વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અન્ય નામો- વી.ઓ.સી, વા વૂ સી, કપ્પલ ઊટ્ટિયા તમિલઝામ, સેક્કિઝુથ્થા સેમ્માલ

સંસ્થા- ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, સ્વદેશી સ્ટીમ નેવિગેશન કંપની

રાજનૈતિક ચળવળ- ભારત સ્વાતંત્ર્ય ચળવળ

વલ્લિઅપ્પન ઓલાગન્થાન ચિદમ્બરમ પિલ્લઈ (તમિલ: வ. உ. சிதம்பரம் பிள்ளை; ૫ સપ્ટેમ્બર ૧૮૭૨, વી. ઓ. ચિદમ્બરમ, ઓટ્ટાપિડરમ - ૧૮ નવેમ્બર ૧૯૩૬, થૂથુકુડી) તેમના નામના શરૂઆતના શબ્દો વી.ઓ.સીથી જાણીતા હતા. તેઓ કપ્પલ ઊટ્ટિયા તમિલઝામ અને “ધ તમિલ હેલ્મ્સમેન” તરીકે પણ જાણીતા હતા. તેઓ તમિલ નેતા હતા. બાલ ગંગાધર તિલકના શિષ્ય હતા. તેમણે બ્રિટિશ જહાજો સામે સ્પર્ધામાં ઉતરીને સ્વદેશી સ્ટીમ નેવિગેશન કંપની સાથે મળીને સૌપ્રથમ વખત તુતિકોરિન અને કોલોમ્બો વચ્ચે સૌપ્રથમ ભારતીય જહાજ સેવાની શરૂઆત કરી હતી. તેઓ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્ય હતા. બ્રિટિશ સરકારે તેમની ઉપર રાજદ્રોહને આરોપ મુક્યો હતો અને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમનું બેરિસ્ટરનું લાઈસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું હતું.

પ્રારંભીક જીવન:[ફેરફાર કરો]

વી. ઓ. ચિદમ્બરમનો જન્મ 5 સપ્ટેમ્બર, 1872ના રોજ ઓટ્ટાપિદારમ (માત્ર ઓટ્ટાપિદરમ ખાતે નહીં કે વન્દનમ), તમિલનાડુના તુતિકોરિન જિલ્લામાં થયો હતો. તેઓ વકીલ ઓલાગન્થાન પિલ્લઈ અને પરામાયી અમ્મલના સૌથી મોટા પુત્ર હતા. જ્યારે ચિદમ્બરમ છ વર્ષના હતા ત્યારે તેમણે શિક્ષક વીરાપેરુમલ અન્નવી પાસેથી તમિલ શીખ્યા હતા. તેઓ તેમના દાદી પાસેથી ભગવાન શંકરની વાર્તાઓ સાંભળી હતી અને દાદાએ તેમને રામાયણનું જ્ઞાન આપ્યું હતું. અલ્લિકુલમ સુબ્રમણ્યા પિલ્લઈ દ્વારા કહેલી મહાભારતની વાર્તા તેમણે સાંભળી હતી. બાળપણમાં તેઓ લખોટી, કબડ્ડી, ઘોડે સવારી, તરણ, ધનુષવિદ્યા, કુસ્તીબાજી, સિલાનબટ્ટમ અને ચેસ જેવી રમતો રમતા હતા.

તેઓ તાલુકા અધિકારી ક્રિષ્નન પાસેથી રોજ સાંજે અંગ્રેજી શીખતા હતા. જ્યારે ક્રિષ્નનની બદલી કરવામાં આવી ત્યારે ચિદમ્બરમના પિતાએ ગ્રામ્યજનોની મદદથી એક શાળા બંધાવી હતી અને અરામ્વલાર્થાનાથા પિલ્લાઈની અંગ્રેજી શિક્ષક તરીકે નિમણૂક કરી હતી. આ શાળાનું સંચાલન પુધિઆમુથુરના પાદરી ફ્રા. એડેમ્સન કરતા હતા. ચૌદ વર્ષની ઉંમરે ચિદમ્બરમ વધુ શિક્ષણ અર્થે થૂથુકૂડી ગયા હતા. તેમણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને કાલ્ડવેલ હાઈ સ્કૂલ, થૂથુકુડી અને હિન્દુ કોલેજ હાઈ સ્કૂલ, થિરૂનેલ્વેલી ખાતેથી શિક્ષણ લીધું હતું.

