લખાણ પર જાઓ

હરિપ્રસાદ દેસાઈ

વિકિપીડિયામાંથી
હરિપ્રસાદ દેસાઈ
જન્મહરિપ્રસાદ વ્રજરાય દેસાઈ
(1880-11-20)November 20, 1880
ગોધરા, પંચમહાલ જિલ્લો, ગુજરાત
મૃત્યુMarch 31, 1950(1950-03-31) (ઉંમર 69)
અમદાવાદ, ગુજરાત
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોકુમાર સુવર્ણ ચંદ્રક

હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ (જ. ૨૦ નવેમ્બર ૧૮૮૦; અ. ૩૧ માર્ચ ૧૯૫૦) ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસૈનિક અને અમદાવાદના સામાજિક કાર્યકર હતા. તેઓ એક ગાંધીવાદી હતા. ઈ.સ. ૧૯૪૪નો પ્રથમ કુમાર સુવર્ણ ચંદ્રક તેમને આપવામાં આવ્યો હતો.

તેમનો જન્મ ૧૮૮૦માં ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં થયો હતો. તેમને વાચન-લેખનનો તથા વ્યાખ્યાનો આપવાનો શોખ હતો. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૦૬માં એલ.સી.પી.એસ. થઈને ડૉક્ટર બન્યા હતા. [૧]તેમણે તેમના જીવનનો મોટો ભાગ અમદાવાદમાં વિતાવ્યો. તેઓ ગોખલેની સંસ્થા હિંદ સેવક સમાજની અમદાવાદ શાખામાં જોડાયા હતા. યુવાન વયે તેમણે બંગભંગના આંદોલનમાં (૧૯૦૪-૧૯૦૮) તેઓ એક યુવાનેતા હતા.[૧] ઈ. સ. ૧૯૦૫ થી ૧૯૧૮ સુધી તેમણે સ્વદેશી મિત્રમંડળ નામે એક સંસ્થા ચલાવી હતી. તેમણે ગાંધીજીને અમદાવાદમાં આવીને પોતાની કર્મભૂમિ બનાવવાનો સુઝાવ સૌ પ્રથમ આપ્યો હતો. ગાંધીજીએ અમદાવાદ આવીને આશ્રમ સ્થાપ્યો ત્યારબાદ તેમણે તેમની બધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો. હોમરુલ આંદોલન દરમિયાન તેમણે લોકોમાં સ્વરાજનો વિચાર ફેલાવ્યો હતો. દેશની સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લઈ તેઓ ચાર વખત જેલમાં ગયા હતા. તેમણે દસક્રોઈ તાલુકા કૉંગ્રેસ સમિતિ, અમદાવાદ શહેર કૉંગ્રેસ સમિતિ તથા ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઘણાં વરસો સુધી કામ કર્યું હતું.[૨]

અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં અને તેની આરોગ્ય સમિતિ, સંગ્રહાલય સમિતિ, ગ્રંથાલય સમિતિ, વૃક્ષારોપણ અને બગીચા સમિતિ વગેરેમાં તેમણે પચીસ વર્ષ સુધી કામ કર્યું. તેમણે વ્યાયામ પરિષદ, યુવક પરિષદ, ગ્રંથાલય પરિષદ વગેરેના પ્રમુખ તરીકે પણ કામ કર્યું હતું. તે દરમિયાન અમદાવાદ શહેરને તેમણે સાત વખત કાળજીપૂર્વક સાફ કરાવ્યું હતું. અમદાવાદ શહેરની વિવિધ સામાજિક, રાજકીય અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા.[૨] તેઓ માત્ર હુકમ ન ચલાવતા, પોતે સાવરણો પકડીને પોતે સાદ કરતા હતા અને તે જોઈને બીજા લોકો પણ હાથમાં ઝાડુ પકડતા હતા.[૧] તેમણે ગુજરાત સાહિત્યસભાના ઉપ-પ્રમુખ, ગુજરાત વિદ્યાસભાના મંત્રી, ગોખલે સોસાયટીના મંત્રી, ગુજરાત વિદ્યાપીઠના લલિતકલા વિભાગના ડીન અને પ્રેમધર્મના તંત્રી તરીકે સેવાઓ આપી હતી. ઈ. સ. ૧૯૪૬માં તેઓ મુંબઈની ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા પણ હતા. [૨]

સાહિત્ય સેવા

[ફેરફાર કરો]

તેમણે પૅટ્રિયૉટિક સોલ નામનું એક પુસ્તક સંપાદિત કર્યું હતું આ પુસ્તકે લોકોમાં રાષ્ટ્રભક્તિ જાગૃત કરી હતી. [૨]

તેમણે કળાને ચરણે, રસદર્શન, નાના હતા ત્યારે, સ્વાધ્યાય, ઉચ્ચ/જીવન, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન, આરોગ્યની વાતો, આરોગ્યશાસ્ત્ર, આરોગ્ય તનનું, મનનું અને દેશનું, જીવનસંદેશ, બાળકલ્યાણ, સાહિત્યને ચરણે વગેરે પુસ્તકો લખ્યાં છે. [૨]

સન્માન

[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૪૪નો પ્રથમ કુમાર સુવર્ણ ચંદ્રક તેમને આપવામાં આવ્યો હતો. [૩]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "'અમદાવાદના અનોખા સેવાભાવી ડૉક્ટર હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ (1880-1950)'". www.gujaratsamachar.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2021-09-26.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "દેસાઈ, હરિપ્રસાદ વ્રજરાય – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-26.
  3. "Kumar Suvarna Chandrak". Gujarati Sahitya Kosh (Encyclopedia of Gujarati Literature). 3. Ahmedabad: Gujarati Sahitya Parishad. ૧૯૯૬. પૃષ્ઠ ૧૦૪.