લખાણ પર જાઓ

લક્ષ્મી નાટક

વિકિપીડિયામાંથી

લક્ષ્મી નાટક એ ૧૮૫૧માં પ્રગટ થયેલ દલપતરામ કૃત ગુજરાતી નાટક છે. ગુજરાતી ભાષામાં છપાયેલું આ પહેલું નાટક છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

દલપતરામ (૧૮૨૦–૧૮૯૮)

દલપતરામે ગ્રીક લેખક એરિસ્ટોફેનિસની પ્લૂટસ નાટ્યકૃતિ ઉપરથી એલેકઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી અને સહાયથી 'લક્ષ્મી નાટક' રચ્યું હતું. આ નાટક ૧૯૫૧માં પ્રગટ થયું હતું.[૧] નાટકની ત્રીજી આવૃત્તિ ૧૮૬૩માં પ્રકાશિત થઈ હતી.[૨] નાટકનો મુખ્ય સંદેશ એ છે કે 'અન્યાયથી, અધર્મથી તથા ચડિયાતાપણાથી ધન પેદા કરવું નહીં'.[૧] અર્વાચીન ગુજરાતી સાહિત્યનું આ પહેલું નાટક છે.[૩]

ફાર્બસ પાસેથી પ્લૂટસ નાટકનું કથાવસ્તુ સાંભળ્યા પછી દલપતરામે સ્વતંત્ર રીતે એના પરથી આ નાટક રચ્યું છે. એ રીતે જોતા આ નાટક અનુવાદ કે રૂપાંતર નથી પરંતુ, ચન્દ્રકાન્ત ટોપીવાળાના શબ્દોમાં 'મૂળ કથાવસ્તુનો દલપતરામનો પોતીકો નાટ્યાવતાર છે'. દલપતરામ નોંધે છે કે 'ગુજરાતી લોકોની સમજમાં આવે એટલા સારુ અમે ગ્રીક લોકોની ચાલ છોડીને હિન્દુ લોકોની ચાલ લીધી છે'.[૩]

કથાવસ્તુ[ફેરફાર કરો]

નાટકમાં કુલ ૧૧ પાત્રો છે જેમાંથી ૯ પુરુષ અને ૨ સ્ત્રીઓ છે.[૨] નાટકનો મુખ્ય સમ્દેશ એ છે કે 'અન્યાયથી, અધર્મથી તથા ચડિયાતાપણાથી ધન પેદા કરવું નહીં'.[૧]

ધીરસિંહ નામનો ગરાસિયો મહાદેવ પાસે ફરિયાદ કરે છે કે જે નિર્લજ્જ અને દુષ્ટ છે તે દરિદ્ર રહે છે ને જે સદાચારી હોય છે તે દુ:ખી કેમ રહે છે? મહાદેવ તેને મંદિરમાંથી નીકળતાં જે મળે તેની પાછળ જવાનું કહે છે. તે તથા તેના નોકર ભીમડાને લક્ષ્મી મળે છે જે આંધળી હોય છે. તેઓ લક્ષ્મીની આંખ સારી કરાવે છે, તેથી સજ્જનો ધનિક બને છે અને દુષ્ટ દરિદ્ર બને છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ પારેખ, મધુસૂદન (૧૯૮૦). દલપતરામ. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: કુમકુમ પ્રકાશન. પૃષ્ઠ ૮૦. OCLC 7275389.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ઠાકર, ધીરુભાઈ (૨૦૦૮). અભિનેય નાટકો (૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૪૨. OCLC 945585883.
  3. ૩.૦ ૩.૧ ટોપીવાળા, ચન્દ્રકાન્ત (૨૦૧૭). દલપતરામ. ભારતીય સાહિત્યના નિર્માતા (પ્રથમ આવૃત્તિ). નવી દિલ્હી: સાહિત્ય અકાદેમી. પૃષ્ઠ ૫૭–૫૮. ISBN 978-93-86771-50-6. OCLC 52853886.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]