ચિદમ્બરમને તેમના પિતાએ કાયદાનો અભ્યાસ કરવા માટે થિરૂચિરાપલ્લી મોકલ્યા તે પહેલા તેમણે તાલુકા અધિકારી તરીકે કામ કર્યું હતું. તેમણે 1894માં વકિલાતની પરિક્ષા પાસ કરી હતી અને વકિલ બનવા માટે 1895માં ઓટ્ટાપિડારમ પાછા ફર્યા હતા.

ચેન્નાઈમાં તેઓ સ્વામી વિવેકાનંદ આશ્રમના એક સંત રામક્રિશ્નનાન્થરને મળ્યા હતા જેમણે ચિદમ્બરમને “દેશ માટે કંઈક કરવાની” સલાહ આપી હતી. અહિંયા તેઓ તમિલ કવિ શ્રી ભારથિયારને મળ્યા અને બંન્નેની મુલાકાત ગાઢ મૈત્રીમાં પરીણમી હતી.

રાજનૈતિક જીવન[ફેરફાર કરો]

પશ્ચાદ્ભૂમિકા

1890 અને 1900માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના (આઈએનસી) બાલ ગંગાધર તિલક અને લાલા લાજપત રાયની આગેવાનીમાં સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વદેશી ચળવળે જોર પકડ્યું હતું. 1892થી ચિદમ્બરમ તિલક મહારાજના પ્રભાવમાં આવ્યા હતા અને તેમના શિષ્ય બન્યા હતા. સુબ્રમણ્યમ સિવા અને સુબ્રમણ્યમ ભારથી સાથે તેઓ મદ્રાસ પ્રેસિડન્સી માટે પ્રમુખ પ્રવક્તા બન્યા હતા. બંગાળના ભાગલા બાદ 1905માં ચિદમ્બરમ રાજનીતિમાં પ્રવેશ્યા અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા. સાલેમ જિલ્લાના કોંગ્રેસના સત્રમાં તેમણે અધ્યક્ષતા સંભાળી હતી.

કંપની અને સંસ્થાઓ[ફેરફાર કરો]

ચિદમ્બરમે સ્વદેશી પ્રચાર સભા, ધર્મસંગ નેસાવુ સલાઈ, નેશનલ ગોડાઉન, મદ્રાસ એગ્રો-ઈન્ડસ્ટ્રિયલ સોસાયટી લિમિટેડ અને દેશાભિમાન સંગમ જેવી ઘણી સંસ્થાઓની સ્થાપના કરી હતી. બ્રિટિશ ઈન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીની વ્યાપાર ઈજારાની પ્રતિક્રિયારૂપ ચિદમ્બરમે ભારતની માલિકીની જહાજ કંપનીની શરૂઆત કરી હતી. તેમણે ઓક્ટોબર, 1906માં સ્વદેશી શિપિંગ કંપનીની નોંધણી કરાવી હતી. કંપનીની મૂડી રૂ।. 10 લાખ હતી. કંપનીના શેરની સંખ્યા 40,000ની હતી અને દરેક શેરની મૂળ કિંમત રૂ।. 25 હતી. કોઈપણ એશિયન આ કંપનીનો શેરધારક બની શકતો હતો. આ કંપનીના ડિરેક્ટર પદે શ્રીમાન. પાંડી થુરાઈ થેવર હતા. જેઓ “મદુરાઈ તમિલ સંઘમ” ના જમિનદાર અને પ્રેસિડેન્ટ હતા. જનાબ હાઝી મોહમ્મદ બાકિર સેટે 8,000 શેરો માટે રૂ।. 2 લાખ ચૂકવ્યા હતા. જે કંપનીની પ્રથમ મૂડી હતી.

