વેનેઝુએલા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વેનેઝુએલા એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે. વેનેઝુએલા દેશની રાજધાની કારાકાસ શહેરમાં આવેલી છે. આ દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલ એક ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે. વેનેઝુએલાની પૂર્વ દિશામાં ગિયાના, દક્ષિણ દિશામાં બ્રાઝીલ તેમજ પશ્ચિમ દિશામાં કોલંબિયા રાષ્ટ્ર આવેલાં છે. આ દેશની ઉત્તરી સીમા ૨૮૦૦ કિલોમીટર જેટલી છે, આ દેશની ઉત્તર દિશામાં કેરેબિયન દ્વીપસમૂહ તેમજ ઉત્તર પૂર્વ દિશામાં એટલાન્ટિક મહાસાગર આવેલો છે.

સત્તાવાર નામ : બોલિવિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલા વસ્તી  : ૨,૭૧,૫૦,૦૯૫

રાજધાની  : કારકાસ વિસ્તાર  : ૯,૧૬,૪૪૫ ચો.કિમી.

મુખ્ય ભાષા  : સ્પેનિશ, અન્ય ઘરેલુ ભાષાઓ

ધર્મ  : ખ્રિસ્તી

મોટાંં શહેરો  : બાર્સિલોના, કારબોલો, મરાકૈબો, વેલેન્સિયા, ટર્મેરો, મતુરીન

૧૫મી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાને શોધનારા કોલંબસે તેની ત્રીજી જળસફર દરમિયાન દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા વેનેઝુએલા દેશની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો. આ લેટિન અમેરિકન દેશની દક્ષિણે બ્રાઝિલ તથા પશ્ચિમે કોલંબિયા દેશ આવેલા છે. આ લેટિન દેશની ઉત્તર દિશાની સરહદ કેરેબિયન દ્વીપસમૂહ તથા ઉત્તરપૂર્વ દિશામાં એટલાન્ટિક મહાસાગર ઘૂઘવે છે. ખનીજ તેલની વાત નીકળે એટલે આરબ દેશો જ યાદ આવે, પરંતુ વેનેઝુએલા દુનિયામાં પેટ્રોલિયમ ઉત્પાદનમાં વિશ્વમાં પાંચમું સ્થાન ધરાવે છે. અહીં જેટલું સસ્તું (૯૦ પૈસા પ્રતિ લીટર) તેલ વિશ્વમાં બીજે ક્યાંય નથી. દક્ષિણમાં એમેઝોનિયન જંગલ તથા ઉત્તર ભાગમાં દરિયાકાંઠે પથરાયેલા ગાલીચા જેવા બીચ મન મોહી લે તેવા છે. આ દેશ તેના કુદરતી સૌંદર્ય ઉપરાંત વિશ્વસુંદરીઓ માટે પણ જાણીતો છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

વેનેઝુએલાની આઝાદીની ચળવળે દક્ષિણ અમેરિકા ખંડના દેશોને ઉપનિવેશવાદી શાસનમાંથી મુક્તિનો પયગામ આપ્યો હતો. જળયાત્રી કોલંબસ તેની ન્યૂલેન્ડની ત્રીજી દરિયાઈ સફર દરમિયાન ૧૪૯૮માં આ દેશનો આંટો મારી ગયો એ પછીના બીજા જ વર્ષે કોલંબસે ચીંધેલા માર્ગ પર અલોન્સા ડી ઓજેદા અને અમેરિગો વેસ્યુકીઓ નામના ખલાસીઓ હોડીમાં બેસીને ઊતર્યા, તેઓ તળાવ પર ઘર બાંધીને રહેતા લોકોનું દૃશ્ય નિહાળીને અભિભૂત થઈ ગયા. આ ભૂમિનો નજારો જોયા પછી તેમને સરોવર કાંઠે વસેલા ઈટાલીના વેનિસ શહેરની યાદ આવતાં વેનિસ પરથી વેનેઝુએલા એવું નામ પાડયું.

