લખાણ પર જાઓ

વિકિપીડિયા:સભ્યનામ નીતિ

વિકિપીડિયામાંથી

આ નીતિ એ દર્શાવે છે કે વિકિપીડિયા પર કયા પ્રકારનાં સભ્યનામ સ્વિકાર્ય છે અને અસ્વિકાર્ય સભ્યનામ સાથે કયા પ્રકારનો વ્યવહાર કરાશે. (જો કે આ અંગ્રેજી વિકિની નીતિ છે, જે ગુજરાતી વિકી પર પણ લાગુ ગણીએ છીએ. જરૂર પડ્યે પ્રબંધકોની સહમતી કે સ્થાનિક સ્થિતિ પ્રમાણે એમાં ફેરફાર થઈ શકે છે.)

અહીં એ પણ ધ્યાને રાખવું કે, એક સભ્યખાતું માત્ર એક જ વ્યક્તિ વાપરી શકે છે અને એ જ પ્રમાણે એક વ્યક્તિ માત્ર એક જ સભ્યનામ વાપરી શકે છે. તમે નવું ખાતું બનાવતી વખતે તમારું સભ્યનામ પસંદ કરી શકો છો. ત્યાર પછી એ સભ્યનામ વાપરી થયેલાં તમામ સંપાદનો એ સભ્યનામ હેઠળ સચવાશે (જો તમે લોગઈન થયા વગર સંપાદન કરશો તો એ સંપાદનો તમારાં IP એડ્રેસ હેઠળ સચવાશે). તમે સભ્યનામ બદલવા ઇચ્છો તો એ માટે અરજી કરી શકો છો. ત્યારે તમારાં જૂના સંપાદનો એ બદલાયેલાં સભ્યનામ હેઠળ લેવાશે.

સભ્યનામ પર પરિચયાત્મક વિડિયો ક્લિપ

નવા સભ્યને માર્ગદર્શન

તમારું સભ્યનામ તમારું અહીંનું નામ (નિક્નેમ-Nickname) બનશે જે તમારા ખાતાની ઓળખ અને તમારા દ્વારા થયેલાં સંપાદનોની નોંધ સાચવશે. તમે પસંદ કરો તો એ તમારું વાસ્તવિક નામ પણ હોઈ શકે છે. જો કે પોતાનું વાસ્તવિક (ખરૂં) નામ વાપરવાની અસરો આપ "અહીં" સમજી શકો છો. અંગ્રેજીમાં રાખેલું સભ્યનામ કેસ સેન્સેટિવ હોય છે, જો કે સભ્યનામનો પ્રથમાક્ષર આપોઆપ કેપિટલ (અંગ્રેજી માટે) બની જશે. એ જ રીતે ચર્ચાનાં પાનાઓ પર તમારું સભ્યનામ સામાન્યત: તમારી સહીમાં વંચાશે (જો તમે તમારી સહી માટે અન્ય કોઈ પસંદગી કરી ન હોય તો).

એ વાત ધ્યાનમાં રાખશો કે, એક વખત પસંદ કરાયેલું સભ્યનામ સહેલાઈથી બદલાવી શકાશે નહિ. બીજું કે શક્ય ત્યાં સુધી તમારી પદવીઓ (જેમ કે ‘ડૉ. ફલાણા’ વગેરે) સભ્યનામમાં જોડશો નહિ. એ તમારા ‘ડૉક્ટર’ હોવાની ઓળખ દરેક ચર્ચાનાં પાને જાહેર કરે છે. જો કે આ વિશે વધુ જાણવા માટે નીચે "સાચાં નામ" નામક વિભાગનો અભ્યાસ કરો.

એક વખત સભ્યનામ પસંદ કરી સભ્ય બન્યા પછી એ સભ્યનામ અને ગુપ્તસંજ્ઞા (પાસવર્ડ) દ્વારા તમે વિકિ પર પ્રવેશ કરી (લોગઈન થઈ) શકશો. પ્રવેશ (લોગઈન) થયા પછી તમારે તમારું "સભ્યપાનું" બનાવવું જોઈએ, તમારું સભ્યપાનું "સભ્ય:ફલાણાં" (જ્યાં ’ફલાણાં’ એ તમારું સભ્યનામ હશે) નામથી દર્શાવાશે, જ્યાં અન્ય લોકો તમારા વિષે જાણી શકે છે.

અહીંનું સોફ્ટવેર તમને અન્ય કોઈ દ્વારા વપરાતું સાવ એકસરખું કે જરાતરા ફેરફાર વાળું એવું સભ્યનામ બનાવવા દેશે નહિ. જો કે બીજા પ્રસંગમાં તમે ખાસ મંજૂરી મેળવી શકો છો. વધુ માટે નીચે "સમાન સભ્યનામો" નામક પરિચ્છેદ જુઓ.

તમારું સભ્યનામ, કેટલીક તકનિકી મર્યાદાઓના દાયરામાં રહીને, કોઈપણ સંજ્ઞા કે અક્ષર ધરાવતું રાખી શકો છો. જો કે એ અન્ય સભ્યોને સરળ લાગે તેવું અને આ પરિયોજનાને હસ્તક્ષેપ ન કરે તેવું હોવું જોઈએ. કોઈ વિવાદાસ્પદ નામ અન્ય સભ્યો સામે તમારી છાપ બગાડી શકે છે આથી સ્વહિતમાં પણ એ પ્રકારનાં સભ્યનામથી દૂર રહેવું. આ પાનાં પર નમૂના માટે એવાં કેટલાંક સભ્યનામો દર્શાવાશે જે અમાન્ય ગણાય. ખાસ તો એ માટે કે એ ’આક્રમક’, ‘છેતરામણું’ કે ‘જાહેરાત’ હેતુ જણાતું હોય અથવા તો એ વડે એવું સમજાતું હોય કે આ સભ્યનામ એક વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતું લાગતું નથી. (અર્થાત કોઈ સંસ્થા કે સંગઠનના પ્રતિનિધિરૂપ જણાતું હોય.)

અયોગ્ય સભ્યનામો

આ વિભાગમાં અયોગ્ય સભ્યનામના પ્રકારની યાદી આપવામાં આવી છે. આ જ માનદંડ સહીઓ/હસ્તાક્ષરો (signatures)ને પણ લાગુ પડે છે.

આ યાદી સંપૂર્ણ કે વિસ્તૃત નથી. આ નિયમોનું પાલન કરવામાં તમારી સામાન્ય સમજનો પણ ઉપયોગ કરો. (જેમ કે, કોઈ એક શબ્દ એક સંદર્ભમાં આક્રમક ગણાતો હોય તો વળી અન્ય કોઈ સંદર્ભમાં ન પણ ગણાતો હોય). અયોગ્ય સભ્યનામો સાથે કેવો વ્યવહાર કરવો એનાં માર્ગદર્શન માટે નીચે વિભાગ "અમાન્ય સભ્યનામો પર કાર્યવાહી" જુઓ.

છેતરામણાં સભ્યનામો

નીચેના પ્રકારનાં સભ્યનામો માન્ય નથી કેમ કે તે છેતરામણાં હોઈ શકે છે અને એ રીતે સમગ્ર પરિયોજનાને વિક્ષેપીત કરી શકે છે.

