લખાણ પર જાઓ

રવિન્દ્ર પારેખ

વિકિપીડિયામાંથી

રવિન્દ્ર પારેખગુજરાત, ભારતના એક ગુજરાતી ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર, નાટ્યકાર, કવિ, વિવેચક અને અનુવાદક છે.

જીવન અને કારકીર્દી[ફેરફાર કરો]

રવિન્દ્ર પારેખનો જન્મ ૨૧ નવેમ્બર ૧૯૪૬ માં કલવાડામાં (હાલ વલસાડ જિલ્લો, ગુજરાત) અંબાબેન અને મગનલાલ પારેખને ઘેર થયો હતો. તેમણે સુરતમાં શિક્ષણ લીધું. તેમણે ૧૯૬૯ માં રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રમાં બી.એસ.સી., ૧૯૭૭ માં ગુજરાતી ભાષા અને માનસ શાસ્ત્રમાં બી.એ તથા ૧૯૭૭માં અને ગુજરાતી અને હિન્દીમાં એમ.એ. તેમજ ૧૯૭૯માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી.ની પદવીઓ મેળાવી. તેઓ નિવૃત્તિ પહેલાં તેઓ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં કાર્ય કરતા હતા. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે.[૧][૨]

રચનાઓ[ફેરફાર કરો]

રવિન્દ્ર પારેખે સ્વપ્નવટો (૧૯૮૬), સંધિકાલ (૧૯૯૪) અને પર્યાય (૨૦૦૨) નામના ટૂંકીવાર્તા સંગ્રહો લખ્યા છે.[૧] તેમની કૃતિ સ્વપ્નવટોને ઉમાશંકર જોશી પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું, જ્યારે પર્યાયને સરોજ પાઠક મેમોરિયલ પારિતોષિક મળ્યું હતું.

જલદુર્ગ (૧૯૮૪) એ તેમની પહેલી નવલકથા હતી જે એક રહસ્યવાર્તા હતી. એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધના માનસિક દૃષ્ટિકોણ પર આધારિત હતી. અતિક્રમણ (૧૯૮૯) નામની તેમની પ્રથમ નવલકથા સામાયિકમાં અને બાદમાં પુસ્તક તરીકે પ્રકાશિત થઈ હતી. તેમની અન્ય બે નવલકથાઓ ક્રોસવાયર અને લઘુકામ (૧૯૯૮) ગુજરાતમિત્રમાં દૈનિક ધારાવાહિક કરવામાં આવી હતી. લઘુકામ તેના અપ્રકાશિત રેડિયો નાટક પર આધારિત છે.[૧] તેમની નવલકથા મન પ્રવેશ ૨૦૦૮ માં પ્રકાશિત થઈ હતી.[૩]

તેમના એકાંકી નાટક સંગ્રહો ઘર વગરના દ્વાર (૧૯૯૩) અને હું તમારો હું છું (૨૦૦૩) ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર એનાયત કરાયો હતો. તેમાં બાળકોના નાટકોનો પણ સમાવેશ થયેલો છે. [૧]

એ તો રવિન્દ્ર છે (૨૦૦૩) એ તેમનો પહેલો કાવ્યસંગ્રહ હતો જેમાં માત્ર ગઝલો હતી. હરિસંવાદ(૨૦૦૩)માં ભક્તિ ગીતો છે. સરલ (૨૦૦૭) ચાલીસ ગીતો અને સાઠ ગઝલોથી ધરાવતો તેમનો સંગ્રહ છે.[૧]

હાસ્ય પરિષદમાં જાતા (૨૦૦૩) એ રમૂજી નિબંધોનો સંગ્રહ છે. અન્યોક્તિ (૨૦૦૩), નિશપતિ (૨૦૦૪) અને સમિતિ (૨૦૦૫) તેમના વિવેચન કાર્યો છે.[૧]

તેમણે લક્ષ્મણ ગાયકવાડની આત્મકથા ઉચલ્યાનું મરાઠીમાંથી ગુજરાતીમાં ઉઠાઉગીર તરીકે ભાષાંતર કર્યું છે. દેશવિદેશ (૨૦૦૩) એ ભારત અને વિદેશની ટૂંકી વાર્તાઓના અનુવાદોનો સંગ્રહ છે. તેમણે મહેશ એલ. કુંચવરના નાટક વાદા ચિરેબંડીને ગુજરાતીમાં તિરાડે ફુટી કુંપળ નામે ભાષાંતર કર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી નવલિકાચયન (૧૯૯૭)નું તેમણે સંપાદન કર્યું છે.[૧]

અંગત જીવન[ફેરફાર કરો]

તેમણે ૧૯૭૨ માં પુષ્પા એસ. કાવટકર સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રો અને એક પુત્રી છે.[૨] તેમનો પુત્ર ધ્વનિલ પારેખ પણ કવિ અને લેખક છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ – આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 238–241. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ Jani, Suresh B. (12 July 2007). "રવીન્દ્ર પારેખ". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ 4 July 2018.
  3. Desai, Rakesh, સંપાદક (2011). Society and Literature: Narmad in Critical Discourse. Surat: Veer Narmad South Gujarat University. પૃષ્ઠ 394. ISBN 978-81-921045-0-8.