શરૂઆતમાં કંપની પાસે પોતાની માલિકીનું એકપણ જહાજ ન હતી. તેથી શોલાઈન સ્ટીમર્સ કંપની પાસેથી કંપનીએ ભાડે જહાજો લીધા હતા. બી.આઈ.એસ.એન.સીએ શોલાઈન સ્ટીમર્સને ભાડાપટ્ટો રદ કરવા દબાણ કર્યું. જેની પ્રતિક્રિયારૂપ ચિદમ્બરમે શ્રીલંકા પાસેથી એક મોટું માલવાહક વહાણ ભાડે લીધું. સ્વદેશી શિપિંગ કંપનીનું પોતાનું વહાણ હોવાની જરૂરીયાતને સમજીને ચિદમ્બરમે ભારતમાં પ્રવાશ કર્યો હતો. શેરોનું વેચાણ કરીને તેમણે પોતાના વહાણો ખરીદવા હતા. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે,” હું વહાણો લઈને જ પાછો ફરીશ નહીંતર દરિયામાં જ નાશ થઈ જઈશ.” કંપનીના પ્રથમ જહાજની ખરીદી માટે તેમણે પુરતુ ભંડોળ એકત્ર કરી લીધું હતું. તેનું નામ હતું. એસ.એસ. ગલિયા. તેના થોડા સમય બાદ જ કંપનીએ ફ્રાંસથી એસ.એસ. લાવો નામનું જહાજ ખરીદ્યું હતું.

નવી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને બી.આઈ.એસ.એન.સીએ પ્રતિ વ્યક્તિ ભાડું ઘટાડીને રૂ।. 1 (16 આના) કરી દીધું હતું. સ્વદેશી કંપનીએ તેની સામે રૂ।. 0.5 (8 આના) લેવાનું નક્કી કર્યું. બ્રિટિશ કંપનીએ ત્યારબાદ મફત મુસાફરી સાથે મફતમાં છત્રી આપવાનું શરૂ કર્યું હતું. બી.આઈ.એસ.એન.સીએ ચિદમ્બરમને ખરીદી લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે આ સોદાનો ઈનકાર કર્યો હતો.

બ્રિટિશ વ્યાપારીઓ અને ઈમ્પેરિય ગવર્મેન્ટના વિરોધ વચ્ચે સ્વદેશી કંપનીના વહાણોએ તુતિકોરિન અને કોલમ્બો વચ્ચે નિયમિત સેવા શરૂ કરી.

કોરલ મિલની હડતાળ[ફેરફાર કરો]

23 ફેબ્રુઆરી, 1908ના રોજ ચિદમ્બરમે થૂથુકુડીમાં એક ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે કોરલ મિલના (હવે મદ્રાસ કોટ્સ) કામદારોને ઓછા વેતનભથ્થા અને કામની ખરાબ સ્થિતિ સામે વિરોધ કરવા પ્રેર્યા હતા. ચાર દિવસ બાદ, કોરલ મિલના કામદારો હડતાળ પર ગયા હતા. ચિદમ્બરમ અને સિવાએ આ હડતાળની આગેવાની કરી હતી. તેમની માગમાં વધારા સાથેની કમાણી, સાપ્તાહિક રજાઓ અને અન્ય રજાની સુવિધાઓની માગણીને પણ સમાવવામાં આવી હતી.

ચિદમ્બરમની આ હડતાળને વ્યાપક પ્રસિદ્ધી મળી હતી અને તાત્કાલિક જ તેને સમર્થન મળ્યું હતું. 6 માર્ચના રોજ સુબ્રમણ્યા પિલ્લઈ ચિદમ્બરમને મળ્યા હતા અને કહ્યું હતું કે વ્યવસ્થાપન તેમની માગોને માનવા માટે તૈયાર છે. ચિદમ્બરમે 50 કામદારો સાથે જઈને મેનેજરોને મળ્યા હતા. જેમને વેતનમાં વધારો કરવા અને કામના કલોકામાં ઘટાડો કરવાની તેમ જ રવિવારે રજા આપવાની મંજૂરી આપી હતી. નવ દિવસની હડતાળ બાદ કામદારો કામે પાછા ફર્યા હતા. આ હડતાળના પરિણામે યુરોપિયન કંપનીના કામદારોને પણ પ્રોત્સાહન મળ્યું હતું અને તેમને પણ સારા પગાર ભથ્થા અને કાર્ય સ્થિતિ પ્રાપ્ત થઈ હતી.