એ સમયે વેનેઝુએલામાં મૂળ અમેરિન્ડીન એવા કારીબ અને અરાવાક જેવી જાતિના માનવસમૂહો રહેતા હતા. વેનેઝુએલાના આ મૂળ નિવાસીઓ બહારની દુનિયાથી તદ્દન અજાણ હતા. કેટલાક ઇતિહાસકારોના મત મુજબ મૂળ ગુયાનાથી આવેલી મરિચે નામની આદિજાતિ વેનેઝુએલામાં રહેતી હતી. મિરન્દા રાજ્ય અને દેશના ઉત્તર ભાગમાં આવેલા કારકાસના ખીણપ્રદેશમાં વસવાટ ધરાવતા મરિચે સહિતના કેટલાક મૂળ નિવાસી જાતીય સમૂહોએ ૧૬મી સદીમાં સ્પેનિશોના આગમનનો વિરોધ કરીને ટક્કર ઝીલી હતી. વેનેઝુએલા દરિયાઈ વેપાર અને ચાંચિયાઓ પર ચાંપતી નજર રાખવાના સુરક્ષાત્મક દૃષ્ટિકોણથી વધુ મહત્ત્વનું લાગ્યું હતું. આથી સ્પેનિશોએ વેનેઝુએલામાં અડ્ડો જમાવવાનું નક્કી કર્યું.

કારકાસ શહેરની સ્થાપના સમયે ઈ.સ. ૧૫૬૭માં અહીંની મૂળનિવાસી પ્રજા પર ભારે અત્યાચારો થયા. સ્પેન દેશે ત્રણ દાયકા સુધી વેનેઝુએલાની પ્રજા પાસે કોકો, શેરડી તથા કીમતી મોતીની ખેતી કરાવીને ભારે શોષણ કર્યું. દક્ષિણ અમેરિકાના અન્ય દેશોમાં પણ સ્પેનના ઉપનિવેશવાદી શાસનનો ત્રાસ વધતો જતો હતો. તેનો પહેલોવહેલો વિરોધ ફ્રાન્સિસ્કો ધ મિરાન્ડાએ કર્યો. આથી મિરાન્ડાની ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને જેલમાં જ તેમનું અવસાન થયું. માર્ચ ૨૬, ૧૮૨૨ના રોજ વેનેઝુએલામાં આવેલા વિનાશક ધરતીકંપે ભારે તબાહી મચાવી. આસમાની અને સુલતાની આફતોથી ઘેરાયેલા દેશમાં સિમોન બોલિવર રાષ્ટ્રીય હીરો તરીકે ઉભરી આવ્યા. આ દાર્શનિક, ક્રાંતિકારી અને ઉદારમતવાદી માણસ માત્ર વેનેઝુએલા જ નહીં કોલંબિયા, પનામા, ઇક્વાડોર, પેરુ અને બોલિવિયા જેવા દેશોની આઝાદીના મુખ્ય નાયક તરીકે ઓળખાયા. કારાબોલો લડાઈ બાદ ૫ જુલાઈ, ૧૮૧૧ના રોજ કોલંબિયા, પનામા અને ઇક્વાડોર અને વેનેઝુએલા જેવા પ્રદેશોએ સ્પેનથી સ્વતંત્ર થઈને એક સંઘની રચના કરી. ઈ. સ. ૧૮૩૦માં વેનેઝુએલા આ સંઘમાંથી અલગ પડીને સ્વતંત્ર દેશ તરીકે ઓળખાયો.

અર્થતંત્ર[ફેરફાર કરો]

વેનેઝુએલાના જીડીપીની ૮૦ ટકા આવક તો તેલની નિકાસ કરવામાંથી મળી જાય છે તેમ છતાં બીબીસીના જણાવ્યા મુજબ આ દેશમાંં ગરીબી રેખાની નીચે જીવન જીવતા લોકોની સંખ્યા મોટી છે. વિશ્વમાં તેલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન ઓપેકનો સભ્ય દેશ છે તેમ છતાં હજુ કમાણીમાં પાછળ રહી ગયો છે. વેનેઝુએલા વિશ્વમાં સૌથી ઊંચો ફુગાવાનો દર ધરાવે છે. મકાઈ, જુવાર, શેરડી, કોફી, કેળાં જેવી ખેતપેદાશો આધારિત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ પણ સારો વિકસ્યો છે. પેટ્રોલિયમ ઉપરાંત ખેતીપેદાશો, ખનીજો, બાંધકામનાં સાધનો, દવાઓ, પશુ ખાણદાણ, વિવિધ મશીનરીઓની યુએસ ઉપરાંત બ્રાઝિલ તથા ચીન દેશ પાસેથી આયાત કરે છે.

