મૌલવી લિયાકત અલી

વિકિપીડિયામાંથી
મૌલવી લિયાકત અલી
જન્મની વિગત૧૮૧૭
મૃત્યુ૧૭ મે ૧૮૯૨
યાંગૂન, મ્યાનમાર

મૌલવી લિયાકત અલી (૧૮૧૭ – ૧૮૯૨) ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના અલ્હાબાદ (પ્રયાગરાજ)ના મુસ્લિમ ધાર્મિક નેતા હતા. પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અથવા ૧૮૫૭ના વિદ્રોહ તરીકે ઓળખાતા અંગ્રેજો સામેના બળવાના સૌથી જાણીતા નેતાઓ પૈકીના એક નેતા હતા.[૧][૨][૩] તેઓ પ્રયાગરાજ જિલ્લાના પરગણા ચૈલના મહગાંવ ગામના હતા. તેઓ એક ધાર્મિક શિક્ષક, ધર્મપરાયણ મુસલમાન અને ખૂબ જ સાહસિક અને શૌર્યવાન વ્યક્તિ હતા.

ચૈલના જમીનદારો લિયાકત અલીના સંબંધીઓ અને અનુયાયીઓ હતા અને તેમણે ૧૮૫૭ની લડતમાં મૌલવીને તેમના માણસો અને દારૂગોળો સાથે સમર્થન પુરુ પાડ્યું હતું. પરિણામે, મૌલવીએ ખુસરો બાગ પર કબજો જમાવ્યો[૪] અને ભારતની સ્વતંત્રતાની જાહેરાત કરી. ખુસરો બાગ મૌલવી લિયાકત અલીના વડપણ હેઠળ સિપાહીઓનું વડુંમથક બન્યું અને તેમણે સ્વતંત્ર થયેલા અલ્હાબાદના ગવર્નર તરીકેનો હોદ્દો સંભાળ્યો. જો કે, વિપ્લવને ઝડપથી દબાવી દેવામાં આવ્યો હતો અને અંગ્રેજોએ ભારે મુશ્કેલી બાદ બે અઠવાડિયામાં અલ્હાબાદ શહેર પર પુનઃ કબજો જમાવ્યો હતો.

બ્રિટિશરોએ શહેર પર પુનઃ કબજો જમાવ્યા બાદ તેઓ કેટલાક મિત્રો અને બળવાખોર સિપાહીઓ સાથે અલ્હાબાદથી નાસી છૂટ્યા હતા, પરંતુ સપ્ટેમ્બર ૧૮૭૧માં મુંબઇના ભાયખલા રેલવે સ્ટેશન પર ૧૪ વર્ષ બાદ પકડાયા હતા.[૫] તેના પર કેસ ચાલ્યો અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી, પરંતુ ૧૭ મે ૧૮૯૨ના રોજ રંગૂન (હાલના યાંગુન)માં કેદમાં તેમનું મૃત્યુ થયું.[૬] વિખ્યાત એમેલિયા હોર્ને (એમી હોર્ને અને એમેલિયા બેનેટ તરીકે પણ ઓળખાય છે) એ કાનપુરની કથિત ઘેરાબંધીમાંથી બચી ગયેલી ૧૭ વર્ષીય યુવતી હતી. ૧૮૭૨માં લિયાકત અલી પર ચાલેલા ખટલામાં તે મૌલવીના પક્ષની સાક્ષી હતી અને લિયાકત અલીના બચાવમાં તેને રજૂ કરવામાં આવી હતી. લિયાકત અલીને આંદામાન દ્વીપ સમૂહના પોર્ટ બ્લેયરમાં સેલ્યુલર જેલમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. The Shaping of Modern Gujarat: Plurality, Hindutva, and Beyond By Acyuta Yājñika, Suchitra Sheth, Page 96
  2. Freedom Struggle in Uttar Pradesh by S.A.A Rizvi, Vol iv.
  3. Maulvi Liaquat Ali icon of 1857 uprising at Allahbad by Prof. A.P Bhatangar
  4. "Elegant tombs, unkempt greens". The Hindu. 22 September 2012.
  5. New York Times published 31 October 1871
  6. Subaltern Lives: Biographies of Colonialism in the Indian Ocean World, 1790-1920 By Clare Anderson, Chapter " Liaquat ali and Amelia Bennett"