  • જે સભ્યનામ અન્ય વ્યક્તિ હોવાનો ઢોંગ કરતાં હોય. જે વાસ્તવમાં પોતે નથી એવી અન્ય (ખાસ તો પ્રસિદ્ધ) વ્યક્તિનું નામ દર્શાવતા હોય. (વધુ માટે વિભાગ "સાચાં નામ" અને "સમાન નામ" જુઓ)
  • જે સભ્યનામ પોતાનાં સભ્યખાતાને ખરેખર જે મંજૂરીઓ ન હોય તેવી મંજૂરીઓ હોવાનો આભાસ કરતું હોય, દા.ત. જેમાં ’પ્રબંધક’, ’રાજનીતિક’, ’આયાતકાર’ વગેરે જેવા શબ્દો આવતા હોય.
  • જે સભ્યનામ એ ખાતું ’બોટ’ કે ’સ્ક્રિપ્ટ’ હોવાની અણસમજ ઉત્પન્ન કરતું હોય. (સિવાય કે તે ખાતું તે પ્રકારનું જ હોય)
  • જે સભ્યનામ ’વિકિપીડિયા’, ’વિક્શનરી’, ’વિકિમિડિયા’ જેવા ’વિકિમિડિયા ફાઉન્ડેશન’ કે તેની કોઈ પરિયોજનાનાં અધિકૃત ખાતા હોવાનો ખોટો દેખાવ કરતાં લાગે તેમ હોય.
  • જે સભ્યનામ IP એડ્ડ્રેસ હોવાનો દેખાવ કરતું હોય. (જે માત્ર લોગઈન થયા વિના સંપાદન કરનારની જ ઓળખ છે), ટાઈમ સ્ટેમ્પ કે અન્ય નામ જે વિકિનાં "સહી" બંધારણને અસરકર્તા હોય.
  • જે સભ્યનામ સામુદાયિક પ્રબંધન પ્રક્રિયાઓનાં નામકરણ આચારમાં વપરાતું હોવા જેવું હોય.

વિક્ષેપકારક કે આક્રમક (ઘૃણાજનક) સભ્યનામો

નીચેના પ્રકારનાં સભ્યનામો માન્ય નથી કેમ કે તે વિક્ષેપકારક કે આક્રમક (ઘૃણાજનક) હોઈ શકે છે.

  • જે સભ્યનામ અન્ય પ્રદાનકર્તાનો મર્યાદાભંગ કરતું કે લાગણી દૂભવે તેવું, સુસંગત, સંવાદીત, મતભેદમુક્ત સંપાદનને અઘરૂં કે અશક્ય બનાવે તેવું હોય. દા.ત. દેવ કે ધર્મની નિન્દા કે દ્વેષ, અપવિત્રપણું, ધર્મનો અનાદર, ભ્રષ્ટ વ્યવહાર કે ભાષાયુક્ત (જુઓ:Wikipedia:Offensive material) હોય.
  • જે સભ્યનામ વ્યક્તિગત આક્રમણ ધરાવતું કે સૂચવતું હોય.
  • જે સભ્યનામ હેતુપૂર્વક લાગણીઓ ઉશ્કેરવા બનાવેલું જણાતું હોય.
  • જે સભ્યનામ વિકિપીડિયાને માટે બીજી રીતે વિક્ષેપકારક થવાના ઉદ્દેશથી બનાવાયાનું દેખાતું હોય.

એ ધ્યાને રાખો કે અન્ય કોઈ ભાષામાં પણ સીધી કે આડકતરી રીતે અમાન્ય ગણાતું સભ્યનામ અહીં પણ અમાન્ય જ ગણાશે.

‘જીવંત વ્યક્તિની આત્મકથા’ નીતિનો ભંગ કરતાં સભ્યનામો

ખાતરીપૂર્વકનાં વિક્ષેપકારક કે આક્રમક (ઘૃણાજનક) સભ્યનામો (દા.ત. જે કોઈ જીવંત વ્યક્તિઓ પ્રત્યે ઝઘડાળુ કે વિવાદાસ્પદ વિગતો ધરાવતા હોય, અથવા એવાં કે જે સ્પષ્ટપણે કોઈ જાતિ, ધર્મ કે સામાજિક સમૂહ પ્રત્યે અપમાનકારક વિગતો ધરાવતા હોય) ને વિકિપીડિયા અને સંકળાયેલા વિષયને નુકશાનીથી બચાવવા હેતુ પ્રબંધકો દ્વારા તુરંત જ પ્રતિબંધીત કરી દેવાશે અને નિરિક્ષકો દ્વારા તેનો લોગ નાબૂદ કરાશે.

જાહેરાત કે પ્રચાર હેતુ સભ્યનામો

નીચેના પ્રકારનાં સભ્યનામો માન્ય નથી કેમ કે તે જાહેરાત કે પ્રચાર હેતુ હોઈ શકે છે.

  • જે સભ્યનામ અસંદિગ્ધપણે કંપની, જૂથ, સંસ્થા કે કોઈ ઉત્પાદન (product) સાથે સંકળાયેલું નામ ધરાવતું હોય. જો કે ખાસ સંજોગોમાં આ પ્રકારનાં નામોને યોગ્ય ગણવામાં આવી શકે છે. વધુ માટે નીચે સહિયારો વપરાશ સૂચવતાં સભ્યનામો જુઓ.
  • ઈ મેઇલ એડ્ડ્રેસ અને URL`s (વેબ સરનામાં). જો કે સાદાં ડોમેનનેમ (.com, .org વગેરે વગરનાં) ક્યારેક સ્વિકાર્ય બને છે. ખાસ તો ત્યારે જ્યારે તેનો હેતુ માત્ર સભ્યને વ્યક્તિ તરીકે ઓળખાવવાનો હોય. અને એ ત્યારે અયોગ્ય ઠરશે જ્યારે તેનો હેતુ વ્યવસાઈક વેબસાઈટ કે વેબપાનાનો પ્રચાર પ્રસાર કરવાનો હોય.

કોઈ સભ્ય કે જે પ્રચાર હેતુક સભ્યનામ ધરાવતો હોય અને સાથે અહીં અનુચિત રીતે પાનાઓ પર એ કંપની, જૂથ કે ઉત્પાદનનાં પ્રચાર પ્રસાર પ્રકારની કાર્યવાહી કરતો હોય તો તેને તુરંત પ્રતિબંધિત કરાશે. આવા કિસ્સામાં પ્રબંધકો તેમને નવું સભ્યનામ બનાવવા દેવું કે નહિ એ નક્કી કરવા માટે તેનું યોગદાન ચકાસી અને નિર્ણય કરશે. જો સભ્ય સતત આવી પ્રવૃતિઓ કરતો રહેશે તો પ્રબંધકો તેને "આપોઆપ પ્રતિબંધ" અને "નવું ખાતું બનાવતા રોકો" જેવી કાર્યવાહી અમલી કરશે. અન્યથા એ સભ્યને નવું ખાતું બનાવવા દરખાસ્ત કરાશે અને તક આપવામાં આવશે. એવા સભ્ય જે આ પ્રકારનું સભ્યનામ ધરાવતા હોય પણ સંપાદનોમાં ક્યાંય આવી જાહેરાત કે પ્રચાર પ્રસાર પ્રકારની પ્રવૃત્તિઓ ન કરતા હોય તેમને પ્રતિબંધિત કરાશે નહિ પણ તેમને માનસર પોતાનું સભ્યનામ બદલવા પ્રોત્સાહન અપાશે.

સહિયારો વપરાશ સૂચવતાં સભ્યનામો

કારણ કે વિકિપીડિયાની નીતિ છે કે સભ્યનામ એક કરતાં વધુ વ્યક્તિઓ વચ્ચે સહિયારું ન હોવું જોઈએ, સભ્યનામો જે સહિયારો વપરાશ ધરાવતાં હોવાનું સૂચવતાં હોય તે અમાન્ય છે. આનો અર્થ એ કે:

