હસુ યાજ્ઞિક
હસુ યાજ્ઞિક | |
---|---|
હસુ યાજ્ઞિક અમદાવાદ નેશનલ બૂકફેર ખાતે, નવેમ્બર ૨૦૧૮ | |
જન્મ | હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક 12 February 1938 રાજકોટ, ગુજરાત, ભારત |
મૃત્યુ | 10 December 2020[૧] અમદાવાદ, ગુજરાત, ભારત | (ઉંમર 82)
ઉપનામ | ઉપમન્યુ, પુષ્પધન્વા, બી. કશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર, હસુ યાજ્ઞિક |
વ્યવસાય | નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક, સંપાદક, લોકવાર્તાકાર, બાળ સાહિત્યકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
જીવનસાથી | હસુમતી (લ. 1964) |
સંતાનો | યુવા ઐયર નયન યાજ્ઞિક[૨] |
હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક (૧૨ ફેબ્રુઆરી ૧૯૩૮ - ૧૦ ડિસેમ્બર ૨૦૨૦) જેઓ હસુ યાજ્ઞિક નામ વડે વધુ જાણીતા હતા, ગુજરાતી ભાષાના નવલકથાકાર અને વાર્તાકાર હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ રાજકોટમાં થયો હતો.[૩] પ્રાથમિક-માધ્યમિક કેળવણી રાજકોટમાંથી મેળવ્યા પછી તેમણે ૧૯૬૦માં બી.એ. અને ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૨માં 'મધ્યકાલીન સાહિત્યની પ્રેમકથાઓ' વિશે સંશોધન કરીને પીએચ.ડી.ની પદવીઓ મેળવી. તેઓ સંગીતવિશારદ પણ હતા. ૧૯૬૩-૮૨ દરમિયાન સુરેન્દ્રનગર, વિસનગર, અમદાવાદ, જામનગરની સરકારી કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા હતા. ૧૯૮૨ થી તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર રહ્યા હતા. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્લી દ્વારા પશ્ચિમ ભારતના ક્લાસિકલ લિટરેચરના સ્કૉલર તરીકે રૂપિયા એક લાખ (₹ ૧,૦૦,૦૦૦/-) ના ભાષા સન્માનના યશભાગી થયા હતા. નવલકથા, વાર્તા, મધ્યકાલીન સાહિત્ય તેમજ લોકસાહિત્યનાં ૧૫૦ જેટલાં પુસ્તકો દ્વારા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે.
સર્જન
[ફેરફાર કરો]તેમણે ઉપમન્યુ, પુષ્પધન્વા, બી. કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર, હસુ યાજ્ઞિક ઉપનામોથી સાહિત્ય સર્જન કર્યું છે. રંજક્તાને તાકતી એમની ઘણી નવલકથાઓ છે. દગ્ધા (૧૯૬૮), હાઈવે પર એક રાત (૧૯૮૧), બીજી સવારનો સૂરજ (૧૯૮૨), સોળ પછી (૧૯૮૬) નીરા કૌસાની (૧૯૮૭) વગેરેમાં સરલ કથાવસ્તુ અને સુવાચ્ય શૈલી છે. દીવાલ પાછળની દુનિયા (૧૯૮૪) સત્ય ઘટનાઓમાં કલ્પનાનું યત્કિંચિત્ મિશ્રણ કરીને લખાયેલાં લગભગ અઠ્ઠાવીસ કિસ્સાઓ વર્ણવે છે. મનડાની માયા (૧૯૮૫), એક જુબાનીમાંથી (૧૯૮૫) અને પછીતના પથ્થરો (૧૯૮૫) એમના વાર્તાસંગ્રહો છે. એમણે મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા (૧૯૭૪), મધ્યકાલીન કથાસાહિત્ય (૧૯૮૭), શામળ (૧૯૭૮), વગેરે વિવેચનગ્રંથો આપ્યા છે. કામકથા (૧૯૮૭)માં સંસ્કૃત-પ્રાકૃત મધ્યકાલીન ગુજરાતી સ્ત્રીચરિત્રનાં કથાનકો આપ્યાં છે, તેમ કામકથા : સૂડાબહોંતેરી (૧૯૮૭)માં પણ સ્ત્રીચરિત્રને વાચા આપતાં કથાનકો આપ્યાં છે. ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ (૧૯૭૨) એમનું સહસંપાદન છે, તો હરિ વેણ વાય છે રે હો વંનમાં (૧૯૮૮)માં હરિવલ્લભ ભાયાણી સંપાદિત પારંપરિક ભક્તિગીતોનું એમણે સ્વરાંકન આપ્યું છે. 'આપણો લોક વારસો' તેમની નિબંધ કૃતિ છે.
વર્ષ ૨૦૧૯માં હસુ યાજ્ઞિક દ્વારા લખાયેલ પુસ્તક 'આત્મગોષ્ઠી' નું વિમોચન કરવામાં આવ્યું હતું.
૧૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ કોવિડ-૧૯ના કારણે અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.[૧][૨]
પુરસ્કાર
[ફેરફાર કરો]- ૨૦૧૩ - ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Pandya, Pravin (11 December 2020). "સાહેબની વિદાય". Opinion Magazine. મૂળ સંગ્રહિત માંથી 14 December 2020 પર સંગ્રહિત. મેળવેલ 13 December 2020.
- ↑ ૨.૦ ૨.૧ "વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, લોકસાહિત્યકાર, મધ્યકાલીન સાહિત્ય, આદિવાસી સાહિત્યના સર્જક હસુ યાજ્ઞિકનું 83 વર્ષની વયે દુઃખદ અવસાન". Tej Gujarati. 2020-12-11. મૂળ માંથી 2022-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2020-12-15.
- ↑ પ્રજાપતિ, હેતલ સી. (2018). "૧: અભ્યાસભૂમિકા, જીવન અને કાર્યની રૂપરેખા". હસુ યાજ્ઞિકનું સમગ્ર સાહિત્ય: એક અધ્યયન (PhD). ગુજરાતી વિભાગ, ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ ૧–૨૦. hdl:10603/254212.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Hasu Yājñikaનું સર્જન ગુગલ બુક્સ પર
- ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |