લખાણ પર જાઓ

ફ્રાન્સની ક્રાંતિ

વિકિપીડિયામાંથી
ફ્રેન્ચ ક્રાંતિ
એટલેન્ટીક ક્રાંતિનો ભાગ
બસ્તાઇલનું પતન, ૧૪ જુલાઈ ૧૭૮૯
તારીખ૫ મે ૧૭૮૯ — ૯ નવેમ્બર ૧૭૯૯
(૧૦ વર્ષ, ૬ મહિના, ૪ દિવસ)
સ્થાનફ્રાંસ રાજ્ય
પરિણામ
  • ફ્રાંસીસી રાજાશાહીની સમાપ્તિ અને નિષ્પાદન બાદ સંવૈધાનિક રાજાશાહીની સ્થાપના
  • ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક ગણરાજ્યની સ્થાપના જે ઝડપથી સત્તાવાદી અને સૈન્યવાદી રાજ્યમાં ફેરવાયું
  • ઉદારવાદ અને અન્ય જ્ઞાનસિદ્ધાંતો પર આધારીત કટ્ટરપંથી સામાજીક પરિવર્તન
  • નેપોલિયન બોનાપાર્ટનો ઉદય
  • અન્ય યુરોપીયન દેશો સાથે સશસ્ત્ર સંઘર્ષ

ફ્રાન્સની ક્રાંતિ અથવા ફ્રેન્ચ રેવોલ્યુશન (અંગ્રેજી: French Revolution) એ ફ્રાન્સની રાજાશાહી વિરુદ્ધ થયેલી ક્રાંતિ હતી. આપખુદ તેમજ પીડક રાજ્યતંત્ર, દોષપૂર્ણ શોષણખોર અર્થતંત્ર, કુલીનતા અને સામાજિક ભેદભાવ, કાયદાની અસમાનતા, ધાર્મિક અસહિષ્ણુતા વગેરે આ ક્રાંતિ થવા પાછળના મુખ્ય કારણો હતાં. એને લગતી ચિંતકો-સાહિત્યકારોની કૃતિઓ પણ ક્રાંતિ માટે પ્રેરણાસ્ત્રોત હતી.

પાર્શ્વભૂમિ

[ફેરફાર કરો]

૧૮મી સદીના ખર્ચાળ યુદ્ધો, લૂઈ રાજાઓના અતિ ભોગવિલાસ, કરચોરી અને લાંચરુશવત વગેરેથી ફ્રાન્સની આર્થિક સ્થિતિ ભારે કટોકટીભરી બની હતી. ફ્રાન્સમાં સામંતશાહી પ્રથાને લીધે મોટાભાગની જમીન સામંતોને હસ્તક હતી, જ્યારે ખેડૂતોની સ્થિતિ ગુલામો જેવી હતી. તેમની પાસેથી સામંતો આકરો કર વસૂલ કરતા. તેમની સ્થિતિ અર્ધભૂખમરાની હતી. પરિણામે અવારનવાર બળવા થયા જે ક્રૂરતાથી દાબી દેવામાં આવ્યા, ૧૭૮૯માં ફ્રાન્સમાં પડેલા ભયંકર દુષ્કાળથી આમ જનતાની તેમજ ખેડૂતોની યાતનાઓ પરાકાષ્ઠાએ પહોંચી, ત્યારે અન્ન માગત ખેડૂતોને એક પ્રાન્તના ગવર્નરે એમ કહ્યું કે 'હવે ઘાસ ઊગવા માંડ્યું છે. ખેતરમાં જઈને ચરી ખાવ', આથી ખેડૂતોના ધૈર્યનો અંત આવ્યો અને ક્રાંતિનો આરંભ થયો.[]

તે સમયે ફ્રાન્સનો સમાજ ત્રણ વર્ગોમાં વહેંચાયેલો હતો: (૧) ધર્મગુરુઓનો વર્ગ (પ્રથમ એસ્ટેટ્) (૨) ઉમરાવોનો વર્ગ (દ્વિતીય એસ્ટેટ્) અને (૩) આમ પ્રજા (તૃતીય એસ્ટેટ્) — જેમાં ખેડૂતો, મજૂરો તથા કારીગરોનો સમાવેશ થતો હતો. તેઓ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય જાગીર (એસ્ટેટ્)ને નામે ઓળખાતા હતા. તેમની વચ્ચે ઘણી અસમાનતા હતી. પ્રથમ બે વર્ગો વિશિષ્ટ અધિકારો ભોગવતા હતા, તથા સમાજમાં તેમનું સ્થાન ઊંચું હતું, જ્યારે ત્રીજા વર્ગને કોઈ અધિકારો ન હતા તથા સમાજમાં તેમનું સ્થાન નીચું હતું. પ્રથમ બે વર્ગો કરવેરાથી મુક્ત હતા, જ્યારે ત્રીજા વર્ગના લોકો પર આકરા કરવેરા હતા. આને કારણે પ્રથમ બે વર્ગે વૈભવ-વિલાસવાળું જીવન જીવતા, જ્યારે ત્રીજો વર્ગ ગરીબી અને અર્ધભૂખમરામાં સબડતો હતો. આ નીચલા સ્તરના લોકોની અસહ્ય સ્થિતિએ ક્રાંતિને જન્મ આપ્યો હતો.[]

મુખ્ય પરિબળો

[ફેરફાર કરો]

એસ્ટેટ્સ જનરલ

[ફેરફાર કરો]

પેરિસ અને ફ્રાન્સના અન્ય વિસ્તારોમાં એપ્રિલ ૧૭૮૯માં આમ જનતા માટે અન્નપ્રાપ્તિની સમસ્યા ઘણી જ વિકટ બની હતી.ભૂખમરો સર્જાતાં બળવાની સ્થિતિ ઊભી થઈ. લૂઈ ૧૬માને આ પરિસ્થિતિનું નિવારણ કરવા ફ્રાન્સના ત્રણે વર્ગોના પ્રતિનિધિઓની બનેલી એસ્ટેટ્સ જનરલ (સામાન્ય સભા) બોલાવવાની ફરજ પડી. આ સભા ૫ મે ૧૭૮૯ના રોજ ૧૭૫ વર્ષ બાદ બોલાવવામાં આવી હતી. ત્રણે વર્ગોના પ્રતિનિધિઓ વચ્ચે ઉગ્ર મતભેદ સર્જાતાં રાજાએ એસ્ટેટ્સ જનરલ બરખાસ્ત કરી. આથી ત્રીજા વર્ગના પ્રતિનિધિઓએ મિરાબોના નેતૃત્વ હેઠળ ટેનિસ કૉર્ટ નામની ખુલ્લી જગ્યામાં પોતાની સભા યોજી. દરમ્યાનમાં ભૂખ્યા લોકોનાં ટોળાં પેરિસ તેમજ ફ્રાન્સના અન્ય વિસ્તારોમાં 'અન્ન, અન્ન'ની બૂમો પાડતાં ઘૂમવા લાગ્યાં. આથી રાજાએ તેમને દાબી દેવા માટે જર્મન સૈનિકોને બોલાવ્યા. તેથી પરિસ્થિતિ વધારે વણસી અને લોકોનાં ટોળાંઓએ ૧૪ જુલાઈ ૧૭૮૯ના રોજ બેસ્ટાઇલ કિલ્લા (કેદખાના) પર હલ્લો કરીને તેનું પતન કર્યું. આ બનાવથી ક્રાંતિની શરૂઆત થઈ એમ માનવામાં આવે છે. ત્યારબાદ પેરિસ અને ફ્રાન્સના અન્ય વિસ્તારોમાં મોટા પાયા પર વિરાટ કૂચો નીકળી, જેમાં સ્ત્રીઓની વિરાટ કૂચ ખાસ નોંધપાત્ર હતી.[]

કાયદો અને ન્યાય વ્યવસ્થા

[ફેરફાર કરો]

તે સ્મયે ફ્રાન્સમાં કાયદામાં પણ ઘણી અસમાનતા હતી. વિવિધ પ્રકારના ૩૬૦ જેટલા કાયદાઓ હતા, જેમાં ઉપલા બે વર્ગને ગુના માટે ઓછી સજા થતી, અથવા મુક્તિ મળતી. જ્યારે ત્રીજા વર્ગના લોકોને એ જ પ્રકારના ગુના માટે આકરી સજા થતી. રાજાને કોઈ પણ નાગરીકને અપરાધ વગર સજા કરવાનો તેમજ મૃત્યુદંડ આપવા સુધીનો અધિકાર હતો, જેનો ભોગ મોટેભાગે ત્રીજા વર્ગના લોકો બનતા હતા. ધર્મગુરુઓ (બિશપો અને આર્ક બિશપો) વિશેષ અધિકારો ભોગવતા હતા અને સામાન્ય લોકો પાસેથી કરવેરા ઉઘરાવતા હતા, જેનો ઉપયોગ તેઓ વૈભવ-વિલાસમાં કરતા. આથી સામાન્ય વર્ગના લોકોમાં ધર્મગુરુઓ પ્રત્યે ભારે અસંતોષ પ્રવર્તતો હતો. નીચલી કક્ષાના પાદરીઓની સ્થિતિ પણ અસંતોષકારક હતી, એટલે તેઓમાં પણ ધર્મગુરુઓ પ્રત્યે તીવ્ર અણગમો હતો.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ધારૈયા, ર. ક. (૧૯૯૯). "ફ્રાંસની ક્રાન્તિ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૨ (પ્યા – ફ) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૧૮–૮૧૯. OCLC 248968663.