લખાણ પર જાઓ

શકુંતલા દેવી

વિકિપીડિયામાંથી
શકુંતલા દેવી
જન્મની વિગત(1929-11-04)4 November 1929
બેંગ્લોર, મૈસૂર રજવાડું, બ્રિટીશ ભારત (વર્તમાન કર્ણાટક)
મૃત્યુ21 April 2013(2013-04-21) (ઉંમર 83)
અન્ય નામોમાનવ કમ્પ્યૂટર
વ્યવસાય
  • લેખક
  • માનસિક ગણનયંત્ર
  • જ્યોતિષ
જીવનસાથી
પરિતોષ બેનરજી
(લ. 1964; છૂ. 1979)
સંતાનો

શકુંતલા દેવી (૪ નવેમ્બર ૧૯૨૯ – ૨૧ એપ્રિલ ૨૦૧૩) ભારતીય ગણિતશાસ્ત્રી, લેખક અને માનસિક ગણનયંત્ર (કેલ્ક્યુલેટર) હતા, જેઓ "માનવ કમ્પ્યુટર" તરીકે પ્રખ્યાત હતા. તેમની પ્રતિભાથી તેમણે 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'ની ૧૯૮૨ ની આવૃત્તિમાં સ્થાન મેળવ્યું હતું.[][][][] ૧૮ જૂન, ૧૯૮૦ના રોજ લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં શકુંતલાદેવીએ પોતાનો વિશ્વ કિર્તિમાન હાંસલ કર્યો હોવા છતાં આ કિર્તિમાનનું પ્રમાણપત્ર મરણોપરાંત ૩૦ જુલાઈ, ૨૦૨૦ના રોજ આપવામાં આવ્યું હતું. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ વિના મૈસૂર વિશ્વવિદ્યાલયમાં તેમની અંકગણિત ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.[][]

તેમણે વિદ્યાર્થીઓ માટે આંકડાકીય ગણતરીઓને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.[][] તેમણે જીવનના પાછલા વર્ષોમાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યા હતા, જેમાં નવલકથાઓ તેમજ ગણિત, કોયડાઓ અને જ્યોતિષ વિશેના ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમણે ધ વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ્સ પુસ્તક લખ્યું હતું, જે ભારતમાં સમલૈંગિકતાનો પ્રથમ અભ્યાસ માનવામાં આવે છે.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

શકુંતલા દેવીનો જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯માં બેંગલુરુ, કર્ણાટક ખાતે કન્નડ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો[][] તેમના પિતા સી વી સુંદરરાજા રાવે સર્કસમાં કલાકાર અને જાદુગર તરીકે કામ કર્યું હતું.[][] જ્યારે શકુંતલા દેવી લગભગ ત્રણ વર્ષના હતા ત્યારે કાર્ડ ટ્રિક શીખવતી વખતે તેમના પિતાએ તેમની સંખ્યા યાદ રાખવાની ક્ષમતા પારખી લીધી હતી. તેમના પિતાએ સર્કસ છોડી શકુંતલાની ગણતરી ક્ષમતા પ્રદર્શિત કરતા રોડ શો શરૂ કર્યા. તેણીએ કોઈ ઔપચારિક શિક્ષણ વિના કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. ફક્ત છ વર્ષની ઉંમરે તેમણે મૈસૂર યુનિવર્સિટીમાં તેની અંકગણિત ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.[][]

૧૯૪૪થી શકુંતલા દેવી લંડન, યુનાઇટેડ કિંગડમ ખાતે સ્થાયી થયા હતા.[]

માનસિક ગણન ક્ષમતા

[ફેરફાર કરો]

શકુંતલા દેવીએ પોતાની અંકગણિત પ્રતિભાનું પ્રદર્શન કરતા વિશ્વભરના અનેક દેશોની મુસાફરી કરી હતી. તેઓ ૧૯૫૦ દરમિયાન યુરોપના અને ૧૯૭૬માં ન્યૂ યૉર્કના પ્રવાસે હતા.[] ૧૯૮૮માં, તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રોફેસર આર્થર જેન્સન દ્વારા તેમની ક્ષમતાઓનો અભ્યાસ કરવા માટે યુ.એસ.ની મુસાફરી કરી હતી. જેન્સને તેમની ગણતરી સંબંધિત ક્ષમતાઓની ચકાસણી માટે મોટી સંખ્યાઓની ગણતરી સહિતના અનેક પાસાઓ ચકાસ્યા હતા. શકુંતલા દેવી સમક્ષ રજૂ કરવામાં આવેલા ગાણિતિક કોયડાઓના ઉદાહરણોમાં ૬૧,૬૨૯,૮૭૫ ના ઘન મૂળ અને ૧,૭૦,૮૫૯,૩૭૫ના સાતમા મૂળની ગણતરીનો સમાવેશ થાય છે.[][] જેન્સને અહેવાલ આપ્યો હતો કે તેઓ પોતાની નોટબુકમાં ઉપરોક્ત ગાણિતિક કોયડાઓની નકલ કરે તે પહેલાં શકુંતલા દેવીએ તેનો ઉકેલ (અનુક્રમે ૩૯૫ અને ૧૫) પૂરો પાડ્યો હતો.[][] જેન્સને ૧૯૯૦માં શૈક્ષણિક જર્નલ ઇન્ટેલિજન્સમાં તેમના તારણો પ્રકાશિત કર્યા હતા.[][]

