કબડ્ડી
કબડ્ડી એક સામૂહિક રમત છે, જે મુખ્ય રૂપે ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને ભારત દેશમાં રમાય છે. કબડ્ડી નામનો પ્રયોગ પ્રાય: ઉત્તર ભારતમાં કરવામાં આવે છે, જ્યારે આ રમતને દક્ષિણ ભારતમાં ચેડુગુડુ અને પૂર્વ ભારતમાં હુ તૂ તૂ નામ વડે પણ ઓળખવામાં આવે છે. આ રમત ભારતના પડોશી દેશ નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અને પાકિસ્તાનમાં પણ એટલી જ લોકપ્રિય છે.
પરિચય
[ફેરફાર કરો]કબડ્ડી દક્ષિણ એશીયામાં રમાતી રમત છે, જે સંપૂર્ણ પણે શારીરિક સક્ષમતા વાળી રમત છે. કબડ્ડી શબ્દ તમિલ ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ છે કે જેનો અર્થ 'હાથ પકડવો' છે.[૧][૨] આ રમતના મૂળ ભારતમાં છે. આ રમતની ખ્યાતી અને ઘણા વર્ષોથી રમાતી આવતી હોવાથી ભારતના જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ નામોથી ઓળખાય છે. આ રમત ત્રણ થી ચાર હજાર વર્ષ જૂની છે.
ભારતમાં કબડ્ડી ત્રણ અલગ અલગ પ્રકારે રમવામાં આવે છે:
- જેમિની (Gaminee) : આ રમતમાં કોઈ સમય મર્યાદા નથી હોતી. જયારે બધા જ ખેલાડીઓને આઉટ જાહેર કરવામાં આવે છે ત્યારે આ રમત સ્વાભાવિક રીતે પૂરી થાય છે.
- સુર્જીવની (Surjeevani) : ભારતીય કબડ્ડી કમિટી દ્વારા રમતના આ સ્વરૂપની રચના કરવામાં આવી છે કે જે KFI ના નિયંત્રિત નિયમોના આધારે રમાય છે.
- અમર (Amar) : રમતના આ સ્વરૂપમાં જયારે પણ ખેલાડી સામાપક્ષના ખેલાડીને અડકી જાય છે ત્યારે જે તે ખેલાડીએ મેદાન છોડીને બહાર નથી જવું પડતું પરંતુ સામાપક્ષને એક અંક આપવામાં આવે છે. અહી એક નિયત કરેલા સમયમાં આ રમત રમાય છે.
આ રમતની દરેક પ્રતિયોગીતા ખેલાડીઓની ઉંમર અને વજનના આધારે રમાય છે. આ એ સૂચવે છે કે કોઈ અન્ય ખેલાડીની શારીરિક ક્ષમતા અન્ય ખેલાડી પર વધુ હાવી ના થઇ જવી જોઈએ.[૩]
ઇતિહાસ
[ફેરફાર કરો]અખિલ ભારતીય કબડ્ડી સમિતિ દ્વારા આ રમતના નીતિ નિયમોનું માળખું તૈયાર કરેલ છે. ૧૯૩૬ માં બર્લિન ઓલોમ્પીકમાં સૌ પ્રથમ કબડ્ડી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી હતી. આ રમતને નવીનતમ રૂપ આપવાનો શ્રેય જાય છે ભારતીય અવ્યવસાયી કબડ્ડી સમિતિને (the Amateur Kabaddi Federation of India (AKFI)). આ સાથે જ એશીયા કબડ્ડી સમિતિ (the Asian Kabaddi Federation) એ પણ નક્કી કર્યું કે આ પૌરાણિક રમત આ પ્રદેશમાં પ્રસિદ્ધ થાય. તેઓ હમેશા અલગ અલગ પ્રતીયોગીતાઓનું આયોજન કરે છે જે એશીયાઇ રમતોમાં પ્રચલિત છે. ૧૯૯૮માં યોજાએલ બેંગકોક એશિયન રમતોત્સવમાં આ રમતમાં(કબડ્ડી) ભારતીય સમૂહ સુવર્ણ ચંદ્રક જીતી લાવવામાં સફળ રહ્યું હતું.
