લખાણ પર જાઓ

વિજયગુપ્ત મૌર્ય

વિકિપીડિયામાંથી
વિજયગુપ્ત મૌર્ય
જન્મની વિગત
વિજયશંકર મુરારજી વાસુ

૨૬ માર્ચ ૧૯૦૯
પોરબંદર, ગુજરાત
મૃત્યુ૧૦ જુલાઇ ૧૯૯૨
અન્ય નામોહિમાચલ, સોહમ્, ચાણક્ય, મુક્તાનંદ વિશ્વયાત્રી, પંડિત કૌશિક શર્મા, વિ. મુ. વાસુ, ગોસ્વામી શ્રી વિજયરાયજી, વિજયતુંગ, વાચસ્પતિ, ઇન્દ્રધનુ, વસંતવિજય
શિક્ષણ સંસ્થાભાવસિંહ હાઇસ્કૂલ, પોરબંદર; મુંબઈ યુનિવર્સિટી
વ્યવસાયપત્રકાર અને લેખક
સક્રિય વર્ષો૧૯૪૫-૧૯૯૧
નોકરી આપનારજન્મભૂમિ, પ્રકૃત્તિ
પ્રખ્યાત કાર્યગુજરાતી ભાષામાં વિજ્ઞાન લેખન અને પત્રકારત્વ
જીવનસાથીવસંતલીલા
સંતાનોનગેન્દ્ર વિજય, ભારદ્વાજ વિજય
માતા-પિતા
  • મુરારજીભાઈ (પિતા)
  • મોતીબાઇ (માતા)

વિજયગુપ્ત મૌર્ય ગુજરાતી ભાષાનાં અગ્રણી વિજ્ઞાન લેખક હતા. તેઓએ વિજ્ઞાનને લોકભોગ્ય અને પ્રસિદ્ધ કરતાં કેટલાંયે પુસ્તકો અને હજારો લેખ લખ્યા હતા.

તેઓનો જન્મ ૧૯૦૯માં પોરબંદર ખાતે થયો હતો. તેઓનું મૂળ નામ વિજયશંકર મુરારજી વાસુ હતું. વિજયગુપ્ત મૌર્યએ તેમનું માધ્યમિક શિક્ષણ ભાવસિંહજી હાઈસ્કૂલ, પોરબંદર ખાતે લીધેલું. તેઓએ કાનૂન વિદ્યાશાખાનું શિક્ષણ મુંબઈ ખાતે લીધું અને ૧૯૩૩માં ફરી પોરબંદર પરત ફરી વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી તેઓએ બ્રિટિશ અદાલતમાં ન્યાયધીશ તરીકેનું સ્થાન મેળવ્યું. જો કે, પોતાનાં પક્ષી દર્શનનાં શોખને લીધે તેઓ પ્રકૃત્તિ સામયિકમાં પક્ષીઓ વિશેનાં લેખ નિયમિતપણે લખતા રહેતા.[]

૧૯૪૪માં, ડૉ. વસંત અવસરે નામનાં સ્વાતંત્ર્ય સેનાની પોરબંદર આવ્યા અને પોતાનો કેસ લડવા માટે વિજયગુપ્ત મૌર્યને જણાવ્યું. જો કે ત્યારે વિજયગુપ્ત મૌર્ય ન્યાયાધીશનાં હોદ્દા પર હોય તેઓ માટે કેસ લડવો સંભવ ન હતું. આથી વિજયગુપ્ત મૌર્યએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને વકીલ તરીકે ડૉ. અવસરેનો કેસ હાથ ધર્યો. આ રીતે વિજયગુપ્ત મૌર્યની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીનો અંત આવ્યો અને તેઓએ મુંબઈમાં રહેવાનો નિર્ણય કર્યો. તેઓએ ત્યાં ગોરધનદાસ શેઠની પેઢીમાં મહીને ૭૫ રૂ. ના પગારે ટાઇપિસ્ટ તરીકે નોકરી લીધી.[][]

પત્રકાર અને લેખક તરીકેની કારકિર્દી

[ફેરફાર કરો]

