતોષાય ત્યાં સુધી વ્યક્તિ તે પછીની જરૂરિયાતોના સંતોષ માટે સક્રિય થતી નથી. પહેલાં ભૂખ, તરસ, નિદ્રા, જાતીયતા જેવી શરીરલક્ષી જરૂરિયાતો સંતોષાય ત્યારપછી સલામતી અને રક્ષણની જરૂરિયાતો માટે માનવી સક્રિય બને છે. આ બન્ને નિમ્નકક્ષાની જરૂરિયાતોના સંતોષ પછી જ પ્રેમ, સ્નેહ, આત્મગૌરવ, જ્ઞાન અને સમજણ જેવી બોધાત્મક જરૂરિયાતો અને સૌંદર્યલક્ષી ઉચ્ચકક્ષાની જરૂરિયાતોના સંતોષ માટે માનવી જાગ્રત થઈને સક્રિય બને છે. મેસ્લોએ જરૂરિયાતોના કોટિક્રમની સૌથી ટોચ પર સ્વ-વાસ્તવિકરણની જરૂરિયાતનો સમાવેશ કર્યો છે. મેસ્લોના મત મુજબ અગાઉની બધી જ જરૂરિયાતોના સંતોષ પછી જ માનવી સૌથી ઉચ્ચકક્ષાની એવી સ્વ-વાસ્તવિકરણની જરૂરિયાતના સંતોષ માટે સક્રિય બને છે.[૩]

મેસ્લોની પાયાગત જરૂરિયાતો અને થોમસની ચાર મૂળભૂત જરૂરિયાતોમાં નોંધપાત્ર સામ્યતા છે. મેસ્લોની સલામતી, મહત્ત્વ અને સ્નેહ તેમજ આદરમાન સંબંધી જરૂરિયાતો અનુક્રમે થોમસની સુરક્ષા (security), પ્રતિભાવ (response), સામાજિક માન્યતા તથા મૂળભૂત ઈચ્છાઓ સાથે નોંધપાત્ર સામ્ય ધરાવે છે.[૪]

જરૂરિયાતોનો કોટિક્રમ[ફેરફાર કરો]

શારીરિક જરૂરિયાતો[ફેરફાર કરો]

મેસ્લોએ જરૂરિયાતોનું જે ઊર્ધ્વગામી વર્ગીકરણ કર્યું છે, તેમાં સૌથી પહેલું કે સૌથી નીચેનું સ્થાન શારીરિક જરૂરિયાતોને મળેલું છે. શારીરિક જરૂરિયાતોમાં હવા, પાણી, ખોરાક, શારીરિક સમતુલન, શારીરિક પ્રક્રિયાઓનું સ્વ-સંચાલન વગેરે જરૂરિયાતોનો સમાવેશ થાય છે. બીજી બધી જરૂરિયાતોની સરખામણીમાં આ જરૂરિયાતો પાયાની છે. જ્યાં સુધી આ જરૂરિયાતોને સંતોષ ન મળે ત્યાં સુધી વ્યક્તિ તે પછીની જરૂરિયાતોના સંતોષ માટે આગળ વધી શકતી નથી. જેમ કે, બહું જ ભૂખ્યો વ્યક્તિ પોતાના અભ્યાસ વિશે વિચાર કરી શકતો નથી. હવા વગર ગૂંગળાતો વ્યક્તિ પોતાની માનસિક પ્રગતિનો વિચાર કરી શકતો નથી. આમ, મેસ્લો જણાવે છે કે શારીરિક જરૂરિયાતો મનુષ્યની પાયાની જરૂરિયાતો છે, અને મનુષ્યની કોઈપણ પ્રવૃત્તિ આ જરૂરિયાતો જ્યાં સુધી સંતોષાય નહિ ત્યાં સુધી આગળ વધી શકતી નથી.[૫]

સહીસલામતીની જરૂરિયાત[ફેરફાર કરો]

મમતાની જરૂરિયાત[ફેરફાર કરો]

પ્રેમ અને સ્નેહની જરૂરિયાત[ફેરફાર કરો]

સ્વમાન અને સ્વાભિમાનની જરૂરિયાત[ફેરફાર કરો]

સ્વ-વાસ્તવિકરણ અથવા આત્મ-આવિષ્કારની જરૂરિયાત[ફેરફાર કરો]

સ્વ-વાસ્તવિકરણ અથવા આત્મ-આવિષ્કાર (અથવા આત્મસાર્થક્ય) અંગેના પોતાના મતના સમર્થન માટે મેસ્લોએ જુદાં જુદાં ક્ષેત્ર જેવા કે વિજ્ઞાન, સાહિત્ય, ઈતિહાસ, રાજકારણ વગેરેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હોય તેવી વ્યક્તિઓનો અભ્યાસ કરી તેનું તારણ ઈ.સ. ૧૯૫૦માં પોતાના એક લેખ સેલ્ફ-ઍક્ચુઅલાઇઝિંગ પીપલમાં રજૂ કર્યું છે. આ વ્યક્તિઓમાં અબ્રાહમ લિંકન, એલિનોર રૂઝવેલ્ટ, ટૉમસ જેફરસન, બીથોવન, થૉરો, વૉલ્ટ વ્હિટમૅન વગેરેનો સમાવેશ થાય છે.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. પરીખ, બી. એ. (૨૦૧૪) [૧૯૮૯]. પ્રગત સામાન્ય મનોવોજ્ઞાન (ચોથી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૪૭૯–૪૮૦. ISBN 978-81-929772-6-3. Check date values in: |year= (મદદ)
  2. Stoyanov, Stoyan (2017). A Theory of Human Motivation. Macat Library. p. 8. ISBN 978-1-351-35188-1. Check date values in: |year= (મદદ)
  3. ૩.૦ ૩.૧ મહેતા, રેણુકા (૨૦૦૨). "મેસ્લો, અબ્રાહમ હૅરાલ્ડ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૬. અમદાવાદ: ગુજરતી વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૬૦૫-૬૦૬. OCLC 163322996. Check date values in: |date= (મદદ)
  4. જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૫૫–૫૬. ISBN 978-93-85344-46-6. Check date values in: |year= (મદદ)
  5. ભટ્ટ, કુસુમબેન કે. (2014). "મેસ્લોનો વ્યક્તિત્વ-સિદ્ધાંત". વ્યક્તિત્વના સિદ્ધાંતો (તૃતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. pp. ૨૮૮–૨૯૩. Check date values in: |year= (મદદ)

પૂરક વાચન[ફેરફાર કરો]