  • જે સભ્યનામો સામાન્ય રીતે કંપની કે જૂથનું નામ હોય તે માન્ય નથી. (વધુ માટે ઉપર જાહેરાત કે પ્રચાર હેતુ સભ્યનામો જુઓ)
  • જે સભ્યનામો કોઈ સંસ્થા કે સંગઠન, કંપની વગેરેનાં હોદ્દાને દર્શાવતા પ્રકારનું હોય (દા.ત. ‘ફલાણી સંસ્થાનાં પ્રમુખ’ વગેરે) તે અમાન્ય છે, કેમ કે એ હોદ્દાઓ પર સમયે સમયે વ્યક્તિઓ બદલાતી રહે એમ બની શકે છે.
  • જો કે, સભ્યનામો જે કંપની કે જૂથનું નામ ધરાવતા હોય પણ સ્પષ્ટપણે સ્વતંત્ર વ્યક્તિને દર્શાવવાનો હેતુ ધરાવતા હોય (દા.ત. ફલાણી સંસ્થાનાં ઢિકણાશ્રી વગેરે) તે માન્ય ગણાશે.

યાદ રહે કે જાહેરાત કે પ્રચાર પ્રસાર હેતુનાં સંપાદનો સભ્યનામને ધ્યાને લીધા વિના પણ સ્વિકાર્ય નથી જ (અર્થાત સભ્યનામ માન્ય હોય તો પણ જાહેરાત હેતુનાં સંપાદનો અમાન્ય જ ઠરશે). સ્વાર્થ કે હિત સંઘર્ષ માર્ગદર્શિકા પ્રમાણે સૌ સભ્યોને સલાહ છે કે વ્યવાસાય, કંપનીઓ, સંસ્થાઓ, ઉત્પાદનો કે એ સાથે નજીકથી સંકળાયેલા એવા વિષયો પર સંપાદન દરમિયાન સાવધાની વરતે. જો તમે વ્યક્તિગત રીતે આ પ્રકારનાં જૂથ સાથે સંકળાયેલા હોવ તો એ વિષયનાં પાનાને સંપાદિત કરતાં પહેલાં સ્વાર્થ કે હિત સંઘર્ષ સંલગ્ન સંપાદનો વિશે વિકિપીડિયાની સલાહ ચોક્કસ સમજી લો.

અપવાદો

કેટલાંક સભ્યનામો આ નીતિનો ભંગ કરતા દેખાતા હોય તેને સર્વસંમતિથી માન્ય રાખ્યા હોવાનું બન્યું હોય કારણ કે તે આ નીતિના બદલાવ પહેલાંના બનેલા હોઈ શકે છે (જુઓ: grandfather clause). જો તમારે ધ્યાને દેખીતી રીતે જ વાંધાજનક એવા બહુ જૂના સભ્યનામો ચઢે તો શક્ય છે કે એ નામો વિશે અગાઉ ચર્ચાઓ થઈ ગઈ હોય. નીચે જણાવેલાં પગલાં લેવાનું નક્કી કરતા પહેલાં કૃપયા પ્રથમ તો તે સભ્યની ચર્ચાનું પાનું ચકાસી લો. ઉપરાંત પ્રબંધકોના સૂચનપટ અને સભ્યનામો પર ચર્ચાની વિનંતી પણ ચકાસી લો.

ગૂંચવાડાભર્યા સભ્યનામો

કેટલાંક સભ્યનામો સ્પષ્ટપણે ઉપરોક્ત કોઈ શ્રેણીમાં બંધબેસતા થયા વિના પણ વાંધાજનક જણાય એવું શક્ય છે. અનેક દાખલાઓમાં ગૂંચવાડાભર્યા કે એકદમ લંબાણવાળા સભ્યનામો માટે આવું બની શકે, જે અત્યંત બિનપ્રોત્સાહક છે છતાં પણ તે કશા પગલાં લેવા યોગ્ય નથી.

