સમૂળી ક્રાંતિ
લેખક | કિશોરલાલ મશરૂવાળા |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
વિષય | ચિંતન ગ્રંથ |
પ્રકાશન તારીખ | ૧૯૪૮ |
પુરસ્કારો | હરગોવિંદદાસ કાંટાવાળા સુવર્ણ ચંદ્રક (૧૯૪૯) |
વેબસાઇટ | https://ekatra.pressbooks.pub/samulikranti/ |
સમૂળી ક્રાંતિ એ ગુજરાતી લેખક કિશોરલાલ મશરૂવાળા નું ૧૯૪૮માં પ્રકાશિત પુસ્તક છે. આઝાદ ભારતને એક આદર્શ રાષ્ટ્ર બનાવવાની ઈચ્છાથી આ પુસ્તક લખાયું હતું. ભારતમાં વિવિધ સંપ્રદાયો, જ્ઞાતિઓ અને ભાષાઓ બોલતા લોકસમૂહ વસે છે, તેમ છતાં તે ભેદભાવોને દૂર કરી એક સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણ કરવાની રીત આ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે.[૧]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]સમૂળી ક્રાંતિ ચાર ભાગમાં વિભાજિત પુસ્તક છે:
- ધાર્મિક ક્રાંતિ
- આર્થિક ક્રાંતિ
- રાજકીય ક્રાંતિ
- કેળવણી ક્રાંતિ[૨]
સમૂળી ક્રાંતિ એક ચિંતન ગ્રંથ છે. જે ૧૯૪૭મી નવમી ઓગસ્ટ લખવાનું શરૂ થયેલ અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરી ના રોજ પૂર્ણ થયેલ.[૨]
સમૂળી ક્રાંતિ માં ધર્મ, સમાજ, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ અને કેળવણી અંગેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે.[૧]
સમૂળી ક્રાંતિ શીર્ષક પાછળનો તર્ક એ છે કે "આપણા અનેક વિચારો અને માન્યતાઓનું આપણે મૂળથી જ સંશોધન કરવાની જરૂર છે. આપણા વિચારો મોટેભાગે ઉપર ઉપરની મરામત છે. મૂળ સુધી પહોંચતા નથી." [૧]
વિષયવસ્તુ
[ફેરફાર કરો]સમૂળી ક્રાંતિ પુસ્તક ચાર ભાગમાં વિભાજી છે. તેમણે સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે.[૧]
ધાર્મિક ક્રાંતિ
[ફેરફાર કરો]પ્રથમ ભાગ ધર્મ અને સમાજની ક્રાંતિ વિશે છે. તેઓ સમાજની જ્ઞાતિની ભાવના અને ધાર્મિક જ્ઞાતિ સંસ્થાને નાબુદ કરવા વિશે કહે છે. સામાજિક ક્રાંતિ વિના સમૂળી ક્રાંતિ સંભવ નથી.[૧]
તેઓ એવું સૂત્ર આપે છે:[૨]
મા નો પરમાત્મા એક કેવળ,
ન માનો દેવ-દેવીના પ્રતિમા સકલ.
તેઓ એક એકેશ્વરવાદ અને ચારિત્ર્ય પર ભાર મૂકે છે.[૨] તેઓ બધા ધર્મને નિષ્પ્રાણ લેખે છે.[૧]
આર્થિક ક્રાંતિ
[ફેરફાર કરો]આર્થિક ક્રાંતિ નું નિરૂપણ બીજા ભાગમાં કરવામાં આવેલ છે. અર્થશાસ્ત્રના મુખ્ય ત્રણ પરિમાણો - કુદરત, શ્રમ અને વાદ સાથે તેવું ચોથા પરિમાણ તરીકે ચારિત્ર્યને ઉમેરે છે. મૂડીવાદ, ફુરસદવાદ અને સામ્યવાદની ટીકા કરે છે અને ગાંધીવાદ, સર્વોદયવાદ અને માનવવાદ ને ઉપાય બતાવે છે.[૨]
તેમના મતે આર્થિક સમૃદ્ધિ માટે કુદરતી સંસાધનો, માનવશ્રમ, જ્ઞાન, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાની સાથે પ્રજાકીય ચારિત્ર્ય પણ ઘણું મહત્ત્વનું પરિબળ છે.[૧]
રાજકીય કાંતિ
[ફેરફાર કરો]ત્રીજા ખંડમાં તેમણે રાજકીય ક્રાંતિ નો ઉલ્લેખ કર્યો છે. તેઓ 'લોકશાહી'ના બદલામાં 'સુરાજ્ય'નું સૂચન કરે છે.[૨] તેમાં પણ તેઓ નેતા અને પ્રજાના ચારિત્ર્યને મોખરે મૂકે છે. તેઓ જણાવે છે કે, 'કૂવામાં હોય તો હવાડામાં આવે.' તેઓ હવાડાને શાસક વર્ગ અને કુવા માટે સમસ્ત પ્રજાનું રૂપક પ્રયોજે છે.[૧]
કેળવણી ક્રાંતિ
[ફેરફાર કરો]અંતિમ ભાગમાં તેમણે કેળવણી વિશે વાત કરી છે. જેમાં માતૃભાષા અને રાષ્ટ્રભાષા ના સંદર્ભ માં લખે છે.[૨] ઇતિહાસના અભ્યાસક્રમને દૂર કરવાનું કહે છે. તે શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. ભાષા અને લિપિ ના સંદર્ભમાં પોતાનો મત રજૂ કરે છે.[૧] તેઓ સમગ્ર ક્રાંતિ માટે કેળવણીને પ્રમુખ કહે છે.[૨]
આવકાર અને ટીકા
[ફેરફાર કરો]આ પુસ્તકને ૧૯૪૯ના વર્ષનો હરગોવિંદદાસ કાંટાવાળા સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો.[૩]
ઉમાશંકર જોશીના મતે, “એમણે લિપિથી માંડીને સાંખ્યયોગ સુધી અનેક વિષયો પર લખ્યું છે. એ લખાણોમાં ઋતંભરા પ્રજ્ઞાનો અણસારો મળ્યા કરે છે . ગુજરાતી વિચાર - સાહિત્યમાં એમનું સ્થાન હંમેશનું છે.” (‘અભિરુચિ', પૃ.૨૨૯)[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ શુક્લ, દિનેશ (૨૦૦૭). ગુજરાતી વિશ્વકોશ. ૨૨. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૧૨-૩૧૩.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ પટેલ, ડૉ. બેચરભાઈ (2018). ગુજરાતીના ગૌરવગ્રંથો. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૯૬-૯૮.
- ↑ The Indian P.E.N. 1949. પૃષ્ઠ 28.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સમૂળી ક્રાંતિ એકત્ર ફાઉન્ડેશન પર.