લખાણ પર જાઓ

રેવાબહેન તડવી

વિકિપીડિયામાંથી
રેવાબહેન તડવી
જન્મ૧ ઓગસ્ટ ૧૯૨૯ Edit this on Wikidata
વડોદરા જિલ્લો Edit this on Wikidata
વ્યવસાયલોકસાહિત્યકાર Edit this on Wikidata

રેવાબહેન તડવી (૧ ઓગસ્ટ ૧૯૨૯) ગુજરાતી લોકવિદ્યાવિદ્ છે જેઓ ગુજરાતનાં સર્વપ્રથમ સ્ત્રી આદિવાસી લોકવિદ્યાવિદ્ અને મૌખિક પરંપરાના સાહિત્યનાં સંશોધક-સંપાદક અને વાહક છે. રેવાબહેને પોતાન પતિ શંકરભાઈ તડવી સાથે મળીને લખેલા આદિવાસી સાહિત્ય વિષયક પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે.

રેવાબહેન તડવીનો જન્મ ૧ ઓગસ્ટ ૧૯૨૯ના રોજ વડોદરા જિલ્લાના ભદ્રાલી ગામે થયો હતો. તેમણે ધોરણ પાંચ સુધીનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ લીધું. ૧૯૪૮માં તેમણે લોકવિદ્યાવિદ્ શંકરભાઈ તડવી સાથે લગ્ન કર્યા. આ દંપતીએ મૌખિક લોકસંપદાને સંશોધિત-સંપાદિત કરી પ્રસિદ્ધ કરવાનું જીવન લક્ષ્ય બનાવ્યું.[]

પ્રદાન

[ફેરફાર કરો]

રેવાબહેન ગુજરાતનાં સર્વપ્રથમ સ્ત્રી આદિવાસી લોકવિદ્યાવિદ્ અને મૌખિક પરંપરાના સાહિત્યનાં સંશોધક-સંપાદક અને વાહક છે. તેમને બાલપણથી જ ગાવાનો શોખ હોવાથી તેઓ વિવિધ સામાજિક–ધાર્મિક પર્વ અને પ્રસંગોમાં સહભાગી થતા અને આ રીતે સમાજમાં ગવાતી મૌખિક પરંપરાને તેમને કંઠસ્થ કરી લીધી હતી. આ કંઠસ્થ કરેલી લોકસંપદા મુક્ત કંઠે ગાવાના શોખે આગળ જતાં રેવાબહેનના લોકવિદ્યાવિદ્ તરીકેના વ્યક્તિત્વઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.[]