જો કે ગૂંચવાડાભર્યા સભ્યનામો અન્ય સમસ્યાઓ માટે લાલબત્તી સમાન હોય છે. ગૂંચવાડાભર્યું સભ્યનામ કે સહી (હસ્તાક્ષર) ધરાવનાર સંપાદક, જો તેનું ગૂંચવાડાભર્યું સભ્યનામ વિધ્વંસક પ્રકારનું યોગદાનકર્તા બને તો સામાન્ય કરતાં વધુ જલ્દી તે તેના વિધ્વંસક કે ભાંગફોડીયા વર્તનને કારણે પ્રતિબંધિત બને તેવું બની શકે છે.

અમાન્ય સભ્યનામો પર કાર્યવાહી

જો તમારો ઉપર વર્ણવેલાં એવા કોઈ અમાન્ય સભ્યનામ સાથે પનારો પડે તો, એવા ઘણાં પગલાંઓ છે જે તમે લઈ શકો છો. એમાંથી પસંદગી કરવા માટે સામાન્ય બુદ્ધિ વાપરો, અને નવાગંતુકને વડચકાં નાખવાનું ટાળો.

વિચારપૂર્વક અવગણો

જો નામ નિશ્ચિતપણે, અસંદિગ્ધપણે, વાંધાજનક ન હોય તો, વિવેકપૂર્વક તેને અવગણવું. સદ્‍ભાવના દાખવો (Assume good faith), અને ‘અયોગ્ય સભ્યનામો’ વિભાગ હેઠળનાં લખાણનાં પેટાવિભાગ અપવાદોને પણ ધ્યાનમાં લો. ઉપરાંત, અતિસંવેદનશીલ પ્રસંગોને બાદ કરતાં, જ્યાં સુધી સભ્ય એકાદું સંપાદન (ફેરફાર) ન કરે ત્યાં સુધી તે પર પગલાં લેવાં પણ યોગ્ય નથી.

સભ્ય સાથે ચર્ચા કરો

જો તમે જુઓ કે સભ્યનામ વાંધાજનક છે પણ તે દેખીતી રીતે ખરાબ દાનતથી બનાવવામાં નથી આવ્યું તો, શિષ્ટતાથી સભ્યનું ધ્યાન આ નીતિ તરફ દોરો, અને તેમને નવા સભ્યનામ દ્વારા નવું ખાતું ખોલવા માટે પ્રોત્સાહિત કરો. (આ માટે ઢાંચો {{ચેતવણી:સભ્યનામ}} (ઢાંચો:ચેતવણી:સભ્યનામ) પણ સભ્યનાં પાને મુકી શકો છો.)

ચર્ચા માટે વિનંતી કરો

જો, જે તે સભ્ય સાથે ચર્ચા થયા છતાં તમને સભ્યનામની યોગ્યતા વિશે અવઢવ હોય, અસહમતી હોય, તો અન્ય સભ્યોને સભ્યનામો પર ચર્ચાની વિનંતી કરી શકો છો.

હડહડતા ઉલ્લંઘનની વિધિસર રજૂઆત કરો

કોઈ દેખીતા સ્પષ્ટ દાખલામાં તમને એમ લાગે કે આ સભ્યનામ તુરંત રદ કરવા લાયક, પ્રતિબંધિત કરવા લાયક છે, તો પ્રબંધકોને જાણ કરો. એ ધ્યાનમાં રાખો કે, શા માટે તુરંત પગલાં લેવાલાયક છે એ બાબત પ્રબંધકને સ્પષ્ટપણે સમજાય તેમ યોગ્ય રીતે જણાવવી જરૂરી છે. એ પણ ધ્યાને રાખો કે આનો ઉપયોગ માત્ર ચર્ચા કે ચેતવણી આપ્યા વગર તુરંત પગલાં લેવા લાયક સંવેદનશીલ મુદ્દામાં જ કરવો.

આ પગલું ભરવું અને સાથે સભ્યને ચેતવણી કે સભ્ય સાથે ચર્ચા એ બંન્ને સાથે કરવું નહિ.

