લખાણ પર જાઓ

શિક્ષણનું સમાજશાસ્ત્ર

વિકિપીડિયામાંથી

'શિક્ષણનું સમાજશાસ્ત્ર' એ શિક્ષણ અને સમાજ વચ્ચેના સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતી સમાજશાસ્ત્રની એક શાખા છે.|૧૯૮૭ જ્યોર્જ પેઈનને શિક્ષણના સમાજશાસ્ત્રના જનક તરીકે ઓળખવામાં આવે છે.|૧૯૮૭

વ્યાખ્યાઓ[ફેરફાર કરો]

શિક્ષણના સમાજશાસ્ત્રની અલગ અલગ વિદ્વાનો દ્વારા અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી છે.

ઈ.સ. ૧૯૨૮માં જ્યોર્જ પેઈને શિક્ષણના સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું કે "શિક્ષણનું સ્માજશાસ્ત્ર એ વ્યક્તિ જે સામાજિક પ્રથાઓ, સામાજિક સમૂહો અને સામાજિક પ્રક્રિયાઓ તેમજ સામાજિક સંબંધો મારફતે અનુભવો મેળવે છે અને અનુભવોને સંગઠિત કરે છે તેમને વર્ણવતું અને તેમનું અર્થઘટન કરતું શાસ્ત્ર છે." આ વ્યાખ્યામાં પેઈન વ્યક્તિ અને તેની આસપાસના સમગ્ર શૈક્ષણિક વાતાવરણ વચ્ચેની આંતરક્રિયા પર ભાર મૂકે છે. એ જ વર્ષમાં એન્જલે તેના 'વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને શિક્ષણ' નામના લેખમાં લખ્યું કે "શિક્ષણનું સમાજશાસ્ત્ર એ શાળામાં થતી તેમજ શાળા અને સમુદાય વચ્ચે થતી સામાજિક આંતરક્રિયાઓ અને સામાજિક સંબંધોની ઢબો (patterns)નો અભ્યાસ છે." અહિં એન્જલ 'શાળા'ને કેન્દ્રમાં રાખી શિક્ષણના સમાજશાસ્ત્રના અભ્યાસક્ષેત્રને મર્યાદિત બનાવે છે.[૧]

ઈતિહાસ[ફેરફાર કરો]

૧૯મી સદીના અંતભાગમાં અને ૨૦મી સદીના શરૂઆતના સમયમાં શિક્ષણના સમાજશાસ્ત્રનાં મૂળ નંખાયાં હતા.[૨]

ઈ.સ. ૧૮૬૧માં સમાજશાસ્ત્રી હરબર્ટ સ્પેન્સરે 'કયું જ્ઞાન સૌથી વધુ મૂલ્યવાળું છે?' એ નામના તેમના નિબંધમાં શિક્ષણનાં સામાજિક કાર્યો વિશે અગત્યનો પ્રશ્ન ઊભો કર્યો. આ નિબંધ પર ખૂબ વ્યાપક ચર્ચાઓ થઈ હતી અને તેની અસર નીચે ત્યાર પછીના સમાજશાસ્ત્રીઓ તેમજ શિક્ષણવિદો શિક્ષણનાં સામાજિક કાર્યોને સ્વિકારવા લાગ્યા. ઈ.સ. ૧૮૮૭માં વોર્ડે તેના 'ગતિશીલ સમાજશાત્ર' ( Dynamic Sociology) નામના પુસ્તકમાં સમાજની "પ્રગતિ માટે શિક્ષણને એક હાથવગા સાધન" તરીકે ગણાવી તેના સામાજિક કાર્ય પર ભાર મૂક્યો. સ્મોલે ઈ.સ. ૧૮૯૬માં લખ્યું કે જે શિક્ષકો તેમનું સામાજિક કાર્ય સમજે છે તેઓ બાળકોને ફક્ત ઉપલા ધોરણમાં મોકલીને કદી સંતોષ પામશે નહિ કારણ કે "સમાજશાસ્ત્ર શિક્ષણકારો પાસે માંગે છે કે તેઓ પોતાને બાળકોના દોરનારાઓ તરીકે નહિ, પરંતુ સમાજના ઘડાવૈયાઓ તરીકે ગણે".[૩]