ધરપકડ અને કેદ[ફેરફાર કરો]

વર્ષ 1908 દરમિયાન ચિદમ્બરમની રાજકીય સક્રિયતા તરફ બ્રિટિશરોનું ધ્યાન ખેંચાયું હતું. બંગાળી નેતા બિપિન ચંદ્ર પાલ મુક્ત કરાતા આ પ્રસંગની ઉજવણી કરતી રેલીને સંબોધન કરવાના ચિદમ્બરમના ઇરાદાને ધ્યાનમાં લઇને બ્રિટિશ અધિકારી વિન્ચે ચિદમ્બરમ અને તેમના રાજકીય મિત્ર સુભ્રમણ્ય શિવાને થિરૂનેલ્વેલીમાં મળવા બોલાવ્યાં હતાં. આ બેઠકમાં વિન્ચે ચિદમ્બરમની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમની પાસેથી ખાતરી માગી હતી કે તેઓ કોઇપણ રાજકીય બળવામાં હિસ્સો લેશે નહીં. જોકે, ચિદમ્બરમે આ શરતો સ્વિકારવાનું ફગાવી દીધું, જેના પગલે 12મી માર્ચ, 1908ના રોજ તેમની અને શિવાની ધરપકડ કરવામાં આવી હતી.

આ ધરપકડનો મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો અને તેના પગલે થિરૂનેલ્વેલીમાં દુકાનો, શાળાઓ અને કોલેજો બંધ રહી હતી. આ દરમિયાન તોફાનો પણ ફાટી નીકળ્યાં હતાં. થિરૂનેલ્વેલી મ્યુનિસિપલ ઓફિસર, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન અને મ્યુનિસિપલ કોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. થૂથુકુડીમાં હડતાળની જાહેરાત કરવામાં આવી હતી, જે ભારતની સૌપ્રથમ રાજકીય હડતાળ હતી. આ દરમિયાન જાહેર સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે ચાર લોકોની હત્યા કરી હતી.

જામીન માટે જરૂરી ભંડોળ એકત્ર કરવામાં ટેકેદારો સક્ષમ હતાં, પરંતુ ચિદમ્બરમે શિવા અને તેમના સાથી મિત્રોને મુક્ત કરાવ્યાં વિના જેલ છોડવાનું નકાર્યું હતું. ચિદમ્બરમની સામે ચાલી રહેલા કેસમાં સુભ્રમણ્ય ભારતી અને સુભ્રમણ્ય શિવાને પણ કોર્ટમાં પ્રશ્નોત્તરી માટે હાજર કરવામાં આવ્યાં હતાં. બ્રિટિશરોની વિરૂધ્ધ બોલવા બદલ અને શિવાને છત્રછાયા આપવા બદલ તેમની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 123-એ અને 153-એ લગાવવામાં આવી હતી.

તેમની સામે રાજદ્રોહનો આરોપ મૂક્યો હતો અને તેમને બે આજીવન કેદની સજા (40 વર્ષ) ફટકારવામા આવી હતી. તેમને કોઇમ્બરતુરની મધ્યસ્થ જેલ (9 જુલાઇ 1908થી 1 ડિસેમ્બર, 1910) સુધી રાખવામાં આવ્યાં હતાં.

