સાગર અને શશી
રચનાર: મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' | |
દેશ | ભારત |
---|---|
ભાષા | ગુજરાતી |
છંદ | ઝૂલણા |
પ્રાસરચના | AB CB BB B |
પંક્તિ સંખ્યા | ૧૪ |
સાગર અને શશી એ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' લિખિત કાવ્ય છે, જે ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ રચના ગણવામાં આવે છે. ઝૂલણા છંદમાં રચાયેલું અને સંદિગ્ધ પદાવલીઓ ધરાવતું આ કાવ્ય ચન્દ્રોદય જોઈને કવિના રૂપાંતરિત થયેલા હ્રદયના ભાવ અને સાગરનાં ગતિશીલ ચિત્રને રજૂ કરે છે.[૧]
પાર્શ્વભૂમિ
[ફેરફાર કરો]કાન્તની જાણીતી રચનાઓમાંથી એક એવું આ કાવ્ય કાન્તે હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારબાદ લખાયું હતું.[૨] એવું માનવામાં આવે છે કે ગોપનાથના દરિયાકિનારે ઊભા રહીને કવિ કાન્તને જે અનુભૂતિ થઈ એનું વર્ણન આ કાવ્યમાં છે.[૩]
કાવ્ય
[ફેરફાર કરો]આજ મહારાજ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે!
પિતા! કાલના સર્વ સન્તાપ શામે!
જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહિ સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી.
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
તરલ તરણી સમી સરલ તરતી!
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
બંધારણ
[ફેરફાર કરો]સ્વરભાર (લઘુ/ગુરુ) | – દા |
u લ |
– દા |
– દા |
u લ |
– દા |
– દા |
u લ |
– દા |
– દા |
u લ |
– દા | |||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
અક્ષર | આ | જ | મહા | રા | જ | જલ | પર | ઉ | દય | જો | ઈ | ને |
'સાગર અને શશી' કાવ્ય ઝૂલણા છંદમાં રચવામાં આવ્યું છે.[૧][૪] એવું પણ કહેવાય છે કે કવિ કાન્તે 'શંકરા ભરમાણ' રાગને આધારે આ કાવ્યની રચના કરી હતી.[૩]
અર્થઘટન
[ફેરફાર કરો]ગોપનાથના દરિયાકિનારે ઉદય પામતા ચંદ્રના દર્શન કર્યા પછી કવિના મનમાં જે પ્રબળ આવેગ ઉમટે છે એનું આ કાવ્યમાં 'નાજુક' શબ્દોમાં આલેખન થયું છે, કાવ્યની શરૂઆત 'આજ' શબ્દથી થાય છે. આ 'આજ' શબ્દ દ્વારા ચંદ્રોદયદર્શન પહેલીવાર નથી થયા, પરંતુ આજે સ્થિતિ કંઈક જુદી છે અને કવિના મનની સ્થિતિ પણ અલગ છે એવું દર્શાવાયું છે. એ મનની સ્થિતિ અલગ હોવાને કારણે હ્રદયમાં હર્ષની લાગણી ઉત્પન્ન થાય છે. 'આજ' શબ્દ વિશે વિવેચક સતીશ વ્યાસ જણાવે છે કે, "કાવ્યનો પ્રારંભ 'આજ' શબ્દથી થાય છે. એ સાપેક્ષ શબ્દ છે. એમાં વીતી ગયેલી ભયાનક 'કાલ'ના પડઘા સંભળાય છે, જે પછી 'સંતાપ' શબ્દ સાથે જોડાય છે, પણ 'આજ' તો સુમધુર છે. 'આજ'ની સાથે જ 'મહારાજ'નો પ્રાસ છે".[૩]
ચંદ્રના દર્શનથિ હ્રદયમાં હર્ષની લાગણી જામ્યા પછી કવિને સૃષ્ટિનાં દરેક તત્ત્વમાંથી સ્નેહનો અનુભવ થાય છે; આ અનુભવ એકદમ 'વિમલ' છે, શુદ્ધ છે. આ અનુભવનો ઉત્કર્ષ 'નિજ ગગન'માં (કવિના પોતાના મનમાં) થાય છે એમ કવિ કહે છે. આ અનુભવ કવિને સર્વ સંતાપો, ત્રાસદાયક મન:સ્થિતિમાંથી મુક્ત કરાવે છે. ચાંદની રાતનો ધવલ પ્રકાશ આંખ સામે તરવરે છે જેને કારણે એક અનુપમ દ્રશ્ય રચાય છે, જેને કારણે ગઈકાલના સઘળા સંતાપ દૂર થાય છે. એથી 'પિતા ! કાલના સર્વ સંતાપ શામે !' પંક્તિનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. 'પિતા' શબ્દ દ્વારા કવિએ અહિં ઈશ્વરને સંબોધન કર્યું છે.[૩]
આવકાર
[ફેરફાર કરો]નિરંજન ભગતે આ કાવ્યને 'ગુજરાતી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીતકાવ્ય' કહ્યું છે.[૪] આ કાવ્ય તેના વર્ણસગાઈ અલંકાર માટે પણ જાણીતું છે. 'કામિની કોકિલા કેલિ કૂજન કરે' અને 'ભાસતી ભવ્ય ભરતી' જેવી પંક્તિઓમાં કવિએ વર્ણસગાઈ અલંકારનો ઉપયોગ કર્યો છે.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. pp. ૬૧૮. OCLC 26636333.
- ↑ Parmar, Francis (1994). "Chapter 3: Christians and Gujarati". In Innasi, S.; Jayadevan, V. (eds.). Christian Contribution to Indian Languages and Literatures. Madras: Mariyakam. p. 45. OCLC 636900293.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ પારેખ, ધ્વનિલ (૨૦૨૦). પ્રથમ વર્ષ બી.એ., પેપર–૨ (મુખ્ય તથા ગૌણ), ગુજરાતી પદ્ય (GUJJM 102/GUJS 102) ભાગ–૧. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. પૃષ્ઠ ૧૭–૨૧. ISBN 978-93-89456-37-0.
- ↑ ૪.૦ ૪.૧ શેઠ, ચંદ્રકાન્ત શેઠ (૧૯૯૦). કાન્ત. ભારતીય સાહિત્યના નિર્માતા. નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૩૯–૪૦. ISBN 81-7201-033-8. OCLC 1043708189.
પૂરક વાચન
[ફેરફાર કરો]- આ કાવ્યનો સુરેશ જોષીએ કરાવેલો આસ્વાદ