લખાણ પર જાઓ

હર્ષલ પુષ્કર્ણા

વિકિપીડિયામાંથી
હર્ષલ પુષ્કર્ણા
જન્મની વિગત
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
વ્યવસાયપત્રકાર, લેખક, સંપાદક, યુરેનસ બુક્સના માલિક, જીપ્સી ટ્રાવેલરના પ્રકાશક, www.siachenawarenessdrive.org સામાયિકના સ્થાપક, કટાર લેખક
વેબસાઇટhttps://harshalpushkarna.blogspot.in
હર્ષલ પુષ્કર્ણા (ડાબે) તેમનાં પિતા નગેન્દ્ર વિજય સાથે સાર્થક પ્રકાશનના ઉદ્ઘાટન વખતે, ૨૦૧૩.

હર્ષલ પુષ્કર્ણા સફારી સામાયિકમાં તંત્રી અને લેખક હતા અને હર્ષલ પ્રકાશનના માલિક છે. હર્ષલ પ્રકાશન ગુજરાતી ભાષામાં જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકો પ્રકાશિત કરે છે.[][] તેઓ નગેન્દ્ર વિજયના પુત્ર અને વિજયગુપ્ત મોર્યના પૌત્ર છે. તે ગુજરાતી પ્રવાસ સામાયિક જીપ્સી ટ્રાવેલરના માલિક અને પ્રકાશક છે અને ગુજરાત સમાચારમાં કટાર લખે છે.

૨૦૧૭માં તેમણે તેમના પુસ્તક આ છે સિયાચેન ના વિમોચન સાથે વિવિધ શહેરોમાં સિયાચેન જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરી હતી.[]

તેમનો જન્મ રાષ્ટ્રવાદી લેખક અને પત્રકારોના પરિવારમાં થયો હતો. તેમના પિતા નગેન્દ્ર વિજય વરિષ્ઠ પત્રકાર છે, જયારે દાદા વિજયગુપ્ત મૌર્ય અગ્રણી વિજ્ઞાન લેખક અને પક્ષીવિદ્દ હતા. તેમની આસપાસ બાળપણથી જ ક્રાંતિકારીઓ, રાષ્ટ્રવાદીઓ અને વૈજ્ઞાનિકોના પુસ્તકો અને વાર્તાઓ ફેલાયેલી હતી. આ પુસ્તકો વાંચીને તેમને અર્થપૂર્ણ પત્રકારત્વનું ક્ષેત્ર પસંદ કરવાની પ્રેરણા મળી. નાની વયે જ તેમને સફારીના લેખન તેમજ સંપાદન કાર્યમાં પિતાને મદદરૂપ થવાનું શરુ કર્યું હતું.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

સફારી સામાયિક તેમની સ્વપ્ન સમાન પરિયોજના હતી, જે ગુજરાતના બાળકોને જ્ઞાન અને રાષ્ટ્રવાદથી પાલન-પોષણ અને શિક્ષણ આપે. તેઓ 1989માં, 14 વર્ષની ઉંમરે સફારીમાં જોડાયા અને થોડા વર્ષ ઓફિસ મદદનીશ તરીકે કામ કર્યું. તેઓ ધીરે ધીરે તેમના પિતાની માલિકીના આ સામાયિકમાં તેમની કાર્યકુશળતાના આધારે ઊંચા પદો સુધી પહોંચ્યા.

આ દરમિયાન, તેમણે શારદા મંદિર વિનય મંદિર શાળા, અમદાવાદમાંથી 1992માં શાળા શિક્ષણ પૂરું કર્યું અને પછી શ્રી સહજાનંદ આર્ટ્સ અને કોમર્સ કૉલેજ, અમદાવાદમાં 1995ની સાલમાં બેચલર ઓફ કોમર્સનું શિક્ષણ મેળવ્યું.

તેમણે વિજ્ઞાનલેખક તરીકેની પોતાની કારકિર્દી પોતાના જ સામાયિક (સફારી)થી શરુ કરી. તેમણે સંદેશ અને મીડ-ડે દૈનિકોમાં અને નેટવર્ક જેવા સાપ્તાહિકોમાં પણ 1995-97માં વિજ્ઞાન લેખો લખ્યા. તેમણે 1998માં અમદાવાદના એક શહેર સામાયિક - સિટીલાઈફ ન્યુઝનું સંપાદન કર્યું હતું. વર્ષ 2000માં તેમણે વીસમી સદીની પ૦ અજોડ સત્યઘટનાઓ નામનું 88 પૃષ્ઠોનું પુસ્તક લખ્યું, સંપાદન કર્યું અને પ્રસિદ્ધ કર્યું.

તેમણે વિજ્ઞાનનગરી, ગાંધીનગરના માનદ વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કામ કર્યું.[સંદર્ભ આપો]

તેમણે ખગોળશાસ્ત્ર, સંરક્ષણ, માહિતી તંત્રજ્ઞાન (IT), પ્રાણી સૃષ્ટિ, ઇતિહાસ, ભૂગોળ, સૈન્ય તકનીકી પર તેમના માસિક સામાયિક સફારીમાં વિગતવાર લેખો લખ્યા છે.