સમાચાર પત્રોમાં આ ચૂકાદાની આકરી ટીકા કરવામાં આવી હતી અને બ્રિટિશ સ્ટેટ્સમેન મેગેઝિને પણ તેને અન્યાયી ગણાવ્યો હતો. ચિદમ્બરમે સજાની સામે હાઇ કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં તેમની સજા ઘટાડીને 4 વર્ષ કરાઇ હતી અને 6 વર્ષનો દેશ નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રિવિકાઉન્સિલમાં અપીલ કરતાં સજામાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો.

ચિદમ્બરમને કોઇમ્બતુર અને કુન્નુર જેલમાં વારેફરથી રાખવામાં આવ્યાં હતાં. તેમની સાતે રાજકીય કેદી કે સામાન્ય સજા પામેલા કેદી તરીકે વર્તણુંક કરવામાં આવી ન હતી. આજીવન કેદની સજા પામેલા કેદી તરીકે તેમની સાથે વર્તણુંક કરવામાં આવતાં તેમને ખુબજ શ્રમજનક કાર્ય સોંપાયું હતું. આના કારણે તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ હતી. ઇતિહાસકાર અને તમિલ સ્કોલર આર એ પદ્મનાભમે નોંધ્યું છે કે આકરી ગરમીમાં પ્રાણીઓની જગ્યાએ ચિદમ્બરમ પાસેથી ઓઇલ કાઢવાનું કામ કરાવવામાં આવતું હતું. જેલમાંથી પણ ચિદમ્બરમ નિયમિત પણ કાયદાકીય પીટીશન કરતાં રહ્યાં અને આખરે 12મી ડિસેમ્બર, 1912ના રોજ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં.

તેમની ગેરહાજરીમાં સ્વદેશી સ્ટીમ નેવિગેશન કંપનીનનું વર્ષ 1911માં જ વિલિનિકરણ કરી દેવાયું હતું અને તેમના પ્રતીસ્પર્ધીઓને શીપ હરાજીમાં વેચી દેવાઇ હતી. કંપનીની પ્રથમ શીપ એસ.એસ. ગેલેલિયો બ્રિટિશ શિપિંગ કંપનીને વહેંચી દેવાઇ હતી.

હવે વી.ઓ.સી ઓઇલ પ્રેસને ગાંધી મંડપમ ગ્યુઇન્ડે ખાતે રાખવામાં આવી છે.

પછલું જીવન[ફેરફાર કરો]

ઘાટું લખાણ ચિદમ્બરમને જેલમાંથી મુક્ત કરાયા હોવા છતાં તેમને થિરૂનેલ્વેલી જિલ્લામાં પાછા જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આથી તેઓ તેમની પત્નિ અને બે યુવાન પુત્રો સાથે ચેન્નઇ જતાં રહ્યાં. ચેન્નઇમાં તેમણે પ્રોવિઝન સ્ટોર અને કેરોસિન સ્ટોર શરૂ કર્યો હતો.

વર્ષ 1920માં ચિદમ્બરમ મહાત્મા ગાંધી સાથે વૈચારિક મતભેદ હોવાનું કારણ આપીને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી નીકળી ગયાં હતાં. તેમણે મદ્રાસમાં મજદૂર યુનિયનની સ્થાપના અને લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

કોઇમ્બતુર ગયા બાદ ચિદમ્બરમે બેન્ક મેનેજર તરીકે કામ શરૂ કર્યું. આવકથી અસંતુષ્ટ ચિદંબરમે ફરીથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરવાની મંજૂરી મેળવવા કોર્ટમાં અરજી તરી. જજ ઇ.એચ. વાલેસે ચિદમ્બરમને લાયસન્સ આપવાની મંજૂરી આપી. જજ પ્રત્યે માન દર્શાવવા ચિદમ્બરમે તેમને પુત્રનું નામ વેલ્સવોર્ન રાખ્યું હતું. ચિદમ્બરમે કોવીલપટ્ટી જઇને વકીલની પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1927માં તેઓ ફરીથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા અને સાલેમ ખાતે યોજાયેલી ત્રીજી રાજકીય કોન્ફરન્સમાં તેમની પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ એટલા માટે કોંગ્રેસમાં ફરીથી જોડાવા માગે છે કારણકે કોંગ્રેસની નીતિઓમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે ને તેઓ ખુશ છે કે તેમણે જે નીતિઓને નકારી હતી તેને એકપછી એક પાછી ખેંચી લેવામાં આવી હતી. જોકે, સાલેમ કોન્ફરન્સ બાદ ચિદમ્બરમના કોંગ્રેસ સાથેના સંબંધો ફરીથી તંગ બન્યાં હતાં.