૧૯૭૭માં શકુંતલા દેવીએ સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાં, ૫૦ સેકન્ડમાં ૨૦૧ આંકડાની સંખ્યાનું ૨૩મું મૂળ ગણી આપ્યું હતું. તેમના જવાબની પુષ્ટિ યુએનઆઈવીએસી ૧૧૦૧ કમ્પ્યુટર દ્વારા યુએસ બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ્સમાં કરવામાં આવેલી ગણતરીઓ દ્વારા કરવામાં આવી હતી. આટલી મોટી ગણતરી કરવા માટે કમ્પ્યુટરમાં એક વિશેષ કાર્યક્રમ લખવો પડ્યો હતો. શકુંતલાદેવી દ્વારા ગણતરી માટે લેવામાં આવેલ સમય કરતાં કમ્પ્યુટરને વધુ સમય લાગ્યો હતો.[૧૦]

૧૮ જૂન, ૧૯૮૦ના રોજ તેમણે ૧૩ આંકડાની બે સંખ્યાઓ – ૭,૬૮૬,૩૬૯,૭૭૪,૮૭૦ × ૨,૪૬૫,૦૯૯,૭૪૫,૭૭૯ ના ગુણાકારનું જાહેર પ્રદર્શન કર્યું હતું. ઇમ્પિરિયલ કોલેજ લંડનના કમ્પ્યુટિંગ વિભાગ દ્વારા આ સંખ્યાઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી. તેણીએ ૨૮ સેકન્ડમાં તેનો સાચો જવાબ ૧૮,૯૪૭,૬૬૮,૧૭૭,૯૯૫,૪૨૬,૪૬૨,૭૭૩,૭૩૦ આપ્યો હતો.[][] આ ઘટનાને ૧૯૮૨ના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી.[][] લેખક સ્ટીવન સ્મિથે ટિપ્પણી કરી હતી કે, "પરિણામ અગાઉ નોંધાયેલી કોઈ પણ બાબત કરતાં એટલું ચડિયાતું છે કે તેને ફક્ત અવિશ્વસનીય તરીકે વર્ણવી શકાય છે."[૧૦]

શકુંતલા દેવીએ તેમના પુસ્તક ફિગરિંગ: ધ જોય ઓફ નંબર્સમાં માનસિક ગણતરીઓ કરતી ઘણી પદ્ધતિઓ સમજાવી હતી.[૧૧]

અંગત જીવન

[ફેરફાર કરો]

શકુંતલાદેવી ૧૬૦ના દાયકાના મધ્યમાં ભારત પરત ફર્યા હતા અને કોલકાતાથી ભારતીય વહીવટી સેવાના અધિકારી પરિતોષ બેનરજી સાથે લગ્ન કર્યા હતા.[૧૨] વ્યક્તિગત સમસ્યાઓને કારણે તેઓએ ૧૯૭૯માં છૂટાછેડા લીધા હતા.[૧૩] ૧૯૮૦માં, તેમણે મુંબઈ દક્ષિણ અને આંધ્ર પ્રદેશના મેડક (વર્તમાન તેલંગાણામાં) માટે અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી. મેડકમાં તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી સામે ઉમેદવારી નોંધાવી હતી.[૧૪] તેમણે કહ્યું હતું કે તેઓ "શ્રીમતી ગાંધી દ્વારા મૂર્ખ બનવાથી મેડકના લોકોનો બચાવ કરવા માંગે છે" તેઓ ૬,૫૧૪ મત (૧.૪૭% મત) સાથે નવમા ક્રમે આવ્યા હતા. તેઓ ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં બેંગ્લોર પરત ફર્યા હતા.[૧૩]

માનસિક ગણનયંત્ર તરીકેના તેમના કાર્ય ઉપરાંત, તેઓ એક નોંધપાત્ર જ્યોતિષી હતા અને રસોઈ પુસ્તિકાઓ અને નવલકથાઓ સહિત અનેક પુસ્તકોના લેખક હતા.[] તેમણે ટૂંકી વાર્તાઓ અને ખૂની રહસ્યકથાઓ લખવાની શરૂઆત કરી હતી. તેમને સંગીતમાં ઊંડો રસ હતો.[૧૫]