અન્ય સમસ્યાઓની વિધિસર રજૂઆત કરો

કોઈ વાંધાજનક સભ્યનામ ધરાવનાર સભ્ય, અન્ય વાંધાજનક પ્રવૃત્તિ (અયોગ્ય સંપાદનો, સ્પૅમીંગ, ભાંગફોડીયા પ્રવૃત્તિ વગેરે) પણ કરતો હોય તો માત્ર વાંધાજનક સભ્યનામ વિષયે સૂચના આપવા કરતાં વધુ જરૂરી એ છે કે તેની એ વાંધાજનક અન્ય પ્રવૃત્તિઓ વિષયે પણ સૂચના કે ચેતવણી આપો. જો તે જેની સાથે સંકળાયેલ જણાતો હોય તેવા વિષયનું પૂર્વગ્રહપૂર્વકનું કે જાહેરાતપ્રકારનું સંપાદન કરતો હોય તો પ્રબંધકોને જાણ કરો.

સભ્યનામો વિશે પ્રબંધકોનું ધ્યાન દોરવાનું દિશાસૂચન

હાલ ગુજરાતી વિકિ પર અલગ અલગ સૂચનપટો અમલમાં ન હોય, પ્રબંધકોનાં સૂચનપટ પર કે પછી ચર્ચાને પાને જાણ કરી શકાય છે. (હાલના સક્રિય પ્રબંધકો માટે જુઓ: વિકિપીડિયા:પ્રબંધક)

યાદ રહે કે, અમે કોઈ એક નવા સભ્યને પ્રતિબંધિત કરવા એવું ઇચ્છતા નથી કે ખરેખર એ અમારો હેતુ પણ નથી. એ અમારે ત્યારે જ કરવું પડે છે જ્યારે વિકિપીડિયાને નૂકશાનથી બચાવવાની જરૂર છે એવું અમને જણાય છે. સામાન્ય રીતે એવા સંપાદકો જેમનું સભ્યનામ તકનિકી રીતે વાંધાજનક કે સભ્યનામ નીતિના ભંગની સાવ અડોઅડ હોવાનું જણાય છે તેને સભ્યનામ વિશે અને કઈ રીતે નવું સભ્યનામ બનાવી શકાય એ વિશે ચર્ચાની તક આપવામાં આવે છે. તેમ છતાં, કોઈ સભ્ય પોતાનું સભ્યનામ બદલી નવું ખાતું ખોલવા બાબતે અનિચ્છા ધરાવતા હોય પણ એ સિવાય સભ્યનો સંપાદન વિષયક ઇતિહાસ ઉજળો હોય, કશી વાંધાજનક પ્રવૃત્તિ ન હોય તો વિકિપીડિયા હકારાત્મક વલણ અપનાવી તેમને સંપાદનો કરતા રહેવાની છૂટ આપે છે અને એમના સભ્યનામ વિષયક વાતને પડતી મુકે છે. જો કે, આ અપવાદ એવા મામલામાં નથી કરાતો જેમાં સભ્યનામ સ્પષ્ટપણે આક્રમક, વિક્ષેપકારક હોય કે સંપાદનમાં ભાંગફોડીયા પ્રવૃત્તિ અને સંપાદનોનો ઇતિહાસ જોતાં અમાન્ય પ્રવૃત્તિઓ કે પૂર્વગ્રહિત કે હિતસંઘર્ષી, સ્વાર્થી સંપાદનો ધ્યાને ચઢતાં હોય.