વર્ષ 1932માં તેઓ થુટ્ટુકુડી ગયાં, જ્યાં તેમણે તમિલ પુસ્તકો લખવા અને પ્રસિદ્ધ કરવામાં સમય વિતાવ્યો.

લેખન કાર્ય

 • મેય્યારામ, 1914
 • મેય્યારિવુ, 1915
 • અન્થોલોજી, 1915
 • ઓટોબાયોગ્રાફી, 1946
 • વિવિધ મેગેઝિન્સમાં ઘણાં લેખો
 • અનુવાદ કાર્યો
 • થિરુકુરલની સાહિત્યિક નોંધો

પ્રસિદ્ધ થયેલું કાર્ય

 • થિરુકુરલ સાથે મનાકુદાવર 1917ની સાહિત્યિક નોંધો
 • તોલ્કાપ્પિઅમ સાથે ઈલામ્પૂરાનર 1928ની સાહિત્યિક નોંધો

આઝાદી બાદ સન્માન

મૃત્યુ બાદ ચિદમ્બરમ કપ્પાલોટ્ટિયા તમિલ્ઝામ ("વહાણને દોરતો માણસ) અને ચેક્કિલુથ્થા ચેમ્માલ ("પ્રજા માટે જેલમાં ઓઈલ પ્રેસ ખેંચી જતો મહાન માણસ") તરીકે ઓળખાય છે.

સ્ટેમ્પ

ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેલીગ્રાફે 5 સપ્ટેમ્બર, 1972ના રોજ ચિદમ્બરમની જન્મજયંતીના પ્રસંગે ખાસ પોસ્ટેજ સ્ટેમ્પ ઇસ્યુ કર્યાં હતાં.

ચિદમ્બરમની પ્રતિમા

ચિદમ્બરમના ઘણી પ્રતિમા મુકવામાં આવી છે, જેમાંથી કેટલાંક પ્રસિદ્ધ સ્થળો નીચે મૂજબ છે:

 • કોંગ્રેસ કમીટીના પ્રવેશદ્વાર પર, રાયાપેટ્ટાઇ, ચેન્નઇ (1939)
 • પલાયાનકોટ્ટાઇ આર્ક ખાતે, થિરૂનેલ્વેલી.
 • મરીના બીચ ખાતે, ચેન્નઇ (વર્લ્ડ તમીલ કોન્ફરન્સમાં લોકાર્પણ).
 • થોથુકુડી બંદર ખાતે. (ભુતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી ખાતે લોકાર્પણ).
 • સિમ્માકલ, મદુરાઇ (ભુતપૂર્વ મુખ્યમંત્રી એમ.જી. રામચંદ્રનના હસ્તે લોકાર્પણ).
 • વીઓસીના સ્મારક ખાતે, થિરૂનેલ્વેલી. (મુખ્યમંત્રી જયલલિતા દ્વારા લોકાર્પણ).
 • તુતોકોરિન બંદરનું નામ બદલીને વીઓ ચિદમ્બરમ પોર્ટ ટ્રસ્ટ કરવામા આવ્યું, જેમાં વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ અને કેન્દ્રિય શિપિંગ મંત્રી જી કે વાસન ઉપસ્થિત હતાં.

ફિલ્મ વર્ણન

વર્ષ 1961માં કન્નડ ફિલ્મ ડિરેક્ટર બીઆર પન્થાલુએ ચિદમ્બરમના જીવન પર કપ્પાલોટ્ટીયા થામિઝ્હાન નામની ફિલ્મ બનાવી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]