એપ્રિલ ૨૦૧૩માં શકુંતલા દેવીને શ્વાસની ગંભીર સમસ્યાઓ સાથે બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછીના બે અઠવાડિયામાં તેઓ હૃદય અને કિડનીની જટિલતાઓથી પીડાઈ રહ્યા હતા.[][] ૨૧ એપ્રિલ ૨૦૧૩ના રોજ હોસ્પિટલમાં તેનું અવસાન થયું હતું.[][]

૪ નવેમ્બર, ૨૦૧૩ના રોજ શકુંતલા દેવીને તેમના ૮૪મા જન્મદિવસ પર ગૂગલ ડૂડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧૬]

તેમના જીવન પર આધારિત શકુંતલા દેવી નામની ફિલ્મની જાહેરાત મે ૨૦૧૯ માં કરવામાં આવી હતી.[૧૭] આ ફિલ્મમાં વિદ્યા બાલન મુખ્ય શીર્ષક ભૂમિકામાં છે અને તેમાં સાન્યા મલ્હોત્રા, અમિત સાધ અને જિશુ સેનગુપ્તા સહાયક ભૂમિકામાં છે.[૧૮]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Shakuntala Devi strove to simplify maths for students". The Hindu. 21 April 2013. મેળવેલ 9 July 2013.
  2. ૨.૦૦ ૨.૦૧ ૨.૦૨ ૨.૦૩ ૨.૦૪ ૨.૦૫ ૨.૦૬ ૨.૦૭ ૨.૦૮ ૨.૦૯ ૨.૧૦ Pandya, Haresh (21 April 2013). "Shakuntala Devi, 'Human Computer' Who Bested the Machines, Dies at 83". The New York Times. મેળવેલ 9 July 2013.
  3. ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ "Obituary: Shakuntala Devi". The Telegraph. 22 April 2013. મૂળ માંથી 23 April 2013 પર સંગ્રહિત. મેળવેલ 9 July 2013.
  4. "'Human computer' Shakuntala Devi dies in Bangalore". Times of India. 21 April 2013. મેળવેલ 16 December 2018.
  5. "Shakuntala Devi strove to simplify maths for students". The Hindu. 21 April 2013. મેળવેલ 9 July 2013.
  6. Mubarak, Salva (13 May 2019). "Get to know Shakuntala Devi, the woman known as the 'human computer'". Vogue India. Mumbai, India: Dilshad Arora. મેળવેલ 2 August 2019.
  7. Lohana, Avinash (29 January 2019). "Sanya Malhotra to play Vidya Balan's daughter in Shakuntala". Mumbai Mirror. Mumbai, India. મૂળ માંથી 21 April 2019 પર સંગ્રહિત. મેળવેલ 21 April 2019.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ Jensen, Arthur R. (July–September 1990). "Speed of information processing in a calculating prodigy". Intelligence. University of California, Berkeley, United States. 14 (3): 259–274. doi:10.1016/0160-2896(90)90019-P. મૂળ માંથી 4 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 9 July 2013.
  9. Note that there are easy tricks for getting odd-numbered roots when the root is an integer. See "Tricks of Lightning Calculators", in Mathematical Carnival, by Martin Gardner, Knoff, 1975 and other sources.
  10. ૧૦.૦ ૧૦.૧ Smith, Steven Bradley (1983). The Great Mental Calculators: The Psychology, Methods, and Lives of Calculating Prodigies, Past and Present. Columbia University Press. ISBN 0231056400.
  11. Devi, Shakuntala (2005). Figuring: The Joy Of Numbers (અંગ્રેજીમાં). Orient Paperbacks. ISBN 978-81-222-0038-6.
  12. "Shakuntala Devi's life changed after marrying a gay man: The human behind the human computer". India Today (અંગ્રેજીમાં). 6 November 2019. મેળવેલ 13 August 2020.
  13. ૧૩.૦ ૧૩.૧ "India's math wizard, Shakuntala Devi". Yahoo! India News. 22 April 2013. મેળવેલ 9 July 2013.
  14. "Lesser Known Facts About Shakuntala Devi, The Human Calculator Whom Vidya Balan Is Essaying in Biopic". HerZindagi English (અંગ્રેજીમાં). 16 September 2019. મેળવેલ 21 July 2020.
  15. Mathematical Bonaza, Shakuntala Devi (20 July 2020). "Shakiuntala Devi". Youtube. મેળવેલ 23 October 2020.
  16. "Shakuntala Devi's 84th birthday celebrated with a doodle". The Times of India. 4 November 2013. મેળવેલ 4 November 2013.
  17. "Vidya Balan to play ace mathematician Shakuntala Devi in biopic". Scroll.in. 8 May 2019. મેળવેલ 16 May 2019.
  18. Arora, Akhil (15 May 2020). "Vidya Balan's Shakuntala Devi Out July 31 on Amazon Prime Video". NDTV Gadgets 360. મેળવેલ 16 July 2020.