શિક્ષણના અભ્યાસ માટે સમાજશાસ્ત્રીય અભિગમની જરૂરિયાત પર સ્પષ્ટપણે ભાર મૂકનાર પ્રથમ સમાજશાત્રી એમિલ દુર્ખેઇમ હતા. પોતાના 'શિક્ષણ અને સમાજશાસ્ત્ર' (૧૮૮૭–૧૯૦૨) નામના પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે "શિક્ષણ તેના ઉગમ, કાર્યો અને સ્વરૂપમાં સ્પષ્ટ રીતે સામાજિક છે; બધા સમૂહો માટે કોઈ એક પ્રકારનું કે આદર્શ પ્રકારનું શિક્ષણ શક્ય નથી". દુર્ખેઇમ શિક્ષણને એક સ્થગિત સામાજિક ઘટના તરીકે નહિ, પરંતુ એક ગતિશીલ અને સદા પરિવર્તન પામતી સામાજિક ઘટના તરીકે ગણાવે છે.[૪]

૧૯૨૦થી ૧૯૩૦ના સમયગાળામાં શિક્ષણના સમાજશાસ્ત્રના વિકાસ માટે મહત્ત્વની બે ઘટનાઓ બની; જ્યોર્જ પેઈન, જેઓ શિક્ષણના સમાજશાસ્ત્રના જનક ગણાય છે તેમના પ્રમુખપદે ન્યૂયોર્ક યુનિવર્સિટીની 'સ્કૂલ ઑફ એજ્યુકેશન'માં શૈક્ષણિક સમાજશાસ્ત્રનો વિભાગ ખોલવામાં આવ્યો, અને ઈ.સ. ૧૯૨૮માં 'જર્નલ ઑફ એજ્યુકેશનલ સોશિયોલોજી' નામનું માસિક સામયિકની શરૂઆત કરવામાં આવી.[૫]

શિક્ષણના કાર્યો[ફેરફાર કરો]

શિક્ષણ સમાજના સાંસ્કૃતિક વારસાનું નવી પેઢીમાં સંક્રમણ કરી સામાજિકીકરણનું કાર્ય બજાવે છે. સમાજમાં ભિન્નભિન્ન સામાજિક પરિસ્થિતિઓમાં સમાજ નવી પેઢી પાસે જે પ્રકારના મૂલ્યો, ધોરણો, માન્યતાઓ, વલણો, વર્તનો, જ્ઞાન, કૌશલ્યો, યંત્રવિજ્ઞાનના ઉપયોગની આવડતો વગેરેની અપેક્ષા રાખે છે; તે પ્રમાણેનો સાંસ્કૃતિક વારસો શિક્ષણ દ્વારા નવી પેઢીમાં સંક્રાંત થાય છે. શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી વિદ્યાર્થી જે કંઈ શીખે છે તે સમાજના સાંસ્કૃતિક વારસાનો એક ભાગ હોય છે.[૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. શાહ & શાહ ૧૯૮૭, pp. ૨–૩.
  2. શાહ & શાહ ૧૯૮૭, pp. ૧૮–૧૯.
  3. શાહ & શાહ ૧૯૮૭, pp. ૧૭–૧૮.
  4. શાહ & શાહ ૧૯૮૭, pp. ૧૮.
  5. શાહ & શાહ ૧૯૮૭, pp. ૨૦.
  6. શાહ & શાહ ૧૯૯૯, p. ૩૪.

સંદર્ભ સૂચિ[ફેરફાર કરો]

  • શાહ, બુદ્ધિશ્ચંન્દ્ર વી.; શાહ, કૌશલ્યા (૧૯૮૭). શિક્ષણનું સમાજશાસ્ત્ર (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.CS1 maint: ref=harv (link)
  • શાહ, બુદ્ધિશ્ચંન્દ્ર વી.; શાહ, કૌશલ્યા (૧૯૯૯). શિક્ષણનું સમાજશાસ્ત્ર (દ્વિતીય સંશોધિત આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.CS1 maint: ref=harv (link)