૧૯૭૯ માં જાપાનમાં સૌ પ્રથમ કબડ્ડીને આંતર રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવામાં આવી જેમાં તેને ઝડપથી લોકપ્રિયતા પ્રાપ્ત થઇ. ઈંગ્લેન્ડમાં આ રમતમાં ભારતીયો અને પાકિસ્તાનીઓને સંમિલિત કરીને શરુ કરવામાં આવી. આ રમત અન્ય રાષ્ટ્રો માટે પણ રસપ્રદ બની અને તેથી આ રમત તેમની સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ. આજે અલગ અલગ દેશોમાં આ રમત માટે એક અલગથી માળખું તૈયાર કરેલ છે જેને ઇંગ્લેન્ડ કબડ્ડી સમિતિના નામે ઓળખાય છે.
વિશ્વના અલગ અલગ ભાગોમાં કબડ્ડીમાં નવીનતમ ફેરફાર અને સાંસ્કૃતિક અસરો જોવા મળે છે કે જે તેના બદલાતા સ્વરૂપ છે. આ રમત આજે તેના અલગ અલગ સ્વરૂપો સાથે રમાય છે પરંતુ તેની મુલત: ફોરમ હજી અકબંધ છે.
નિયમ
[ફેરફાર કરો]સામાન્ય શબ્દોમાં આ રમતને વધારે અંક હાસિલ કરવા માટે બે ટુકડીઓ (ટીમો) વચ્ચે થતી એક સ્પર્ધા કહી શકાય. અંક (પોઇન્ટ) મેળવવા માટે એક ટીમનો આક્રમણ કરનાર ખેલાડી (રીડર) કબડ્ડી - કબડ્ડી બોલતાં બોલતાં વિપક્ષી ટુકડીના ક્ષેત્રમાં (કોર્ટ) જઇને ત્યાં રહેલા વિપક્ષી ખેલાડીઓને અડકવાનો પ્રયાસ કરે છે. આ વખતે વિપક્ષી ટીમના ખેલાડીઓ (સ્ટોપર) (રેડરને પકડનારૂઓ) પોતાના ક્ષેત્રમાં આવેલા રેડરને પકડી રાખી ફરી એમના ક્ષેત્રમાં જતાં રોકી રાખે છે. આ વખતે જો તેઓ આ પ્રયાસમાં સફળ થાય તો એમની ટીમને એના બદલે એક અંક ળે છે અને ઼ઓ રીડર કોઇપણ સ્ટોપરને અડકીને સફળતાપૂર્વક પોતાના ક્ષેત્રમાં પરત ચાલ્યો જાય તો એમની ટીમને એક અંક મળી જાય છે અને જે જે સ્ટોપરને એણે અડક્યા હોય એને નિયમ અનુસાર મેદાનની બહાર જવું પડે છે.
નીચે જણાવેલા કેટલાક નિયમો કબડ્ડીની રમત માટે જરૂરી છે:[૩]
- આ રમત સુવાળી અને સમથળ કરેલી જમીન પર રમાય છે. આ રમતમાં ૨ ટુકડીઓ હોય છે જે મેદાનના બન્ને છેડા પર રહે છે.
- એક છાપામારને (રેઇડર) ટુકડીમાંથી સામેવાળી ટુકડી તરફ મોકલવામાં આવે છે. અને છાપામાર (રેઇડર) જો તેમ કરવામાં સફળ રહે છે તો તેની ટુકડીને એક અંક પ્રાપ્ત થાય છે.
- છાપામાર (રેઇડર) સામાપક્ષની હદમાં પહોંચે છે ત્યારે તેને પોતાના શ્વાસને રોકી રાખી અને સતત કબડ્ડી શબ્દ ઉચ્ચારતા રહેવું પડે છે.