આર્થિક સમસ્યાઓ વચ્ચે પણ તેઓએ પ્રકૃત્તિ સામયિક માટે લખવાનું ચાલુ રાખ્યું. કેટલાંક વર્ષ પછી, તેઓને ગુજરાતી અખબાર જન્મભૂમિ માટે લખવાની તક મળી. તેઓએ જન્મભૂમિ પ્રવાસીનાં છેલ્લા પાના પર, મર્યાદિત જગ્યામાં પક્ષીઓ અને પ્રાણીઓ વિશે લેખ લખવાનું ચાલુ કર્યું અને પછી આખા પાનાંના લેખક/સંપાદક બની રહ્યા અને બ્રહ્માંડ, વિજ્ઞાન, સમુદ્રસૃષ્ટિ, વનસ્પતિજગત અને એવા વિવિધ વિષયો પર લખ્યું.[]

પાછલાં વર્ષો

[ફેરફાર કરો]

૧૯૭૩ માં, તેઓએ મુક્ત પત્રકાર (ફ્રિલાન્સર) તરીકે વિવિધ સામયિકોમાં લખવા માટે જન્મભુમિ પ્રવાસી છોડ્યું. એ સમયગાળામાં તેઓએ કેટલાંક પુસ્તકો પણ લખ્યાં જેમાં સત્યઘટનાઓ પર આધારિત કથાઓ તથા કાલ્પનિક કથાઓનો પણ સમાવેશ થાય છે. તેમનો લેખક તરીકેની કારકિર્દી સમયગાળો ૪૬ વર્ષનો રહ્યો, જો કે એથી તેઓને ખાસ કશો આર્થિક લાભ થયો નહિ. પાછલાં વર્ષોમાં તેઓને દૃષ્ટિમાં ઝાંખપ, વાંસાનો દુખાવો તથા પાર્કિન્સન્સ રોગ જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. લાંબી બિમારી પછી, જુલાઇ, ૧૯૯૨માં તેઓનું અવસાન થયું.[]

પુસ્તકો

[ફેરફાર કરો]

વિજયગુપ્ત મૌર્યનાં કેટલાંક ગુજરાતી પુસ્તકોની યાદી નીચે આપેલી છે:[]

  • શેરખાન
  • કપિનાં પરાક્રમો
  • સિંહ વાઘની સોબતમાં
  • શિકારીની તરાપ
  • કીમિયાગર કબીર
  • હાથીના ટોળામાં
  • કચ્છથી કાશ્મીર સુધી લડી જાણ્યું જવાનોએ
  • કાશ્મીરનું અગ્નિસ્નાન
  • ઝગમગતું ઝવેરાત
  • સમુદ્રની અજાયબ જીવસૃષ્ટિ
  • પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ
  • જિંદગી જિંદગી
  • માણસ જેમ બોલીને સુપરસ્ટાર બનેલી એક હતી મેના
  • સરકસ જીવનના જીવ સટોસટનાં સાહસો
  • સમુદ્રની સાહસકથા
  • પૃથ્વીદર્શન
  • હવામાનનું જ્ઞાન શા માટે?
  • ગાલાપાગોસ
  • આ છે રશિયા
  • ગોફણથી અણુબોંબ

પરિવાર

[ફેરફાર કરો]

તેઓનાં પુત્રો, નગેન્દ્ર વિજય અને ભારદ્વાજ વિજયે, પિતાનાં પગલે, એમના જ ધ્યેય અને કારકિર્દી અપનાવી. નગેન્દ્ર વિજયે ૧૪ વર્ષની વયે લખવાનું શરૂ કર્યું અને તેઓ પ્રથમ ગુજરાતી વિજ્ઞાન સામયિક "સ્કોપ" અને પછીથી "સફારી" રૂપે સિમાચિહ્નરૂપ પ્રદાન કર્યું. તેઓનાં પૌત્ર, હર્ષલ પુષ્કર્ણાએ પણ વિજ્ઞાન અને માહિતીનાં પ્રસારના આ જ કાર્યને આગળ ધપાવ્યું અને હાલ સફારી સામયિકનું સંચાલન સંભાળે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ખંભાયતા, લલિત (૨૨ ફેબ્રુઆરી ૨૦૧૦). "વિજયગુપ્ત મૌર્ય જીવંત જ્ઞાનકોષને શતાબ્દિવંદન!". દિવ્ય ભાસ્કર. મૂળ માંથી ૨૭ માર્ચ ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ઓક્ટોબર ૨૦૧૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Vijaygupta Maurya - એક નજર આ તરફ". ૨૨ માર્ચ ૨૦૦૯. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૦.