શામળ ભટ્ટ
શામળ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ છે જેઓ તેમની પદ્યવાર્તા માટે જાણીતા છે.[૧]
જીવન
[ફેરફાર કરો]તેમના જન્મની તારીખ જુદા જુદા સ્ત્રોત મુજબ જુદી જુદી મળે છે. તેઓ ૧૬૯૪ અથવા ૧૭૧૮માં જન્મ્યા હશે. તેમના પિતાનું નામ વીરેશ્વર અને માતાનું નામ આનંદીબાઈ હતું. તેમના ગુરુ નાના ભટ્ટ હતા. તેઓ વેગણપુર (આજે અમદાવાદનું ગોમતીપુર) ખાતે જન્મ્યા હતા. તેઓ પરંપરાગત કથાકાર પુરાણી અને ભવૈયાઓની સ્પર્ધાને કારણે આર્થિક સંકડામણ અનુભવતા હતા. આથી તેમણે તેમના પુરોગામીઓની કથાઓને નવા અર્થથી રજુ કરવાની શરુ કરી જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે. બાદમાં તેઓ જમીનદાર રખીદાસની વિનંતી અને મદદથી સિંહુજ (હાલ મહેમદાવાદ પાસે) જઈ વસ્યા. તેમનું મૃત્યુ ૧૭૬૯ અથવા ૧૭૬૫માં થયું હતું.[૧][૨][૩]
સર્જન
[ફેરફાર કરો]શામળ ભટ્ટે ૨૬ રચનાઓનું સર્જન કર્યું છે. તેમની પદ્યવાર્તાઓ તેમના પુરોગમીઓના સંસ્કૃત સર્જનો અને લોકકથાઓ આધારિત છે. તેમના કેટલાક સંસ્કૃત સર્જનોમાં સિંહાસન દ્વાત્રિંશકા, વેતાલપંચવિશન્તિ, શુકસપ્તતિ, ભોજપ્રબંધ વગેરેનો સમાવેશ થાય છે. તેના પરથી રચેલી સિંહાસન બત્રીસી, વેતાળ પચ્ચીસી, સુડા બહોતેરી તેમના જાણીતા સર્જન છે. આ ત્રણેય સર્જનમાં વાર્તામાં વાર્તા હોય તેવું બંધારણ છે. તેમાં ઘણી જાદુઈ અને કાલ્પનિક બાબતો જેમકે આત્માનું એક શરીરથી બીજા શરીરમાં જવું, ઉડતા પગરખાં, બોલતા પશુઓ વગેરે પણ છે. વિક્રમ રાજા આ કથાઓનું મુખ્ય પાત્ર છે. તેમાં ઘણા સુત્રો અને કોયડાઓ પણ છે. તેમના અન્ય સર્જનોમાં નંદબત્રીસી, શુકદેવાખ્યાન, રખીદાસ ચરિત્ર, વનેચરની વાર્તા, પાંચ-ડંડા, ભદ્રભામિની, રેવાખંડ, ચંદ્ર-ચંદ્રાવતી, મદનમોહના, પદ્માવતી, બરાસ-કસ્તુરી વગેરેનો સમાવેશ થાય છે. આ કથાઓમાં બુદ્ધિચાતુર્યની સમજ આપતા ઘણા છપ્પા (છ પંક્તિના ટુચકા) પણ સમાવી લેવાયા છે.[૧][૩][૪]
અંગદવિશતિ, રાવણ-મંદોદરી સંવાદ, દ્રૌપદીવસ્ત્રાહરણ, શિવપુરાણ વગેરે તેમના પુરાણો અને મહાકાવ્યો આધારિત આખ્યાનો છે. આ ઉપરાંત તેમણે પતાઈ રાવળનો ગરબો, રણછોડજીના શ્ર્લોકો, બોડાણાખ્યાન, ઉદ્યમકર્મસંવાદ વગેરેનું સર્જન કર્યું છે.[૧][૩][૪]
તેમની એક કવિતાએ મહાત્મા ગાંધીને સત્યાગ્રહનો વિચાર આપ્યો હતો.[૨][૫][૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Mohan Lal (૧૯૯૨). Encyclopaedia of Indian Literature: sasay to zorgot. Sahitya Akademi. પૃષ્ઠ ૩૯૬૭. ISBN 978-81-260-1221-3.
- ↑ ૨.૦ ૨.૧ Jan Peter Schouten (૨૦૦૮). Jesus as Guru: The Image of Christ Among Hindus and Christians in India. Rodopi. પૃષ્ઠ ૧૩૪. ISBN 90-420-2443-7.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "પહેલો ગુજરાતી વાર્તાકાર શામળ ગોમતીપુરનો રહેવાસી હતો". Navgujarat Samay. ૨ માર્ચ ૨૦૧૪. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૪.
- ↑ ૪.૦ ૪.૧ Umedbhai M. Maniar (૧૯૬૯). The Influence of English on Gujarati Poetry. Faculty of Arts, M. S. University of Baroda. પૃષ્ઠ ૨૬–૨૭.
- ↑ Ghose, Sankar (જાન્યુઆરી ૧૯૯૧). Mahatma Gandhi.
- ↑ Rajmohan Gandhi (૯ ઓક્ટોબર ૨૦૦૭). Mohandas: True Story of a Man, His People. Penguin Books Limited. પૃષ્ઠ ૨૨–. ISBN 978-81-8475-317-2.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- શામળ ભટ્ટ ગુજલિટ પર.