રેવાબહેને પોતાના પતિ શંકરભાઈ સાથે મળીને અને સ્વતંત્ર રીતે પણ આદિવાસિ સંસ્કૃતિ, સમાજ, અને સાહિત્યનું લગભગ ૨૦ જેટલા પુસ્તકોમાં સંશોધન-સંપાદન કર્યું છે. આદિવાસી સંસ્કૃતિ અને સમાજની પૃષ્ઠભૂમિ રજૂ કરતા પુસ્તક 'આદિવાસી સંસ્કૃતિનો સ્વાધ્યાય' (સહસંપાદન, ૧૯૮૩)માં પૂર્વકાલીન ઇતિહાસથી આરંભી સાંપ્રતકાલીન રાઠવા-કોળી સમાજજીવનનો લોકસાહિત્યની પૃષ્ઠભૂમિમાં દસ્તાવેજ આપવામાં આવ્યો છે. તેમનું પુસ્તક 'ચાર ભાઈબંધ' એ મેવાસ પ્રદેશની લોકકથાનું સંપાદન છે. લોકગીતોના સંશોધન-સંપાદનને લગતા તેમણે છ પુસ્તકો અને બે સહસંપાદનો આપ્યા છે. આ સંપાદનોમાં સામાજિક ગીતો, નિંદણ જેવા ક્રિયાત્મક ગીતો અને નૃત્યગીતો છે. 'તડવી: લગ્નગીતો અને વિધિઓ' (સહસંપાદન, ૧૯૮૧) એ મધ્ય ગુજરાતમાં વસતી તડવી જાતિની લગ્નવિધિઓ અને તેમના સંલગ્ન ગીતોનું સંપાદન છે. 'કેસૂડાં કામણગારાં' (સહસંપાદન,૧૯૮૩)માં સંખેડા, મેવાસનાં લોકગીતોનું સંપાદન છે. 'મૂંછોમેં માળો' (૧૯૮૭) ફટાણાનું સંપાદન છે. 'સાહેલી રે આંબો મ્હોરિયો' (૧૯૮૮)માં મધ્યગુજરાતમાં વસતી વિવિધ જાતિઓ – ઠાકરડા, રાજપુત, રાઠવા, ભીલ ઈત્યાદિનાં લગ્નગીતોનું ભાવાર્થ સાથેનું સંપાદન છે. 'રાજલ પાતળી' (૧૯૯૩)માં સંખેડા તાલુકામાં વસતા તડવી સમાજમાં ગવાતાં ગીતો નિંદણાના ક્રિયાત્મક ગીતોનું સંપાદન થયું છે. આ ગીતોમાં નણંદ-ભોજાઈની ઠઠ્ઠા-મશ્કરી, સ્ત્રીની જાતીય વૃત્તિ, ઈર્ષ્યા આદિ માનવસહજ ભાવોનું નિરૂપણ થયું છે. 'રાધા ગોરીને કહાણ કાળો' (૧૯૯૫)માં બાળલીલા અને તરુણાવસ્થા પ્રાપ્ત કરેલ શ્રીકૃષ્ણની રાધા-ગોપીઓ સાથેની શૃંગારલીલા વિષયક ગીતો સંપાદિત થયાં છે. 'ઝમ્મ ઝાંઝરિયું રે' (૧૯૯૯) એ વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓમાં લગ્નપ્રસંગે થતાં હાલેણી અને કુદણિયાં નૃત્યો સંલગ્નગીતોનો સંચય છે. 'સાગની સોટી સિસમની ડોંડી રે' (૨૦૦૧)માં વડોદરા જિલ્લામાં વસતા તડવી અને ભીલ સમાજમાં શિશિર અને વસંત ઋતુમાં થતાં રોળા, દાંડિયા અને આલેણિયાં નૃત્યગીતોનું ભાવાર્થ સાથે સંપાદન થયું છે. તેમના લોકકલા વિષયક પુસ્તકોમાં 'આદિવાસી લોકનૃત્યો' (સહસંપાદન, ૧૯૭૮) અને 'આદિવાસીઓનો કલાવારસો' (સહસંપાદન, ૧૯૭૯)નો સમાવેશ થાય છે. આ પુસ્તકોમાં નૃત્ય, નાટ્ય, વેશો, લોકવાદો, પીઠોરા ચિત્રકલા, અલંકાર, ગૂંથણ વગેરેનો પરિચય આપવામાં આવ્યો છે.[]

આ ઉપરાંત તેમણે 'રાઠવી ગુજરાતી શબ્દાવલી' (૧૯૮૧) અને 'રાઠવા જન જાગરણ અને પદ્ય વાચનમાળા' (૧૯૮૪) પુસ્તકો લખ્યા છે જેમાં રાઠવી બોલીને એક ભાષા તરીકે સ્થાપવાનો અને તે ભાષાના બાળકોમાં પોતાની ભાષા માતે અસ્મિતા જગવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.[]

પુરસ્કારો

[ફેરફાર કરો]

રેવાબહેને પોતાના પતિ શંકરભાઈ તડવી સાથે મળીને લખેલા પુસ્તકો 'તડવી લગ્નગીતો અને વિધિઓ' અને 'આદિવાસી સંસ્કૃતિનો સ્વાધ્યાય' વગેરેને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તડવી દંપતીને સંસ્કાર એવોર્ડ, વડોદરા (૧૯૮૭) અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ એવોર્ડ (૨૦૦૨) આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.[]

પુસ્તકો

[ફેરફાર કરો]
  • નીંદણાંનાં ગીતો
  • મેવાસની લોકસંસ્કૃતિ
  • પાલના રાઠવા
  • પાલની લગ્નવિધિ
  • આદિવાસી લોકનૃત્યો
  • આદિવાસીઓનો કલાવારસો
  • તડવી લગ્નગીતો અને વિધિઓ
  • કેસૂડાં કામણગારાં
  • આદિવાસી સંસ્કૃતિનો સ્વાધ્યાય
  • ઢેબરાનું ઝાડ
  • લાલદેકુંવર અને હીરાંદેકુંવરી
  • પરદેશી પરોણલો
  • આદિવાસી લોકમેળા
  • રાધા ગોરી ને કહાન કાળો
  • રાઠવી ગુજરાતી શબ્દાવલી

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ પટેલ, ભગવાનદાસ (સપ્ટેમ્બર ૨૦૧૫). દેસાઈ, પારૂલ કંદર્પ; દવે, રમેશ ર. (સંપાદકો). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ: ૭, (ઈ. ૧૯૧૦થી ૧૯૩૫): સ્વાતંત્ર્યોત્તર યુગ-૧. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૪૭૯–૪૮૧. ISBN 978-81-930884-5-6.