- છાપામાર (રેઇડર)ને કોઈ પણ અંક નથી મળતો જો તે સામાપક્ષની હદમાં જઈ અને તે ટુકડીના કોઈ પણ સભ્યને અડ્યા વગર પાછો આવી જાય. અને જો છાપામાર (રેઇડર) સામાપક્ષના કોઈ પણ સભ્યને અડવામાં સફળ રહે તો તેની ટુકડીને એક અંક વધારે મળે છે.
- છાપામાર (રેઇડર)ને સામાપક્ષના સભ્યો દ્વારા પકડી પડે અને છાપામાર (રેઇડર)ને ત્યાજ રોકી પાડે, વળી તેનો શ્વાસ તૂટી જાય અને તે કબડ્ડી શબ્દ બોલવાનું બંધ કરી દે ત્યારે વિરોધી ટુકડીને એક અંક મળે છે.
- રક્ષક ટુકડી છાપામાર (રેઇડર)ને તેની ટુકડીમાં પાછા જતા રોકી શકે છે.
- દરેક ટુકડીમાં ૭ સભ્યો હોય છે અને ૩ વધારાના ખેલાડીઓ હોય છે. રમતનો દરેક ભાગ ૨૦ મીનીટનો હોય છે.
- કબડ્ડીની રમતની ૬ સભ્યોની એક ટુકડી દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. જેમાં એક અંક નોંધકર્તા અન્ય ૨ સહાયક અંક નોંધકર્તા, ૧ પરામર્શકર્તા અને ૨ નિર્ણયકર્તા હોય છે.
- કબડ્ડીની આંતરરાષ્ટ્રીય રમતમાં પુરુષ ખેલાડીઓ માટેનું મેદાન સ્ત્રી ખેલાડીઓ માટેના મેદાન કરતા મોટું હોય છે.
- રમત દરમ્યાન લીલું, પીળું અને લાલ કાર્ડ પણ દર્શાવવામાં આવે છે.
ટીમો
[ફેરફાર કરો]પ્રત્યેક ટીમમાં ૧૨ ખેલાડીઓ હોય છે, પરંતુ તેમાંથી સાતને જ એક વારમાં ક્ષેત્રમાં જવાની અનુમતિ હોય છે. પાંચ ખેલાડીઓ અનામત (રિઝર્વ) હોય છે. બન્ને ટીમો પહેલાં આક્રમણ અને પછી રક્ષાત્મક રહીને અંક હાસિલ કરવા માટે તજવીજ કરતી હોય છે.
મેદાન
[ફેરફાર કરો]પુરુષ કબડ્ડીની રમત માટે ૧૩ મીટર લાંબુ અને ૧૦ મીટર પહોળું અને સ્ત્રી કબડ્ડીની રમત માટે ૧૨ મીટર લાંબુ અને ૮ મીટર પહોળું મેદાન વપરાય છે. આંતર રાષ્ટ્રીય રમત વખતે આ નિયમ પ્રમાણે રમાય છે.
રમવાની પદ્ધતિ
[ફેરફાર કરો]ખેલાડીઓ રમતના મેદાનમાં આવ્યા બાદ ટોસ જીતીને જીતવા વાળી દાવા લઇને પોતાની ટીમનો એક ખેલાડી સામેની વિપક્ષી ટીમમાં મોકલે છે. આ ખેલાડી કબડ્ડી-કબડ્ડી બોલતો બોલતો બોલતો જાય છે. અને સામેની ટીમના ખેલાડીઓને અડકવાનો પ્રયાસ કરે છે.આ દરમિયાન તે પોતાનો શ્વાસ તૂટી ન જાય તેની કાળજી રાખી સતત કબડ્ડી બોલતો રહે છે. શ્વાસ તૂટી જાય એ સ્થિતિમાં તેણે ભાગીને પોતાનાં મેદાનમાં પરત આવી જવાનું રહે છે. જ્યાં સુધી શ્વાસ ટકાવી કબડ્ડી-કબડ્ડી બોલી શકે ત્યાં સુધીમાં તેણે પોતાની ચપળતા વાપરી સામેના પક્ષનાં ખેલાડી/ખેલાડીઓને અડકવાનો પ્રયાસ કરતા રહેવાનું હોય છે. તે સામેના પક્ષનાં જે ખેલાડીને અડકી લે તે ખેલાડી મેદાનમાંથી દૂર કરાય છે. એટલે કે તેને આઉટ જાહેર કરાય છે. પણ જો તે પોતે એ સમયમાં સામેના ખેલાડીઓનાં કબજામાં આવી જાય અને કબડ્ડી-કબડ્ડી બોલતો બંધ થઈ જાય તો તેને પોતાને આઉટ ગણાઈ મેદાન બહાર જવું પડે છે. આ પ્રક્રિયા બંન્ને તરફના ખેલાડીઓ વચ્ચે વારાફરતી ચાલતી રહે છે.
