ધ્વનિલ પારેખ
ધ્વનિલ પારેખ | |
---|---|
જન્મ | ધ્વનિલ રવિન્દ્રભાઈ પારેખ October 28, 1976 સુરત, ગુજરાત |
વ્યવસાય | કવિ, વિવેચક, નાટ્યકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ |
|
માતૃ શિક્ષણ સંસ્થા | વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય |
લેખન પ્રકારો | ગઝલ, નાટક |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સક્રિય વર્ષો | ૧૯૯૨ - વર્તમાન |
જીવનસાથી | નયના (૨૦૦૩થી) |
સંતાનો | ધ્યાન |
સંબંધીઓ | રવિન્દ્ર પારેખ, પુષ્પા પારેખ (માતાપિતા) |
સહી |
ધ્વનિલ પારેખ (જ. ૨૮ ઓક્ટોબર ૧૯૭૬) એ ગુજરાતી ભાષાના કવિ, વિવેચક અને નાટ્યલેખક છે.[૧] તેમની નોંધપાત્ર કૃતિઓમાં દરિયો ભલેને માને (૨૦૦૮; ગઝલસંગ્રહ), અંતિમ યુધ્ધ (૨૦૦૯; નાટક) અને સંકેત (૨૦૧૧; વિવેચન કૃતિ) નો સમાવેશ થાય છે. તેમને ૨૦૧૧ માં તેમની કૃતિ અંતિમ યુધ્ધ માટે સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના સાહિત્યિક પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૦૮નો યુવા ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.[૨]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]પારેખનો જન્મ ગુજરાતના સુરતમાં પુષ્પાબેન અને રવિન્દ્રભાઈ (એક કવિ અને લેખક)ને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ સુરતમાં પૂરું કર્યું. સુરતની કડીવાલા હાઇસ્કૂલમાંથી ૧૯૯૨ માં ધો.૧૦ અને પ્રોપરાઇટરી ઇંગ્લિશ સ્કૂલ, સુરતથી ૧૯૯૪માં ધો.૧૨ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. ૧૯૯૭માં જે.ઝેડ.શાહ આર્ટસ અને એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજ, અમરોલી ખાતેથી સ્નાતક થયા અને ૧૯૯૯ એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતમાંથી ગુજરાતી સાહિત્યમાં એમ.એ.ની પદવી મેળવી. ૨૦૦૫માં, તેમના સંશોધનકાર્ય નાટકોમાં પૌરાણિક કથા : ભારતીય ભાષાઓમાં લખાયેલા મહાભારત આધારિત નાટકોનો આલોચનાત્મક અભ્યાસ શોધનિબંધ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા પીએચ.ડીની પદવી એનાયત કરવામાં આવી હતી.[૩]
કારકિર્દી
[ફેરફાર કરો]પારેખે કારકિર્દીની શરૂઆત એક પત્રકાર તરીકે કરી હતી. તેમણે નવગુજરાત ટાઇમ્સ, પ્રતિનિધિ પત્ર અને ચેનલ સુરત સહિત વિવિધ માધ્યમોમાં પત્રકાર તરીકે ફરજ બજાવી હતી. ૨૦૦૧માં, તેઓ જુનિયર રિસર્ચ ફેલો તરીકે એમ.ટી.બી આર્ટસ કોલેજ, સુરતમાં જોડાયા. ૨૦૦૨ થી ૨૦૦૬ સુધી, તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલયમાં સહાયક વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. જૂન ૨૦૦૬ થી નવેમ્બર ૨૦૦૬ સુધી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરામાં સહાયક વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી હતી. ૨૦૦૬ માં, તેઓ એમ.ડી. ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદરા ખાતે સહાયક વ્યાખ્યાતા તરીકે જોડાયા. તેમણે ૧૯૯૨માં કાવ્યલેખન શરૂ કર્યું. ગુજરાત મેગેઝિનમાં તેમની પ્રથમ કૃતિ પ્રકાશિત થઈ હતી.[૨]
સર્જન
[ફેરફાર કરો]અન્ય ૩ કવિઓ સાથેનો તેમનો પ્રથમ ગઝલસંગ્રહ અજવાળું સુરતનું ૨૦૦૩માં પ્રકાશિત થયો હતો. દરિયો ભલેને માને એ ૨૦૦૮માં પ્રકાશિત તેમનો અન્ય ગઝલસંગ્રહ છે. તેમની પ્રથમ વિવેચનાત્મક કૃતિ સાક્ષીભાવ ૨૦૦૭માં પ્રકાશિત કરવામાં આવી હતી, નાટકમાં મિથ (૨૦૦૭), સાત્વિકમ (૨૦૧૦) અને સંકેત (૨૦૧૧) તેમની અન્ય સાહિત્યિક કૃતિઓ છે. અંતિમ યુદ્ધ (૨૦૦૯) એ તેમના દ્વારા લખાયેલું એક નાટક છે.[૩]
પુરસ્કાર
[ફેરફાર કરો]ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને ૨૦૦૮માં યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેમને ૨૦૧૧માં તેમની કૃતિ અંતિમ યુધ્ધ માટે સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહેન્દ્ર ભગત પુરસ્કાર (૨૦૦૮-૦૯), બોલપેન નુ ખોલુ (એકાંકી) માટે 'બટુભાઇ ઉમરવાડિયા પ્રાઇઝ' (૨૦૦૪) અને શાપ (એકાંકી) માટે યશવંત પંડ્યા પુરકસ્કાર (૨૦૦૫) મળ્યો હતો. તેમની આલોચનાત્મક કૃતિ નાટકમાં પૌરાણિક કથાને 'રમણલાલ જોશી પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો હતો. તેમના ગઝલસંગ્રહ દરિયો ભલેને માને 'મનહરલાલ ચોક્સી પુરસ્કાર' એનાયત કરાયો હતો.[૪]
અંગત જીવન
[ફેરફાર કરો]પારેખે ૮ ફેબ્રુઆરી ૨૦૦૩ ના રોજ નયના સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર ધ્યાન છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ India (2016-03-23). "Writers, innovators floored by Rashtrapati Bhavan hospitality". The Indian Express. મેળવેલ 2016-05-03.
- ↑ ૩.૦ ૩.૧ કિરીટ, શુક્લ (2008). ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 413. ISBN 9789383317028.
- ↑ "..:: SAHITYA : Akademi Awards ::." ::. Welcome to Sahitya Akademi. મૂળ માંથી 2016-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-03.
બાહ્ય કડી
[ફેરફાર કરો]- ધ્વનિલ પારેખ ગુજલિટ પર.