અન્ય વિશિષ્ટ પ્રકારનાં સભ્યનામો

સાચાં નામો

ચોક્કસ, ખ્યાતનામ અને ઓળખી શકાય એવા વ્યક્તિ કે વ્યક્તિ સાથે સંબંધ ધરાવતા હોવાનો આભાસ થાય એવા નામ હેઠળ સંપાદન કાર્ય ન કરો, સિવાય કે એ ખરેખર જ તમારૂં સાચું નામ હોય. તમારૂં ખરેખરૂં સાચું નામ હોવાને કારણે જો તમે આ પ્રકારનું કોઈ નામ વાપરતા હો તો તમારા સભ્ય પાને (મારા વિશે પાને) તે બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરો કે તમે "એ" ચોક્કસ ખ્યાતનામ વ્યક્તિ નથી કે એ વ્યક્તિ સાથે સંબંધ ધરાવતા નથી.

જો આવું કોઈ નામ વપરાયું હશે તો સંભવ છે કે તમારૂં ખાતું થોડા સમય માટે, જ્યાં સુધી તમારા દ્વારા ઓળખનો પુરાવો ન મળે ત્યાં સુધી, પ્રતિબંધિત કરી દેવામાં આવે.

કદાચને જો તમને તમારૂં સાચું નામ વાપરવા બાબતે પ્રતિબંધિત કરી દેવામાં આવે તો કૃપયા આક્રમક બનશો નહિ; અમે માત્ર કોઈકને તમારો છદ્મવેશ ધારણ કરતાં (કે તમને કોઈકનો છદ્મવેશ ધારણ કરતાં) રોકવાની કાર્યવાહી કરતા હોઈએ તેમ બને. તમે તમારૂં સાચું નામ વાપરવા આમંત્રીત છો, પણ કેટલાંક દાખલાઓમાં, તમારે એ સાબીત કરવું પડશે કે તમે એ જ છો જે તમે હોવાનું જણાવો છો. આ તમે info-en@wikimedia.orgને મેઇલ મોકલી અને કરી શકો છો; ધ્યાનમાં રાખો કે આ ઇમેલ્સની કાર્યવાહી volunteer response team દ્વારા કરવામાં આવે છે, અને તુરંત પ્રત્યુત્તર આપવો એ હંમેશા શક્ય નથી બનતું. (અર્થાત થોડી ધીરજ ધરવી).

મોટાભાગનાં વિશ્વવિદ્યાલયો કે વ્યવસાઈક પ્રતિષ્ઠાનો હોમપેજ બનાવવાની સગવડ ધરાવતા હોય છે. તમારી ઓળખ સાબિત કરવાનો અન્ય એક રસ્તો એ છે કે વિકિપીડિયા પર તમારાં ખરા નામે ખાતું બનાવો, તેને તમારા હોમપેજ સાથે લિંક કરો, અને એ હોમપેજને તમારા વિકિપીડિયા ખાતા સાથે લિંક કરો. લોકો ડમેનનેમને આધારે એ હોમપેજ વાળી વેબસાઇટને ખરેખર એ જે તે વિશ્વવિદ્યાલય કે વ્યવસાઇક પ્રતિષ્ઠાનની જ છે કે કેમ એ ચકાસી શકશે. જુઓ ડોમેનનેમ પરની આ માહિતી.

સાચા નામે, કે તમે ઓળખાઈ શકો એવા હુલામણા નામે, ખાતું બનાવો તે પહેલાં સાવધાનીપૂર્વક વિચારો, કારણ કે, એથી તમને પજવણી, પરેશાની, સતામણી, ત્રાસ વગેરે વધે તેવી સંભાવના રહે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે કોઈ વિવાદાસ્પદ વિષય પર સંપાદન કે ચર્ચામાં પડો છો. આવા સમયે પછીથી તમારૂં સભ્યનામ બદલી શકવું શક્ય છે (જુઓ નીચે: તમારૂં સભ્યનામ બદલો), તમારા આગળનાં સભ્યનામનો રેકર્ડ કાયમી રહેશે.

જેમાં રોમન અક્ષરો ન હોય તેવા સભ્યનામો

સમાન સભ્યનામો

સામાન્યપણે ખોટા ઉચ્ચારીત સભ્યનામો