સફારીમાં લખવા અને સંપાદન કરવા ઉપરાંત, તેમણે તેમના પિતા નગેન્દ્ર વિજય અને દાદા વિજયગુપ્ત મૌર્ય એ લખેલા ઘણા પુસ્તકો અને સામાયિકોનું સંપાદન, ડિઝાઇન અને પ્રકાશન કર્યું છે.

કાર્યો

[ફેરફાર કરો]

હર્ષલ પુષ્કર્ણા એ ગુજરાતીમાં "આ છે સિઆચેન" નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર, સિઆચેન હિમશિખરોનો વ્યૂહાત્મક રીતે અભ્યાસ કરે છે. વધુમાં, એ પ્રવાસવર્ણન-કમ-સત્યઘટના છે, જેમાં ભારતીય સૈન્યના શેરદિલ સૈનિકો નાયક છે. તેઓ સાહસ, ગંભીરતા, બહાદુરી, વફાદારી, ફરજપરસ્તી અને દેશભક્તિના જીવંત ઉદાહરણ રૂપ છે. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિનું નામ 'This is Siachen' રાખવામાં આવ્યું છે. આ જ પુસ્તકની મરાઠી આવૃત્તિ પણ બહાર પાડવામાં આવી છે, જેનું નામ "હે આહે સિઆચેન" (Marathi: हे आहे सिआचेन) રાખવામાં આવ્યું છે. મરાઠી પુસ્તકનું વિમોચન નાસિકના કુસુમાગ્રજ પ્રતિષ્ઠાન (कुसुमाग्रज प्रतिष्ठान) ખાતે 22 ઓક્ટોબર 2017ના રોજ કરવામાં આવ્યું હતું.

હર્ષલ પુષ્કર્ણા એ ભારતના લોકોમાં સિયાચેનના હિમશિખરોના આત્યંતિક હવામાન અને ભારતીય સૈન્યના વીર જવાનોની સિયાચેનમાં ભૂમિકા વિષે જાગૃતિ ફેલાવવા "સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ" નામની બિન-વાણિજ્યક પહેલ શરુ કરી છે. સિઆચેન જનજાગૃતિ ઝુંબેશની પાછળ મૂળભૂત બે વિચાર છે: (1) ભારતના લોકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાવવી; અને (2) યુવાનોને સૈન્યમાં જોડાઈને રાષ્ટ્રસેવા કરવાનું પ્રોત્સાહન આપવું. વધુમાં, હર્ષલ પુષ્કર્ણા શ્રોતાઓને ભારતીય સૈન્યના જવાનોને પત્ર, ગ્રીટીંગ કાર્ડ વગેરે લખવા પ્રોત્સાહન આપે છે.

સિઆચેન જનજાગૃતિ ઝુંબેશના કાર્યક્રમો બધા માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય છે, અને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભરૂચ, ભુજ, અંજાર, જામનગર, કાંદિવલી (પશ્ચિમ) અને ઘાટકોપર (પશ્ચિમ), મુંબઈ, પોરબંદર, કલોલ, આણંદ, કિલ્લા પારડી (વલસાડ), નવસારી, જૂનાગઢ, મોરબી, વલસાડ, નાગપુર વગેરે જેવા શહેરોમાં થઇ ચૂક્યા છે.

એપ્રિલ 22, 2018ના રોજ, હર્ષલ પુષ્કર્ણા એ દેશના સૈનિકોને સમર્પિત બીજું પુસ્તક "પરમ વીર ચક્ર" પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક, સૈન્યના સર્વોચ્ચ પારિતોષક પરમ વીર ચક્રથી સન્માનિત 21 શેરદિલ જવાનોના જીવન અને સમયનું વિગતે વર્ણન કરે છે. આ પુસ્તક કેપ્ટન બાના સિંહ (PVC) એ વિમોચન કર્યું હતું.

ઓક્ટોબર, 2018થી તેમણે ગુજરાતી પ્રવાસ સામાયિક જીપ્સી ટ્રાવેલર શરુ કર્યું. આ માસિક સામાયિક ફરવા અને નવા સ્થળો જોવા ઇચ્છુક ગુજરાતી લોકો માટે છે.

એપ્રિલ, 2020થી તે નિયમિત રીતે ગુજરાતી સમાચારપત્ર ગુજરાત સમાચારમાં લેખો લખે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "સફારી". April 2012. {{cite magazine}}: Cite magazine requires |magazine= (મદદ)
  2. "Harshal Publications Launches "Safari", Innovative Magazine for Gen Next". ૩ માર્ચ ૨૦૦૮. મેળવેલ ૨૮ જુલાઇ ૨૦૧૬. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  3. "Nagendra Vijay to launch 'Aa Chhe Siachen' in Ahmedabad and Surat". DeshGujarat News from Gujarat. ૨૫ જાન્યુઆરી ૨૦૧૭. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  4. Thakkar, Chirag, Nagendra Vijay Speaking At Sahitya Sarita, https://www.youtube.com/watch?v=WlhG5wEHlKQ, retrieved 2018-12-10