આ રીતે થતાં અંતે જે પક્ષમાં વધુ ખેલાડીઓ બચી રહે છે તે પક્ષને વિજેતા જાહેર કરાય છે.
રમતનો સમય
[ફેરફાર કરો]આ રમત સામાન્ય રીતે ૨૦-૨૦ મિનિટનાં બે ભાગમાં રમાય છે. પ્રથમ ભાગનાં અંતે બંન્ને દળ પોતાનું મેદાન બદલે છે અને આ માટે પાંચ મિનિટનો વિરામ રખાય છે. જો કે આયોજકો દરેક ભાગને ૧૦ કે ૧૫ મિનિટનો પણ રાખી શકે છે. દરેક દળમાં ૫-૬ સ્ટૉપર (રોકનારા) અને ૪-૫ રેડર (હૂમલો કરનારા) હોય છે. એક સમયે માત્ર ચાર રોકનારાઓને જ મેદાન પર ઉતરવાની છૂટ હોય છે. જ્યારે સ્ટૉપર કોઈ રેડરને પોતાના મેદાનમાંથી પરત જતાં રોકી પાડે છે ત્યારે તેના દળને એક અંક મળે છે. અને જો રેડર કોઈને અડકીને પોતાના મેદાનમાં પરત થવામાં સફળ થાય છે તો રેડરના દળને એક અંક મળે છે.
આ રમતની સ્પર્ધાનું આયોજન ઉંમર અને વજનના આધાર પર કરવામાં આવે છે, પરંતુ આજના સમયમાં મહિલાઓની પણ આ ક્ષેત્રમાં ભાગીદારી થઇ રહી છે.
આ રમતની હરીફાઈ વખતે દેખરેખનું કાર્ય સાત વ્યક્તિઓ કરતા હોય છે: એક રેફરી, બે અમ્પાયર, બે લાઇનમેન, એક ટાઇમ કીપર અને એક સ્કોર કીપર.
છેલ્લા ત્રણ એશિયાઈ રમતોત્સવમાં પણ કબડ્ડીની રમતને સામેલ કરવાના કારણે જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં પણ કબડ્ડીની લોકપ્રિયતા વધી છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- આંતરરાષ્ટ્રીય કબડ્ડી ફેડરેશન સંગ્રહિત ૨૦૦૭-૦૬-૧૮ ના રોજ વેબેક મશિન
- વિશ્વ કબડ્ડી ફેડરેશન
- ખેલ મહાકુંભ - ગુજરાત રાજ્ય સંગ્રહિત ૨૦૧૪-૦૮-૧૦ ના રોજ વેબેક મશિન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "kabaddi, etymology". memidex.com. મૂળ માંથી 2016-02-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ જુલાઇ ૨૦૧૫.
- ↑ "Kabaddi, definition". wordreference.com. મેળવેલ ૧૩ જુલાઇ ૨૦૧૫.
- ↑ ૩.૦ ૩.૧ ખેલમહાકુંભ.ઓર્ગ[હંમેશ માટે મૃત કડી]