લોકજીવન[ફેરફાર કરો]

વેનેઝુલિયન લોકો સ્વભાવથી બહિર્મુખ ગણાય છે. તેઓ મળતી વખતે બોડી લેંગ્વેજનું ખાસ ધ્યાન રાખે છે. પુરુષો એકબીજાને ઘણા સમયે મળે ત્યારે ભેટીને અભિવાદન કરે છે. લોકો વિભક્ત કુટુંબમાં રહેવામાં માને છે. પહેલી વખત મળતા હોય ત્યારે ચુંબનની આપલે સામાન્ય છે. વેનેઝુએલાના ૯૫ ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. નાતાલની ધામધૂમથી ઉજવણી થાય છે. લોકો યુએસના પહેરવેશ તથા જીવનશૈલીથી પ્રભાવિત છે. વેનેઝુએલામાં યુરોપિયન વસાહતી, અમેરેન્ડિયન, આફ્રિકન, એશિયન અને મધ્ય પૂર્વના વંશીય સમૂહો સંપીને રહે છે.૧૦૦ કરતાં પણ વધુ પ્રાદેશિક બોલીઓ છે. સ્પેનિશ તથા અંગ્રેજી સૌથી વધુ બોલાતી ભાષા છે. રાજધાની કારકાસમાં સ્પેનિશ, ઇટાલિયન અને પોર્ટુગીઝો રહે છે. એક આંગળી દેખાડવી એ અભદ્ર ચેષ્ટા ગણાય છે. સૌંદર્ય સ્પર્ધાઓનું આયોજન વર્ષ દરમિયાન થતું જ રહે છે. વેનેઝુએલાની છોકરીઓ-યુવતીઓને ભેટમાં મળતી વસ્તુઓ મોટે ભાગે કોસ્મેટિક્સ કે ગ્લેમર પ્રકારની જ હોય છે. સૌંદર્ય સ્પર્ધા એ રાષ્ટ્રીય ઓળખનો એક ભાગ ગણાય છે. ૧૨ વર્ષ સુધી અભ્યાસ મફત તથા ફરજિયાત છે. મૂળ આફ્રિકા અને યુરોપિયન શૈલીની અસરતળે ઊતરી આવેલું જોરોપ્પો નામનું યુગલનૃત્ય તથા સંગીત દેશમાં વધારે લોકપ્રિય છે. વેનેઝુએલામાં ફેબ્રુઆરી માસમાં કાર્નિવલનું આયોજન થાય છે. ચાર દિવસના કાર્નિવલનો દરિયાકાંઠાનાં ગામો અને શહેરોમાં તો સૌથી ભારે ભભકો રહે છે.

ખાણીપીણી[ફેરફાર કરો]

મકાઈના લોટમાંથી બનતો તેક્વીન્સ અને ચીઝ બોલ સ્વાદિષ્ટ ખોરાક ગણાય છે. જ્યારે નાતાલ આવે ત્યારે મકાઈના લોટમાંથી હાલાકા નામની મીઠાઈ લોકો બનાવે છે, જેને ચીકન તથા પોર્કની સાથે ખાવામાં આવે છે. વેનેઝુએલા ટ્રોપિકલ દેશ હોવાથી ફળફળાદિ ખૂબ પાકે છે. માર્કેટ ફળફળાદિથી સુશોભિત થયેલાં જોવા મળે છે. જુવાર તથા કોફીનું પણ અગત્યનું સ્થાન છે. દૂધ, ઈંડાં તથા વિવિધ ડેરી પ્રોડક્ટ અને ફળફળાદિ રોજિંદા ખોરાકનો એક ભાગ છે. દરિયાઈ વિસ્તારના લોકોનો મુખ્ય ખોરાક સી ફૂડ છે. ખાણીપીણી પર સ્પેન, યુરોપ અને અમેરિકાની અસર વધુ જોવા મળે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]